જીવવાનો હક

article by lata hirani

લતા હિરાણી

Sep 18, 2018, 12:05 AM IST

ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.
સાંભળ્યું છે તેં બોર ચાખ્યા’તા,
એવડાં આંસુ પણ ચખાય પ્રભુ.
ચીર પૂર્યાં’તાં કદી તેં મારાં,
પીડ મારી નહીં પુરાય પ્રભુ.
રાત, રસ્તો, ઋતુ કે રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ.
મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ.
તો શું થયું કે હું નથી પથ્થર,
માણસાઈને ના અડાય પ્રભુ.
વેણ કર્કશ જણાશે મારાં પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ.
- પ્રણવ પંડ્યા

સ્ત્રી ઓની અવદશાનું ફરી એક કાવ્ય. જેનું જીવન પીડા અને ફરિયાદોથી ભરેલું ન હોય એવી સ્ત્રી વગરનો સમયનો કોઈ ટુકડો નથી. સીતાથી માંડીને આજ સુધીના યુગ પર દૃષ્ટિપાત કરી જુઓ. આવાં ઉદાહરણો આજુબાજુમાં જ મળી આવશે. શું શહેર કે શું ગામડું? કવિ ભલે પોતાનાં વેણને કર્કશ કહે, પણ આખીયે રચનાનો પ્રધાન સ્વર કોમળ છે. આંસુના આછા દોરે કવિએ શબ્દોને પરોવ્યા છે. ફરિયાદનો સૂર આકરો બન્યા વગર, નજાકતથી, જરા જુદી રીતે કવિતામાં વ્યક્ત થાય ત્યારે કલમ પકડાઈ જ જાય. ઈશ્વરના દરબારમાં કોઈ ભેદભાવ ન હોય, સૌ સમાન જ હોય એવી સાદી સમજ આપણામાં બાળપણથી સંતો, ગુરુઓએ રોપવાની કોશિશ કરી છે. વાત સાચી હોય અને એનો સ્વીકાર કરવાના પ્રયત્નો ચાલુ હોય તોય જ્યારે પગ નીચે આવેલો રેલો દઝાડવા માંડે ત્યારે આક્રોશનો સૂર ઊઠે. ભેદભાવ સહેવો અઘરો છે.

સ્ત્રી સદીઓથી સહેતી આવી છે. ઘરમાં કે બહાર પુરુષવર્ગ દ્વારા આચરવામાં આવતો ભેદભાવ કાંટાની જેમ વાગે છે અને ઈશ્વરને કહેવાઈ જાય છે કે આવું શા માટે? પ્રભુ, તારું પલ્લું જરા તો સરખું કર. આ બાજુયે નજર નાખ પ્રભુ. અહીં શબરીઓ ઠેબે ચડે છે ને સૂંડલીમાં આંસુઓ ભરી તારી વાટ જુએ છે. અપમાનો ને અવગણનાઓ સહી થાકી હવે, ક્યાંક તો એને ઇજ્જતનું વસ્ત્ર ઓઢાડ પ્રભુ.


દાઝવાની કોઈ ઋતુ કે રીત નથી. તમામ પળ, તમામ સ્થળ દઝાડતી વરાળ બનીને સ્પર્શે છે. પથારીમાં પીડાવાનું ને રસોડામાં સિઝાવાનું. શું આમ જ જિંદગી પૂરી થશે? મારું તો ઠીક, પણ આ દીકરીના લલાટે તેં શું લખ્યું છે? એની સામે તો જોજે. તારા સ્પર્શથી અહલ્યામાં ચેતન આવ્યું, હું એક ચેતનવંત વ્યક્તિ છું, પણ સંબંધોમાં લલાટે જડતા લખાઈ છે... તારા સ્પર્શને તરસું છું પ્રભુ. વાત એ જ અને પ્રતીકો પરંપરાગત હોવા છતાં એની રજૂઆત સ્પર્શી જાય છે અને એથી આ રચના તાજગીભરી બને છે. સ્ત્રી આ વિશ્વની ધરી છે. સ્ત્રી વિનાના કોઈ ઘરની કલ્પના પણ ભૂત જેવી ભાસે. સ્ત્રી જેના પર આખા કુટુંબની ખુશીનો આધાર છે. હવે સમય ધીરે ધીરે પલટાય છે. સ્વીકાર અને વિરોધનાં પલ્લાં સમતોલ થાય અને એમાંથી સમજણ પ્રગટે એમાં વાર તો લાગે જ. માણસજાતની પ્રકૃતિમાં સ્વાર્થ વણાયેલો છે. એ એનો જન્મજાત સ્વભાવ છે. ન્યાય કરવો અને સ્વાર્થ ન જોવો એ કેળવવાની બાબત છે. ગુણો કેળવવા એ ક્યારેય સહેલું નથી રહ્યું. બસ, કોઈક ખૂણે સારપનો દીવો પ્રગટી જાય એનો સંતોષ માનવાનો. [email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી