આપણી ચાદર જેટલા પગ લાંબા કરવા...

article by kishor makvana

કિશોર મકવાણા

Sep 09, 2018, 12:05 AM IST

એક ધોબી હતો. એની પાસે એનો ગધેડો હતો. આખો દિવસ એ ગધેડાને હડહડ કરતો હતો. ડફણાં મારતો હતો. ક્યારેક ઢોરમાર મારતો હતો. ગધેડો આ બધું ચૂપચાપ સહન કરતો. માલિકની જે કંઈ જોહુકમી હોય એને નિભાવતો. એક દિવસ એ અમસ્તો જ જંગલમાં જઈ ચડ્યો. જંગલના ગધેડાઓ હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત હતા. ધોબીનો ગધેડો દુણાયેલો, દુભાયેલો અને કંતાયેલો હતો. જંગલના ગધેડાઓએ એને સલાહ આપી કે તારે શું કામ અપમાન-ડફણાં સહન કરવાં જોઈએ? અમારી જેમ જંગલમાં રહીને જલસા કર. જીવનમાં ક્યાંય દુઃખ જ નથી. ચારે બાજુ સુખની લીલોતરી છે. ધોબીના ગધેડાએ કહ્યું કે આ બધું હું એમ ને એમ સહન નથી કરતો.

આઈ હેવ એ બ્રાઈટ ફ્યુચર. મારું ભવિષ્ય ઊજળું છે. જંગલના ગધેડાઓ આ વાતને સમજી શક્યા નહીં. ધોબીના ગધેડાએ કહ્યું કે, ધોબી જ્યારે જ્યારે ગુસ્સે થાય છે ત્યારે ત્યારે દીકરીને એક જ વાત કહે છે કે કોઈ દિવસ હું તને ગધેડાને પરણાવી દઈશ…

પોતાની શક્તિ અને મર્યાદાના બે કાંઠાની વચ્ચે આપણે કુંઠિત નથી થવાનું, પણ આપણી પોતીકી રીતે ધીરજપૂર્વક વિકસવાનું છે

આપણી આખી નવી પેઢી જાણે કે ગર્દભની જેમ લટકતા ગાજરને મેળવવા ઢસરડા કરે છે!
માણસને ઇચ્છા, આકાંક્ષા, મહત્ત્વાકાંક્ષા હોય એ સ્વાભાવિક છે. પણ માણસે ઇચ્છા પોતાના ગજા પ્રમાણે રાખી શકાય એટલું સમજવું જોઈએ. ટૂંકમાં માણસને પોતાનું માપ હોવું જોઈએ. દેડકાએ સમજવું જોઈએ કે પોતે ગમે એટલો ફુલાય તોપણ હાથી ન થઈ શકે. અને હાથી ગમે એટલો સંકોચાય તો કીડી ન થઈ શકે. પોતાની શક્તિ અને મર્યાદાના બે કાંઠાની વચ્ચે આપણે કુંઠિત નથી થવાનું, પણ આપણી પોતીકી રીતે ધીરજપૂર્વક વિકસવાનું છે.


અહમ્ પ્રેમી માણસને સામાજિક સફળતાનો સ્ટૅમ્પ જોઈએ છે. આ સફળતા માટે એ પોતાના સ્વમાનને પણ કોરે મૂકી દે છે. અહમ્ અને સ્વમાન વચ્ચે પાતળી ભેદરેખા છે. માણસ પોતાની ઇચ્છાઓનો ભવિષ્યના સંદર્ભમાં ગુલામ થઈ જાય છે. ઇચ્છાઓ હોવી જોઇએ પણ એ ગજા બહારની ન હોવી જોઇએ. નહીંતર ઇચ્છાઓ પૂરી ન થાય અને ચિંતાનું પોટલું ઊંચકીને ફર્યા કરીએ.


ચિંતાને કારણે આપણી આજ નકામી થઈ જાય છે. ભવિષ્ય બિહામણું લાગે છે. કહેવાય છે કે આ ક્ષણ એ આપણી તમામ ગઈકાલનો સરવાળો છે અને આવતીકાલના આકારનું બીજ છે. એક ચિંતક એટલે તો કહે છે: ભવિષ્ય તરફ સાચા અર્થમાં ઉદાર થવું હોય તો આ ક્ષણને તમારું તમામ સત્ત્વ સોંપી દો. આવતીકાલની પરવા કોને છે એવી ખુમારી સાથે જીવવું જોઈએ. આપણે આપણી પ્રત્યેક ક્ષણને કદીય પૂર્ણપણે જીવતા નથી. આપણી ક્ષણ પર ગઈકાલના પડછાયા છે અને આવતીકાલનો પહેરો છે. શા માટે આપણે શું હતું અને શું થશેની બે-ધારી કરવતથી વહેરાવું જોઈએ?


રવીન્દ્રનાથ ટાગોરે સરસ વાત કરી છે. આજની સવારને સવાર તરીકે સ્વીકારો. સવાર એ નામ વિનાના તાજા જન્મેલા બાળક જેવી છે. ટર્કિશ કહેવત પણ સૂચક છે. આવતી કાલની મરઘી કરતાં આજનું ઈંડું વધુ સારું. ગઈ કાલનો અર્થ જ એટલો કે એ ગઈ અને આવતીકાલનો અર્થ એટલો એ આવી નથી. ભૂત અને ભવિષ્યની વચ્ચે જે આજ છે – આજની ઘડી છે એને રળિયામણી કરવાની વાત છે. ગઈ કાલને ગીરવે મૂકી દેવી, આવતીકાલને અળગી કરવી અને આ ક્ષણને ભરપૂર જીવી લેવી. જીવવા માટેનો આ ધ્રુવમંત્ર છે. આવતીકાલ તો આવશે ત્યારે ઓળખાશે તો અત્યારથી એનાં ફાંફાં શું?


જીવન જીવવાની કળા સૌને સુલભ નથી. જીવન જીવવું અને જીવી નાખવું એ બંનેમાં ભેદ છે. જીવન જીવવું એ કળા પણ છે, વિજ્ઞાન પણ છે અને શાસ્ત્ર પણ છે. કશું સભાનપણે કરવાનું નથી હોતું, પણ સહજપણે થતું આવે એમ જીવવું જોઈએ. ધરતીમાં બીજ વવાય છે અને ઝાડ ઊગે છે ત્યારે એ આપમેળે જ વિકસતાં હોય છે. એક ઝાડ બીજા ઝાડને ગાળ દઈને કહેતું નથી કે મારી ડાળ પર તો અનેક પંખીઓ ટહુકે છે. ઝાડનો વિકાસ સહજ અને શાંત છે. એમાં ડંફાસ નથી હોતી. જે જીવંત હોય છે એનો જ વિકાસ થાય છે. જે જીવંત હોય છે એની જ ગતિ હોય છે. જે નિશ્ચેતન હોય છે એને આપણે શબ કહીએ છીએ. ઝાડ વિકસે છે, પણ ઢળી પડેલું ઝાડ લાકડું થઈ જાય છે. લાકડું નિશ્ચેતન છે. મરણ પછી પણ ઝાડનું ફર્નિચરમાં રૂપાંતર થતું હોય છે. ફર્નિચર જીવંત નથી હોતું. જોકે, ખુરશી પર બેસનારો માણસ પોતે જીવંત છે. એની પ્રતીતિ આપવા માટે ડંફાસ મારતો હોય છે.


બહુ ઓછા માણસો જીવનમાં મધ્યમ માર્ગને સ્વીકારે છે. મોટા ભાગના માણસો અતિરેકથી પીડાતા હોય છે. કેટલાક એમ જ માને છે કે કશું જ કરવું નથી, માત્ર પૈસો ભેગો કરવો છે. ચારેબાજુ વૈભવ ઊભો કરવો છે. બંગલાઓ બાંધવા છે, આસપાસ બગીચા ઉછેરવા છે. બગીચા ઉછેરે છે ખરા, પણ પૉર્ચમાંથી એની ગાડી નીકળતી હોય ત્યારે ફૂલ તરફ જોવાની પણ એને ફુરસદ હોતી નથી. ટેરેસ ફ્લૅટમાંથી આકાશ તરફ જોવાની કે તારા સાથે ગૂફતેગો કરવાની ફુરસદ હોતી નથી.
[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી