તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોસ્તો, સફરના સાથીઓ એ દેશની ખાજો દયા...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ એરપોર્ટ પર થોડી સ્ત્રીઓ સિક્યોરિટી ચેકિંગ માટે ઊભી છે. એક પછી એક સામાન મુકાય છે. પેલી તરફ બહાર નીકળીને સહુ પોતાનો સામાન લઇને બોર્ડિંગ ગેટ તરફ જાય છે. એક પર્સને લઇને સિક્યોરિટી અધિકારી એને ખોલવાનો નિર્દેશ કરે છે. જેમનું પર્સ છે તે બહેન અકળાઇને પૂછે છે ‘ક્યા હૈ?’


સિક્યોરિટી અધિકારી કહે છે, ‘અંદર બ્લેડ છે.’ બહેન ધરાર ‘ના’ પાડે છે. ધમપછાડા કરે છે. બબડાટ કરતાં પર્સ ખોલે છે. અંદર બ્લેડ નથી મળતી. ‘મેં કહ્યું હતું ને? ખાલી મારો ટાઇમ વેસ્ટ કર્યો!’ કહેતાં એ જવા લાગે છે.

 

# મી ટુમાં જેટલો રસ આપણેને પડે છે એનાથી અડધો રસ પણ અલીગઢ મુસ્લિમ યુનિ.ના વિવાદમાં, સબરીમાલામાં કે દેશની બીજી સમસ્યાઓમાં પડતો નથી

સિક્યોરિટી અધિકારી ફરીથી પર્સ મૂકે છે-ફરી બ્લેડ દેખાય છે...
ટૂંકમાં આઠ-દસ મિનિટની માથાકૂટ પછી એક કિચેઇનમાં રમકડાની બ્લેડ એમના પર્સમાંથી મળે છે. એ બહેન શરમાવાને બદલે ચિડાય છે, ‘આ?!?’ એ અધિકારીને ધમકાવે છે, ‘આને માટે ટાઇમ બગાડ્યો? સારા માણસોને જ પકડો છો. તાકાત હોય તો પકડોને આતંકવાદીને...’ વગેરે ચોપડાવીને બહેન તો નીકળી જાય છે પણ દેશની સિસ્ટમને, આપણી સિક્યોરિટી માટે સવારે 3-00 વાગ્યે ડ્યૂટી પર આવતા લશ્કરી જવાનને અપ્રામાણિક બનાવવાનું-એના મોરલને હચમચાવીને નબળું પાડવાનું કામ કરતાં જાય છે! પોલીસ-સરકારી ઓફિસર-રેલવેનો અધિકારી કે લશ્કરી જવાન, આપણે જ ઊભી કરેલી સિસ્ટમનો આદર કરવાનું આપણે કેમ શીખ્યા નથી?


બધું જ આપણને અનુકૂળ હોવું જોઇએ એવો આપણો આગ્રહ રહ્યો છે. જરાક ડિસકમ્ફર્ટ કે જરાક અગવડ આપણને તરત ઉશ્કેરી મૂકે છે. ભારતમાં ઉચ્ચ મધ્યમવર્ગના લગભગ દરેક માણસને ‘સ્પેશિયલ’ હોવાની બીમારી છે.


1981માં રજૂ થયેલી ફિલ્મ ‘કાલિયા’માં અમિતાભ બચ્ચને કહ્યું હતું, ‘હમ વો હૈ જો કભી કિસી કે પીછે ખડે નહીં હોતે. જહાં ખડે હો જાતે હૈ લાઇન વહાં સે શુરુ હો જાતી હૈ.’ અમિતજી એ આ ડાયલોગ ફિલ્મ માટે કહ્યો હતો, આપણી પ્રજાએ જરા સિરિયસલી લઇ લીધો છે.


આપણને કોઇને લાઇનમાં ઊભા રહેવાનું, વેઇટ કરવાનું કે નિયમ મુજબ ચાલવાનું ગમતું જ નથી. આપણે આપણી અલગ લાઇન ઊભી કરવામાં આખા દેશની ડિસિપ્લીનને વિખેરી નાખીએ એનો વાંધો નથી, પણ ‘હમ કભી કિસી કે પીછે ખડે નહીં હોતે...’નો ઇગો મસાજ તો થવો જ જોઇએ!


1947માં આઝાદ થયો આ દેશ... સાત દાયકાની આઝાદી પછી પણ આપણે આપણી જ ઊભી કરેલી સિસ્ટમને સ્વીકારવા કે સન્માન આપવા તૈયાર નથી એ કેવી આઝાદી છે?
ગમે ત્યાં પાર્કિંગ કરી દેવું, એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. થૂંકવું-કચરો ફેંકવો એ આપણો શોખ છે. ગાંધીજીનો જન્મ થયો એ મકાનમાં, લાલકિલ્લામાં, બૌદ્ધ ગુફાઓમાં કે બીજાં ઐતિહાસિક સ્થળોએ આપણા નામ લખીને અમર થવાની એક અજબ જેવી વૃત્તિના શિકાર છીએ આપણે..


આમાં જો કોઇ વિઘ્ન પડે-આપણે આપણી ‘આઝાદી’નો યથેચ્છ ઉપયોગ કરતાં કોઇ રોકે તો આપણે ચિડાઇએ છીએ.


આપણી ‘આઝાદી’ એ આપણી અનુકૂળતા છે. દરેકની અંગત સગવડ સાચવવી એ સરકારની ફરજ માનીને જીવવાની આપણે સૌને ટેવ પડી છે. જે દેશમાં ઊભા રહેવાની જગ્યા પણ મહામુશ્કેલીએ મળે તેવા દિવસો દૂર નથી ત્યારે સૌને પોતાની અંગત લાઇન ઊભી કરવાની સગવડ કેમ મળે?


આપણે જે સરકાર પાસે ઢગલાબંધ અપેક્ષાઓ રાખીએ છીએ એ સરકાર માટે આપણે શું કરીએ છીએ? કાયદા પાળવા, પૂરેપૂરો ટેક્સ ભરવો, વ્હાઇટની જ આવક રાખવી કે પ્રોપર્ટી ખરીદતી વખતે વ્હાઇટ જ આપવાનો આગ્રહ રાખવો, ટ્રાફિકના નિયમો પાળવા, નિયમનો ભંગ થાય તો દંડ ભરવાની તૈયારી બતાવવી આ બધા ‘વેદિયાવેડા’ છે.


# મી ટુમાં જેટલો રસ આપણેને પડ્યો, પડે છે એનાથી અડધો રસ પણ આપણને અલીગઢ મુસ્લિમ યુનિ.ના વિવાદમાં, સબરીમાલામાં કે દેશની બીજી મહત્ત્વની સમસ્યામાં પડતો નથી... ભણેલા લોકો પણ પેટ્રોલના ભાવની ફરિયાદ કરે છે, ‘કારપુલ’ કરતાં એમને વાંધો પડે છે!


શુક્રવારે જોયેલા એક સમાચારના સર્વે મુજબ રાજકોટમાં 3 ટકા લોકો જ હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવે છે. આખા સૌરાષ્ટ્રમાં 7 થી 8 ટકા લોકો છે જે હેલ્મેટનો કે સીટબેલ્ટનો ઉપયોગ કરે છે, કે વાહન ચલાવતી વખતે સેલફોન નથી વાપરતા. આવા કોઇ ગુના હેઠળ એમને રોકવામાં આવે તો લાંચ આપીને નીકળી જવાનું એમને ફાવી ગયું છે. આ દેશ ‘પૈસા’ના જોરે જીવતો થઇ ગયો છે. જ્યાં શક્ય હોય ત્યાં લાંચ આપીને સગવડ ઊભી કરી લેવાની આપણી મનોવૃત્તિ એટલી હદે વકરી છે કે હવે આપણે ભ્રષ્ટાચારને એક ઓફિશિયલ-સત્તાવાર પ્રવૃત્તિ તરીકે સ્વીકારી જ લીધી છે.


આપણે બધા જ ફાવે તેમ-બેફામ જીવવાની વૃત્તિને આઝાદી કહેતા થઇ ગયા છીએ. આપણી આ બેફામ પ્રવૃત્તિ ઉપર કોઇ રોક-ટોક લાગે કે કોઇ અટકાવે તો એની જવાબદારી કે ફરજ સમજવાને બદલે ‘એ શું નથી કરતા’ એવું યાદ કરાવીને ફરજ બજાવનારને ઉતારી પાડવામાં અપમાનિત કરવામાં આપણે ‘ઇગો’ અહંકાર પોસાયાની મજા પડે છે.


કોઇ અધિકારી કડક થાય કે પોતાની ફરજ જવાબદારીપૂર્વક નિભાવે તો ‘બહુ ડાહ્યો થાય છે’ કહીને એની પ્રામાણિકતાને મૂર્ખતામાં ખપાવતાં આપણને જરાય શરમ આવતી નથી.
આપણો  અહંકાર ઘવાય કે તરત ઉશ્કેરાટ વ્યાપે છે ધાર્યું કે માગ્યું ન થાય એટલે સરકારને બ્લેકમેઇલ કરવી એ આપણી ફિતરત છે. ઉશ્કેરાયેલા રાજકીય કાર્યકરો-રસ્તા ઉપર ઊતરી આવેલા વિદ્યાર્થીઓ-પૂતળાં બાળતું ટોળું-ઝંડા બતાવતી સ્ત્રીઓ-બૂમો, ચીસો, કકળટા અને ઉશ્કેરાટ... ચોતરફ! એક વિવાદ શમે કે તરત બીજો વિવાદ ઊભો થવો જોઇએ એવી આ દેશની ફિતરત બનતી જાય છે. ભારત એક જ એવો દેશ હશે, જ્યાં સરકારનો સમય વિવાદ શમાવવામાં વધુ અને શાસન ચલાવવા માટે ઓછો વપરાય છે!


લગભગ દરેક માણસ એવી ફરિયાદ કરતો જોવા મળે છે કે, ‘આ દેશમાં શાંતિ નથી, ભ્રષ્ટાચાર છે, લાઇનો છે-અરાજકતા છે.’ પણ, આ કોણે ઊભું કર્યું? જે દેશમાં આપણે વસીએ છીએ એ દેશમાં કંઇ પણ બને તેની જવાબદારી કાયમ માટે ‘વિદેશી હાથ’ પર નાખી દેવાથી આપણી જવાબદારી પૂરી થઇ જાય છે?


ઘર આંગણેથી કચરો ઉપાડવા ટ્રક ન આવે કે રસ્તા ખરાબ હોય, ઇન્કમટેક્સથી શરૂ કરીને જીએસટી સુધીના આંકડા આપણને ન સમજાયા હોય કે આપણે ધારેલી ઝડપે-ઇચ્છ્યું હોય તેમ કોઇ કામ ન થયું હોય... સરકાર તરત જ ‘નકામી’ અને ‘કામચોર’ થઇ જાય. આપણે જ પસંદ કરી છે આ સરકાર, આપણે જ નક્કી કર્યું છે કે આપણા પ્રતિનિધિ કોણ હશે-તો એ પછી એ જ પ્રતિનિધિમાં-એ જ સિસ્ટમમાં આપણો વિશ્વાસ કેમ નથી?


કારણ એ છે કે આપણી પસંદગી સાચી અને પ્રામાણિક નથી એની આપણને ખબર છે. જાતિ-જ્ઞાતિ-સગાં-ધર્મ અને કંઇ નહીં તો સ્વાર્થ, પણ આપણી પ્રામાણિકતાને પલાળે છે ‘કોણ, કેટલું કામ લાગશે?’ આ સાવલના જવાબ ઉપરથી દેશનું ભવિષ્ય અને સરકાર નક્કી કરનારા આપણે સૌ, સિસ્ટમને બ્લેઇમ કરવાનો અધિકાર ક્યારના ય ગુમાવી બેઠા છીએ. છતાં, સરકાર અને ભગવાન, આ બે એવાં તત્ત્વો છે જેને કોઇપણ બાબત માટે જવાબદાર ઠેરવીને છૂટી જવાનું આપણને આવડી ગયું છે. આ દેશમાં રાજકારણ એ ‘ધર્મ’ નથી ને ‘ધર્મ’થી મોટું કોઇ રાજકારણ નથી.


અલ્હાબાદને ‘પ્રયાગરાજ’ કહેવું કે સબરીમાલામાં ઋતુસ્ત્રાવ થતો હોય એવી સ્ત્રીઓને પ્રવેશ આપવો કે નહીં, રામમંદિર બાંધવું કે નહીં, એની ચર્ચામાં જેટલો સમય આ સરકાર અને સરકાર વિરોધી પણ સત્તાભૂખ્યા રાજકારણીઓ વેડફે છે એ જોઇને આપણને, મતદાર તરીકે કોઇ ફેર પડતો નથી?


આપણો દેશ, આપણી જરૂરિયાતો, આપણી સલામતી જેવા શબ્દોને બદલે મારી સગવડ, મારો ઇગો, હું સ્પેશિયલ, મારી ઓળખાણ, મારી પહોંચ... જેવા શબ્દોએ આપણને જ નુકસાન કર્યું છે.
આ કોઇ પહેલીવાર નથી લખાયું. મારી પહેલાં અને મારા પછી, લખાયું છે-લખાશે. સવાલ એ છે કે આપણે આ વાંચીને, પૂર્તિને સાચવીને ગડી વાળીને બાજુમાં મૂકીએ છીએ કે ભીતર કંઇ સળવળે છે?


સરકારી અમલદારની ગાડી મૂકવા માટે ખસેડવી પડતી કોમનમેનની ગાડી, પસાર થઇ રહેલા નેતા-મિનિસ્ટર માટે રોકી દેવાતો ટ્રાફિક, એમની મૂર્ખ જેવી વાત સાંભળીને પણ કરવા પડતાં વખાણ, ન્યાય અને કાયદો-વ્યવસ્થાના નામે ચાલતી આ ખુલ્લી તાનાશાહી...  એ પછી પણ આપણે નેતા-મિનિસ્ટર, સરકારી અમલદાર, રાજકારણીને નમવું છે?


ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ, આઇ.ડી. માગતા ટિકિટ ચેકર કે આપણી સિક્યોરિટી માટે ચીકાશ કરતા ઓફિસરને અપમાનિત કરવા છે?


લશ્કરી જવાનો માટે ગીતો ગવાય, એમની વિધવાઓ માટે ફંડ ભેગું કરાય એનાથી વધુ જરૂરી એ છે કે ટ્રેનમાં-બસમાં આપણી સાથે જો આવા કોઇ જવાન મળે તો એને ‘જયહિંદ’ કહી એનું અભિવાદન કરાય!


આપણે બધા જ ભારતીયો મોટાં મોટાં ઉત્સવો અને પ્રદર્શનો, દેખાડા-દંભથી ટેવાયેલા છીએ. નાની નાની વાતોની પ્રામાણિકતા, રોજિંદા જીવનની સચ્ચાઇ, સિસ્ટમમાં સહકાર આપવાની ફરજ કે સરકારની કામગીરીને સમજવાની-સમજ્યા પછી એને સ્વીકારવાની આવડત આપણે ખોઇ બેઠા છીએ.


એટલાન્ટાના મંદિરમાં ‘અટક પરથી હિન્દુ નથી લાગતા’ કહીને કાઢી મૂકવામાં આવેલ ભારતીય, કે સબરીમાલામાં  પ્રવેશવા મથતી સ્ત્રીઓ જુદાં નથી-એકબીજાથી! હિન્દુ મંદિરો ગણતા રાહુલ ગાંધી અને પાકિસ્તાનનાં વખાણ કરનારની સામે ભરાઇ જતા ફેસબુક-અખબારોનાં પાનાં પર લખનારમાં કોઇ ફેર નથી!


દેશ સવાસો કરોડ ભારતીયોનો છે. 543 જણાને ચૂંટવા માટે સો કરોડ વોટર હોય તેમ છતાં જો આપણે આપણી જ સિસ્ટમને વખોડવી પડે તો એને માટે જવાબદાર કોણ?
kaajalozavaidya@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser