સોિશયલ નેટવર્ક / નવા વર્ષનો સંદેશ : નવો રસ્તો પકડો

article by kishor makvana

કિશોર મકવાણા

Jan 06, 2019, 07:15 PM IST

આર્ટિફિશિયલ મેસેજની આપ-લે સાથે જ ખ્રિસ્તી નવા વર્ષ 2019નો પ્રારંભ થઈ ગયો. 2018ની જગ્યાએ 2019 લાગ્યું. દિવસ બદલાશે અને બધું યથાવત્ હતું એમનું એમ જ ચાલ્યા કરે છે. સુખ-દુઃખ, પીડા-આનંદ, હર્ષ-શોક, દિવસ-રાત, સૂર્યોદય-સૂર્યાસ્ત આ બધાં જ મનોવલણો-પરિસ્થિતિ એકબીજાની વિરુદ્ધ છે અને એકબીજાના પૂરક છે, એક સિક્કાની બે બાજુ જેવા છે. એને તમે તમારા જીવનથી અલગ ન કરી શકો.

જીવનની તમામ સ્થિતિ પર તમારો સંપૂર્ણ કાબૂ હોતો નથી. આવા વખતે સમતુલા જાળવી શકો તો જ તમે સફળ થઈ શકો અને શાંતિ મેળવી શકો છો

તમે બંને શબ્દમાંથી એકનોય પીછો ન છોડાવી શકો. હા, એના તરફ તમારો જોવાનો દૃષ્ટિકોણ કેવો છે એના પર બધો આધાર છે. તમારે સૂર્યોદયની લાલીમાં જોવા સૂર્યાસ્તને નિહાળવો જ પડે. દુઃખની અનુભૂતિ વિના તમે સુખને ન માણી શકો. વળી, સુખ-દુઃખની વ્યાખ્યા તો વ્યક્તિ-વ્યક્તિએ અલગ હોવાની. દુનિયામાં જેટલા માણસો એટલી સુખની વ્યાખ્યા છે. દરેકની વ્યાખ્યા વ્યક્તિગત રહેવાની. આપણા વડવાઓએ સુખની વ્યાખ્યા આપી, ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ મતલબ શરીર-મન સ્વસ્થ તો તમે સુખી જ છો.

પશ્ચિમે બધું ભોગવવાની વાત કરી છે, આપણે ત્યાં ત્યાગવાની વાત કરી, પણ આજના કોઈપણ માણસને પૂછો તો એની નજરે રૂપિયા, આર્થિક સંપન્નતા, સમૃદ્ધિ, ગાડી-મોટર-બંગલો એવી વ્યાખ્યા કરશે, પણ એક વાત મોટા ભાગના લોકો સ્વીકારશે - ભાઈ, ભૌતિક સુખસગવડ એ સુખની અંતિમ ક્ષિતિજ નથી. પૈસો-ભૌતિક સુખસગવડો આંશિક સુખ છે, પૂર્ણ સુખ નથી.


સુખ એ ગણિતની જેમ એક + એક = બે જેવું નથી. એની કોઈ વ્યાખ્યા જ નથી અને એટલે જ ઘણાને બીજાનું ઘર બાળવામાં સુખ મળે, તો કેટલાકને બીજાના ઘરમાં દીવો કરી, પ્રકાશ પાથરવામાં સુખની અનુભૂતિ થાય. જીવનભર માણસ આવી બે અવસ્થામાંથી કોઈ એકમાં પસાર થતો રહે છે. આપણે એમાંથી બાકાત ન રહી શકીએ. જોવાનું એ છે કે આપણે સુખ કોને કહીએ છીએ.


જીવન હંમેશાં સરળતાથી નથી પસાર થતું. દરેકે મુશ્કેલીઓથી, અવરોધોથી ટેવાવું પડે છે. જીવનમાં એક પાઠ શીખવા જેવો છે કે, એકસામટાં ચાર-પાંચ પગથિયાં ક્યારેય ન ચડવાં. એક-એક પગથિયું પણ પૂરી મક્કમતાથી અને આત્મવિશ્વાસથી ચડવું. સુખનો મંત્ર છે, વિપરીત પરિસ્થિતિ હોય, ચારે બાજુ મુશ્કેલીઓનાં ઘનઘોર વાદળો ઘેરાયેલાં હોય, ત્યારે સામી છાતીએ ટટ્ટાર ઊભા રહો. શ્રદ્ધા ન ગુમાવવી. આ અઘરું છે

. કારણ, તમે કશુંક મહત્ત્વનું કામ કરતા હો ત્યારે નિષ્ફળતાના એવા તબક્કાઓ આવે છે, જ્યાં તમે આશાવિહીન બની જાવ, હતાશ-નિરાશ થઈ જાવ, પરંતુ એક વાત યાદ રાખવી કે, સુખ મેળવવાનો આ જ એક માર્ગ છે. જીવનમાં શાંતિ અને અશાંતિ, સુખ અને દુઃખ વચ્ચે એક તુમુલ યુદ્ધ ચાલ્યા જ કરે છે. આ ચાર અવસ્થામાંથી એકેય પર તમારો સંપૂર્ણ કાબૂ હોતો નથી. આવા વખતે સમતુલા જાળવી શકો તો જ તમે સફળ થઈ શકો અને શાંતિ મેળવી શકો છો.

દુઃખમાં કે નિષ્ફળતાઓ મળે ત્યારે નાસીપાસ થવાને બદલે તે સમયના અનુભવને તમારા જીવનમાં કામે લગાડજો. સફળતા ઉપર સફળતાની ઇમારત નથી ચણાતી. દુઃખ-નિષ્ફળતાઓ રૂપી ભંગાર પર સફળતાની, સુખની બુલંદ ઇમારત ચણાય છે. ઘણીવાર તો દુર્ઘટના પછી જ સુખની અનુભૂતિ થાય છે. જીવનમાં સુખ જોઈએ છે? તો એક જ ચાવી છે – તમારું જે જીવન છે એનાં રોદણાં રડવાનું બંધ કરી, એના પ્રેમમાં પડી જાઓ. સુખ જ સુખ છે. એ જીવન માણવાની મજા જ કંઈક ઓર છે. ‘તારા કામને પ્રેમ કર’ - એવું જીવનમાં સફળ થયેલા લોકો પોતાના અનુભવના આધારે કહે છે. જિંદગીમાં બધાં પાસાં ક્યારેય સવળાં પડતાં નથી. અંધારી ગલીઓમાં ભૂલા પડ્યા પછી માર્ગ મળે, ત્યારે વધારે આનંદ મળે છે.


કામમાં કેવળ રસ લેવો અગત્યનું નથી. તેને સંપૂર્ણપણે સમર્પિત થવું જ પડે. જીવનમાં એક મંત્ર જ તમને સફળ કરી શકે છે – અને એ છે તે મનગમતા કામ પાછળ ‘લગે રહો’. તમને જે કામ ગમતું હોય, તમારા દિલ-દિમાગમાં એ કામ માટે ભડભડતી આગ હોય તો 100 ટકા સમર્પિત થઈ જાવ, પછી જુઓ કેવું સુખ મળે છે!


તમારા કામ પ્રત્યે સમર્પણ ભાવ, ગમે તેવી કપરી સ્થિતિમાં હિંમત ન હારવી અને બીજાને પણ પ્રેમથી સુખમાં ભાગીદાર બનાવો. આ બધાનો સરવાળો જ સફળતા અને સુખ છે. જીવન પ્રત્યે આપણો જોવાનો દૃષ્ટિકોણ બદલીએ તો જીવનમાં ચારે બાજુ સુખની અલૌકિક અનુભૂતિ થાય જ. જીવનમાં શ્રદ્ધા જ તમને જિવાડે છે, શક્તિ આપે છે.

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી