ગાંધીજીની નજરે શિક્ષણ, શિક્ષક અને વ્યાયામ

article by kishor makvana

કિશોર મકવાણા

Sep 30, 2018, 12:05 AM IST

શિક્ષણ મનુષ્યને જીવવાની કળા શીખવે છે. શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન નહીં પણ શિક્ષણ એટલે અક્ષયજ્ઞાન. એ માનવજીવનને સંસ્કારે છે.


ગાંધીજીએ શિક્ષણ વિષે ઘણું વિચાર્યું, લખ્યું અને અમલમાં પણ મૂક્યું. શિક્ષણ અંગે એમના કેટલાક વિચારો: 1. શિક્ષણ માતૃભાષામાં અપાય. 2. શિક્ષણ અને ગૃહસંસાર વચ્ચે પરસ્પર એકતા એટલે કે અનુસંધાન હોય. 3. શિક્ષણ પ્રજાના મોટાભાગની જરૂરિયાતોને પૂરી પાડે એવું હોવું જોઈએ. 4. પ્રાથમિક શાળાના શિક્ષકો પહેલા ધોરણથી અવશ્યમેવ ચારિત્રવાળા હોવા જોઈએ.

ગાંધી બાપુએ કહ્યું છે કે, ‘મસ્તક, હૃદય અને શરીર, આ ત્રણેનો સમન્વય થાય ત્યારે જ શિક્ષણ પૂર્ણતા તરફ દોરી જાય છે.’

શિક્ષણ ક્ષેત્રે ગાંધીજી હંમેશાં પ્રયોગવીર રહ્યા છે. આફ્રિકામાં સત્યાગ્રહની લડત શરૂ થઈ. દેશી સ્ત્રી-પુરુષોથી વિદેશીઓની જેલો ઊભરાવા લાગી. ગાંધીજીની સામે સવાલ ઊભો થયો- જેલમાં જનારાં ભાઈબહેનોનાં કુટુંબોનું શું? એમનાં બાળકોનાં શિક્ષણનું શું? ગાંધીજીએ બહુ દૂરંદેશીથી ટોલ્સટોય આશ્રમ અને ફિનિક્સ આશ્રમ સ્થાપ્યા. ગાંધીજી 1915માં ભારત આવ્યા ત્યારે ભારતમાં અંગ્રેજી કેળવણી પુરબહારમાં ખીલેલી હતી. હજારો માઈલ દૂરથી મુઠ્ઠીભર અંગ્રેજો આ દેશ પર શાસન કરવા આવ્યા હતા. અહીંના લોકોની સહાય વિના એ રાજ્ય કેવી રીતે કરે? તેથી અંગ્રેજોએ કેળવણીની સંસ્થાઓ ઉઘાડી હતી. એમાં ભણીગણીને દર વર્ષે હજારોની સંખ્યામાં કારકુનો, તલાટીઓ, શિક્ષકો અને સર્વન્ટો બહાર પાડતા હતા. કેળવણી બાબુઓ તૈયાર કરતી હતી. એમાં કોઈ શાસ્ત્રીય વિચાર ન હતો. મહેનતના કામથી બાબુઓ ડરતા! સંકુચિત મનોદશામાં જીવવાની કેળવણી તેઓ પામતા હતા. દેશને નવા નવા નેતાઓ આ અંગ્રેજી કેળવણીએ જ દીધા હતા. તેઓ દેશની કરોડોની જનતાની ચિંતા કરનારા હતા. એમને એ અંગ્રેજી કેળવણીમાં ઘણા દોષો દેખાતા હતા. એમણે પોતાની રીતે નવી વૈકલ્પિક કેળવણી અંગે વિચાર્યું.


ગાંધીજી માનતા કે, ‘કેળવણી એટલે બાળક કે મનુષ્યનાં શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા. અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તેમ તેનો આરંભ પણ નથી. હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કંઈક ઉપયોગી હાથ-ઉદ્યોગ શીખવીને અને તેની કેળવણીનો આરંભ થાય તે ક્ષણથી એને કંઈક નવું સર્જન કરવાનું શીખવીને જ કરું.’ ગાંધી બાપુએ કહ્યું છે કે, ‘મસ્તક, હૃદય અને શરીર, આ ત્રણેનો સમન્વય થાય ત્યારે જ શિક્ષણ પૂર્ણતા તરફ દોરી જાય છે.’ પૂ. બાપુએ કહ્યું છે મનુષ્યના જીવનમાં શ્રમ અને વ્યાયામનું અનન્ય મહત્ત્વ છે. એના વિના કેળવણી અધૂરી છે. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ભાગ 14માં પૃષ્ઠ 31 પર લખ્યા મુજબ ગાંધીજીનાં નીચેનાં વાક્યો ખૂબ મહત્ત્વનાં છે –


‘વ્યાયામ શબ્દમાં રમતો ઈત્યાદિનો સમાવેશ કર્યો છે. તેનો ભાવ પણ પુછાયો નથી. દેશી પદ્ધતિનો ત્યાગ થયો છે અને ટેનિસ, ક્રિકેટ ને ફૂટબોલનું સામ્રાજ્ય સ્થપાયું છે. આ ત્રણે રમતોમાં રસ છે એમ કબૂલ કરવામાં બાધ નથી. પણ જો આપણે પાશ્ચાત્ય વસ્તુઓથી મોહાઈ ન ગયા હોત તો આપણે એટલી જ રસિક, ખરચ વિનાની રમતો, જેવી કે ગેડીદડો, મોઈદાંડિયો, ખોખો, મગમાટલી, હુતુતુતુ, ખારોપાટ, નવ નાગેલીઓ, સાતતાળી વગેરેનો ત્યાગ ન કરત. કસરત જેમાં આઠે અંગને પૂરતી તાલીમ મળે છે અને જેમાં ઘણું રહસ્ય રહ્યું છે તેનો અને કુસ્તીના અખાડાનો લગભગ લોપ થઈ ગયો છે. જો કોઈ પાશ્ચાત્ય વસ્તુની નકલ કરવી યોગ્ય હોય તો ‘ડ્રિલ’ની નકલ કરવા જેવું છે એમ મને લાગે છે. એક મિત્રે ટીકા કરેલી કે આપણને ચાલતા આવડતું જ નથી....અને એકઠા થઈને રીતસર ચાલવાની તો મુદ્દલ ખબર નથી.

હજારો માણસો તાલબંધ ચૂપકીથી ગમે તે દશામાં બબ્બે ચાર ચારની હાર બાંધી ચાલી શકે એ શક્તિ આપણામાં નથી આવી. આવી ‘ડ્રિલ’નો કેવળ લડાઈમાં જ ઉપયોગ છે એવું કાંઈ નથી. ઘણાં પરોપકારી કામોમાં ‘ડ્રિલ’નો ભારે ઉપયોગ થઈ શકે છે, જેમ કે આગ હોલવવામાં, ડૂબેલાને મદદ કરવામાં, માંદાને ડોળીમાં લઈ જવામાં ‘ડ્રિલ’ બહુ જ કીમતી સાધન છે. આમ આપણી શાળાઓમાં દેશી રમતો, દેશી કસરતો અને પાશ્ચાત્ય ડ્રિલ દાખલ કરવાની આવશ્યક્તા છે.’
[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી