Back કથા સરિતા
કિશોર મકવાણા

કિશોર મકવાણા

સાંપ્રત (પ્રકરણ - 32)
લેખક વરિષ્ઠ પત્રકાર અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

દાસી જીવણ કૃષ્ણમય સાચા સંત...

  • પ્રકાશન તારીખ02 Dec 2018
  •  

દાસી જીવણ... જન્મ અછૂત જાતિમાં પણ અધ્યાત્મની એવી ઊંચાઇ પ્રાપ્ત કરેલી કે ભલભલા ધર્મના ઠેકેદારને ગામના છેવાડે મૂકી દે... છૂત-અછૂતના માનસિક રોગથી પીડાતા જાતિવાદીઓને એમણે પડકારી ભગવદ્ કૃપા મેળવેલી. એમણે ભજન અને ભક્તિમાં નરસિંહ મહેતા જેવી ઊંચાઇ મેળવેલી. કહેવાય છે કે એમનાં ભજન અને ભક્તિનો પ્રભાવ, પ્રતાપ અને પ્રસાર એટલો તીવ્ર કે ભગવાન સ્વયં હાજરાહાજૂર. લોકસાહિત્યના મર્મી નિરંજન રાજગુરુએ દાસી જીવણના જીવન અને કવન પર ઘણું કામ કર્યું, તો જાણીતા લોકગાયક હેમંત ચૌહાણના મુખે મધુર અવાજમાં ગવાયેલાં દાસી જીવણનાં ભજનોથી થોડા ઘણા જાણીતા થયા.

કહેવાય છે કે દાસી જીવણનાં ભજન અને ભક્તિનો પ્રભાવ, પ્રતાપ અને પ્રસાર એટલો તીવ્ર કે ભગવાન સ્વયં હાજરાહાજૂર...

આ મહાન સંત પર ગુજરાતના જાણીતા સાહિત્યકાર- વાર્તાકાર બકુલ દવે એ ‘જીવણ જગમાં જાગિયા’ નામની નવલકથા લખી સાચા અર્થમાં દાસી જીવણની આધ્યાત્મિકતા એ એક પરમ ઊંચાઇ આપી છે.


અઢારમી સદીના મધ્યમાં (૧૭૫૦-૧૮૨૫) જન્મેલા દાસી જીવણ ગોંડલ નજીક આવેલા ઘોઘાવદરના. સોહામણા અને વરણાગિયા. સુંદર મઝાનાં વસ્ત્રો પહેરે અને ઘોડી રાખે. ખાધે પીધે સુખી. જ્ઞાતિએ ચમાર. વ્યવસાય ‘ભામ’ (ઢોરનાં ચામડાં)નો ઈજારો રાખવાનો. માતાપિતા પણ અધ્યાત્મના રંગે રંગાયેલાં. ઘરમાં જે વાતાવરણ અને સંસ્કાર હતાં એ એમનામાં પણ સુપેરે ઝિલાયાં.


બકુલ દવેના શબ્દોમાં: દાસી જીવણના જીવન અને કવનમાંથી પસાર થતાં જણાય છે કે જીવણદાસથી દાસી જીવણ સુધીની યાત્રા વૈયક્તિક, સામાજિક અને આધ્યાત્મિક એ ત્રણેય પરિવેશના સંદર્ભે અનેક રીતે ભાતીગળ છે. અદની વ્યક્તિના જીવનમાં, આધ્યાત્મિક વિકાસના જુદા જુદા પડાવ પર થઈ સ્વયંને ઈશ રૂપે પામી સંતત્વના શિખર સુધી પહોંચવાની એ ઊર્ધ્વગામી યાત્રા બની ગઇ. તેની સમાંતર તે દાસી જીવણના જીવનમાં બનતી અનેક ઘટનાઓ થકી પછાત વર્ગના સંઘર્ષની કથા પણ બનતી રહી. છતાં સુખ-દુઃખ મનમાં આણ્યાં વગર, ભીતર રહેલી ચેતનાની જ્યોતને હથેળીઓ વચ્ચે સંકોરતા રહીને દાસી જીવણમાં ભક્તિનો રંગ ઘુંટાતો રહ્યો. અનર્ગળ ભક્તિના એ રંગમાંથી કંઈ કેટલીયે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ પ્રગટતી રહી. દાસી જીવણનાં ભજનોમાં બિંબાતી ગઇ.


ગુરુનું મહત્ત્વ જીવણદાસ બરાબર જાણે છે, સમજે છે. સામે પાર પહોંચવા માટે ગુરુ નામની મજબૂત હોડી જોઈએ. એક પછી એક એમ એ સત્તર ગુરુ કરે છે પણ એકેયમાં એમનું મન ઠરતું નથી. છેવટે ભીમસાહેબ રૂપે ગુરુની એમને પ્રાપ્તિ થાય છે ને એમની શોધ પૂરી થાય છે.
ભીમસાહેબ જીવણદાસની ઝળહળતી ચેતનામાં આધ્યાત્મિકતાનું ધૃત પૂર્યું. જીવણદાસની ભીતર અજવાળું વિસ્તરતું ગયું. એ ઉજાસમાં એમને ઘણું દેખાયું–અનુભવાયું ને કૃષ્ણ ભક્તિનો રંગ વધુ બનતો ગયો. એક તબક્કે ભાન થાય છે કે દાસીભાવે લીધેલું કૃષ્ણશરણ જ કૃષ્ણની સાવ નિકટ લઈ જઈ શકે. દાસી ભાવની પરાકાષ્ઠા ભણી ગતિ કરતા અહંનો છેડ ઊડતો જાય ને પછી એક સમય એવો આવે કે ‘તું’ એ જ ‘હું’ બની રહે. વ્યક્તિ મટી જાય ને રહી જાય માત્ર સમષ્ટિ.


દાસી જીવણ જીવનમાં આભડછેટની વિકૃતિનો ભોગ બન્યા છે. છતાં એમણે પોતાની લગની નથી છોડી, જે મેળવવું છે પ્રાપ્ત કર્યું. નવલકથાનો એક પ્રસંગ:


હનુમાનજીની દેરી પાસેથી જીવણ ઘેર ન ગયો. એના પગ એને ગામના પાદરે આવેલા રાધાકૃષ્ણના મંદિર પાસે ખેંચી લાવ્યા. મંદિર પ્રાચીન છે. વૃદ્ધ બ્રાહ્મણ શિવશંકર ભટ્ટ મંદિરના પૂજારી છે. ગામ એમને શિવાગોર અથવા ગોરબાપા તરીકે ઓળખે છે. જીવણે મંદિર બહાર ઊભીને દૃષ્ટિ લંબાવી. રાધાકૃષ્ણની મૂર્તિ પર એની આંખો ઠરી. પુત્રની પ્રાપ્તિ થઈ એ માટે એને મૂર્તિની નિકટ જઈ પ્રાર્થના કરવાની ઈચ્છા થઈ પણ તરત યાદ આવ્યું કે એ મંદિરની અંદર જઈ શકે નહીં.

પોતે અત્યંજ છે માટે એને મંદિરમાં જવાની મનાઈ છે. એનું સ્મરણ થતા એ ઉદાસ થઈ ગયો. પણ એ ઉદાસી વધુ સમય ટકી શકી નહીં. એણે મન વાળ્યું કે ભલે શરીરથી એ મંદિરમાં જઈ શકતો નથી પણ મનથી એને ઈશ્વર પાસે જતાં કોણ અટકાવી શકે તેમ છે? મૂર્તિ સામે અનિમેષ આંખે એ જોતો રહ્યો. મુરલીધર કૃષ્ણનું રૂપ એની આંખોમાં થઈ હૃદયમાં ઊતરવા લાગ્યું. દૂર-સુદૂરથી આવતાં કૃષ્ણની મુરલીના સૂર સાંભળી એ પણ જાણે વાંસળીના સૂર પાછળ ઘેલી થઈ ગયેલી વૃષભાનુસુતા – રાધા બની ગયો. સૂરની કેડી પર ચાલતો-ચાલતો એ છેક વૃંદાવન પહોંચી ગયો.
(દાસી જીવણની વધુ વાત કરીશું આવતા અંકે.)
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP