સોશિયલ નેટવર્ક / પં. નેહરુ, સરદાર પટેલ, ચીન અને મસૂદ અઝહર

article by kishor makvana

કિશોર મકવાણા

Mar 24, 2019, 03:40 PM IST

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એકવાર ફરી ચીને જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરની ઢાલ બની વૈશ્વિક આતંકી જાહેર થતા બચાવી લીધો. ચીન પ્રત્યે અનહદ પ્રેમ અને અંધવિશ્વાસ રાખનાર નેહરુજીએ જો સરદાર પટેલની વાત માની લીધી હોત તો આજે ભારત યુનાઇટેડ નેશનનું સ્થાયી સભ્ય હોત.
આજે યુએનમાં સ્થાયી સભ્ય બનવા માટે ભારત સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે. વર્ષ 1971થી ચીન યુએનનું સ્થાયી સભ્ય છે. ચીન યુએનનું સભ્ય હોવાથી ક્યારેક આતંકી મસૂદ અઝહરને બચાવવા વીટો પાવર વાપરે છે, તો ક્યારેક ભારતને યુએનએસજીના સભ્ય બનવામાં અવરોધ ઊભા કરે છે. દુર્ભાગ્ય તો જુઓ, અમેરિકાના રાષ્ટ્રપતિ જે.એફ. કેનેડી ભારતને યુએનનું સ્થાયી સભ્યપદ સામે ચાલીને ભેટમાં આપવા તૈયાર હતા, કેમ કે એશિયામાં તેઓ કમ્યુનિસ્ટ ચીનની સામે ભારતને વધારે સક્ષમ બનાવવા ઇચ્છતા હતા. ભારતના પ્રથમ પ્રધાનમંત્રીએ ચીન તરફના આંધળા પ્રેમના કારણે અમેરિકાના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો, એટલું જ નહીં ચીન પર અંધવિશ્વાસ રાખીને ભારતના બદલે ચીનને યુએનમાં પ્રવેશ આપવાની માગણી કરી. જોકે, સ્વતંત્રતા પછી તરત જ સરદાર વલ્લભભાઈ પટેલે નેહરુજીને ચીન પર વિશ્વાસ ન કરવાની સલાહ આપી હતી. એટલું જ નહીં સરદાર પટેલે નેહરુજીને કહ્યું હતું કે, તેમણે દેશહિતની રક્ષા માટે ચીન સાથે કૂટનીતિજ્ઞ વલણ રાખવું જોઈએ. સરદાર પટેલે તેમના અવસાનના એક મહિના પહેલાં અર્થાત્ 7 નવેમ્બર, 1950ના રોજ નેહરુજીને ચીન બાબતે ચેતવણી આપતાે એક પત્ર લખ્યો હતો. સરદાર પટેલ લખે છે:

  • સરદાર પટેલની ચેતવણીઓ પં. નેહરુએ કાને ધરી હોત તો ચીન યુએનનું સભ્ય બની શક્યું હોત?

‘છેલ્લા કેટલાક મહિનાઓથી રશિયા સિવાય દુનિયામાં માત્ર એકલા આપણે જ ચીનના સંયુક્ત રાષ્ટ્રમાં પ્રવેશને સમર્થન આપ્યું છે, આપણે ચીનના અધિકારો અને ભાવનાઓની કદર કરી હોવા છતાં પણ ચીન આપણા પર અવિશ્વાસ રાખે છે એનાથી એટલું જ સ્પષ્ટ થાય છે કે ચીન આપણને એનું દુશ્મન માને છે. મને નથી લાગતું કે ચીન પ્રત્યે આનાથી વધુ ઉદારતા રાખી શકીએ.’

કોંગ્રેસી નેતા શશી થરૂરે પોતાના પુસ્તક ‘નેહરુ ધ ઇન્વેન્શન ઓફ ઇન્ડિયા’માં લખ્યું છે કે, સંબંધિત અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. થરૂરે ચીનને યુએન સ્થાયી સભ્યપદ આપવા માટે નેહરુજીએ જ માગ કરી હતી તે વિશે પણ પુસ્તકમાં લખ્યું છે.
11 માર્ચ, 2015ના રોજ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના આંતરરાષ્ટ્રીય ઇતિહાસ વિભાગના એન્ટન હર્ડરે ‘નોટ એટ દ કૉસ્ટ ઓફ ચાયના’ નામના એક રિપોર્ટમાં નેહરુજી અને તેમની બહેન વિજયાલક્ષ્મી પંડિત (જે અમેરિકામાં ભારતનાં રાજદૂત હતાં) માટે લખ્યું છે. રિપોર્ટમાં તેમણે બંને વચ્ચે થયેલા પત્રવ્યવહાર પ્રકાશિત કર્યા છે. જેમાં નેહરુ સ્પષ્ટ લખે છે કે, ભારતને યુએનમાં સ્થાયી સભ્યપદની ઇચ્છા નથી, જેથી ચીનને જ આ સ્થાન મળવું જોઈએ.

સરદારે પત્ર લખ્યો હતો, ત્યારે તિબેટ પર ચીને આક્રમણ કર્યું હતું. ચીન એ સમયે તિબેટને લઈને કપટપૂર્વક નિવેદનો આપી રહ્યું હતું. સરદાર તિબેટની સુરક્ષાને ભારતની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ માનતા હતા. એટલે જ તેમણે લખ્યું હતું: ‘હું તિબેટના પ્રશ્ને બહુ ચિંતિત છું. મને લાગ્યું કે મારા મનમાં જે ચાલી રહ્યું છે તે મારે તમને કહેવું જોઈએ. મને કહેતાં ખેદ થાય છે કે ચીનની સરકારે શાંતિમય ઇરાદાઓની જાહેરાતોથી આપણને છેતરવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે ચીનીઓ આપણી સાથે વિશ્વાસઘાત કરશે. ’
​સરદાર પટેલની ભવિષ્યવાણી શબ્દેશબ્દ સાચી પડી અને વર્ષ 1962માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં ભારતે પોતાની જમીન અને સૈનિકોના પ્રાણ ગુમાવ્યા. સરદારે યુદ્ધનાં 12 વર્ષ પહેલાં જ તેની ચેતવણી આપી દીધી હતી. તેમના જ શબ્દોમાં: ચીનીઓની વિચારધારા પશ્ચિમી વિચારધારા કરતાં દસ ગણી વધારે ખતરનાક છે.

સરદાર પટેલની ચેતવણીઓ પં. નેહરુએ કાને ધરી હોત તો ચીન યુએનનું સભ્ય બની શક્યું હોત? ભારત UNનું કાયમી સભ્ય હોત, તો ચીન અને પાકિસ્તાન આજે ભારતની સામે પડવાની હિંમત કરત ખરા?

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી