Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

સાજનને હું ભાળું

  • પ્રકાશન તારીખ20 Nov 2018
  •  

મનના ઘરમાં આજે માળું,
ચોગરદમ ફેલ્યું અજવાળું.
દીપ જલાવી કોણ ભગાડે,
અંધારું આ ભમ્મર કાળું.
એ જ કાશ મળવા આવ્યા છે,
લાવ ઢોલિયો અંદર ઢાળું.
સખી! સહજ શણગાર કરી લઉં,
આપ પટોળાં, મલમલ, સાળું.
એકલતા વેઠી છે અનહદ,
એકાદી પળ સાથે ગાળું.
વડલા ને વડવાઈ ફૂટી,
લીલુંછમ છે ડાળું ડાળું.
હૃદય-ઓરડી પિયુ છુપાવી,
સાંકળ દઈને મારું તાળું.
‘નરપત’ વરસે રસ અંબર સે,
પછી પલળવાનું કાં ટાળું?
- નરપત ‘વૈતાલિક’


એક ચહેરાને હૈયે ચીતરી પછી એની રાહ જોઈ બેસી રહેવાનું સહેલું નથી. પ્રતીક્ષાની પળો મીઠી લાગે, પણ સમયનો પનો ટૂંકો હોય તો! એ જેમ લંબાતો જાય, પ્રતીક્ષા પીડામાં બદલાતી જાય. ઇંતજારના અનેક રંગ છે. એમાં હોંશ છે પણ હાશ નથી, એમાં સાદનો સૂર ક્યારે વિષાદમાં પલટાઈ જાય ખબર નથી પડતી. આંખમાં ભરેલી અધીરાઈ નિસાસામાં પલટાય ત્યારે કાજળ વધુ કાળું બની જાય છે.


અહીંયાં પ્રતીક્ષાનો સુખદ વિરામ છે. અલબત્ત, એ અલ્પવિરામ છે કે પૂર્ણવિરામ એની નાયિકાને ખબર, પણ સુખની ક્ષણોનું અજવાળું આંખોમાં ફેલાયું છે એ આ શબ્દોનું સત્ય છે અને આ અજવાળું એવું છે કે નાયિકા ચાહે છે કે બહાર ફેલાયેલું અંધારું સચવાઈ રહે. ઈશ્વર આ અંધારું સલામત રાખે તો પિયુ આવીને થોડી પળો સાથે ગુજારી શકે.


‘એ જ કાશ મળવા આવ્યા છે, લાવ ઢોલિયો અંદર ઢાળું.’ વાત તો મીઠા મિલનની છે. ‘કાશ’ને બદલે કવિએ ‘હાશ’ શબ્દ વાપર્યો હોત તો વાત વધારે સુંવાળી બની હોત, પણ કવિ પોતાની કલ્પના અને શબ્દો માટે સર્વેસર્વા હોય છે. આપણે તો એના શબ્દોમાંથી આપણી ભૂમિ પ્રમાણે ભાવો તારવતા હોઈએ છીએ.


પિયુમિલનની પળો સામે દેખાતી હોય ત્યારે પ્રેમિકાને શણગાર સજવાનું જ સૂઝે. સજના-સંવરના એ પ્રેમશાસ્ત્રની અનિવાર્ય ક્રિયાઓ છે. વિશ્વભરની પ્રેમિકાઓના સાજ-શણગારના મૂક સાક્ષી આયનાને વાચા ફૂટી આવે એટલા એનાં અવનવાં રૂપ છે. અલબત્ત, સુંદરતા માત્ર બાહ્ય સાધનો વડે પામી શકાતી નથી. સૌંદર્યના નાજુક નકશાઓ આંખની કલમથી જ કંડારાય છે અને અહીં તો પિયુ સાક્ષાત્ પધારવાનો છે. જુદાઈની પળો ઓગળી જવાની છે. ‘હૃદય-ઓરડી પિયુ છુપાવી, સાંકળ દઈને મારું તાળું.’ મિલનની પળને અખૂટ બનાવવાની અભિપ્સા તરત વ્યક્ત થાય છે. અનરાધાર વર્ષામાં ભીંજાવાનો સમય આવ્યો છે ત્યારે રાહ જોવાનું ં શક્ય નથી જ. આવી જ કોઈ અનુભૂતિની ક્ષણોમાં શાયર બશીર બદ્ર લખી બેઠા હશે ને!
લમ્હેં લમ્હેં મેં બસી તેરી યાદોં કી મહક,


આજ કી રાત તો ખુશ્બૂ કા સફર લગતી હૈ. - બશીર બદ્ર
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP