કૃષ્ણના શબ્દો આજે પણ યથાર્થ છે

article by kishor makvana

કિશોર મકવાણા

Sep 02, 2018, 12:05 AM IST

કૃષ્ણના સમગ્ર જીવનને જોઇએ તો આપણને બે બાબત શીખવે છે. એક: તમારે જે કાર્ય કરવાનું છે એમાં પૂરી શક્તિ લગાવીને એ કાર્ય પૂર્ણ કરો. બે: કોઇ કાર્ય કરો ત્યારે અપેક્ષા ન રાખો. અપેક્ષા હશે તો પાછળ દુ:ખ આવશે જ...બીજું જીવન એ એવું લોલક છે જ સુખ-દુ:ખ અને સફળતા-નિષ્ફળતા વચ્ચે ઝૂલ્યા કરશે અને આ બે અંતિમ વચ્ચે આપણે જીવવાનું છે અને કર્મ કર્યે જવાનું. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણે ભગવદ્ ગીતાના માધ્યમથી ભલે એ અર્જુનને કહેતા હોય પરંતુ એનો દરેક શબ્દ આજે પણ આપણને જીવનની દરેક પળે માર્ગદર્શન આપનારો છે. માણસે પોતાના ધર્મ (ધર્મ એટલે કર્મકાંડ નહીં, ધર્મ એટલે જીવન જીવવાની પદ્ધતિ) માટે, ન્યાય માટે, કર્મ માટે ઝઝૂમવું, લડવું અનિવાર્ય છે. હતાશ, નિરાશ, ન લડવા માટે બહાના બતાવનાર અર્જુનને કૃષ્ણ યુદ્ધ માટે પ્રેરે છે. ભલે એ અર્જુનને પ્રેરતા હોય પણ ક્યાંક આપણને પ્રેરતા હોય એવું નથી લાગતું? વિપત્તિમાં અટવાયેલા એક મિત્રને બીજો મિત્ર સમજાવે, હાંફેલાને હૂંફ આપે, એ રીતે કૃષ્ણ અર્જુનને સમજાવે છે. વિષાદથી ઘેરાયેલા ભય દૂર કરવાનો સમર્થ પ્રયત્ન કરે છે.

કૃષ્ણનું વાક્ય છે: ‘તું યુદ્ધ કર...’ અર્જુન નકારાત્મક છે. કૃષ્ણ હકારાત્મક છે. આ યુદ્ધ ધર્મયુદ્ધ છે. અન્યાય અને પાપની સામે છે, પુણ્ય માટે છે

આ વિષાદ એ આમ તો અર્જુન જેવા મહાપરાક્રમી, મહા પ્રતાપી સૂર્ય ઉપર છવાયેલું વાદળ છે. કૃષ્ણનો સમગ્ર પૂરુષાર્થ આ ઘનઘોર વાદળોને દૂર કરવાનો છે. અર્જુન ભીતરથી ભાંગી ગયો છે. અને જે માણસ ભીતરથી ભાંગી ગયો હોય એને ફરી પાછો બેઠો કરવો બહુ અઘરો છે, એ જેવું તેવું કામ નથી. એ કૃષ્ણ જ કરી શકે છે. કૃષ્ણ નબળા વિચારોથી ઘેરાયેલા અર્જુનને વિષાદ છોડવાની વાત કરે છે. આપણા ઉપર પણ આવાં વાદળો ઘેરાય ત્યારે હજારો વર્ષ પહેલાંનો કૃષ્ણ-અર્જુન વચ્ચેનો સંવાદ આપણાં વાદળો દૂર કરવામાં મદદરૂપ થાય છે. આપણા હૈયાના કુરુક્ષેત્ર પર પળેપળે ચાલતા સંગ્રામમાં કૃષ્ણ અદૃશ્ય રીતે આપણને પ્રેરે છે. કૃષ્ણ-અર્જુનના સંવાદમાં કૃષ્ણ અર્જુનની દલીલોને બુદ્ધિથી સાંભળતા નથી પણ હૃદયથી સાંભળે છે. કૃષ્ણ અર્જુનની બુદ્ધિપૂર્વક કરેલી દલીલોને માત્ર સાંભળતા જ નથી એને નિર્મૂળ અને નિર્મળ કરે છે. એને એનો સાચો જીવનધર્મ પણ સમજાવે છે.


કૃષ્ણના વ્યક્તિત્વમાં આપણને પરમાત્મા અને પરમ આત્મા બંનેનાં દર્શન થાય છે. ગોકુળ હોય કે કુરુક્ષેત્ર એ સાક્ષીભાવે જોઇ શકે છે. એ માત્ર જુએ છે એટલું જ નહીં પોતાના મિત્ર, સગાંવહાલાં અને સમગ્ર માનવ જાતના હિતમાં જે કંઇ પોતે જોયું છે, જાણ્યું છે એનું દર્શન શબ્દથી, દિવ્યચક્ષુથી અને વિરાટ દર્શનથી કરાવી શકે છે.


કૃષ્ણમાં અનેક દ્વંદ્વો એકસાથે વસે છે. એમનામાં રસ પણ છે અને વિરસ પણ છે. એમનામાં યુદ્ધ છે અને બુદ્ધ પણ છે. એ માખણ ચોરી શકે છે અને ગોવર્ધન તોળી શકે છે. એ જરાસંધની કેદમાં બંધ સોળ હજાર રાણીઓને ન્યાય આપી શકે છે તો દ્રોપદીના ચીર પૂરી શકે છે. એમની પાસે વાંસળી છે તો નિરાકાર સૂર પણ છે. એમની પાસે મોરપીંછ છે તો સુદર્શન ચક્ર પણ છે. અને એટલા જ માટે એ રાસેશ્વર પણ છે અને યોગેશ્વર પણ છે. એ એકમાં છે તેમ અનેકમાં છે.

અનેકમાં હોવા છતાંય એક છે. એ વ્યક્તિ પણ છે અને વિભૂતિ પણ છે. એ પ્રિયતમ પણ છે અને પરમેશ્વર પણ છે. એ સુલભ પણ છે અને દુર્લભ પણ છે. એ નિખાલસ પણ છે અને મુત્સદ્દી પણ છે. એ કોમળ પણ છે અને વજ્ર પણ છે. એટલે તો કરસનદાસ માણેક કૃષ્ણ માટે લખે છે: ‘કામવૃત્તિ વગરનો પ્રણયી, યુયુત્સા વગરનો વીર, કુટિલતા વગરનો મુત્સદ્દી, વેદિયાવેડા વગરનો આદર્શવાદી, ઘમંડ વગરનો બંડખોર, કોઇપણ જાતના સીધા કે આડકતરા સ્વાર્થ વગરનો સૌમ્ય લોકસેવક અને જગતના શત્રુઓનો નાશ કરવાનો અવસર આવ્યે મત્સર, ઇર્ષા કે દ્વેષ વગરનો દંડવિધાયક કેવો હોય તેનો કાંઇક ચિતાર આપણને કૃષ્ણના જીવન ઉપરથી મળી રહે છે.’


કૃષ્ણની વિભૂતિઓ અસીમ છે, અમાપ છે. એ કુરુક્ષેત્રના રણમેદાનમાં દેખાય છે. એ કહે છે: મારા વિસ્તારનો કોઇ અંત નથી. હું પ્રાણીમાત્રમાં રહું છું આત્મારૂપે...કૃષ્ણ પાસે અંત વિનાના બે છેડા છે. એટલે તો એ માત્ર પુરુષોત્તમ નથી, પૂર્ણ પુરુષોત્તમ છે. એ વ્યક્તિ-સમષ્ટિમાં છવાયેલા છે. આખુંય જીવ-જગત એમના થકી છે. સર્જન, સંહાર, સંવર્ધન અને વિસર્જન સાથે કૃષ્ણ પોતે સંકળાયેલા હોવા છતાં અનાદિ અને અનંત છે. એ વિનાશી પણ છે અને અવિનાશી પણ છે.


ગીતામાં અર્જુનનું વાક્ય છે: ‘હું યુદ્ધ નહીં કરું.’ કૃષ્ણનું વાક્ય છે: ‘તું યુદ્ધ કર...’ અર્જુન નકારાત્મક છે. કૃષ્ણ હકારાત્મક છે. આ યુદ્ધ ધર્મયુદ્ધ છે. અન્યાય અને પાપની સામે છે. આ યુદ્ધ તો ન્યાય અને પુણ્ય માટે છે. અને એટલે અર્જુને લડવું એ સ્વધર્મ છે એ મૂળ વાત એને સમજાવે છે. અર્જુનના કેન્દ્રમાં શરીર છે. કૃષ્ણના કેન્દ્રમાં આત્મા છે. શરીરની ક્ષણભંગુરતા સમજાવ્યા પછી આત્માની શાશ્વતી શું છે તે સમજાવે છે. શરીર હણાય છે, આત્મા હણી શકાતો નથી. એટલે જ તું યુદ્ધમાં હણાયો તો પણ શું? એક અર્થમાં કૃષ્ણની વાતમાં જ્ઞાનયોગ અને કર્મયોગનો સંગમ છે. વિચાર અને વ્યવહાર બંનેનો સમન્વય છે. સફળ થવા વિચાર અને વ્યવહાર જરૂરી છે.


કૃષ્ણની ઇચ્છા તો એકમાત્ર એ જ છે કે હતાશ અને ન લડવા માટે ઉત્સુક અર્જુનને યુદ્ધ માટે કઇ રીતે તૈયાર કરવો. અર્જુન! બધાનેા અંત મારામાં આવે છે. તું ઊઠ, ઊભો થા... તારા સ્વધર્મને જાળવીને યુદ્ધ કર અને એક વીર યોદ્ધા તરીકે તારી કીર્તિ અમર કર. તું જેમને હણવાનો છે એમને તો મેં ક્યારનાય હણી નાખ્યા છે. તારે તો નિમિત્ત થવાનું છે. તારું માત્ર કર્મ કર...તું એમ માને કે તારે આ બધાને હણવાના છે તો એ તારો જુઠ્ઠો અહમ્ છે. એ ક્યારના આમ તો હણાઇ ગયા છે.


ખેર! યુદ્ધ કુરુક્ષેત્રના મેદાન પર લડાતું હોય કે આંતરયુદ્ધ હોય કૃષ્ણ આપણને પ્રેરે છે કે ઊભા થાવ અને કામ, ક્રોધ, મદ, લોભ, મોહને હણો.

[email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી