સોશિયલ નેટવર્ક / ભરત મહાન, મેરા ભારત મહાન!

article by kishor makvana

કિશોર મકવાણા

Apr 07, 2019, 04:41 PM IST

શતાબ્દીઓ પહેલાં ભારતવર્ષનું નામ દુનિયાભરમાં છવાયેલું હતું. એના જ્ઞાન-વિજ્ઞાનના ડંકા વાગતા હતા. ધીરે ધીરે એ ડંકા સંભળાતા બંધ થયા, અંધકાર છવાવા લાગ્યો. આજે ફરી ભારત જાગ્યું હોય એવી અનુભૂતિ દેશ અને દુનિયાને થવા લાગી છે. ભારત ફરી એકવાર એનો ગુમાવેલો વૈભવ પાછો મેળવશે એવી અનુભૂતિ થવા લાગી છે. વિશ્વ જેને ઇન્ડિયા કહે છે એ ભારત લોકોની જીભ પર રમવા લાગ્યું છે. આ ભારત છે શું? ભારતીય મનિષીઓ એને જીવંત ભારતમાતા કહે છે.

  • ભારતને જેણે પોતાના નામથી વિભૂષિત કર્યું તે મહાપુરુષ એક રાજવી હતો અને ઋષિ પણ હતો

ભારતીય બંધારણનું વાક્ય છે: ‘ઇન્ડિયા ધેટ ઇઝ ભારત.’ ભરતના નામ પરથી આપણા દેશનું નામ ‘ભારત’ પડ્યું એની આપણને બધાને ખબર છે. ‘હિન્દુસ્થાન’ અને ‘ઇન્ડિયા’ નામ તો વિદેશીઓએ આપેલું છે. આ દેશમાં રહેનારાઓને હિન્દુ તરીકેનું સંબોધન તો પાછળથી શરૂ થયું, પણ આ ભૂમિ પર રહેનાર વ્યક્તિ ભારતીય છે એ ઓળખ તો હજારો વર્ષથી હતી. એટલે તો કહેવાતું કે, ‘उत्तर यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्। वर्ष तद भारतम नाम भारती यत्र संतति:।। સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે ભૂમિ આવેલી છે તેને ભારત કહે છે. જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું એ ભરત દુષ્યંત-શકુંતલાનો પુત્ર હતો અથવા તો ભરતે જંગલમાં સિંહનું મોં ખોલી એના દાંત ગણવાની જે બહાદુરી દેખાડી એથી વધુ જાણકારી ભાગ્યે જ કોઈને હશે. બાકી ભારત એટલે શું? એનું મૂળ સ્વરૂપ કેવું છે? જેના પરથી આ દેશનું નામ પડ્યું તે ભરત કોણ? તેની સિદ્ધિ કઈ? આટલા યુગો સુધી ભારતનું અસ્તિત્વ શાના આધારે ટક્યું? એની બહુ ઓછી જાણકારી આપણને છે. ‘શતપથ’નો એક શ્લોક છે: ‘મહદધ ભરતસ્ય ન પૂર્વે નાપરે જના: । દિવં મત્યર્ ઇવ બાહુમ્યામ્ નોદાપુ: પંચમાનવા: ।।‘ધરતી પર ઊભેલા મનુષ્ય માટે આકાશને સ્પર્શવું મુશ્કેલ છે, તે રીતે ભરતની મહત્તાને તેની પહેલાંના કે પછીના માનવોમાંથી કોઈ પહોંચી શક્યું નથી.’
ભારતને જેણે પોતાના નામથી વિભૂષિત કર્યું તે મહાપુરુષ એક રાજવી હતો અને ઋષિ પણ હતો. એ સત્ય ભારતના ફરીથી સમજવા માટે કાયમ યાદ રાખવા જેવું છે. સાર્વભૌમ ચક્રવર્તી તરીકે લાંબા સમય સુધી એણે શ્રેષ્ઠ રાજ્ય વહીવટ કરી ભારતનું નામ સમગ્ર પૃથ્વી પર ઝળહળતું કર્યું હતું. કહેવાય છે કે ભરતે બસો વર્ષનું લાંબું આયુષ્ય ભોગવ્યું હતું. અનેક દેશો પર તેણે વિજય મેળવ્યો હતો. તેમાં સમગ્ર એશિયા ખંડ એટલે કે જેને આપણે અખંડ ભારત કહીએ છીએ તેનો સમાવેશ થાય છે. પશ્ચિમમાં તે ઈરાન અને એલેક્ઝાન્ડ્રિયા સુધી વિજયી સૈન્ય લઈને ગયો હતો. ઇજિપ્તને તે સમયે નહેદત કહેતા અને તેનું પાટનગર મેમ્ફિસ હતું. ભરત એવો વિજેતા હતો, જેણે લોકોને સ્થાનિક સ્વરાજ્ય જેવી વ્યવસ્થા આપી હતી. એ પરદેશને જીતતો ત્યારે એ માત્ર બે શરતો મૂકતો: એક તો એ દેશમાં ભારતીય પ્રજાજન અને સંસ્કૃતિને રક્ષણ આપવામાં આવે. ભારત પર એ દેશ તરફથી તો આક્રમણ કરવામાં ન જ આવે, પણ બીજો કોઈ આવું આક્રમણ કરવા માટે એ દેશમાંથી પસાર થાય તો તેને રોકવામાં આવે. ભરતે માત્ર ભારતને રાજકીય અને સાંસ્કૃતિક રીતે જ એકસૂત્રે નહોતું કર્યું, પણ સમસ્ત વિશ્વમાં તેણે ભારતીય સંસ્કૃતિની ધજા ફરકાવી હતી અને આ ધજા પ્રેમ-શૌર્યથી અંકિત કરી હતી. લગભગ સો વર્ષ સુધી રાજ્યસંચાલન કરી ભરતે કેટલાક પાયાના આદર્શો સ્થાપ્યા હતા. ગ્રામસ્વરાજ અને તેની પાછળ રક્ષણ કરતા એક કેન્દ્રીય શાસનનું પીઠબળ-આ બંને પલ્લાં તેણે બરાબર તોળ્યાં હતાં. આજે પણ જે રાષ્ટ્રીય એકાત્મતા અને અખંડિતતા સામેના પડકારો આપણને મૂંઝવે છે, તે ભરતે પોતાની રીતે હલ કર્યા હતા.
કોઈપણ દેશની રાજનીતિ ગમે તેટલી સબળ હોય, પરંતુ તેની પાછળ સાંસ્કૃતિક પાર્શ્વભૂ ન હોય તો તે સોગઠાંબાજી કે સાઠમારીમાં સરી પડે છે. ભરતે શ્રેષ્ઠ શાસન આપ્યા પછી બાકીનું આયુષ્ય નૃત્ય, સંગીત, નાટ્યની આરાધનામાં અને તેનો લોકોમાં પ્રસાર કરવામાં ગાળ્યું. ભારતની સાંસ્કૃતિક એકાત્મતા મજબૂત બને એ માટે એણે અનેક પ્રયત્નો કર્યા. એટલે તો ભારત એક ભૌગોલિક ભૂમિખંડને બદલે આધ્યાત્મિક ભાવભૂમિ બની શક્યો. એક સમ્રાટ અને એક કલાસ્વામી તરીકે વિખ્યાત હતો. ચક્રવર્તી ભરત એ જ નાટ્યશાસ્ત્રના રચયિતા તરીકે પણ, ભરતમુનિ તરીકે ઓળખાયા. તે રુદ્રનો ઉપાસક હતો. નૃત્ય અને સંગીતથી તેનું શરીર બંધાયું તો પરાક્રમ અને કરુણાએ એના પ્રાણનું સિંચન કર્યું હતું. ભરતનો ઉછેર આટલો સંપૂર્ણ કેવી થયો હશે એના માટે આપણા વિદ્વાનો કહે છે કે એના ઉછેરમાં મારિચી આશ્રમનો પ્રભાવ, મેનકા-સાનુમતીના શિક્ષણનું તેજ, શકુન્તલાનો માતૃસ્નેહ અને શકુન્તલાના અંતરતળે દુષ્યંતનો અગાધ પ્રેમ કારણરૂપ હતા. ભરતે આ ચાર તરફથી મળેલા સંસ્કારથી જ ભારતવર્ષને કર્મભૂમિ, પુણ્યભૂમિ, મોક્ષભૂમિ માની એની પૂજા કરી હતી.
[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી