સોિશયલ નેટવર્ક / અહમ્ છોડીને જ નેતૃત્વના ગુણોનો વિકાસ શક્ય

article by ajay soni

કિશોર મકવાણા

Jan 20, 2019, 12:05 AM IST

કેલેન્ડરની તિથિ-તારીખ રોજ બદલાતી રહે છે, પણ આપણે નથી બદલાતા, કારણ આપણે આપણા સ્વભાવના ગુલામ છીએ. જોકે, સાવ એવું પણ નથી કે સ્વભાવ ન જ બદલાય. એવા તો સ્વભાવ કે વર્તનનાં પાસાં છે એ બદલીએ તો સંબંધો પણ સુધરે ને સફળતા પણ મળે.


વાણી એ કંઈ ઠાલા શબ્દો નથી. એમાં અર્થ અને ભાવ હોય છે. વાણીના અર્થ અને ભાવ ત્યારે જ અસર કરે છે જ્યારે એની પાછળ ચારિત્ર્યનું તપ અને તેજ હોય. કુરુક્ષેત્રના મેદાનનું એક દૃશ્ય યાદ કરવા જેવું છે. કૌરવ સેનાની સામે ઊભેલો અર્જુન ધ્રૂજતો ધ્રૂજતો શ્રીકૃષ્ણને કહે છે, ‘હે ભગવન્! આ સૌનો સંહાર કરીને મને ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ મારે નથી જોઈતું.’ અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું. તે નિષ્ક્રિય બની ગયો. પરંતુ એ જ વખતે ભગવાન શ્રીકૃષ્ણે ગીતાની ગરવી વાણી વહેવડાવી. મુખ્ય ત્રણ વાત પ્રભુએ કરી...

  • આશા જ માણસને કર્મ કરવા પ્રેરે છે, નિરાશા માણસને અકર્મ ભણી લઈ જાય છે. સકારાત્મક વિચારો ધરાવતો માનવી આશાવાદી હોય છે

(1) અર્જુન! તું રખે માનતો કે આ બધાને તું મારીશ તો મરશે. તેઓ મરેલા જ છે. તારે તો માત્ર તેમને મારવામાં નિમિત્ત જ બનવાનું છે. હું જ આ વિશ્વનું સર્જન કરું છું, પાલન કરું છું ને સંહાર કરું છે.
(2) અર્જુન! તું તારું કર્મ કર. તારે ફળની આશા રાખવાની નથી. કર્મ છોડે તે પડે, પરંતુ કર્મનું ફળ છોડે તે ચડે.
(3) યુગે યુગે અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે હું અવતાર લઉં છું.


બીજું છે સમય. સમય એ ‘Kill’ કરવાની વસ્તુ છે કે ‘Skillfully use’કરવાની? સમય તો એક અત્યંત તેજસ્વી, ગતિશીલ તત્ત્વ છે, જેની ગતિ અને શક્તિ અસીમ છે. એનું મૂલ્ય ન સમજનારા પામર છે. સમય સત્ય છે, શાશ્વત છે, આદિથી અનંત છે. સમયનો મહિમા અપાર છે. નિરંતર ચલાયમાન એવા આ ગતિશીલ તત્ત્વની વચ્ચે આપણે જીવીએ છીએ. સમયના અમાપ ભંડાર વચ્ચે આપણું જીવન અતિ અલ્પ છે અને માટે જ એ આપણા માટે અમૂલ્ય છે. સમયની ક્ષણેક્ષણ માપવી જોઈએ અને માણવી જોઈએ.


ત્રીજું ટીમભાવના છે. જગતમાં મોટા ભાગનાં કામો એકલાથી નહીં ટીમથી થાય છે. ‘अहम्’ એકલતા સર્જે છે, ‘वयम्’ ટીમ. અહમ્ છોડનાર માણસ નેતૃત્વના ગુણોનો સહજતાથી વિકાસ કરી શકે છે. એ પોતાની આસપાસ એક પ્રભાવ વર્તુળ નિર્માણ કરી અનેક લોકોને સાથે લઈ શકે છે. એવો માણસ અપયશ પોતાના માથે લે છે અને યશ ટીમને આપે છે. ટીમનું એ પ્રેરકબળ બને છે. સામૂહિક ભાવનાવાળી ટીમ જ વિજયી નીવડે છે અને એ છે ‘वयम् भाव’નું પ્રગટ રૂપ.


પ્રોબ્લેમ અહંકારમાંથીય પેદા થાય છે. અહંકાર એક કિલ્લો જરૂર છે, પણ તે અભેદ્ય તો નથી જ. એમાં છીંડાં પાડી શકાય છે. એના કાંગરા ખેરવી શકાય છે. આવશ્યકતા છે માત્ર આક્રમક પુરુષાર્થની. બ્રહ્માંડની વિશાળતા અને અનંતતાની જેમ જ આવશ્યકતા છે આપણી જીવનદૃષ્ટિને વિશાળ અને અનંત બનાવવાની. આવશ્યકતા છે જીવનના ડગલે ને પગલે સ્નેહ-પ્રેમના કીર્તિસ્તંભ રોપવાની, પ્રેમનું નિર્મળ ઝરણું અહંકારની માટીને પોતાનામાં ઓગાળતું જતું નિરંતર વહેવાની ક્ષમતા ધરાવે છે. અહંકાર એટલે ક્ષુદ્રતા. એમાંથી મુક્ત કરીને પ્રેમ જ આપણને પરમ વિરાટનો સ્પર્શ કરાવી શકે.


ડગલું ભરો, સાથે ચાલનારા મળી રહેશે. જી હા, ડગલું ભરો, સાચું. જે શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય, જે નિર્ધારિત લક્ષ્યની દિશામાં મંડાયેલું હોય. એવા આત્મવિશ્વાસપૂર્ણ ડગલામાં અમાપ શક્તિ છે. એ કેડી પણ કંડારશે ને રસ્તો પણ બનાવશે. વિશ્વની કોઈ તાકાત એને અટકાવી નહીં શકે. એવા એક એક ડગમાં અંગદનું સામર્થ્ય હશે. અડગ મનથી ભરાયેલું પ્રત્યેક ડગ પથને સરળ બનાવે છે. દુર્ગમ પથને સુગમ બનાવે છે.

અવિચલતા અને મક્કમતા પથિકનું પાથેય છે. ‘ચરૈવેતિ... ચરૈવેતિ...’ ચાલતા રહેવું એ જ એમનો જીવનમંત્ર છે. ચાલે છે એટલું કે પથિક સ્વયં પથ બની જાય છે. રાહ અને રાહીની એકરૂપતા જ લક્ષ્ય સિદ્ધ કરાવી આપે છે. આવા યાત્રીને સહયાત્રીઓ પણ મળી રહે છે.


અને છેલ્લે આશા. આશા જીવનનું એક અદ્્ભુત ચાલકબળ છે. કોઈકને સિદ્ધિની આશા હોય છે, માટે સાધના કરે છે. કોઈકને ધનની આશા હોય છે, માટે પરિશ્રમ કરે છે. કોઈકને વિજયની આશા હોય છે, માટે પરાક્રમ કરે છે. આમ રિદ્ધિ, સિદ્ધિ, વિજય, નવસર્જન જેવાં અનેક પરિણામોનું પ્રેરકબળ આશા જ હોય છે. આશા જ માનવીને ચલાવે છે, દોડાવે છે અને જિવાડે છે.


આશા જ માણસને કર્મ કરવા પ્રેરે છે, નિરાશા માણસને અકર્મ ભણી લઈ જાય છે. સકારાત્મક વિચારો ધરાવતો માનવી આશાવાદી હોય છે, નકારાત્મક વિચારો ધરાવતો નિરાશાવાદી, પ્રત્યેક મહાપુરુષના જીવન વૃત્તાંતમાં ઊંડાં ઊતરીશું તો સમજાશે કે એમણે સકારાત્મકતાને પોતાના જીવનનો આધાર બનાવ્યો છે. ⬛
[email protected]

X
article by ajay soni

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી