સોશિયલ નેટવર્ક / આપણો ઈગો સંતોષાય તો કેમ ગમે છે?

article by kishor makvana

કિશોર મકવાણા

Apr 01, 2019, 03:31 PM IST

એક કલાકાર હતો. તે બેનમૂન શિલ્પ ઘડતો હતો. તેનું આયુષ્ય પૂરું થયું ત્યારે, કહે છે કે, તે પોતાની જ સંખ્યાબંધ પ્રતિકૃતિઓ રચીને તેની અંદર છુપાઈ ગયો. યમરાજના દૂત આવ્યા. શિલ્પકૃતિઓ એટલી આબેહૂબ હતી કે તેમની વચ્ચેથી દૂત શિલ્પીને શોધી શક્યા નહીં. યમરાજ પાસે જઈને તેમની મુશ્કેલી જણાવી. યમરાજે કહ્યું : ‘એનાં વખાણ કરવા લાગો એટલે તરત ઓળખાઈ જશે.’ પેલા દૂત પાછા પૃથ્વી પર જઈને શિલ્પકૃતિઓની સામે ઊભા રહીને શિલ્પીનાં વખાણ કરવા લાગ્યા. ‘આવો મહાન કલાકાર ત્રણે લોકમાં મળવો મુશ્કેલ છે.’ ‘કેવી અલૌકિક પ્રતિભા!’ વગેરે વગેરે. સાંભળીને પેલો શિલ્પી તરત ઊભો થયો ને બોલ્યો, ‘એ તો હું!’ યમદૂતે તરત તેને ઝડપી લીધો. વખાણને વશ થનારને યમદંડ સહન કરવાે પડે. અહંની ધાર પરથી મિથ્યાભિમાનમાં ક્યારે ઊથલી પડાય તેની ખબર પડતી નથી. બંને વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે.
જોકે, પહેલી વાત તો એ છે કે દરેક મોટા માણસને, કલાકારને સામાજિક સ્વીકૃતિની ઝંખના હોય એ સ્વાભાવિક છે. કોઈ કલાકાર-લેખક-સંશોધક-સમાજસેવક ચિત્ર કરે કે શિલ્પ કરે કે કવિતા કે નવલકથા લખે, સંશોધન કરે, સેવાકામ કરે કે કોઈ એ જ્યારે પોતાની કૃતિ પ્રજા સમક્ષ મૂકે છે ત્યારે એને ઇચ્છા હોય છે કે કોઈક એની કદર કરે. આ કદર અનેકરૂપે થતી હોય છે. ધન દ્વારા, વસ્તુ દ્વારા, પ્રશંસાના શબ્દો દ્વારા. જે પ્રજા પોતાની વિશિષ્ટ વ્યક્તિને યોગ્ય સમયે ઓળખતી નથી અને એની કદર કરતી નથી એ પ્રજા પાસે પોતાના કોઈ માપદંડ હોતા નથી, પણ દરેક માણસને સ્વાભાવિકપણે એક ઝંખના હોય છે કે પોતે જે કંઈ કરે એની ક્યાંક ને ક્યાંક સ્વીકૃતિ હોય. માની લો કે તમે ચિત્રકાર હો અને તમે તમારી લાગણીને રંગ અને રેખા દ્વારા આકાર આપતા હો. પછી કોઈ એના પર અમસ્તી આંખ પણ ન ઠેરવે તો કલાકારના હૃદયમાં એક જખમ તો રહેતો જ હોય છે. આંખ ન ઠેરવે તો કાંઈ નહીં, પ્રશંસાના બે શબ્દો ન કહે તો પણ કાંઈ નહીં, પણ એના વિશે ન બોલવા જેવું બોલીને કોઈ ચહેરા પર થૂંકતું હોય એવી લાગણી હૃદયમાં ઉપજાવે એવા માણસને શું કહીએ? કોઈ પણ માણસ, કંઈ પણ કરે તો એની કદર કરવાની કલા આપણે ગુમાવી બેઠા છીએ. દંભ વિના આપણે સારા શબ્દો કહી શકીએ છીએ, પણ મોટા ભાગના માણસો પોતાને માટે અભિનંદન ઉઘરાવવામાં પડ્યા હોય છે. બીજાને પણ થોડાક સારા શબ્દોની જરૂર છે એ બાબતમાં ધ્યાનબહેરા થઈ જાય છે. પોતે આખાબોલા છે, પ્રામાણિક છે, તડ ને ફડ કહી શકનારા છે, સહેજ પણ દંભને સાંખનારા નથી– આ બધાનો એમને ફાંકો અને ફિશિયારી હોય છે. આવાં છોગાંઓ ખોસીને ફરનારા માણસો એમના વિષયનો સાચો અભિપ્રાય કદી સાંખી શકતા નથી. સિદ્ધાંતને નામે કે તર્કબદ્ધ દલીલોને નામે પોતાનો સ્વબચાવ કરતા હોય છે અને કરતા હોય છે સામાનું અપમાન. અભાનપણે પણ એ લોકો એમ માને છે કે ઈશ્વરે બધી જ શક્તિ એમનામાં ઠાલવી છે અને ઈશ્વર જ્યારે સાવ ખાલીખમ થયો ત્યાર પછી જ એણે બીજાને સર્જ્યા છે. આવો અહમ્ એ ન ઓળખી શકાય એવી સૂક્ષ્મ અદેખાઈમાંથી અને લઘુતાગ્રંથિમાંથી જન્મે છે. વાંકદેખા માણસો વાતવાતમાં વાંકું પાડતા હોય છે. માથું મૂકવા માટે ખોળો આપીએ તોપણ એમને એ ખૂંચતો હોય છે. આવા માણસો આત્મશ્લાઘામાં પડ્યા છે. એમના સિવાય બીજાની વાત એમને સાંભળવી ગમતી નથી. એમની પ્રત્યેક વાત મહત્ત્વની હોય છે. એમના મતે બીજાની વાત ફાલતુ હોય છે. કોઈની વાત ચાલતી હોય ત્યારે ‘ના-ના આવી વાહિયાત વાત નહીં કર.’ અને પછી પોતે જ બોલવા માંડે છે અને પોતા સિવાય કોઈ જ નથી એવી ડંફાસો હાંક્યા કરે!
આપણે સારી રસોઈ જમી જઈએ છીએ ખરા, પણ તૃપ્તિનો ઓડકાર ખાતી વખતે આપણે રાંધનાર વ્યક્તિને ભાગ્યે જ કહીએ છીએ કે આજની રસોઈ બહુ સરસ છે. એક પ્રસંગછે : રસોઈમાં કુશળ એવી પત્નીએ પતિને અત્યંત પ્રેમથી પૂછ્યું : ‘તમને ભાવ્યું કે નહીં ?’ હિટલરવંશી પતિએ કહ્યું કે જે દિવસે નહીં ભાવે ત્યારે કહીશ, રોજ રોજ શું કહેવાનું? એક વખત બટાટાના શાકમાં પત્નીથી કોકમ વધારે પડી ગયા. સાંજે પતિએ ક્રૂર મજાક કરી કે આજે અમે કોકમ-બટાટાનું શાક ખાધું.
નગુણાપણું જાણે કે આપણને સદી ગયું છે. કોઈ આપણા સંતાન માટે, શાળા પ્રવેશ માટે તકલીફ ઉઠાવે અને યાંત્રિક રીતે થેંક્યુ કહીને બધી વાત ભૂલી જઈએ છીએ. કોઈ આપણા પ્રવાસ માટે તમામ સગવડો કરી આપે પછી, કોઈ બદલારૂપે નહીં, પણ હૃદયની કદરરૂપે એક નાનકડી ચીજ લાવવાનું પણ સૂઝતું નથી. મહત્ત્વ વસ્તુનું
નથી હોતું, પણ મહત્ત્વ લાગણીની અભિવ્યક્તિનું છે. ⬛[email protected]
X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી