સોશિયલ નેટવર્ક / લગ્ન, વિયોગ અને મૃત્યુ

article by kishor makvana

કિશોર મકવાણા

Feb 10, 2019, 12:49 PM IST

રવીન્દ્રનાથ ટાગોર પ્રખર રાષ્ટ્રભક્ત, વિશ્વકવિ અને પ્રકૃતિમય, પણ એમનું દાંપત્યજીવન સાવ અનોખું હતું. એમના પરિવારમાં વંશપરંપરાગત બાળવિવાહની પરંપરા ચાલી આવતી હતી. તેમના પિતા અને દાદાના પણ બાળવિવાહ થયેલા. રવીન્દ્રનાથનાં લગ્ન માત્ર 10 વર્ષની કન્યા સાથે કરવામાં આવ્યાં હતાં. રવીન્દ્રનાથે પણ પોતાનાં પુત્ર-પુત્રીઓનાં લગ્ન સગીરવયે કર્યાં હતાં. રવીન્દ્રનાથ પોતે બાળવિવાહ અને તેનાથી ઊભી થતી મુશ્કેલીઓ જાણતા હતા, પરંતુ તેમના પરિવારની વર્ષોની પરંપરા, તેમના પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવાના હેતુથી કદાચ વિરોધ કરવાનો ટાળ્યો, પણ પછીથી એમણે બા‌ળવિવાહથી ઊભી થતી મુશ્કેલીઓને લઈને પોતાના વિચારો ‘નષ્ટ-નીડ અને ‘ચોખેરબાલી’ જેવી કથાઓમાં વ્યક્ત કર્યા પણ હતા.

  • રવીન્દ્રનાથ પ્રેમાળ પતિ અને એક આદર્શ પિતા હતા, પરંતુ સમયાંતરે થયેલાં સંતાનોનાં મૃત્યુ તેમના લગ્નજીવનનાં ડરામણાં સ્વપ્ન બની ગયાં

એ સમયે બાળલગ્નની પરંપરા સમાજમાં કઈ હદે જડ બની ગઈ હશે તે રવીન્દ્રનાથના પોતાના શબ્દોમાં: ખબર છે, એકવાર એક પરદેશી એટલે કે બીજા પ્રાંતની કન્યા સાથે મારાં લગ્નની વાત ચાલી હતી. તે એક પૈસાદાર માણસની છોકરી હતી મોટા જમીનદારની. સાત લાખ (આજે તો એ કરોડાે રૂપિયા થાય) રૂપિયાની વારસદાર હતી. અમે બે-ચાર જણા કન્યાને જોવા ગયા. ત્યાં નાની ઉંમરની સ્ત્રીઓ આવીને બેઠી. એક તદ્દન સીધીસાદી હતી, જડભરતની પેઠે એક ખૂણામાં બેસી રહી અને બીજી જેવી સુંદર તેવી જ ચપળ હતી.

સહેજ પણ જડતા નહોતી. અંગ્રેજી ઉચ્ચાર વિશુદ્ધ હતા. પિયાનો પણ સારી રીતે વગાડ્યો. ત્યાર પછી સંગીત વિશે વાતચીત શરૂ થઈ. મેં વિચાર કર્યો, આમાં કંઈ કહેવા જેવું નથી. હવે તો મળે એટલે ગંગા નહાયા! એવામાં ઘરધણી અંદર આવ્યા. ઉંમર થઈ હતી, પણ માણસ શોખીન હતા. અંદર આવતાંવેંત જ તેમણે સ્ત્રીઓનો પરિચય કરાવ્યો. પેલી સુંદર સ્ત્રીને બતાવીને કહે, હિયર ઇઝ માય વાઇફ (આ મારી પત્ની) અને પેલી જડભરતને બતાવીને કહે, હિયર ઇઝ માય ડોટર (આ મારી પુત્રી). અમને તો શું કરવું એ જ સૂઝે નહીં. એકબીજાનાં મોઢાં સામે જોતા રહ્યા. અરે! આમ જ હતું તો નકામા અમને બોલાવીને ફજેત શું કરવા કર્યા? જવા દો, પણ પછીથી મજાકમાં આ પ્રસંગને યાદ કરતાં તેમણે લખ્યું: હવે કોઈ વાર પસ્તાવો થાય છે. ગમે તેમ લગ્ન થયાં હોત તો શું વાંધો હતો? છોકરી ભલેને ગમે તેવી હોય, સાત લાખ રૂપિયા હોત તો વિશ્વભારતી માટે આટલી દોડધામ કરવી ન પડત.’

રવીન્દ્રનાથ પ્રેમાળ પતિ અને એક આદર્શ પિતા હતા, પરંતુ સમયાંતરે થયેલાં સંતાનોનાં મૃત્યુ તેમના આનંદમય લગ્નજીવનનાં ડરામણાં સ્વપ્ન બની ગયાં. દેવેન્દ્રનાથનાં પત્નીનાં મોટાં કાકીએ જેસોરના પિરાલી બ્રાહ્મણ વેણીમાધવનું ઘર બતાવ્યું. વેણીમાધવ ટાગોર કુટુંબના જેસોર એસ્ટેટમાં કર્મચારી હતા. તેમની 10 વર્ષની દુબળી-પાતળી, દેખાવે સામાન્ય અને અભણ ભવતારિણીને ભાભીઓએ રવીન્દ્ર માટે પસંદ કરી હતી. 9 ડિસેમ્બર, 1883ના દિવસે રવીન્દ્રનાથનાં લગ્ન ભવતારિણી દેવી સાથે થયાં. તેમના પરિવારની એક પ્રથા હતી કે લગ્ન કરીને સાસરે આવતી વહુનું નવું નામ પાડવામાં આવતું. તેમનાં પત્ની ભવતારિણી દેવીનું મૃણાલિની દેવી નામ પાડવામાં આવ્યુુંં. આમ તો રવીન્દ્રનાથે આ લગ્ન માત્ર પિતાની આજ્ઞા થતાં કર્યાં હતાં. સમય જતાં રવીન્દ્રનાથે પોતાના પત્નીને હૃદયથી સ્વીકારી લીધાં. લગ્ન પછી મૃણાલિની દેવી ભણેે તે માટે રવીન્દ્રએ ઘણા જ પ્રયત્નો કર્યા.

દંપતી વચ્ચેનો પ્રેમ પણ અદ્્ભુત હતો. ઈ.સ. 1890ના અંત ભાગમાં રવીન્દ્રનાથ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા. પ્રવાસના લાંબા વિયોગમાં તેમણે પત્નીને સ્નેહથી ભરપૂર ઘણા પત્રો લખ્યા. મૃણાલિની દેવી માટે પતિએ લખેલા આ પત્રો મૂલ્યવાન ઘરેણાં જેવા હતા. બાળકોનાં ભણતર માટે તેમણે ઘરે જ શિક્ષકોની વ્યવસ્થા કરી હતી. બંગાળી પોતે જ શીખવતા. ભારતની સાંસ્કૃતિક ધરોહર સાથે બાળકો જોડાયેલાં રહે એવું એ ઇચ્છતા હતા.

શિલાઇદહમાં પસાર કરેલાં આ 4 વર્ષ દરમિયાન બાળકો સાથેના સહવાસથી જ તેમને શિક્ષણસંસ્થા ઊભી કરવાનો વિચાર જન્મ્યો. ભારતીય આદર્શોને અનુરૂપ એક એવી સંસ્થાનું નિર્માણ કરવું જે શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય. તેમણે શાંતિનિકેતનની સ્થાપના કરી અને પરિવાર સાથે ત્યાં જ આવીને વસ્યા, પરંતુ શાંતિનિકેતનમાં આવ્યા પછી મૃણાલિની એક ગંભીર બીમારીમાં પટકાયાં ને શરીર છોડી દીધું. પત્નીનાં મૃત્યુનો આઘાત તેમના માટે અસહ્ય બની રહ્યો. એ પછી ટૂંક સમયમાં જ તેમનો ‘સ્મરણ’ના નામે એક કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો, એ તેમણે પત્નીને અર્પણ કર્યો. સ્મરણમાં કવિએ પ્રિયજનના મૃત્યુથી થતી વેદનાને સાંગોપાંગ શબ્દદેહ આપ્યો છે.

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી