સોશિયલ નેટવર્ક / પ્રાણથી પણ પ્યારી આપણી માતૃભૂમિ

article by kishor makvana

કિશોર મકવાણા

Feb 24, 2019, 05:35 PM IST

40 વીર જવાનોએ આપણી માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, તો એમની શહાદત પર અત્યારે સમગ્ર દેશ એક સ્વરમાં ‘ભારતમાતા કી જય’ બોલી રહ્યો છે. શતાબ્દીઓથી ભારત પર વીરપુત્રો આપણી પ્રિય માતૃભૂમિ માટે પોતાના પ્રાણની આહુતિ અર્પણ કરતા રહ્યા છે. ચાહે પરદેશી આક્રમણો હોય કે દેશની સરહદો સાચવવાની હોય કે સ્વતંત્રતા આંદોલન હોય, આ દેશના વીરપુત્રોએ પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે. તો આ માતૃભૂમિ છે શું? શું એ કેવળ જમીનનો ટુકડો છે? ના, એ ભારતવાસી માટે જીવનદાયિની છે. ભારતમાં મા અને માતૃભૂમિને પાવન ગણવામાં આવી છે. દેવોએ પણ એનું ગૌરવ કરતાં ગાયું છે:
ગાયન્તિ દેવાઃ કિલ ગીતકાનિ
ધન્યાસ્તુ યે ભારતભૂમિ ભાગે |
સ્વર્ગાપવર્ગાસ્પદ હેતુભૂતે
ભવન્તિ ભૂયઃ પુરુષાઃ સુરત્વાત્ ||
અર્થાત્ સ્વર્ગ અને મોક્ષની પ્રવેશદ્વાર એવી આ ભારતભૂમિમાં જન્મેલા દેવો કરતાં પણ શ્રેષ્ઠ છે એમ દેવો ગીત ગાઈ રહ્યા છે.
મહાયોગી અરવિંદે કહ્યું છે કે આ ભૂમિ દિવ્ય એવી વિશ્વજનનીનો આવિષ્કાર છે. એ જગન્માતા, આદિશક્તિ, મહામાયા, મહાદુર્ગાનાં દર્શન કરી શકાય, તેનું પૂજન કરી શકાય એ માટે જ તેણે આ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું છે.
કવિ રવીન્દ્રનાથ ઠાકુરે એની સ્તુતિ આ શબ્દોમાં કરી છે – ‘અયિ ભુવનમનમોહિની,
નીલ સિન્ધુજલધૌત ચરણતલ.’
બંકિમચંદ્રએ ‘વંદે માતરમ્’ અમર ગીતમાં એને વંદન કરતાં કહ્યું છે –
‘ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી.’
અર્થાત્ દસ આયુધો ધારણ કરનાર દુર્ગા તું જ છે. હજારો તરુણોને આઝાદી માટે હસતાં મોંએ ફાંસીના માંચડે ચઢવાની પ્રેરણા આ જ ગીતે આપી છે. અતિ પ્રાચીન કાળથી આ ભૂમિ આપણી ભારતમાતા છે. અથર્વવેદના ભૂમિસૂક્તમાં એક શ્લોકનો ભાવાર્થ છે: ‘સત્યનિષ્ઠા, વિસ્તૃત યથાર્થ બોધ, દક્ષતા, ક્ષાત્રતેજ, તપશ્ચર્યા, બ્રહ્મજ્ઞાન અને ત્યાગ-બલિદાન આ ભાવ ભૂમિ અથવા માતૃભૂમિનું પાલનપોષણ અને સંરક્ષણ કરે છે. ભૂતકાળમાં થઈ ગયેલા અને ભવિષ્યમાં થનારા તમામ જીવોનું પાલન કરનારી માતૃભૂમિ આપણને વિશાળ સ્થાન પ્રદાન કરે.’
કેટલાક લોકો કહે છે કે માતૃભૂમિ એટલે શું એની ભારતીયોને ખબર જ નહોતી. આ દેશના લોકો તો અંદર અંદર લડનારા અનેક જ્ઞાતિઓમાં વિભાજિત થયેલા હતા. માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા, અર્થાત્ દેશભક્તિ તો તેઓ જાણતા જ નહોતા. આપણા રાષ્ટ્રીય માનસમાં આવી કલ્પનાઓ કેવી રીતે આવી? પોતાનો સામ્રાજ્યવાદી ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે ધૂર્ત અંગ્રેજોએ આ પ્રપંચી પ્રચાર શરૂ કર્યો. એને પરિણામે દેશભક્તિ અને માતૃભૂમિની અખંડતાના બોધનો લોપ થવા લાગ્યો.વાસ્તવમાં પાશ્ચાત્ય લોકોને કપડાં પહેરવાનું ભાન આવે એની યે બહુ પહેલાં આપણે એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં હતા. ‘પૃથિવ્યાઃસમુદ્રપર્યન્તાયાઃ એકરાષ્ટ્ર’ (સમુદ્ર પર્યન્તની પૃથ્વી એ એક રાષ્ટ્ર છે) કન્યાકુમારીથી હિમાલય સુધી – આ સેતુ હિમાલય – એવી જ અનેક યુગોથી આપણી માતૃભૂમિ વિશેની ધારણા બનેલી છે. આપણા પૂર્વજોએ તો કહ્યું છે–ઉત્તરં યત્સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ્ |
વર્ષં તદ્ ભારતં નામ ભારતી યત્ર સંતતિઃ ||
(સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે ભૂમિ આવેલી છે તેને ભારત કહે છે અને તેનાં સંતાનોને ભારતી કહે છે.)
હિમાલય પર્વતની માત્ર દક્ષિણે આવેલો જ નહીં, પરંતુ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચારે બાજુ ફેલાયેલી તેની બધી શાખાઓ, ઉપશાખાઓ અને તેમની વચ્ચે આવેલી ભૂમિ પહેલેથી જ આપણી માતૃભૂમિ છે. આપણા મહાન કવિ કાલિદાસે હિમાલયનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે –
અસ્ત્યુત્તરસ્યાં દિશિ દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજઃ |
પૂર્વાપરૌ તોયનિધિવગાહા સ્થિતઃ પૃથિવ્યાઃ ઇવ માનદણ્ડઃ ||
(ઉત્તરમાં દેવતાત્મા પર્વતરાજ હિમાલય પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર સુધી પોતાના બાહુ પસારીને પૃથ્વીનો માનદંડ બનીને ઊભો છે.)
આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે –
હિમવત્સમુદ્રાન્તરમુદીચીનં યોજનસહસ્રપરિમાણમ્ |
(સાગરની ઉત્તરે હિમાલય સુધી એક હજાર યોજન લંબાઈનો આ દેશ છે.)
કવિ કાલિદાસ અને આચાર્ય ચાણક્યનાં વર્ણન પરથી એ સમયે આપણી માતૃભૂમિ કેટલી વિશાળ હતી એનું ચિત્ર આપણી દૃષ્ટિ સમક્ષ ખડું થાય છે. આપણું લાલનપાલન, ભરણપોષણ કરનારી આ માતૃભૂમિ પૂજનીય છે એમ અનેક રીતે કહેવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે આવી પ્રિય માતૃભૂમિ પર કોઈ હુમલો કરે તો એ આપણા માટે અસહ્ય છે.

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી