‘વૈષ્ણવજન’ની જગ્યાએ આપણી જાતને મૂકીએ

article kishor makvana

કિશોર મકવાણા

Sep 23, 2018, 12:05 AM IST

નરસિંહ મહેતાનું આ પદ આ પદ તો બધાએ સાંભળ્યું જ હશે-
વૈષ્ણવ જન તો તેને કહીએ,
જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે,
મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે;
વાચ, કાછ, મન નિશ્ચળ રાખે,
ધન્ય ધન્ય જનની તેની રે.
સમદૃષ્ટિ ને તૃષ્ણાત્યાગી,
પરસ્ત્રી જેને માત રે;
જિહ્્વા થકી અસત્ય ન બોલે,
પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ તેને,
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામ શું તાળી રે લાગી,
સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે,
કામ-ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દરશન કરતાં,
કુળ ઈકોતેર તાર્યા રે.


આમ તો આ કાવ્યની એક એક પંક્તિ સ્વયં સ્પષ્ટ છે. કદાચ એનું વિવેચન ન કરીએ તો પણ અભણને ય સમજાય એવી વાત કાવ્યની દરેક પંક્તિમાં નરસિંહ મહેતાએ કરી છે. જીવન જીવવાનો પૂરો નિચોડ આ કાવ્યમાં છે. કદાચ એટલે જ આ કાવ્ય ગાંધીજીને અતિપ્રિય હતું.
આકાવ્યમાં ‘વૈષ્ણવજન’ શબ્દની જગ્યાએ માત્ર ‘આપણી જાત’ને અથાત્ ‘માણસ’ જાતને મૂકીને વિચારીએ... આપોઆપ કાવ્યનો બધો અર્થ સમજાઇ જશે. પોતાની પીડા તો બધાં જ જાણે છે, પણ પારકાંની પીડાને જાણવી અને પોતાની કરવી, અને એ પીડાને દૂર કરવા માટે થાય તે બધું જ કરી છૂટવું. એ જ સાચી માનવતા છે. માણસો કોઈનું દુઃખ જોઈને દ્રવી જાય અને આવેશમાં એના પર ઉપકાર પણ કરે, પણ પછી ઉપકારના જ્યાં ત્યાં ગાણા ગાતો ફરે મેં ફલાણાને મદદ કરી, ઢીંકણાને સહાય કરી.


ખરેખર તો એનું મનમાં અભિમાનનું નામનિશાન ન હોય. મનમાં તો એટલું જ હોય કે ચાલો આપણે નિમિત્ત બન્યા અને કોઈકનું દુઃખ દૂર થયું. ઉપકાર કર્યા પછી પોતે કરેલા ઉપકારોની યાદી મનમાં સાચવવી અને સામાને યાદ કરાવ્યા કરવું અને આવા ઉપકારોની ડીંગો હાક્યા કરવી એ અંતે તો આસપાસ અંધારું જ સર્જે છે.

નરસિંહ મહેતાએ આ કાવ્ય આપીને માનવજાતને ધન્ય બનાવવાનો સંદેશ આપ્યો છે. આ કાવ્યમાં આપણી સંસ્કૃતિની સુગંધ પ્રસરેલી છે

‘સકળ લોકમાં જે સહુને વંદે’ તે વૈષ્ણવજન. અમુકને જ વંદે તો ગમા અને અણગમા હોય, પણ સંતત્વના ગુણ ધરાવનારને પ્રત્યેક માનવની પાછળ માધવ દેખાય. આપણે જેને પામર કહીએ એની પાછળ એને પરમ દેખાય અને એ હાથથી નહીં, પણ અંતઃકરણથી સૌને વંદન કરતો હોય.આપણે સહેજ વિચારી જોઈએ, જાતને પૂછી જોઈએ કે દિવસ આખામાં આપણે વ્યક્તિઓની વાતને નિમિત્તે કેટલી નિંદા કરીએ છીએ ? સ્થળે સ્થળે અને પળેપળે નિંદાનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. વૈષ્ણવજન આવી વૃત્તિ અને પ્રવૃત્તિથી, આવી વિકૃતિથી ઊફરો ચાલે છે અને એ એની મેળવેલી કે કેળવેલી નહીં, પણ સહજ પ્રકૃતિ છે. વાણી, કાયા અને મન એ ત્રણે સાથે હોવા છતાંયે ત્રણેના રસ્તા જુદા છે. આ ત્રિવિધની એકતા ભાગ્યે જ જોવા મળે. અને મન તો એટલું ચંચળ છે કે એને નિશ્ચલ રાખવા માટે ભગીરથ પુરુષાર્થ જોઈએ. મન સ્થિર હોય તો બધુ સુરક્ષિત છે.જે સ્ત્રી આવા વૈષ્ણવજનને જન્મ આપે એ ધન્ય ધન્ય કહેવાય.


કોઈના પર બહુ વરસી જવું કે કોઈને કાયમના તરસ્યા રાખવા, કોઈકને આવકાર આપવો ને કોઈકને હડધૂત કરવા એ વિષમ દૃષ્ટિ છે. સમદૃષ્ટિશીલ માણસ ભેદભાવ નહીં કરે, સૌમાં બંધુત્વભાવની અનુભૂતિ કરશે. ગણિત અને ગણતરી નહીં કરે. પણ સમદૃષ્ટિકોણ રાખી શકે? જેણે તૃષ્ણાનો ત્યાગ કર્યો હોય. આ તૃષ્ણા જ આપણી પાસે હલકાં કામો કરાવે છે. સમતા, મમતા, સમરસતા, બંધુતા, આત્મીયતા, માનવતા અને સરળતા એવી સપ્તગંગા જેના અંતરમનમાં નિરંતર વહેતી રહે છે એજ સાચો ‘વૈષ્ણવજન’ બાકીના માણસો ગમે તેટલી મોટી મોટી વાતો કરે છતાં એને તમે દંભ અને આડંબરના ખાબોચિયામાં રમતો જોઇ શકો.


દરેક સ્ત્રીમાં મા-બહેનના દર્શન કરનાર ધન્ય છે.પારકાંની સ્ત્રી પર નજર રાખવી, સ્ત્રી માત્રને ભોગ વિલાસનું સાધન બનાવવી, એ લૂંટારાવૃત્તિ છે. આ તો આપણે બધું વિવરણ કર્યું; પણ નરસિંહ મહેતા તો અડધી પંક્તિમાં કહ્યું, ‘પરસ્ત્રી જેને માત રે.’ વૈષ્ણવજનની વાણી અને એના વર્તનમાં સંવાદ હોય છે, વિવાદ નથી હોતો. પારકાંના ધનની ઈચ્છા નથી હોતી. પર ધનને ઝાલે તો હાથ અને જીવન અભડાય, આવો કોઈ વિચાર જન હોય તો વર્તન તો ક્યાંથીહોય ?
મોહ અને માયા એ આપણી આખી ઈમારતમાં ભોંયતળિયું છે. આમ તો એ તળિયે હોય છે, પણ તેનો વ્યાપ એ ખાસ્સો હોય છે. કદાચ આપણી સર્વ પ્રવૃત્તિ પાછળ આ મોહમાયા સરસેનાપતિ જેવાં છે. આપણે આપણી વાસનાથી છેતરાઈએ છીએ. મનુષ્ય સહજ નબળાઈઓને સંત ઓળંગી જાય છે. રાગ નહીં પણ ત્યાગ,વાસના નહીં પણ વૈરાગ્ય, એ એના મનમાં ન ડોલે એવું આસન જમાવીને બેઠો છે. ગોળગોળ ઘૂમતા સંસારના રાસમાં એ હોય છે ખરો, પણ એની તાળી બડે ઘર લાગી ગઈ હોય છે. જેને રામનામ સાથે સંબંધ છે, એ બીજામાં શું કામ પડે ?ગંગા-યમુના કે અડસઠ તીરથ એ તો એની કાયામાં કાયમના વસેલાં છે. એવા નર-સિંહો પણ છે કે જેમને મળીએ ત્યારે આસપાસ સાત્વિકતાની ફોરમ ગુંજ્યા કરે.


કહેવાય છે કે બધાં જ પાપનું મૂળ લોભમાં છે, અને આ લોભને થોભ નથી હોતો. લોભ અને લાભને કારણે જ છળ-કપટ-પ્રપંચ થતાં હોય છે. નિષ્કપટ માણસ વિરલ છે અને આવો વિરલ જ વૈષ્ણવજન કહેવાય. કામ અને ક્રોધને નિવારવા સહેલા નથી. કામ, કામના, લાલસા, અહંનો ઉભરો – પરિણામે ક્રોધ. આ રજોગુણ અને તમોગુણનો ભાર આપણને ડુબાડે.
નરસિંહ મહેતા છેલ્લે કહે છે કે આવા વૈષ્ણવજનનું દર્શન થાય તો આપણાં એકોતેર કુળ તરી જાય. નરસિંહ મહેતા માત્ર લખીને અટક્યા નહોતા, એ પ્રમાણે જીવ્યા પણ છે.


ગુજરાતી કવિતાના આદિ કવિ નરસિંહ મહેતાએ આ કાવ્ય આપીને માનવજાતને ધન્ય બનાવવાનો સંદેશ આપ્યો છે. આ કાવ્યમાં આપણી સંસ્કૃતિની સુગંધ પ્રસરેલી છે. 600 વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યનો દરેક શબ્દ આજે એકવીસમી શતાબ્દીમાં પણ માનવીય ગુણોને ગ્રહણ કરવાનો પથ કંડારે છે.
[email protected]

X
article kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી