આપણી અવળચંડાઈને કેમ અટકાવીશું?

article by kishor makvana

કિશોર મકવાણા

Nov 25, 2018, 12:05 AM IST

જર્મન નવલકથાકાર હરમાન હેસે 8 ઓગસ્ટ, 1962ના દિવસે એટલે કે, મરણના આગલા દિવસે એક કાવ્ય લખ્યું – ‘બટકણી ડાળી પર’. આ બટકણી ડાળી બીજું કંઈ પણ નહીં પણ એમનું જીવન હતું. એમને ખબર પડી ગઈ હતી કે કદાચ આ એમના જીવનનો છેલ્લો દિવસ છે. એમની જીવનકથાના લેખક વોલ્ટર શોરેલે એમને મળવા માટે લખ્યું ત્યારે એમણે પોતાના એકાંતને ખલેલ પહોંચાડવાની ના પાડી હતી. મૃત્યુ પહેલાંના સમયે એમના બારણા ઉપર એક ચાઈનીઝ કવિતા ચોંટાડેલી હતી, જેમાં લખ્યું હતું : ‘જો કોઈ માણસ વૃદ્ધ થાય અને તેણે પોતાનો હિસાબ આપ્યો હોય તો એકાંતમાં મરણ સાથે મૈત્રી બાંધવાનો એને અધિકાર છે.’ બારણાની બહાર ‘નો વિઝિટર પ્લીઝ’નું બોર્ડ હતું. એમના અંગત મિત્ર થોમસ માનને હરમાનને મળવાનું મન થયું. એ ત્યાં ગયા. બહાર આ બોર્ડ જોયું. એમણે નીચે એટલું જ લખ્યું : ‘અચ્છા, ત્યારે ફરી કોઈક વાર – તમારો થોમસ.’

કાળ કોઈની શરમ રાખતો નથી. વહેતા રહેવું એ એનો ધર્મ છે. કાળ વહેતો રહે છે અને આપણે થીજી જતા હોઈએ છીએ અને દુ:ખી થઈએ છીએ

અને આપણે બીજાને ખલેલ પહોંચાડવામાં, બીજાની સળી કરવામાં આનંદ આવે. આપણે જાત જાતના વિચારોથી ખદબદીએ છીએ. આપણે આપણું વિચારવામાંથી બહાર નીકળી શકતા નથી ને આપણી અંદરના અરીસામાં જોઈ શકતા નથી. કોઈ પણ વાત ચાલતી હોય – પણ એમાં ‘મારું શું થશે’ ‘મારું શું?’ ‘મારે શું?’ એ વિચાર પ્રથમ ભરડો લે છે. આપણા ખભા પર ગઈ કાલનું શબ છે અને આપણા મનના ગર્ભાશયમાં આવતી કાલનું નહીં જન્મેલું બાળક છે. આપણા વિચારો પણ પાછા આપણા પોતાના નથી. આપણી પાસે સીમિત જ્ઞાન છે અને અસીમ અજ્ઞાન છે. આપણને તાત્કાલિક સુખ અને આનંદ જોઈએ છે. આનંદ તો મનની સનાતન અવસ્થા છે. આપણે જેને આનંદ કહીએ છીએ એ હકીકતમાં મોજમજા છે. આ મોજમજા એટલે શરીરનો આનંદ. ઈન્દ્રિયોનો ભોગોત્સવ. આ મોજમજા હોય એમાં કશું ખોટું નથી. પણ આપણે રોજ ને રોજ આવી મજાનું પુનરાવર્તન ઝંખીએ છીએ. આ પુનરાવર્તનને કારણે યાંત્રિકતા સર્જાય છે. યાંત્રિકતાને કારણે કંટાળો આવે છે. કંટાળાને કારણે જીવનમાં થાક લાગે છે. થાકને કારણે હતાશા જન્મે છે. જીવનમાંથી રસ ઊડી જાય છે. શેરડીમાંથી રસ કાઢી લીધો હોય પછી કૂચો જ હોય. હવે આપણને એમ થાય કે આ કૂચામાંથી શેરડી ફરી પાછી કેમ બનાવાય? આવી જ ઘટમાળમાં જિંદગી પસાર થાય. ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. કાળ કોઈની શરમ રાખતો નથી. વહેતા રહેવું એ એનો ધર્મ છે. કાળ વહેતો રહે છે અને આપણે થીજી જતા હોઈએ છીએ.


આપણે જો કોઈ કામ પૂરેપૂરી નિષ્ઠાથી ઓતપ્રોત થઈને કરીએ તો એને એક પ્રકારની આધ્યાત્મિકતા જ કહેવાય છે, યોગનો જ એ એક પ્રકાર છે. એકનું એક જ કામ રોજ કરવાનું હોય – અને એમાં જીવ પરોવીએ તો યાંત્રિકતા નહીં લાગે. એકવિધતા ટળી જશે. એકસૂત્રતા સધાશે.


આપણે વેદ, ઉપનિષદ, ગીતા જેવા ધર્મગ્રંથોને પણ પૂર્ણપણે સમજતા નથી અને ધર્મને નામે જુદા જુદા સંપ્રદાયોની સાંકડી શેરીમાં અટવાતા હોઈએ છીએ. ધર્મના નામે નર્યો આડંબર. ધર્મ માનવતા શીખવે છે, પણ આપણી નજરમાં ધર્મ એટલે મારું-તારું! આપણે વાત કરીએ કે પ્રવચનો કરીએ ત્યારે આપણે સમજ્યા વિના મોઢું ભરાઈ જાય એવા અને એટલા મહાન માણસોને ટાંકતા હોઈએ છીએ પણ એમને અખિલાઈમાં કદી પામ્યા નથી હોતા. એમના શબ્દોને ક્યારેય સમજવાનો પ્રયત્ન કરતા નથી. મહાન ગ્રંથો અને લોકોનાં વચનોનાં નામે બણગાં મારતા જ રહીએ છીએ. કરુણતા એ છે કે આપણું પોત પવિત્ર નથી પણ મેલું મસોતા જેવું હોય છે. ક્યારેક એવું લાગે છે કે આપણે સડી ગયેલા પાન પર એ લોકોનાં વચનોના સોનાનો વરખ ચઢાવીએ છીએ અને એમના ખભા પર બેસીને આપણે પરમજ્ઞાની હોઈએ એવી રીતે સમાજમાં ઇમેજ સર્જવા મથીએ છીએ.

માણસે જીવનના રાજમાર્ગ પર જવું હોય તો જુઠ્ઠી અને સાંકડી ગલીકૂચીમાંથી બહાર આવવું જોઈએ. આપણે મોટા માણસોનાં વચનોને ઘણી વાર સાવ ખોટી રીતે ટાંકીએ છીએ અને કોઈ પડતા મકાનને ટેકાઓની જરૂર હોય એવી રીતે આવા ટેકાઓ ગોઠવીને સમાજના ટેકેદાર કે ઠેકેદાર થઈ જઈએ છીએ. મહાન માણસોનું શાણપણ શાંતિથી સમજવાનું હોય છે. એનાં ઢોલનગારાં ન વગાડાય. પણ આપણી અવળચંડાઇ આપણને ઢોલનગારા વગાડતા અટકાવતી નથી.
[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી