એકબીજાને ગમતાં રહીએ / ગણિકા એટલે ગુણ-દોષ વગરનો સ્વીકાર

article by kaajalozavaidy

કાજલ ઓઝા વૈદ્ય

Dec 25, 2018, 12:05 AM IST

‘લોકો મને બાપુ કહે છે, પણ હું તમારો બાપ છું. જેમ બાપ પોતાની દીકરીને આમંત્રણ આપે એમ હું તમને અયોધ્યાની રામકથાનું આમંત્રણ આપવા આવ્યો છું.’ સો-સવાસોથી વધુ રૂપજીવિનીઓની ભીડમાં જ્યારે મોરારિબાપુએ આ વાત કહી ત્યારે સામે બેઠેલી બહેનોની આંખોની સાથે સાથે બાપુની આંખો પણ ભીની હતી.

આ એવી સ્ત્રીઓ છે જેમાંની કેટલીકને એ પણ યાદ નથી કે એમને ક્યાંથી લાવવામાં આવી છે. આખું હિદુસ્તાન અહીં વસે છે. આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતથી આવેલી બહેનો પણ છે. જરાક વિચારીએ તો સમજાય કે એનું શરીર ભોગવવા માટે ભાવતાલ કરે તો કેવું લાગે!

‘બહેન, બાપ કમાઠીપુરા જવા માગે છે.’ ખેતસીભાઈનો ફોન આવ્યો ત્યારે મને આશ્ચર્ય તો થયું, પણ એથી વધુ ચિંતા થઈ, કારણ કે કમાઠીપુરા જેવા વિસ્તારમાં બાપુને લઈ જવા સરળ ટાસ્ક નથી. નાની ગલીઓની ભીડ, રંધાઈ રહેલા માંસની સુગંધ કહો કે દુર્ગંધની સાથે સાથે ત્યાં ઉછરી રહેલાં બાળકોની દોડાદોડ-ગાળાગાળ અને પેટ ખાતર શરીર વેચતી બહેનોનાં દૃશ્યો બાપુ સહી શકશે કે નહીં એ સવાલ મારા મનમાં સૌથી પહેલાં ઊભો થયો. મેં હા તો પાડી દીધી, પણ પછી શરૂ થઈ એક મેરેથોન.

કમાઠીપુરાના કોર્પોરેટર જાવેદ જુનેજા અને એ વિસ્તારના એમએલએ અમીન પટેલનો સંપર્ક સાધ્યો. અમદાવાદના મારા મિત્ર હિમાંશુ વ્યાસની મદદથી એમના સુધી તો પહોંચી, પણ પોલીસ પરમિશનથી શરૂ કરીને બધું જ જાતે કરવું પડે એવી સ્થિતિ! સાંજે પાંચ વાગ્યે સાંતાક્રૂઝથી નીકળીને આ બધું પતાવતા સાડા આઠ થયા ને એ મેરેથોનનો અંત આવ્યો જ્યારે સાંજે સાડા આઠ વાગ્યે બાપુને લઈને અમે કમાઠીપુરાના વિસ્તારમાં પ્રવેશ્યા.


બીજું કોઈ પણ હોય તો આ વિસ્તારોને જોઈને એના ચહેરા પર કદાચ અરેરાટી કે અણગમો આવે, પરંતુ બાપુના ચહેરા પર તો નરી કરુણા ઊભરાઈ, ‘આવા વિસ્તારમાં રહે છે, આ બહેનો.’ એમણે પૂછ્યું ને પછી સ્નેહથી એમને સંબોધી. સામાન્યત: કોઈ પગે લાગે એ બાપુને ગમતું નથી, પરંતુ આ બહેનો નીચી નમીને એમને સ્પર્શીને પગે લાગતી હતી તો પણ એમણે કોઈને અટકાવ્યા નહીં. કારણ માત્ર એટલું કે બહેનોને અપમાન ન લાગવું જોઈએ! એ પછી બાપુ એમનાં ઘરોમાં ગયા, એમને અંગત રીતે મળ્યા. એમની ખોલી અને ઘરોની દશા જોઈને એમના ચહેરા પર અને આંખોમાં જે ભાવ હતા એ ફક્ત કરુણાના હતા!


વાત બાપુની નથી, વાત છે એ સ્ત્રીઓની જેમની સાથે મેં મારી જિંદગીના પાંચ કલાક વિતાવ્યા. એમની ખોલીઓમાં પ્રવેશીને, એમના રસોડામાં ચા પીને, એમની સાથે વાતો કરીને મને સમજાયું કે મારે ઘણું શીખવાનું બાકી છે. આ એવી સ્ત્રીઓ છે જેમાંની કેટલીકને એ પણ યાદ નથી કે એમને ક્યાંથી લાવવામાં આવી છે. આખું હિદુસ્તાન અહીં વસે છે. આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશન ને ગુજરાતથી આવેલી બહેનો પણ છે. બાર બાય આઠની ખોલીમાં ત્રણથી ચાર છોકરીઓ રહે છે. સાંજે ચાર વાગ્યા સુધી ઊંઘે છે પછી નહાઈને તૈયાર થવાનો સમય હોય છે. છ-સાડા છ વાગ્યા પછી એમનું બજાર ગોઠવાય છે. શરીરનું બજાર. જરાક વિચારીએ તો સમજાય કે કોઈ પુરુષ સ્ત્રી સાથે સૂવાના, એનું શરીર ભોગવવા માટે ભાવતાલ કરે તો કેવું લાગે! ‘સો રૂપિયા’ એ કહે છે. ‘ચલ રે! સો રૂપિયા થોડી દૂંગા? પચાસ મેં કર લે.’ આ સંવાદ સાંભળતી વખતે મને મારા સ્ત્રી હોવા પર ધ્રુજારી થઈ આવી.


આમાંની કેટલીય બહેનોને એચઆઇવી છે. એમનાં સંતાનો એચઆઇવીગ્રસ્ત જન્મે છે. ગર્ભપાત કરાવવાના પૈસા ન હોવાને કારણે સંતાનને જન્મ આપવો પડે છે. ‘પ્રેરણા’ નામની એક સંસ્થા આવી સ્ત્રીઓનાં સંતાનોને ભણાવવાનું કામ તો કરે છે, પણ એમને ત્યાં વધતી જતી આવાં બાળકોની સંખ્યાને પહોંચી વળવાનું અઘરું બનતું જાય છે. અહીં ઝાકીરભાઈ, રઝાકભાઈ જેવા માણસો કામ કરે છે, પણ પીડિતોની સંખ્યા અનેકગણી છે.

માન્યામાં ન આવે પણ એટલા પૈસા ભેગા નથી કરી શકતી કે એમની વૃદ્ધાવસ્થામાં શાંતિથી બે ટંક ખાઈ શકે કે માંદા-સાજા હોય તો દવા કરાવી શકે! સહુથી પીડાદાયક બાબત એ છે કે જ્યારે વિડિયો ઉતારવામાં આવતો હતો ત્યારે કેટલીક સ્ત્રીઓએ પોતાના ચહેરા છુપાવી દીધા. પૂછ્યું ત્યારે જણાવ્યું કે, ‘જો આ વિડિયો ફરવા લાગે અને અમારે ઘેર જાય તો અમારા પરિવાર માટે શરમજનક બાબત બની જાય.’ ચોવીસ વર્ષની પૂજાની મા માને છે કે એ મુંબઈમાં કોઈ કંપનીમાં રિસેપ્શનિસ્ટ છે, એની બહેનપણી સાથે રહે છે. 36 વર્ષની મંદાએ બીજી દીકરીને જન્મ આપ્યો છે.

રેખા માટે એના ભાઈની ‘પઢાઈ’થી વધુ અગત્યનું કંઈ નથી. એ છેલ્લાં ચાર વર્ષથી એના ગામ નથી ગઈ. એણે ગર્ભાશય કઢાવી નાખ્યું છે. જેથી પ્રેગ્નન્સીનો ભય ન રહે. મુંબઈના નવા પોલીસ અધિકારીએ આ સ્ત્રીઓનાં ઘરોને તાળાં મારી દીધાં છે. મુંબઈ ‘ક્લીન’ કરવાની ધૂનમાં એમણે એમનાં ઘરો તો બંધ કર્યાં, પણ વિકલ્પ નથી, એટલે આ સ્ત્રીઓ ભૂખે મરે છે. એમનાં સંતાનો રખડી ખાય છે. મુંબઈ કદાચ દેખાવે ક્લીન થશે. કમાઠીપુરામાં મેકઅપ ચોપડીને ઊભેલી સ્ત્રીઓ નહીં દેખાય, પણ સાંજ પડે આ સ્ત્રીઓનાં શરીરો ચૂંથીને વાસના સંતોષતા વરુઓ ક્યાં જશે?


મારે જે કહેવું છે તે એ છે કે, આ સ્ત્રીઓ આપણા સમાજની બહેન-દીકરીઓને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. દારૂના નશામાં કે થાકને લીધે ભૂખ્યા થઈ ગયેલા આ વરુઓ પોતાની પશુતા આ સ્ત્રીઓના શરીરમાં ધરબી દે છે, ત્યારે આ સ્ત્રીઓ સમાજનો કચરો પોતાના પગ પહોળા કરીને શરીરમાં ઉતારી દે છે. આનાથી મોટું સમર્પણ બીજું કયું હોઈ શકે? પોતાનું શરીર ઘસીને આ સ્ત્રીઓ સમાજની બહેન-બેટીઓ તરફ નજર નાખતા વરુઓને રોકવાનું કામ કરે છે.

જો આ રૂપજીવીનીઓનું બજાર ન હોત તો આપણી બહેન-દીકરીઓ પણ સુરક્ષિત ન હોત એ આપણને સમજાતું નથી, પણ સત્ય છે. આ સ્ત્રીઓને તિરસ્કૃત, બહિષ્કૃત અને સમાજના કલંકની જેમ જોવામાં આવે છે, પણ સત્ય એ છે કે જો આ સ્ત્રીઓ સમાજના કચરાને ગાળવાનું કે ખાળવાનું કામ ન કરે તો આ સમાજ જેને આપણે સ્વચ્છ અને સુરક્ષિત કહીએ છીએ તે સમાજની દીકરીઓ આવા વરુઓનો શિકાર બની જાય. આ સ્ત્રીઓ ‘વેશ્યા’ નથી, ‘વંદનીય’ છે.

આપણને ખબર નથી, પરંતુ કોલકાતામાં દુર્ગાપૂજા સમયે દુર્ગાની મૂર્તિ બનાવવા માટેની પહેલી માટી ‘સોનાગાચ્છી’ એટલે કે આ રૂપજીવીનીઓના વિસ્તારમાંથી લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એમને ત્યાંથી લીધેલી માટી વગર આ મૂર્તિ પૂર્ણ થતી નથી. એમને આવી ઇજ્જત અને સન્માન આપ્યા પછી એમની કિંમત? સો, પચાસ રૂપિયામાં વેચાતું એક શરીર માત્ર.


હૃદય પર હાથ મૂકીને જો સચ્ચાઈનો સામનો કરી શકીએ તો સમજાય કે આ સ્ત્રીઓને પ્રણામ કરવા જોઈએ. એ પોતાની જાત વેચીને સમાજને ચોખ્ખો રાખવાનું કામ કરે છે. સાચા અર્થમાં આ સ્ત્રીઓ સમાજની શુદ્ધિ કરતા સંત જેવું જ કામ કરે છે. નવાઈની વાત એ છે કે એમના પરસ્પરના સંબંધો બહુ અદ્્ભુત છે. એક સ્ત્રી ગ્રાહકને સંતોષતી હોય ત્યારે બીજી જે ફ્રી હોય એ એના બાળકને સંભાળેે છે.

નાનકડી સાત-આઠ મહિનાની મંજુલાને મૂકીને એની મા ‘ધંધે’ ગઈ હોય ત્યારે એની જ બાજુમાં ઊભી રહેતી, એની જ હરીફ ગણાય એવી આરીફા એની દીકરીને સાચવે છે. એકાદનો ધંધો ન થયો હોય અને ખાવાનું ન હોય તો આ બહેનો વહેંચીને વડાપાઉં ખાય છે. બધી સમજે છે કે પચાસ વર્ષ પછી શરીર ખખડી જવાનું અને આવકનું સાધન નથી રહેવાનું, એટલે એકબીજાનો આધાર બનીને જીવે છે.

આ સ્ત્રીઓ એકબીજાની હિંમત બનીને જીવ્યા કરે છે. આ સ્ત્રીઓ સાથે વિતાવેલા થોડા કલાકે મને શીખવ્યું કે ફરિયાદ કરવાનો અધિકાર આપણને છે જ નહીં. આપણે જે સ્થિતિમાં અને સંજોગોમાં જીવીએ છીએ એમાં ઈશ્વરનો આભાર માનવા સિવાય બીજું કંઈ કરી જ શકાય એમ નથી. નાનકડી તકલીફ પણ આપણને બહુ મોટી લાગે છે, પરંતુ એમની મોટી તકલીફોને એ જે રીતેે ‘નાનકડી’ ગણીને જીવે છે એ જોઈને થયું, આ બદનામ બસ્તી નથી, જીવનની પાઠશાળા છે.

[email protected]

X
article by kaajalozavaidy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી