સોશિયલ નેટવર્ક / લઘુતાગ્રંથિમાંથી પ્રગટતો અહંકાર

article by kishor makvana

કિશોર મકવાણા

Feb 17, 2019, 02:59 PM IST

અહમ્, અહંકાર, અભિમાન, ગર્વ, દર્પ – આ બધાનો એક જ અર્થ છે કે અહંને કારણે વ્યક્તિના જીવનમાં અનર્થ ઊભો થાય છે. માણસ અહંના ખ્વાબમાં રાચતો રહે છે. માણસનો અહંકાર જુદી જુદી રીતે આવિષ્કાર પામતો હોય છે. કોઈ કેવળ ધનને કારણે પોતાના વૈભવનો દેખાડો કરીને અહમનું વરવું પ્રદર્શન કરતો હોય છે. ધન એટલે સત્તા અને એની મહત્તા. કેટલાકને કીર્તિનો નશો હોય છે. કેટલાકને રૂપ, પદ અને પદવીનો નશો હોય છે. ખુરશીના પાયા કાયમ કોઈના ટકતા નથી અને આમ જ્યારે અહમ્ ઘવાય છે ત્યારે એ ઘવાયેલા પશુની જેમ જગતના જંગલમાં હતાશ થઈને ફરે છે.

  • સૂક્ષ્મ અહંકાર તો માણસને વધુ ને વધુ દંભી બનાવે છે અને માણસને આવા ઢોંગથી જીવવાની આદત પડી ગઈ હોય છે

કેટલાકને પોતે ધાર્મિક છે અને આધ્યાત્મિક છે એવું દેખાડવાની ગુપ્ત-સુપ્ત લાલસા હોય છે. આ એક સૂક્ષ્મ અહંકાર છે. સૂક્ષ્મ અહંકાર તો માણસને વધુ ને વધુ દંભી બનાવે છે અને માણસને આવા ઢોંગથી જીવવાની આદત પડી ગઈ હોય છે. એક વાર્તામાં એવું પાત્ર છે કે જેને પ્રથમ પુરુષ એકવચનમાં જ રસ છે. દરેક બાબતમાં પોતાનો નંબર પહેલો હોવો જોઈએ એવો એનો આગ્રહ, દુરાગ્રહ હોય છે. એને હંમેશાં લોકોને કહેવું છે કે મારા જેવું કોઈ નથી અને હું જે કંઈ છું તે મારે લીધે છું. આ એક પ્રકારનો ફાંકો છે. કેટલાક સફળ માણસો એક ગાણું ગાય છે કે આ બધાને આગળ લાવનાર હું જ છું. માણસે એટલું સમજી જવું જોઈએ કે આપણા હોવાથી જગત સધવા નથી અને આપણા જવાથી જગત વિધવા થતું નથી. અહમ્ મોટે ભાગે લઘુતાગ્રંથિમાંથી પ્રગટે છે. માણસનો મોટા ભાગનો સમય એ જે નથી તે દેખાડવામાં જાય છે. કેટલાક માણસને હું નમ્ર છું એનો પણ અહમ્ હોય છે.
આપણે પૌરાણિક કથાઓ વાંચીએ કે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે એમાં કેવળ કથારસ જ નથી, પણ જીવનનાં ગહન સત્ય એમાં અર્થગર્ભ અને અર્થપૂર્ણ રીતે સંકળાયેલાં છે.
શુંભ અને નિશુંભ નામના બે દાનવોની વાત છે. બન્ને ભાઈઓ છે અને બન્ને વચ્ચે પ્રેમ છે. બન્નેને વરદાન છે કે એમને કોઈ મારી શકે એમ નથી સિવાય કે એકમેક જો ઝઘડે અને બેમાંથી કોઈ કોઈને મારે તો! એ પણ શક્ય નથી, કારણ કે બન્ને વચ્ચે પ્રેમ છે. કોઈ તકરાર નથી.
શુંભ અને નિશુંભ મૂળ તો દાનવો. એમાં પાછો મરણનો ભય પણ નહીં. છકીને છાકટા થઈ ગયા. ચારે બાજુ હાહાકાર મચાવી દીધો. પ્રજા થાકી ગઈ. છેવટે પ્રજા પહોંચી વિષ્ણુ પાસે. વિષ્ણુએ ઉપાયની ખાતરી આપી. વિષ્ણુએ સ્ત્રીનું સ્વરૂપ લીધું અને નામ રાખ્યું મોહિની. જેવું નામ તેવું જ રૂપ. મોહિનીને જોઈને માત્ર પુરુષો નહીં, પણ પ્રકૃતિનાં તત્ત્વો પણ પાગલ પાગલ થવા માંડ્યાં.
મોહિની સીધી પહોંચી શુંભ અને નિશુંભ પાસે. બન્નેની વચ્ચે બેઠી. શુંભ અને નિશુંભનું લોહી મોહિનીને ઝંખતું ઊછળવા માંડ્યું. શુંભ કહે, મારે તને પરણવું છે. હજી શુંભ બોલવાનું પૂરું કરે ત્યાં નિશુંભ કહે મારે તને પરણવું છે.
મોહિનીએ કહ્યું કે બંનેને તો એકીસાથે કેમ પરણું? તમારા બેમાંથી જે જીતે તેની સાથે પરણું. બન્ને ભાઈઓ એકમેક સાથે લડ્યા. યુદ્ધ એટલું ચગ્યું કે અંતે બંને એકમેકને હાથે હણાયા.
મોહિની રાજી થઈ ગઈ. એને થયું કે શું મારું રૂપ હશે કે આ બન્ને દાનવો માત્ર મારે માટે લડી મર્યા. પોતાનું રૂપ જોવા મોહિની સરોવર પાસે ગઈ અને પોતાનો ચહેરો જોઈને પોતાના પર મોહી પડી. એને અભિમાન પ્રગટ્યું કે એનું રૂપ જો બે દાનવોને પાગલ કરી શકે તો અન્યનું તો શું ગજું ? થોડી થોડી વારે એ અરીસા જેવા જળમાં પોતાનો ચહેરો જોયા કરે અને પોતે જ પોતા પર મોહ્યા કરે. અરીસાને આપણે દર્પણ કહીએ છીએ. દર્પ એટલે અભિમાન. જે પોતાના અભિમાનને પોષ્યા કરે, જે આપણા અહંની આરતી ઉતાર્યા કરે તે દર્પણ.
આમ, માણસને મારી નાખનારું તત્ત્વ, એને ભુલાવાના ચકરાવામાં નાખનારું તત્ત્વ અહમ્ છે. પોતાને મરણ નથી એનું બે દાનવોને અભિમાન હતું. વિષ્ણુ જેવા વિષ્ણુ સ્ત્રી થયા પછી મોહિની સ્વરૂપ ધારણ તો કર્યું, પણ પોતે જ પોતાનું અસલ વિષ્ણુ સ્વરૂપ ભૂલી ગયા અને પોતે જ પોતાના પ્રેમમાં ડૂબી ગયા. એક બાજુ દાનવ છે તો બીજી બાજુ વિષ્ણુ જેવા દેવ છે. અહંનું મરણ એ જ સાચું મરણ. જીવતેજીવ જે માણસ અહંને જીવનવટો આપે છે એ માણસ તરી જાય છે.
આપણી ભીતર દાનવ રૂપે અને મોહિની જેવા આકર્ષક રૂપે અહમ્ જીવે છે. આપણે જો એની સત્તાને અને મહત્તાને ઓળંગી જઈએ તો દાનવીય દ્રોહમાંથી અને મોહિનીના મોહમાંથી છૂટી માણસ તરીકે સ્વમાનપૂર્વક જીવી શકીએ.

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી