સોશિયલ નેટવર્ક / ચાલો, આપણે પણ રાષ્ટ્રના સંરક્ષક બનીએ

article by kishor makvana

કિશોર મકવાણા

Apr 21, 2019, 04:35 PM IST

ભૂમિ અને જન મળે એટલે દેશ બને. ભૂમિ, જન અને સંસ્કૃતિ મળે એટલે રાષ્ટ્ર બને. સંસ્કૃતિ રાષ્ટ્રનો આત્મા છે. સંસ્કૃતિનો પ્રભાવ રાષ્ટ્રની અસ્મિતાની અનુભૂતિ કરાવે છે. એક મકાન અને ઘર (પરિવાર) વચ્ચે જે ભેદ છે એવો જ ભેદ દેશ અને રાષ્ટ્ર વચ્ચે છે. દરેક વ્યક્તિ અને પરિવારનો એક સ્વભાવ હોય છે, વિશેષતા હોય છે. એ વિશેષતા એ વ્યક્તિ અને પરિવારની ઓળખ બને છે. સ્વાભાવિક રીતે જ પરિવારની દરેક વ્યક્તિ એ ઓળખ મેળવે છે. પરિવારજનોના વ્યવહારથી પરિવારની છબી બને છે. બરાબર આ જ પ્રક્રિયા રાષ્ટ્રને પણ લાગુ પડે છે. રાષ્ટ્ર પણ એક વિશાળ પરિવાર છે. જેવું રાષ્ટ્ર એવી એની ઓળખ બને છે. રાષ્ટ્રની છબી, એની અસ્મિતાનો આધાર એના ઘટકોના વ્યવહાર પર છે. રાષ્ટ્રજીવનનાં અનેકવિધ પાસાં છે - સામાજિક, આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક વગેરે. દરેક પાસાનો સંતુલિત વિચાર અને વિકાસ થાય તો જ રાષ્ટ્રજીવન સ્વસ્થ અને સમૃદ્ધ બને. એકેયની અવગણના ન ચાલે, પણ એ બધી બાબતોનો વિચાર કોણ કરે? રાષ્ટ્રના ઘટકોએ જ એનો વિચાર કરવો રહ્યો. બહારથી આવીને કોઈ વિચાર કરશે નહીં અને કરશે તો આપણા માટે નહીં, એમના માટે કરશે. જાપાનીઝ, ઇટાલિયન, અમેરિકન કે જર્મન ભારતમાં વસીને ભારત માટે કામ કરશે એ વાતમાં તથ્ય નથી. માતાજી (પોંડિચેરી આશ્રમ) કે ભગિની નિવેદિતા જેવા અપવાદ હોઈ શકે. કરોડોમાં એક રાષ્ટ્રના ઘટકોનાં વ્યવહારમાં રાષ્ટ્રભક્તિનાં દર્શન થાય, એમની વાણીમાંથી રાષ્ટ્રની સંસ્કૃતિનું ચિંતન રેલાય અને એમની પ્રત્યેક કૃતિમાંથી સંસ્કૃતિ પ્રતિબિંબિત થાય તો કહેવાય કે એ રાષ્ટ્રની અસ્મિતાના પ્રહરી છે, ચોકીદાર છે. એકવાર દિલ્હીમાં સાહિત્ય અકાદમીનું અધિવેશન મળ્યું હતું. એક સભ્યે પોતાનો પરિચય આપ્યો. હું કન્નડ ભાષાનો કવિ છું. કોઈકે કહ્યું, હું મરાઠી ભાષાનો લેખક છું. કોઈકે કહ્યું, હું હિન્દી ભાષાનો કવિ છું, પરંતુ આપણા ઉમાશંકર જોશી બોલ્યા, ‘હું ભારતનો કવિ છું અને ગુજરાતી ભાષામાં લખું છું.’ વાત નાની છતાં ખૂબ મોટી છે. ઉમાશંકર જોશીની વાણીમાં રાષ્ટ્રચિંતન છે. ભાષાભેદ કે પ્રાંતભેદ આપણા બોલવામાં ભૂલથીયે ન દેખાઈ જાય તેની કાળજી છે. આજે તો આપણા છીછરા રાજકારણે જ્ઞાતિભેદ, સંપ્રદાયભેદ, ભાષાભેદ જેવી અનેક ભેટો આપી છે અને કમનસીબે કેટલાક લોકોએ એને સ્વીકારી પણ લીધી છે. આવાં અનેક જંતુ-વાઇરસ આપણા સમાજજીવનને પ્રદૂષિત કરી રહ્યાં છે. ચૂંટણી ટાણે આ વાઇરસ વધુ વકરે છે. આ સ્થિતિમાં તો પ્રજાને અર્જુનની ગ્લાનિ-અકર્મણ્યતાનો ત્યાગ કરવો પડે. રાષ્ટ્રનો વિચાર કરનારને સત્તા સોંપાય, ભારતમાતાની લાજ રાખે એને મત આપીને સત્તા સોંપાય તો રાષ્ટ્રનું ગૌરવ વધે. જોકે, આપણી પ્રજા શ્રવણપ્રિય છે. સાંભળે છે ઘણું, આચરે છે થોડું. આ જાગૃતિનો અભાવ છે અને તેથી ઝોકું આવી જાય છે, પળ ચૂકી જવાય છે. જે પળે જાગવું જોઈએ તે પળે જ ઝોકું આવે છે.

  • આપણા દેશની પ્રતિષ્ઠા અને અસ્મિતા અંગે બહારથી આવીને કોઈ વિચાર કરશે નહીં અને કરશે તો આપણા માટે નહીં, એમના માટે કરશે!

વિનાયક દામોદર સાવરકર નામના એક વીર ક્રાંતિકારીએ આપણને એવું કહ્યું કે, ‘સદ્્ગુણ ખપે પણ સદ્્ગુણ વિકૃતિ ન ખપે.’ પણ... આપણે તો સર્વપંથસમભાવ અને અહિંસા જેવા સદ્્ગુણોનો અતિરેક કરીએ ને ભયંકર સદ્્ગુણ વિકૃતિ સર્જી અને રાષ્ટ્રને જોખમમાં મૂક્યું. શું આપણને કવિવર રવીન્દ્રનાથ ઠાકુર જેવા વિશ્વકવિએ એમ કહ્યું કે, ‘તારી હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે.’ પણ આપણે નથી તો હાકલ કરતા કે નથી તો એકલા આગળ વધતા. ‘હું ભારત છું, હું ચાલુ ત્યારે ભારત ચાલે છે. હું શ્વાસ લઉં ત્યારે ભારત શ્વાસ લે છે.’ કેવી અદ્વિતીય રાષ્ટ્રીય એકાત્મતા! રાષ્ટ્રની કેવી જીવંત અનુભૂતિ એમના આ શબ્દોમાં છે, પણ આપણને આપણા સ્વાર્થ માટે ભારતને ભૂલી જવાનું પાલવે નહીં.
મહામાનવો કહી ગયા, પણ કરવાનું છે આપણે. એ દિશા ચીંધી ગયા છે, ચાલવાનું છે આપણે. ભારતની અસ્મિતા, એની સંસ્કૃતિનાં મૂલ્યોનું જતન કરવાનું કામ આપણા સહુનું છે, પછી ક્ષેત્ર ગમે તે હોય – રાજનૈતિક, આર્થિક, શૈક્ષણિક કે ધંધા નોકરીનું. ‘હું રાષ્ટ્રનું અંગ છું. હું પણ રાષ્ટ્રનો સૈનિક છું, રાષ્ટ્ર પ્રત્યે મારું પણ કંઈક કર્તવ્ય છે.’ આવો ભાવ રાષ્ટ્રને મહાન બનાવે છે. મતદાન એ પણ રાષ્ટ્રને વૈભવશાળી બનવામાં નિમિત્ત બની શકે છે, મતદાન ન કરીને રાષ્ટ્રને નબળું કરવાનું પાપ આપણે ન કરીએ.

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી