સોિશયલ નેટવર્ક / બુદ્ધુ નહિ પરંતુ બુદ્ધ બનો!

article by kishor makvana

કિશોર મકવાણા

Mar 04, 2019, 04:24 PM IST

બુદ્ધ મૂળ નામ સિદ્ધાર્થ. આજથી 2500 વર્ષ પહેલાં. રાજાનો કુંવર. દુ:ખ-પીડા, મરણ, વ્યાધિ જોઈ રાજપાટ બધું જ છોડી દીધું. તમે છોડો ક્યારે? જ્યારે આપણી પાસે કશુંક હોય. સુખ-સાહ્યબી-ધનદૌલત છોડવા માટે પણ નૈતિક હિંમત જોઈએ. સલામતીના કોચલામાંથી બહાર આવવાની તાકાત જોઈએ. રાજપાટ, સંસાર – બધાનો સિદ્ધાર્થે 29 વર્ષની ઉંમરે ત્યાગ કર્યો. એ ત્યાગ મહાત્યાગ થયો અને એ બોધિવૃક્ષના છાંયામાં બુદ્ધ થયા. આપણા પ્રત્યેકમાં પણ એક સિદ્ધાર્થ તો વસેલો જ હોય, પણ એને બહાર લાવવો બહુ અઘરો છે. જોકે, એક અવસ્થા એવી આવે છે કે તમામ અર્થો વ્યર્થ લાગે છે. વ્યર્થતાનો આ અનુભવ સિદ્ધાર્થને બુદ્ધ બનાવે છે. બુદ્ધે પોતાને જે સૂઝી તે વાત પોતાની રીતે કરી જે આજના યુગમાં પણ તરોતાજા છે, વાસી નથી થઈ. કદાચ એવું છે કે આજના યુગમાં એની વિશેષ ખપ છે.

  • માન્યતાઓનાં પાંદડાંઓને ખંખેરી નાખશો તો ચૈતન્યની વસંતમાં સત્યની કૂંપળ ફૂટ્યા વિના નહીં રહે

બુદ્ધ થવું એટલે જાગૃત થવું. ઝંકૃત થવું. પહેલી વાત તો બુદ્ધ એ કહે છે કે તમે જે સાંભળ્યું છે એને માની ન લેશો. લોકોને તો બોલવાની ટેવ છે. બોલવા ખાતર બોલે છે. ફિલ્મની પંક્તિ યાદ આવે છે: કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના. દરેક માણસના જીવનમાં અજ્ઞાનનો અંધકાર હોય છે, પણ જ્ઞાનનો પ્રકાશ દૂર નથી હોતો, બસ આપણે જાગૃત રહેવું પડે! મથામણ કરવી પડે! ટૂંકમાં, બુદ્ધ કહે છે કે આંખો મીંચીને કોઈ વાત માની ન લો! સાંભળેલું બધું જ માની ન લેવાય. બેકાર વાતોનો ત્યાગ કરવો જોઈએ. લોકો બોલવામાં બેદરકાર હોય છે. માણસે પોતાના અનુભવની પ્રતીતિને આધારે પોતે જીવવાનું છે. કોઈના ઉછીના શબ્દોથી જિવાય નહીં. મોટા ભાગના ઉછીના વિચારે જીવે છે. એમાંય વોટ્સએપિયા વિદ્વાનોથી તો તોબા. એક રીતે તો પારકા વિચારે જીવનારો આ ‘બુદ્ધુ વર્ગ’ છે. બુદ્ધ તો ભાવપૂર્વક ને ભારપૂર્વક કહે છે કે ‘ડૂ નોટ બિલીવ’ - કોઈની સાંભળેલી વાતને માનશો નહીં. અભિપ્રાયોને મચક ન આપશો. તમારા જ અનુભવોમાંથી પ્રગટેલા સિદ્ધાંતોને સંકલ્પથી વળગી રહેજો. તો તમે તમારી ખુદ જાતથી કદીયે અળગા થશો નહીં. બુદ્ધ માત્ર આટલું કહીને થંભ્યા નથી. કેટલીયે પેઢીઓની એક પરંપરા વહી આવે છે. આ બધી પરંપરામાં પણ માનવા જેવું નથી. પરંપરાના પ્રવાહમાં તણાઈ ન જવાય. એકની એક વાત – જૂઠી હોય – તો પણ સતત પુનરાવર્તનને કારણે –પરંપરાની ટેવને કારણે સાચી બની જાય છે. કોઈકના લખેલામાં પણ પડવા જેવું નથી. નિવેદન બીજાનું છે. સંવેદન પોતાનું છે. પોતાનું સંવેદન શું કહે છે એ મહત્ત્વની વાત છે. બીજાઓ જે કહે છે એના પડઘાથી ક્યાં સુધી રમ્યા કરીશું? એટલે તો બુદ્ધે કહ્યું કે તું જ તારો દીપક થા અને એના અજવાળે આગળ વધ. પારકા દીવે ન જિવાય. ગાંધીજીએ જેને અંતરાત્માનો અવાજ કહ્યો એ અવાજને જ સાંભળવા જેવો છે. બીજાનાં ઢોલ-નગારાં, ઝાંઝ-પખવાજ બધું જ ભૂલી જવા જેવું છે. કોઈની અટકળના ઓશિયાળા ન થવાય, કોઈના તરંગ, તુક્કા કે કલ્પનામાં ફસાઈ ન જતા. કોઈ તમને સાર તારવીને આપે તો એને સીધેસીધો સ્વીકારાય નહીં. અનુભવથી મોટી કોઈ ચીજ નથી.
કોઈ તમારાથી ઉંમરમાં મોટો હોય તો એને આદર ભલે આપો, પણ એનું કહેલું માનવું જરૂરી નથી. બધું જ તમારે તમારી જાતે પ્રમાણવાનું છે.
થોડીક તો તકેદારી રાખો. પાત્ર કે પરિસ્થિતિનું પૂરેપૂરું નિરીક્ષણ કરો. પૃથક્કરણ કરો. તમારો અને એનો વિચારમેળ મળે તો જ સત્યને સ્વીકારો. સત્ય એવું હોય કે જે માત્ર તમને પોતાને લાભ ન આપે, પણ જગતના હિતમાં સત્યને ચારેબાજુથી જોઈને, ભીતરથી ઠરીને પામવાનું હોય છે અને પળેપળે જીવવાનું હોય છે.
તમે સહેજ ઊંડા ઊતરજો. વિચાર કરજો કે તમે કેટકેટલી માન્યતાઓથી ઘેરાયેલા છો. અટકળોમાં અટવાયેલા છો. પાનખર આવે ને વૃક્ષ પોતાનાં તમામ પાંદડાં ખંખેરી નાખે એમ તમે જો આવી માન્યતાઓનાં પાંદડાંઓને ખંખેરી નાખશો તો ચૈતન્યની વસંતમાં સત્યની કૂંપળ ફૂટ્યા વિના નહીં રહે. મોટા ભાગના આપણે બધા આંધળા છીએ અને મેઘધનુષનું વર્ણન સાંભળી રાચીએ છીએ.
કબીરે બહુ સરસ વાત કરી છે:
‘ના મૈં કહતા, ના મૈં સુનતા,
ના મૈં સેવક, સ્વામી હો,
ના મૈં બંધા, ના મૈં મુક્તા,
ના નિર્બંધ સરબંગી હો.
ના કાહૂસે ન્યારા હુવા,
ના કાહૂકો સંગી હો,
ના હમ નરક લોક કો જાતે,
ના હમ સરગ સિધારે હો.
સબહી કરમ હમારા કિયા
હમ કર્મનતે ન્યારે હોય,
યા મત કો કોઈ બિરલા બૂઝે
સો સતગુરુ હો બૈઠે હો.
મત કબીર કાહૂ કો થાપૈ
મત કાહુ કો મેંટે હો.
કબીર કહે છે કે હું કશું કહેતો નથી. હું કશું સાંભળતો નથી. બધું સાંભળવા જેવું કે કહેવા જેવું હોતું પણ નથી, જે કહેવા જેવું હોય છે તે અત્યંત સૂક્ષ્મ હોય છે. ઘોંઘાટના ઘાટ પર કશું કહેવાનું પણ નથી હોતું અને કશું સાંભળવાનું પણ નથી હોતું. હું કોઈનો સેવક પણ નથી ને હું કોઈનો સ્વામી પણ નથી. હું ની વાત કરે છે ને એ વાત પર છેકો પણ મારે છે. હું કોઈના બંધનમાં નથી કે નથી કોઈથી બંધાયેલો. હું મુક્ત પણ નથી. આમ, હું યુક્ત પણ નથી અને મુક્ત પણ નથી. તો કોઈ એમ માની ન લે કે હું શરીરધારી છું. હું શરીરધારી પણ નથી. દેહ છતાં વિદેહની ભૂમિકા હોય તો કહેવાનું શું, બોલવાનું શું, સાંભળવાનું શું? હું કોઈથી અળગો પણ નથી.

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી