સોશિયલ નેટવર્ક / ગદ્દારોથી પણ ચેતતા રહેવું પડશે

article by kishor makvana

કિશોર મકવાણા

Mar 10, 2019, 12:05 AM IST

પુલાવામામાં 40 વીરોની શહાદત, પછી આપણા પરાક્રમી જવાનોએ દુશ્મનોના ઘરમાં ઘૂસીને માર્યા એ વીરતાપૂર્ણ પરાક્રમના જયઘોષ ચારે બાજુ ગાજી રહ્યા છે. આખું ભારત એક તાંતણે ગૂંથાયું હોય એવું લાગે. લોકો વીર જવાનોની વીરતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ-રણનીતિનાં ચોમેર વખાણ કરી રહ્યાં છે. ત્યારે કેટલાક આ ધરતી પર એવા પણ છે, જે પાકિસ્તાન પ્રત્યેનો પોતાનો પ્રેમ દબાતા સ્વરે વ્યક્ત કરી જવાનોની વીરતાના પુરાવા માગી રહ્યા છે. મજા એ છે કે પાકિસ્તાન આવા લોકોનાં નિવેદનોનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યો છે. જોકે, છેલ્લાં બારસો વર્ષથી પણ વધુ સમયથી ભારત અને ભારતીયો વીર યોદ્ધાની જેમ લડી રહ્યા છે. તેની સામે એક તરફ મોહંમદ ઘોરી કે પાકિસ્તાન જેવા વિદેશી આક્રાંતાઓ છે, તો બીજી તરફ ભારતીય કુળને લાંછન લગાડનારા જયચંદ-અમીચંદો છે. સમય બદલાયો, પણ આવા ઘોરખોદિયાની માનસિકતા નથી બદલાઈ. સામે પાકિસ્તાન છે તો ઘરમાં ભારતના ટુકડા કરવાનાં સપનાં જોનારી કમ્યુનિસ્ટ ગેંગ છે. એટલે જ ભારતે તો બંને મોરચે લડવાનું છે. આ દેશમાં જેમ વીરોની એક પરંપરા રહી છે એમ વિશ્વાસઘાત અને ડરપોકપણાની પણ શરમજનક પરંપરા રહી છે. આપણો ઇતિહાસ આપણને લડવાનું શીખવે છે, ઘૂંટણિયે પડવાનું નહીં, નક્કી આપણે કરવાનું હોય કે લડવું છે કે ઘૂંટણિયે પડવું છે! એમાંથી જ આપણે વિજયીની પરંપરાનો પાયો રચાય છે.

  • આ દેશમાં જેમ વીરોની એમ ડરપોકો અને ગદ્દારોની પણ શરમજનક પરંપરા રહી છે

ઇતિહાસ તરફ એક દૃષ્ટિ દોડાવો. હજારો વર્ષથી ભારત દરેક પ્રકારના આઘાત અને વિશ્વાસઘાત સહન કરીને પણ ખડકની જેમ આજે પણ દુનિયામાં પોતાનું અપ્રતિમ સ્થાન જાળવી શક્યો છે. તેણે તેની સંઘર્ષયાત્રામાં ક્યારેય આંસુ સારીને બેસી રહેવાનું પસંદ કર્યું નથી. તે કદાચ નમ્યો, હાર્યો કે દબાયો હશે, પરંતુ પુનઃ વિજયી બનીને બહાર આવ્યો. આમ છતાંય તેનામાં એક નબળાઈ રહી ગઈ. એણે દુશ્મનોનો છેક અંત સુધી પીછો કરી તેનો સર્વનાશ કર્યો નહીં. દુશ્મનોની દયાજનક સ્થિતિ થતાં જ એના પર કરુણા વરસાવી. આ માનસિકતાને ‘પૃથ્વીરાજ ચૌહાણની માનસિકતા કહી શકાય?’ દુશ્મનોને પરાજિત જરૂર કરવા, પરંતુ તેનો વિનાશ નહીં. હાથ જોડ્યા એટલે છોડી દો! દુશ્મન હારવા માંડે એટલે આપણે સહજ દયાભાવનાને કારણે એને જવા દીધો. પરિણામ? દુશ્મન હાર્યો પછી એણે ફરી ઘા કર્યો. પીઠ પાછળ ઘા કરનારા ગદ્દારોના હાથે આપણે ઘાયલ થતા રહ્યા. આપણે આદર્શોમાં ખોવાયેલા રહ્યા. આક્રમણખોર વિશ્વાસઘાત, લૂંટફાટ અને પાશવી બર્બરતા આચરી શકે છે એનો વિચાર સુધ્ધાં આપણે કર્યો નહીં. આપણે માર ખાતા જ રહ્યા. વર્તમાન સંઘર્ષયાત્રામાંથી કોઈ બોધપાઠ લેવો હોય તો એ જ કે આપણે પૃથ્વીરાજ ચૌહાણની માનસિકતામાંથી મુક્ત થવું રહ્યું.
કનૈયાલાલ મુનશીએ ‘જય સોમનાથ’માં આલેખેલું ‘શિવરાશિ’નું વ્યક્તિત્વ હૃદયમાં કાંટાની જેમ ભોંકાઈ જાય એવું છે. ભારતના પરાજયમાં ‘શિવરાશિ’ના વિશ્વાસઘાતે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઇતિહાસના અનેક વળાંકો પર આવા જ ‘શિવરાશિઓ’ દેશને દગો દેતા રહ્યા છે. સોમનાથ મંદિરના પરમ ભટ્ટારક ગુરુદેવનો સંસાર પ્રસિદ્ધ આ પરમ શિષ્ય મંદિરનો મુખ્ય પુજારી બનવાનો હતો. એની વિદ્વત્તા, જ્ઞાન અને નિષ્ઠાની સર્વત્ર બોલબાલા હતી. વર્ષોથી તે ધર્મસાધનામાં મગ્ન હતો. તેના હૃદયના કોઈ એક ખૂણામાં મહત્ત્વાકાંક્ષાનો અગ્નિ પ્રજ્વલિત હતો. મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પરના સંભવિત આક્રમણના પ્રતિકાર માટે મહારાજ ભીમદેવે સમસ્ત હિન્દુ રાજ્યોની સેનાઓ ભેગી કરી સોમનાથ બહાર સુસજ્જ રાખી હતી. એ જ સમયે શિવરાશિએ ગઝનીને ગુપ્ત સુરંગનો માર્ગ દેખાડી મંદિરની અંદર લઈ આવ્યો. શિવરાશિને ઇનામ શું મળ્યું? એટલું જ કે ગઝનીએ સૌથી પહેલાં શિવરાશિના આરાધ્ય દેવના શિવલિંગને જ તોડી પાડ્યું. એ પછી શિવરાશિ કૂતરાના મોતે મર્યો. હિન્દુ સમાજે ઇતિહાસના આવા કેટલાય નાજુક વળાંકો પર હંમેશાં આવા જ શિવરાશિઓના કારણે પરાજય વેઠવો પડ્યો છે. થોડીક પ્રસિદ્ધિ, થોડોક વૈભવ, નાનું અમસ્તું રાજ્ય ભોગવવાની લાલસા. આટલી અમથી બાબતો ગમે તેને શિવરાશિ, જયચંદ કે મીરજાફર બનાવી દે છે! એમનું પોતાનું તો ભલું થતું નથી, પરંતુ નુકસાન સમગ્ર રાષ્ટ્રને થાય છે. સમાજ કે રાષ્ટ્રના સામૂહિક હિતને બદલે વ્યક્તિગતહિત આકાર લેવા માંડે છે ત્યારે વ્યક્તિ જયચંદ બની જાય છે. ભારતે આજે પણ જયચંદ અને શિવરાશિથી માત્ર સાવધાન જ નથી રહેવાનું, પણ આ માનસિકતાને કચડી પણ નાખવી પડશે.
[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી