એક જ ઉપદેશ : વિજય, કોઈ પણ સંજોગોમાં વિજય!

article by kishor makvana

કિશોર મકવાણા

Sep 16, 2018, 12:05 AM IST

વિજયનો વિશ્વાસ જ તમને સફળતા અપાવે છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે: ‘રોતો જાય એ મૂઆની ખબર લઇને આવે’ હારેલા-થાકેલા લડવા જાય એ કેવી રીતે જંગ જીતે? ઇતિહાસમાં એવાં સેંકડો ઉદાહરણ છે, જ્યાં માત્ર વિજયના વિશ્વાસથી હારેલી બાજી જીતી લીધી હોય.


અંગૂઠાની બાજુની બે આંગળીઓને ‘વી’ આકારમાં બતાવતો અને કહેતો ‘વી ફોર વિક્ટરી’ સંકેતો કરતો વિસ્ટન ચર્ચિલનો ફોટો ઘણાએ જોયો હશે.


બીજા વિશ્વયુદ્ધમાં હિટલરને પરાજિત કર્યો. કહેવાય છે કે એમના યુદ્ધ દરમિયાનનાં પ્રવચનોની એવી મોહિની હતી કે એ પ્રજાને યુદ્ધમાં પ્રેરતા, મડદાંને બેઠાં કરવાની એમના શબ્દોમાં શક્તિ હતી. એ ગાળામાં ભાગ્યે જ બ્રિટનનું એકાદ ઘર હોય, જેમાંથી કોઇ ને કોઇ યુદ્ધમાં ન ગયું હોય. ચર્ચિલ સાચા અર્થમાં રાજકારણી, નેતા અને મુત્સદ્દી હતા. સૂત્રોનું નાનકડું પુસ્તક છે, એમાં ચર્ચિલનાં સુવાક્યો કે સોનેરી સૂત્રો છે. આ વાક્યોમાં ચર્ચિલની માનસ અને માન્યતાઓનો પડઘો પડે છે. ચર્ચિલ રાજકારણમાં આટલા બધા વ્યસ્ત હોવા છતાંય તેમના અને એમની પત્ની વચ્ચેનો પત્રવ્યવહાર મોટા ગ્રંથ રૂપે બહાર પડ્યો છે. ચર્ચિલ માટે એમ પણ કહેવાય છે કે આવા માણસો જો રાજકારણમાં ન પડ્યા હોત તો કદાચ મોટા ગજાના સર્જક થઇ શક્યા હોત.

ચર્ચિલના યુદ્ધ દરમિયાનનાં પ્રવચનોની એવી મોહિની હતી કે એ પ્રજાને યુદ્ધમાં પ્રેરતા, મડદાંને બેઠાં કરવાની એમના શબ્દોમાં શક્તિ હતી

ચર્ચિલે 62 વર્ષ પાર્લામેન્ટમાં જ વિતાવ્યાં. અનેક પ્રકારના હોદ્દા ભોગવ્યા. બ્રિટનની લગામ પોતાના હાથમાં લીધી. ઓછામાં ઓછા એમણે ઇતિહાસના 42 ગ્રંથ લખ્યા છે. મોટા હોદ્દાઓની વચ્ચે આટલાં બધાં કામ કરવાં એ નાનીસૂની વાત નથી. ચર્ચિલને તેમનાં લખાણો માટે નોબેલ પારિતોષિક પણ મળેલું.


ચર્ચિલ સૈનિક પણ હતા, સ્ટેટ્સમેન પણ હતા અને પ્રભાવશાળી વક્તા પણ ખરા. ચર્ચિલે જીવનના સંદર્ભમાં જે કંઇ વિચાર્યું છે એને એક સારાંશ રૂપે જોઇએ તો એ કહે છે કે શબ્દો મારો ખોરાક છે ને એનો અપચો મને કદીય નડ્યો નથી. નાનપણથી જ સંકલ્પશક્તિ. જ્યારે બીજા બધા વિદ્યાર્થીઓ લેટિન અને ગ્રીક શીખતા હતા ત્યારે એમને તો રસ અંગ્રેજીમાં. બ્રિટિશ ગદ્યનાં હાડકાંમાં એ ઠેઠ સુધી પહોંચી ગયા હતા. જુદી માટીનો જીવ હતો.


આમ તો તેઓ કહેતા કે અંગત રીતે શીખવું મને ગમે છે. જોકે મને કોઇ શીખવે એ ગમતું નથી. ઝનૂન તો એ છે કે જે પોતાના મનનું પરિવર્તન કરતો નથી અને એકના એક જ વિષયને ચૂંથ્યા કરે છે. પ્રામાણિક રહેવું એ સારી વસ્તુ છે, પણ સાચા પડવું એ વધારે મહત્ત્વનું છે. વિવેચક તરીકે અખબારમાં પ્રગટ થવું એના કરતાં અભિનેતા તરીકે અખબારમાં પ્રગટ થવું વધારે સારું છે.
મુશ્કેલીઓ સાથે દલીલ ન કરો. મુશ્કેલીઓ કર્મથી જ પોતાનો માર્ગ કાઢે છે. એ જિંદગીના રસિયા હતા. પ્રજા પર ખોટા નિયંત્રણ ન લદાય. એ પોતે કહેતા કે માણસે સિગાર પીવી હોય કે શરાબ પીવો હોય એ એની સ્વતંત્રતાનો વિષય છે. એમને શ્રદ્ધા હતી માણસની વિવેકબુદ્ધિ પર. આ વિવેકબુદ્ધિના આધારે એ પીતા છકી જતા નહીં.


એક સ્ત્રીએ ચર્ચિલને કહ્યું જો તું મારો પતિ હોત તો તારી કોફીમાં ઝેર ભેળવત. ચર્ચિલ હાજરજવાબી હતા. એમણે કહ્યું કે તમારા જેવી પત્ની હોત તો હું ઝેર પી પણ જાત. એ સ્ત્રીએ ચર્ચિલને કહ્યું કે તમે ખૂબ પીધેલા છો. ચર્ચિલે તરત જ જવાબ આપ્યો કે તમે સાવ કદરૂપાં છો અને આવતી કાલે મારો નશો ઊતરશે પછી તમે વિશેષ કદરૂપાં લાગશો. માણસે મહાન થવાની કિંમત ચૂકવવી પડતી હોય છે. માણસમાં હિંમત હોય તો બીજી બધી શક્તિ અને સ્ફૂર્તિ આપમેળે આવે.


યુદ્ધનો સમય હંમેશાં આકરો હોય છે. પછી એ મહાભારતનું યુદ્ધ હોય કે વિશ્વયુદ્ધ હોય. ચર્ચિલે યુદ્ધ દરમિયાન કહ્યું હતું કે, ‘મારી પાસે આપવા જેવું કશું જ નથી સિવાય કે લોહી, આકરો શ્રમ, આંસુ અને પસીનો. એમણે કહ્યું કહે કે હવે યુદ્ધ સિવાય કોઇ આરો નથી. પછી એ દરિયાઇ યુદ્ધ હોય, હવાઇ યુદ્ધ હોય કે જમીન પરનું યુદ્ધ હોય.’


19 મે, 1940, બીબીસી રેડિયો પર આપેલા પ્રવચનમાં ચર્ચિલ કહે છે: ‘તમે પૂછશો, આપણી નીતિ શું છે? મારો જવાબ છે, આપણી તમામ તાકાત અને ઇશ્વરે આપેલી બધી જ શક્તિ સાથે, દાનવી દમન સામે અથાક લડાઇ લડવાની આપણી નીતિ છે. તમે પૂછશો આપણું ધ્યેય શું છે? મારો એક જ શબ્દમાં ઉત્તર હશે: વિજય... કોઇપણ કિંમતે વિજય. તમામ જુલ્મો છતાં વિજય. માર્ગ ગમે તેટલો લાંબો અને કઠિન હોય છતાં પણ વિજય. કારણ વિજય વિના આપણું અસ્તિત્વ નહીં રહે, આટલું બરાબર સમજી લઇએ.’ ચર્ચિલ માતૃભૂમિ કાજે બધું જ સમર્પણ કરવા આહ્્વાન કરે છે: ‘માતૃભૂમિ પર જોખમ હોય, યુદ્ધની હાકલ પડી હોય એવી ગંભીર કટોકટીમાં આપણે બધું જ કરી છૂટીએ. તમારી જાતને શસ્ત્ર સજ્જ કરો. વીરપુરુષ બનો, સંઘર્ષ માટે તૈયાર રહો. રાષ્ટ્ર પર અત્યાચાર થતો કે યજ્ઞવેદીમાં આહુતિ અપાતી જોતા રહેવા કરતાં લડતાં લડતાં ખપી જવું શ્રેષ્ઠ છે.’


ચર્ચિલ ‘વી’ ફોર ‘વિજય’ સંકેત બતાવી કહે છે:‘આપણે આપણું કર્તવ્ય નહીં ચૂકીએ તો વિજય નિશ્ચિત છે. આપણા દેશને બચાવશું. આપણા પ્રવાસમાં આપણી સાથે અત્યારે મરણ સિવાય કોઇ નથી. ઝૂઝવું અને ઝઝૂમવું એ જ આપણું સારસર્વસ્વ. આપણે અડગ રહેવાનું છે ને એક થવાનું છે. ‘વી’ માટેનો મારો આંગળીઓનો સંકેત એ મારો સંકલ્પ છે. આપણું રાષ્ટ્ર સિંહ જેવું છે અને મારામાં ગર્જના કરવાની તાકાત છે.’ચર્ચિલના કેવળ વિજય, વિજય સિવાય બીજું કંઇ જ ન ખપે- આ મિજાજે જ બ્રિટનને પરાજયની કગારેથી વિજય અપાવ્યો.

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી