જીવનમાં શું જોઈએ અને શા માટે જોઈએ?

article kishor makvana

કિશોર મકવાણા

Nov 18, 2018, 12:05 AM IST

જે માણસ સરળ હોયએને બધું સહજ હોય છે. કોઈ પણ પ્રકારની જાત છેતરામણી વિના જીવવું મુશ્કેલ હોય છે, પણ અશક્ય નથી હોતું એવી પ્રતીતિ જો માણસને સાંપડે તો કદાચ એને જીવન જીવવાની કળા આપમેળે આ‌વડી જાય. કોઈ પણ પ્રકારના આડંબર કે દંભ વિનાની પારદર્શકતા એ મોટામાં મોટો ગુણ છે. આપણો આપણી જાત સાથેનો સંબંધ હોય કે અન્ય સાથેનો સંબંધ હોય. જો કે એ સંબંધ સગવડિયો હોય તો એ સંબંધ અગવડ ઊભી કર્યા વિના રહે જ નહીં. સંબંધમાંથી અપેક્ષાનો ભાવ કાઢી નાખીએ તો સંબંધ બટકણો કે જુઠ્ઠો થાય નહીં. જે સંબંધમાં અંગત હિત કે હેતુ હોય છે એ સંબંધો સ્વાર્થની ભૂમિકાએ હોય છે અને આવા સંબંધને વણસતાં વાર નથી લાગતી.

આપણે કેવળ શબ્દોની સોદાબાજી કરીએ છીએ અને જીવનની શતરંજ પર આ શબ્દોને પ્યાદાની જેમ વાપરતા હોઈએ છીએ

આપણે રોજ બરોજના જીવનમાં કેટલા બધા શબ્દોને વાપરીએ છીએ એના અર્થને જાણ્યા કે મર્મને પામ્યા વિના. દા.ત., ધ્યાન, જ્ઞાન, ગુરુ, ધીરજ, મૌન, પ્રેરણા,સાત્વિકતા, નિર્દોષતા, દિવ્યતા, પ્રાર્થના, સમતુલા, મનન, શક્તિ, દયા, અદ્વૈત, કાળ, નમ્રતા, સત્ય, સૌંદર્ય, શિવ, વાસના, વીરતા, અનાસક્તિ, કલ્પના, પ્રકૃતિ, પ્રેમ, ઈર્ષા, અમરતા, પૂર્ણતા, જોખમ, દર્શન, રહસ્ય, સ્વત્વ, વ્યક્તિત્વ, સ્વતંત્રતા, ક્ષમા, અહિંસા, સહાનુભૂતિ, સંવેદના વગેરે કેવળ શબ્દોનો શંભુમેળો છે. એક એક શબ્દને માણસ પોતાનામાં ઓગાળીને જુએ તો? એનો આંતરિક મર્મ પામે તો? પણ આપણે કેવળ શબ્દોની સોદાબાજી કરીએ છીએ અને જીવનની શતરંજ પર આ શબ્દોને પ્યાદાની જેમ વાપરતા હોઈએ છીએ અને ખરેખર તો આ શબ્દો દ્વારા આપણે પોતે જ વપરાતા હોઈએ છીએ. એક માણસ બીજા માણસને પોતાના ઉપયોગ માટે કે પોતાના ઉપભોગ માટે જ વાપરતો રહે છે. સંબંધોની મીઠાશ માણવી નથી, માત્ર એનો ઉપયોગ કરતા રહેવો એ તો નર્યો સ્વાર્થ છે.


આપણે ધારીએ તો આપણા જીવનને ઉપવન બનાવી શકીએ અને જો અવળું ધારીએ તો આપણા જીવનને રણ બનાવી દઈએ છીએ. અહીં ધારવું એ કલ્પનાની વાત નથી પણ સંકલ્પને ધારણ કરવાની વાત છે.


કેટલાક લોકો વાતવાતમાં જીવનમાં કંઈક ઊથલપાથલ થાય અથવા કંઈક અવળું બને તો પોતાના નસીબને કે વિધાતાને દોષ દે છે અને પોતે જાણે કે નિર્દોષ હોય એવી વાત કરે છે. જીવનને નંદનવન બનાવી શકાય જો આપણી પાસે વાવવા માટે સંકલ્પનાં બીજ હોય.


એના માટે માણસ પાસે ખંત અને ધીરજ જોઈએ. બીજ વાવો કે તરત જ એનાં ફળ ન પ્રગટે. દરેકને સમય આપવો પડે. વૃક્ષનો છાંયો બીજ વાવતાંની સાથે તરત તો કોઈને ન મળે. શેક્સપિયર કહેતા કે એક રીતે જોવા જઈએ તો આપણું શરીર પણ એક બગીચો છે અને આપણા સંકલ્પો એ આપણા માળી છે – વનમાળી છે. માણસ પાસે પ્રમાણભાન હોવું જોઈએ. માત્ર જળ સીંચ્યે જ રાખો એનાથી કશું ન મળે. માત્ર સૂર્યપ્રકાશ જ આપ્યા કરો. એનાથી પણ કશું ન વળે. જળ ઈત્યાદિ માફકસર હોવાં જોઈએ. કોઈ પણ વસ્તુનો અતિરેક કરો તો મૂળ સત્ય વિકૃત થયા વિના રહે નહીં. પ્રેમ બરાબર છે પણ પ્રેમનો અતિરેક ખોટો. લાગણી સાચી પણ લાગણીવેડા ખોટા. વહાલ સાચું પણ વેવલાઈ ખોટી. પ્રેમ હોય કે મૈત્રી હોય એનાં મૂળિયાં ઊંડાં હોવાં જોઈએ. મૂળિયાં ઊંડાં હશે તો વૃક્ષ પવનની લહેરને માણી શકશે અને ઝંઝાવાતનો પણ જોરદાર મુકાબલો કરી શકશે. મોટા ભાગના માણસોને ખબર જ નથી હોતી કે એમને જીવનમાં શું જોઈએ છીએ અને શા માટે જોઈએ છે ? ટામેટાનું બીજ વાવી સફરજનની અપેક્ષા રાખવી એના જેવી મૂર્ખામી કોઈ નથી હોતી. ધરતી હંમેશાં માણસને જવાબ આપે છે. નાના અમથા છોડનું પણ જતન કરતાં આવડવું જોઈએ. જતન એટલે ઝીણી ઝીણી કાળજી, ઉપરછલ્લાં દેખાડા નહીં.


આપણે ઇચ્છાઓનું, સંકલ્પનું અને સ્વપ્નોનું વાવેતર કરવાનું છે. વાવ્યા વિના કોઈ કદી લણી શકતો નથી. માણસ પાસે પૂરતી ધીરજ હોવી જોઈએ. દરેકનો નિશ્ચિત સમય પાકતો હોય છે. આમાં અધીરાઈ કે ઉતાવળ ચાલે નહીં. આક્રમક થઈશું તો કદાચ વસ્તુ હાથમાં આવશે પણ અકાળે પામેલી વસ્તુ અકાળે સરી પણ જશે.


જીવનમાં એટલું તો સ્વીકારજો જ કે આપણે આગળ વધીએ છીએ એમાં કોઇક ને કોઇકનું તો આપણા પર ઋણ હોય જ છે. આપણે ગમે તેટલા બુદ્ધિશાળી, શક્તિશાળી હોઇએ તો પણ એકલા કંઇ જ કરી શકતા નથી. એટલે જીવનમાં સાવ નગુણા ન બનતા આપણને જેણે જેણે મદદ કરી છે એનો આભાર તો માનજો જ.

[email protected]

X
article kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી