માય સ્પેસ / સફળ છે એ સુખી જ હોય?

article by kajaloza vaidya

કાજલ ઓઝા વૈદ્ય

Feb 17, 2019, 03:34 PM IST

5 ફેબ્રુઆરીએ અમિતાભ બચ્ચને એક ટ્વિટ કર્યું છે, જેમાં શ્રીદેવી, આમિર અને સલમાન ખાન સાથે વેમ્બલી(લંડન)માં સિત્તેર હજાર ઓડિયન્સની સામે એમણે પરફોર્મ કરેલું એને યાદ કરીને બચ્ચન સાહેબે ‘ધોઝ વેર ધ ડેઇઝ.’ લખ્યું છે.
આજે બધા સ્ટાર છે. એમાંની એક વ્યક્તિ તો હયાત પણ નથી! એ સમય હતો જ્યારે કલાકારોનાં સ્ટેજ પરફોર્મન્સીસ બહુ લોકપ્રિય હતાં. અમદાવાદમાં અમિતાભ બચ્ચનનો પહેલો શો પોલીસ સ્ટેડિયમમાં થયેલો. 80ના દાયકામાં આ શો માટે પડાપડી હતી. એમ કહેવામાં આવે છે કે એ શો ઓર્ગેનાઇઝ કરનારને એ વખતે લાખો રૂપિયાનો ફાયદો થયેલો. હમણાં થોડા વખતથી ફિલ્મસ્ટાર્સના લાઇવ શોમાં નુકસાનના સમાચાર સાંભળવા મળે છે. બદલાતા સમય સાથે આ બધાં ફિલ્મસ્ટાર્સના શોની કિંમત અને ડિઝાઇન બદલાવા લાગી. ફિલ્મફેર, ઇમ્પા કે મુંબઈ પોલીસ વેલફેર માટેનો શો ‘ઉમંગ’ હોય તો જુદી વાત છે, બાકી હા પાડ્યા પછી, જાહેરાત પછી પણ હાજર નહીં થનારાં સ્ટાર્સ વિશે આપણે ઘણીવાર સાંભળ્યું છે. ખુરશીઓ ઉછળે અને ઓર્ગેનાઇઝર માટે પરિસ્થિતિ વિકટ થઈ જાય આવા ન્યૂઝ મીડિયા માટે બહુ મોટો મસાલો પુરવાર થાય છે. ફિલ્મસ્ટાર્સ કેટલાં ઉદ્દંડ છે, કેટલો એટિટ્યૂડ બતાવે છે, ઓર્ગેનાઇઝર્સને કેવી રીતે નચાવે છે, ઘુમાવે છે, નખરાં કરે છે, પૈસા ખાઈ જાય છે. આવું ઘણું આપણે અવારનવાર સાંભળીએ છીએ. કોઈ સ્ટારે પૈસા ન મળે તો સ્ટેજ પર ચઢવાની ના પાડી દીધી, મોડા આવ્યા, પ્રેક્ષકોને બેસાડી રાખ્યા. આવી કેટલીયે કથાઓ આપણે અવારનવાર સાંભળીએ છીએ, પરંતુ સ્ટાર્સ સાથે કોણે કેવો વ્યવહાર કર્યો એની કથાઓ લોકો સુધી પહોંચાડવામાં મીડિયાને ભાગ્યે જ રસ પડે છે.

  • જે લોકો સિલ્વર સ્ક્રીન અથવા સિનેમાના પડદા પર ગ્લેમરસ દેખાય છે એમની જિંદગી મહેનતથી ભરપૂર છે, ત્યારે એમની મહેનતનું પૂરું મૂલ્ય એમને મળવું જોઈએ એવો આગ્રહ ખોટો છે?

‘ફિલ્મસ્ટાર્સને શું તકલીફ હોય?’ આ સવાલ લગભગ બધાનો છે. જેમની પાછળ હજારો ફેન મૂર્ખની જેમ દોડે છે, જેમની એક ઝલક જોવા માટે લોકો કલાકો ઊભા રહે છે ને કલાકો ખર્ચે છે, જેમને એક ફિલ્મમાં કામ કરવાના કરોડો રૂપિયા મળે છે એવી વ્યક્તિની જિંદગીમાં વળી તકલીફ શું હોય! એક એક્ટર કેટલી મહેનત કરે છે, સ્ટેજ પરફોર્મન્સ માટે કેટલાં રિહર્સલ કરવાં પડે, પોતાની ડેટ્સ કેવી રીતે ખેંચીતાણીને એડજસ્ટ કરવી પડે, ક્યારેક ખાવાનો પણ સમય ન મળે, સહકલાકારને નીકળી જવું હોય તો ચોવીસ-છત્રીસ કલાક પણ શૂટિંગ કરવું પડે. મિત્રો, સગાં, પરિવારનાં લગ્નોમાં હાજરી ન આપી શકાય, જે કરવું હોય તે કરવાની છૂટ ન મળે. આ બધું ‘સ્ટારડમ’ની કિંમત છે એવું માની લઈએ તો પણ એમની સાથે થતું ગેરવર્તન કે છેતરપિંડી એટલી જ શિદ્દતથી એના પ્રેક્ષકો કે ફેન સુધી પહોંચાડવાની મીડિયાની ફરજ નથી? જે સફળ છે, પૈસા કમાય છે એ અનિવાર્યપણે તોછડા અને બેજવાબદાર હોવા જોઈએ એવું આપણે બધાં માનીએ છીએ? સત્ય એ છે કે ફિલ્મસ્ટાર્સને છેતરી જનારા કે ‘નુકસાન થયું છે’ એવું બહાનું બતાવી પૂરા પૈસા નહીં આપનારા, તારીખો લઈને શો કે શૂટિંગ નહીં કરનારા ઓર્ગેનાઇઝર્સ અને નિર્માતાઓની સંખ્યા ઓછી નથી. હજી હમણાં જ થોડા સમય પહેલાં એક અભિનેત્રીએ કરેલા ફ્રોડની ખબરોથી મીડિયા ગરમ થઈ ગયું હતું. કોઈએ એ અભિનેત્રીને શું કહેવું હતું એ વિશે જાણવાનો પ્રયાસ જ ન કર્યો. માત્ર ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે એ અભિનેત્રીએ શું કર્યું એ વિશેની ચર્ચાઓ થતી રહી. સલમાન કોઈને ફટકારે કે સૈફ ‘ઔરસ’ રેસ્ટોરાંમાં કોઈની સાથે મિસબિહેવ કરે, અભિષેક ઇન્ટરવ્યૂ આપવાની ના પાડે કે અમિતાભ બચ્ચન મીડિયાનો બહિષ્કાર કરે, ત્યારે ફિલ્મસ્ટાર્સની ભૂલ કે એનું ગેરવર્તન તો નોંધાય છે, પરંતુ ફેનથી શરૂ કરીને ઓર્ગેનાઇઝર સુધી, નિર્માતાથી શરૂ કરીને મીડિયા સુધીના આ કલાકાર સાથે જે થાય છે એ વિશે નોંધ લેવાનું કોઈને અનુકૂળ કેમ નથી હોતું?
દુનિયામાં કોઈ પણ સફળતા મફત નથી મળતી. ધેર ઇઝ નો ફ્રી લન્ચ. મુકેશ અંબાણી હોય કે સચીન તેંડુલકર, અમિતાભ બચ્ચન હોય કે રહેમાન, મહેનત દરેકે કરવી પડે છે. કેટલાક લોકો મજૂરી કરે છે ને કેટલાક મહેનત. બુદ્ધિપૂર્વક કરવામાં આવતી આવડત કે ટેલેન્ટ સાથેની મહેનત માણસને બીજા કરતાં ઝડપથી અને વધુ સરળ બનાવે છે. ફિલ્મસ્ટાર્સ વિશે લખવાનું કારણ એ છે કે ‘માય સ્પેસ’માં મારે એવી વાતો પરત્વે ધ્યાન દોરવું છે જેને આપણે હંમેશાં નજરઅંદાજ કરતા રહ્યાં છીએ. સલમાન દારૂ પીને ગાડી ઠોકી દે એ વિશે મીડિયા અનેક સમાચારો પ્રકાશિત કરે છે, પરંતુ એ પોતાના બનેવી માટે ફિલ્મ બનાવે, સૂરજ પંચોલીને પોલીસ કેસમાંથી છોડાવવામાં મદદ કરે કે એની આસપાસના કેટલાય લોકોની હોસ્પિટલનાં બિલ ભરે તો એ વિશેના સમાચારમાં મીડિયાને ‘મસાલો’ નથી દેખાતો! બે ભાઈઓ, બે મા, બે બહેનો અને બે બનેવીઓના આખા પરિવારને સલમાન ખાન આનંદથી પોશે છે. અમિતાભ બચ્ચન પોતાની નાદુરસ્ત તબિયત સાથે પણ મહેનત કરે છે કે વિકી કૌશલ, આયુષમાન ખુરાના જેવા કલાકારો પોતાની સફળતા માટે વર્ષો તપશ્ચર્યા કરે છે, એ પછી જ્યારે સફળ થાય છે અને પોતાની મહેનતનું મૂલ્ય કે સ્ટારડમની કિંમત માગતા થાય છે ત્યારે ઓર્ગેનાઇઝર્સ કે નિર્માતાને લાગે છે કે ‘એના ભેજામાં રાઈ ભરાઈ ગઈ છે!’ સાચે જ તારીખ ન હોય અને કોઈ કલાકાર ડેટ આપવાની ના પાડે તો નિર્માતાને એ નખરાં અથવા એટિટ્યૂડ લાગે છે. પરિવારને સમય નહીં ફાળવી શકતો માણસ, પોતાને ગમતી પ્રવૃત્તિ ન કરી શકતો માણસ જ્યારે એ ‘બલિદાન’ માટે ‘કિંમત’ માગે ત્યારે એ ‘બગડી ગયેલો’ કહેવાય છે. ફની વાત એ છે કે એમને આ કિંમત દરેક વખતે મળે જ એવું જરૂરી નથી! નક્કી થયેલા કે મોઢે કબૂલ કરાયેલા પૈસા નહીં આપનારા, ખાઈ જનારા કે હાથ ઊંચા કરી દેનારા લોકોની અહીં કમી નથી.


કલાકાર કોઈ પણ હોય ડાયરાનો, સ્ટેન્ડઅપ કોમેડીનો, ડાન્સર કે ઓર્કેસ્ટ્રાનો, એ પોતાની ટેલેન્ટ અને મહેનત ઇન્વેસ્ટ કરીને કમાય છે. સામાન્યત: શો પૂરો થયા પછી ઓર્ગેનાઇઝર એની સાથે ભાવતાલ કરે છે! એકાદ-બે અનુભવ પછી આવા કલાકારો સ્ટેજ પર ચઢતા પહેલાં પૈસા માગે છે ત્યારે એ વિશે ઓર્ગેનાઇઝર્સ વધારી-ચઢાવીને વાતો કરે છે. નક્કી થયેલું મહેનતાણું ન મળે ત્યારે મજૂર પણ કકળાટ કરે છે તો દૂરથી આવેલા, ખેંચતાણ કરીને જેણે પોતાની ડેટ એડજેસ્ટ કરી હોય એવો કલાકાર કંઈ ન બોલે એવી અપેક્ષા વધારે પડતી નથી? સમય સૌને શીખવે એમ કલાકાર પણ શીખે તો ખરો જ ને? એક-બે કડવા અનુભવ પછી જ્યારે એ એડવાન્સનો આગ્રહ રાખે, પૈસા મળ્યા વગર સ્ટેજ પર ચઢવાની ના પાડે કે અગાઉથી જણાવ્યા વગર તારીખ કેન્સલ થાય ત્યારે પોતાની તારીખ ખાલી ગઈ એની વસૂલી માટે આગ્રહ રાખે ત્યારે મીડિયા એ સમાચારોને મરીમસાલા સાથે છાપે છે.
જે લોકો સિલ્વર સ્ક્રીન અથવા સિનેમાના પડદા પર ગ્લેમરસ દેખાય છે એમની જિંદગી મહેનતથી ભરપૂર છે. ગમતા, ન ગમતા લોકો સાથે કામ કરવું પડે, મૂડ સારો હોય કે નહીં, સારા દેખાવું પડે, લેધરનાં પેન્ટ પહેરીને તડકામાં કે શિફોનની સાડી પહેરીને બરફમાં નાચવું પડે, હસવું-રડવું પડે, ગમે તે સ્થિતિમાં સ્મિત કરવું પડે, ફેન્સ જોડે ફોટા પડાવવા પડે ત્યારે એમની મહેનતનું પૂરું મૂલ્ય એમને મળવું જોઈએ એવો આગ્રહ ખોટો છે? દીપિકા પાદુકોણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘સફળતા સાથે માઇલ્ડ ડિપ્રેશન આવે છે અને નિષ્ફળતા સાથે તીવ્ર. ડિપ્રેશન આ ઇન્ડસ્ટ્રીની ભેટ છે એક નોર્મલ માણસને!’
આપણે બધા ફિલ્મ અને ટીવી સિરિયલનું ‘મેકિંગ’ જોઈએ છીએ, હવે એ શૂટ કરીને દેખાડવાની ફેશન છે, પરંતુ એક કલાકારનું મેકિંગ, બ્રેકિંગ, શેઇકિંગ, શેટરિંગ અને ફોલિંગ, રાઇઝિંગ પણ જોવું, જાણવું ને સમજવું જોઈએ.

[email protected]

X
article by kajaloza vaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી