Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

પ્રવાસનો ઉજાસ

  • પ્રકાશન તારીખ27 Nov 2018
  •  

છેલ્લો પ્રવાસ છે,
ઘટમાં ઉજાસ છે.
આ ખોળિયું ઘણો,
મોંઘો લિબાસ છે.
જીવન ગઝલનો તું,
અંત્યાનુપ્રાસ છે.
કાં તું કશે નથી,
કાં આસપાસ છે.
બે-પાંચ શબ્દનો,
મારો ગરાસ છે.
હસવું રુદન તણો,
અણઘડ પ્રયાસ છે.
- હર્ષા દવે


ટૂંકી બહરની અને ઊંડી આધ્યાત્મિકતાથી છલોછલ આ રચના તરત ધ્યાન ખેંચે એવી નોંધપાત્ર છે. અવલોકન ઘણી ક્ષિતિજો ઉઘાડે છે અને એમાંય જ્યારે એ અંદરની તરફ વળે ત્યારે જે ઉઘાડ થાય, જે અજવાસ પમાય એમાં જીવનપ્રવાસનાં ઉન્નત શિખરોને ઝળહળતાં ભાળી શકાય. વાણીની કેડીઓ છોડીને મૌનના રાજમાર્ગ પર થતો આ પ્રવાસ છેલ્લો હોય કે મધ્યનો, અંદર ઉજાસ પાથરે છે. મૂળે પ્રવાસની જ મજા છે, પહોંચવાનું ઈશ્વરાધીન છે એ સમજણ અવશ્ય બક્ષે છે.


શરીરની લોકો કેટલી અવગણના કરતા હોય છે! એ જ તો માધ્યમ છે ક્યાંય પણ પહોંચવાનું. બધાને આધ્યાત્મિક ઊંચાઈઓમાં રસ ન હોય, મોક્ષની તો વાત જ જવા દઈએ તો પણ જીવનમાં જે કાંઈ પામવું છે, એ શરીરના માધ્યમ વગર શક્ય જ નથી છતાં એના વિચાર વગર જ દોડ ચાલતી રહે. પેટમાં જે અન્ન જાય છે એના પાચન થકી આ દેહમાં રક્ત બને છે અને શરીર ચાલે છે. આપણાં ઋષિમુનિઓએ કહ્યું છે શરીરને મંદિર ગણી એમાં ભોજનનો પ્રસાદ ધરાવો. જો આ વિચારને સમજીએ તો ભોજન/ખોરાક માટે કેટલું જાગૃત રહેવું જોઈએ. બહુ મોંઘો આ દેહનો લિબાસ છે, પણ એને સંભાળવાનું ગજુ બહુ ઓછાનું છે. જે સંભાળે છે એનું જીવન બદલાઈ જાય છે.


‘જીવન ગઝલનો તું અંત્યાનુપ્રાસ છે.’ બહુ સરસ પ્રતીકથી ઓછા શબ્દોમાં ઊંચી વાત કહી દીધી! આ ગઝલમાં સળંગ આધ્યાત્મિકતાનો સૂર સંભળાય છે, બાકી પ્રિયતમ અને પ્રભુ વચ્ચે ભેદરેખા દોરવી અઘરી હોય છે. આમેય કોઈને ઈશ્વરના સ્થાને મૂકીને જ પ્રેમના દરિયામાં ડૂબી શકાય. અંત્યાનુપ્રાસ વગર ગઝલનું અવતરણ થઈ શકે નહીં એમ જ જીવન ગઝલમાં એક ઈશના ધ્યેય વગર સમાપ્તિની કક્ષા પામી શકાય નહીં. જીવન છે એટલે મૃત્યુ નિશ્ચિત છે, પણ અંતે પામ્યા શું? અંતિમ પ્રવાસ સમયે ખુલ્લી હથેળીમાં ધન્યતાની લકીરો દોરાઈ કે નહીં એ મહત્ત્વની વાત છે.

એના અસ્તિત્વનો સ્વીકાર એક પડકાર આપીને કરાયો છે. ‘કાં તું કશે નથી, કાં આસપાસ છે.’ અહીં સ્વીકારની જ આભા પથરાયેલી છે. જે હવાની જેમ આસપાસ પથરાયો છે, જે અસ્તિત્વના અણુ અણુમાં વ્યાપેલો છે એને જોવા માટે આંખ નહીં, અંતર જોઈએ. કવિની મિરાત એટલે થોડાક શબ્દો અને એ સિવાય કશું નહીં. હાસ્ય અને રુદન એ એક સિક્કાની બે બાજુ છે. હાસ્યની પરાકાષ્ઠા આંખમાં આંસુ લાવે છે. રડવું હોય અને હસવું પડે ત્યારે ત્રિશંકુની સ્થિતિ જન્મે, જેમાં ન તો પૂરું હાસ્ય હોય ન રુદન, પણ એને સામાન્ય બનતા બનાવોમાં જ લેખવું પડે. જીવનની બધી જ બાબતોનો અહીં સ્વીકાર છે. સ્વીકાર એ સરળતાની નિશાની છે, પણ સરળતા બહુ અઘરી છે. એક સીધી લીટી ફૂટપટ્ટી વગર આંકી જુઓ, સમજાઈ જશે કે સરળ બનવું સરળ નથી.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP