સોશિયલ નેટવર્ક / ક્ષણે ક્ષણ જીવો...

article by kishor makvana

કિશોર મકવાણા

Dec 30, 2018, 06:03 PM IST

એક જણ એમ કહે છે કે રાત વીતી ગઈ. બીજો જણ એમ કહે છે કે સવાર ઊગી. ત્રીજો કહે છે: દિવસને અંતે શું?


આમ જોઈએ તો દેખીતી રીતે ત્રણ જણ એક જ વાત કહે છે, પણ ત્રણેની અભિવ્યક્તિની રીત જુદી જુદી છે. એમની કહેવાની રીતમાં પણ દરેક માણસનો જીવનનો જાણે-અજાણે અભિગમ પ્રગટ થાય છે. રાત વીતી ગઈ એવું જે કહે છે એને ગઈકાલમાં, ભૂતકાળમાં રસ છે. સવાર ઊગી એવું જે કહે છે એને આજમાં અને અત્યારમાં રસ છે. દિવસને અંતે શું? એવો પ્રશ્ન પૂછનારને ભવિષ્યમાં રસ છે. કાળ તો અખંડ છે. આપણે એના ભાગલા પાડ્યા. જે સવાર ઊગી છે એને અત્યારની ક્ષણમાં રસ છે. જીવન ભૂતકાળમાં જીવવાનો વિષય નથી કે ભવિષ્યમાં આળોટવાની વાત નથી. જીવન તો ક્ષણે ક્ષણ જીવવાનું છે.

સમજણની ગંગોત્રી કરુણામાંથી પ્રગટે છે. કરુણા આપણા વિશ્વ સાથેના સંબંધને સુરીલો બનાવે છે

થોડા સમય પહેલાં અવતરણોના સંપાદનની એક ડાયરી હાથમાં આવી. સંપાદનનું નામ હતું ‘પ્રત્યેક દિવસ આપણી મંજિલ છે.’ એમાં વરસના 365 દિવસો માટે રોજનું કોઈક અવતરણ
હતું. આ અવતરણો અનેક વિભૂતિઓનાં, ધર્મ ગ્રંથોનાં હતાં.


જીવનમાં અનુભવને અંતે જે કોઈ સાર હોય એવી રત્નકણિકાઓ એમાં ઉપલબ્ધ હતી. મહાન વિચારો સ્વામી વિવેકાનંદ, ડો. આંબેડકર, ગાંધીજી, સોક્રેટિસ, શ્રી અરવિંદ ઘોષ હોય કે ટાગોર હોય, આઈન્સ્ટાઇન હોય કે એમર્સન હોય, બાઇબલ, ગીતા કે પુરાણ જેવા ગ્રંથ હોય, આ ગ્રંથને પંથે જે કંઇ સારું લાગે એનો સંચય. મધમાખી સેંકડો ફૂલોમાંથી રસ મેળવીને મધપૂડો બનાવે એવી આ ડાયરી.


અહીં તમારી સમક્ષ અવતરણો મૂકું. અવતરણ કોનું છે એના નામની જંજાળમાં ન પડતા. આમ પણ નામ ક્યાં મહત્ત્વનું હોય છે? ભલભલાનાં નામને સમય ભૂંસી નાખતો હોય છે. કાળ કામને કદી ભૂંસી શકતો નથી. બે પંક્તિ યાદ આવે છે:


‘કંઈ કેટલાં નામનો ઊછળે મારે આંગણ દરિયો,
એમાં એક જ નામ તમારું નાવ થઈને મ્હાલે.’


ખરેખર તો બધાં નામો ખંખેરીને ઈશ્વરના નામ સાથે જ અનુસંધાન જોડવું જોઇએ. આપણી પ્રાર્થના એ હોવી જોઈએ કે ઈશ્વર હું જીવું છું ત્યાં સુધી મને કામ આપ. અને મારું કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યાં સુધી જીવન આપ. કર્મ એ જ એકમાત્ર મનુષ્યનું ગર્વ છે. આ કર્મને કારણે મનુષ્યનું આયુષ્ય ઊજળું થતું જાય છે. કર્મ હોય પણ એની પાછળ અહમ્ ન હોય, કર્તાભાવ ન હોય પણ સાક્ષીભાવ હોય. અહંકારનું ઝેર કર્મને ચઢવું ન જોઈએ. ઓમકારનું અમૃત અહંકારની બાદબાદી કરો તો જ પ્રાપ્ત થાય.

જીવનમાં વિકલ્પોમાં પણ એક સંકલ્પ હોવો જોઈએ કે મારે જે સહજપણે મળે એને પ્રાપ્ત કરવું છે. કોઈનું કશું પચાવી પાડવું નથી. ગીધવૃત્તિથી જિવાય નહીં. સહજપણે મળે એનો અર્થ એવો નથી કે માણસે પુરુષાર્થ નથી કરવાનો. સહજપણે મળે એનો અર્થ એટલો જ છે કે કશુંક પ્રાપ્ત કરવા માટે, કશુંક પામવા માટે માણસે ખેંચતાણ ન કરવી જોઈએ. બળજબરીથી મેળવેલું કદીયે ઝાઝી વાર ટકતું નથી. નવલકથાકાર, ચિંતક, ‘દર્શક’નું એક વાક્ય મનમાં કાયમને માટે વસી ગયું છે : ‘આપણું નથી તે કોઈ આપી શકતું નથી અને જે આપણું છે તે કોઈ લૂંટી શકતું નથી.’


શાંતિ પરાણે જાળવી ન શકાય. શાંતિની પ્રાપ્તિ સમજણથી હોય. સમજણ એ કેવળ બુદ્ધિનું પરિણામ નથી. સમજણ હૃદયની હોવી જોઈએ. સમજણની ગંગોત્રી કરુણામાંથી પ્રગટે છે. આ કરુણા આપણા વિશ્વ સાથેના સંબંધને સુરીલો અને સંગીતમય બનાવે છે. જે માણસ પાસે ગણવા માટે કશુંક હોતું નથી. એ માણસ પોતાનાં વર્ષોને ગણે છે. માણસે પોતાનાં કર્મનો પરિપાક બીજાને માટે લણવાનો હોય છે. જમીન પર આળોટવું સહેલું છે પણ શિખર પર પહોંચવું અઘરું છે.

આપણે જેમ જેમ ઊંચે ઊંચે જઈએ છે, તેમ તેમ ઠંડી વધતી જાય છે, અને એની સાથે જવાબદારી પણ. શિખર પર પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું મુશ્કેલ છે. ‘આસન સે મત ડોલ’ની અવસ્થા પર રહેવું જોઈએ. આ અવસ્થા રાગદ્વેષથી પર હોય એવા સ્થિતપ્રજ્ઞ મનુષ્યની હોય છે. સાચા અર્થમાં એને સત્ ચિત્ અને આનંદ પ્રાપ્ત થાય છે.


કર્મયોગીને મન કોઈ કામ નાનું નથી કે મોટું નથી. કોઈ કામ ઊંચું નથી કે કોઈ કામ તુચ્છ નથી. કામ કોઈ પણ હોય, જો એમાં હૃદય, મન, બુદ્ધિ અને આત્મા રેડીએ નહીં તો એ કામમાં જીવ આવે જ નહીં. કોઈ પણ કામ ઉપરછલ્લી રીતે ન કરાય. સમગ્ર ચૈતન્ય રેડવું જોઈએ. મરજીવાને મોતી મળે અને કિનારા પર રહેનારને રેતી, શંખલા અને છીપલાં જ મળે.


ઊંચા અને ઉમદા ધ્યેય વિના કશું જ કોઈને મળતું નથી. કહેવાય છે કે નિશાનચૂક માફ પણ નીચું નિશાન માફ ન કરી શકાય.
ઈશ્વર પાસે જઇએ ત્યારે પણ એનો ઊજળો હિસાબ આપી શકીએ તો જ જીવન સાર્થક.
[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી