સરદાર અને ડૉ. આંબેડકર : વિચારોમાં સામ્યતા

article by kishor makvana

કિશોર મકવાણા

Oct 21, 2018, 12:50 PM IST

દેશ સ્વતંત્ર થયા પછી દેશની એકતા અને સુરક્ષા માટે સરદાર પટેલ ઝઝૂમ્યા. સરદાર પટેલ દૂરદૃષ્ટા હતા. આ વિચક્ષણ રાજપુરુષે પ્રચંડ સામર્થ્યથી રાષ્ટ્રને ભાગલા સમયે ગંભીર આફતમાંથી બચાવ્યું. સાથે-સાથે રાષ્ટ્ર સામે ભવિષ્યમાં આવનાર સંકટો સામે ચેતવણી પણ આપી. એ દેશ સામેના ખતરાને જોઇ શકતા હતા અને એટલે જ એમણે 1950માં પં. નેહરુને કહ્યું હતું કે ચીન પર ભરોસો રાખવા જેવો નથી. ચીન વખત આવ્યે આપણી સાથે વિશ્વાસઘાત કરશે. ચીનના ઇરાદાને, એના સ્વભાવને સરદાર પટેલ ઓળખી શક્યા, પણ પં. નેહરુ ન ઓળખી શક્યા. ચીન અને પાકિસ્તાનથી ચેતતા રહેવાની આવી જ સલાહ ડો. બાબાસાહેબ આંબેડકરે પણ પં. નેહરુને આપી હતી. છતાં આ બન્ને દૂરદૃષ્ટાની ચેતવણી પં. નેહરુએ કાને ધરી નહોતી.

ચીન અને પાકિસ્તાનથી ચેતવાની સરદાર જેવી જ સલાહ ડૉ. આંબેડકરે પણ પં. નેહરુને આપી હતી, છતાં નેહરુએ ચેતવણી કાને ધરી નહોતી

પં. નેહરુ ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના નારા લગાવતા રહ્યા ને સરદાર પટેલ અને ડો. બાબાસાહેબે ઉચ્ચારેલી ચેતવણી ‘ચીન વિશ્વાસઘાત કરશે’ – 1962માં સાચી પડી. ચીને ભારત પર હુમલો કર્યો. એટલું જ નહીં એ તિબેટને ગળી ગયું. આજે પણ ચીન આપણી સામે ઘુરકિયાં કર્યાં કરે છે. આપણા અરુણાચલ પ્રદેશ પર દાવો ઠોક્યા કરે છે. આ સ્થિતિમાં સરદાર પટેલનો એ પત્ર આજે પણ ચીનના સંદર્ભમાં એટલો જ ચેતવણીરૂપ છે, જેટલો 1950માં હતો. પત્રનો દરેક શબ્દ આપણને ચીનની ખોરી અને વિશ્વાસઘાતી દાનત સામે લાલબત્તી ધરે છે. સરદાર પટેલ 7 નવેમ્બર, 1950ના દિવસે પં. નેહરુને લખે છે : ‘હું અમદાવાદથી પાછો ફર્યો ત્યારે, તે જ દિવસે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં મારે હાજરી આપવી પડી, જેની જાણ મને માત્ર બેઠક શરૂ થવાના પંદર મિનિટ પહેલાં જ થઇ હોવાના કારણે ચર્ચા બાબતના બધા કાગળો હું વાંચી શક્યો નહોતો, તેનો મને ખેદ છે. હું તિબેટના પ્રશ્ને બહુ ચિંતિત છું. મને લાગ્યું કે મારા મનમાં જે ચાલી રહ્યું છે તે મારે તમને કહેવું જોઇએ. આપણા વિદેશ મંત્રાલય અને પેકિંગ ખાતેના આપણા એલચી અને એમની મારફત ચીનની સરકાર વચ્ચે થયેલો પત્ર વ્યવહાર હું ધ્યાનપૂર્વક વાંચી ગયો છું.

મને કહેતાં ખેદ થાય છે કે ચીનની સરકારે શાંતિમય ઇરાદાઓની જાહેરાતોથી આપણને છેતરવાનો પ્રયત્ન કર્યો છે.’


સરદાર પત્રમાં આગળ લખે છે: ‘આપણી વચ્ચે આ પત્ર વ્યવહાર ચાલે છે તે દરમિયાન તો ચીનીઓએ તિબેટ ઉપર આક્રમણ કરવાની તમામ તૈયારીઓ પૂરી પણ કરી દીધી હશે. મને લાગે છે કે ચીનીઓ આપણી સાથે વિશ્વાસઘાત કરશે. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે તિબેટિયનોએ આપણા ઉપર વિશ્વાસ કર્યો, પોતાના માર્ગદર્શક માન્યા, પરંતુ આપણે તેમને ચીનીઓની કૂટનીતિ અને દગાખોરીથી બચાવી શક્યા નહીં.’


દેશની સુરક્ષાના સંદર્ભમાં ચાર મુદ્દા અગત્યના હોય છે- (1) દેશની વિદેશનીતિ, (2) દેશની આંતરિક આર્થિક વ્યવસ્થા, (3) સામાજિક એકતા, અને (4) લશ્કર. તેમાંથી લશ્કર બાબતે દેશમાં હંમેશાં ઘણી ચર્ચા થાય છે. તે અંગે કશું લખવાની જરૂર નથી. વિદેશ નીતિમાં ભૂલ થાય તો દેશને કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે એ સમજવા માટે નહેરુના સમયનું ભારતનું જે ચિત્ર છે એવું બીજે ક્યાંય જોવા નહીં મળે.


વિદેશનીતિનો મૂળ આધાર દેશહિત તેમજ વ્યાવહારિકતા હોવો જોઈએ. તેમાં આદર્શવાદને કોઈ સ્થાન નથી હોતું. આદર્શવાદની માત્ર વાતો કરવાની હોય છે, દુનિયામાં ફરીને પ્રવચનો કરવાનાં હોય છે, પરંતુ આદર્શવાદ માટે દેશહિતનું બલિદાન ન અપાય. નહેરુની વિદેશનીતિ આનાથી વિપરીત હતી. બાબાસાહેબ નહેરુની વિદેશનીતિના સખત ટીકાકાર હતા. (વધુ વાતો આવતા અંકે)

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી