એકબીજાને ગમતાં રહીએ / બેઈમાની-બેવફાઈ, સ્ત્રીવાચક શબ્દ છે!

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Apr 23, 2019, 05:41 PM IST

‘મુઝે સચ ચાહિયે... આધા અધૂરા, ટૂકડોં મેં નહીં. પૂરા સચ, કમ્પ્લીટ ટ્રુથ એન્ડ નથિંગ બટ ધ ટ્રુથ.’ બાદલ ગુપ્તા બનીને આવેલા અમિતાભ બચ્ચન નયના સેઠી, એટલે કે તાપસી પન્નુને કહે છે. ફિલ્મ ‘બદલા’માં આ ડાયલોગ જ્યારે કહેવાય છે ત્યારે એક સ્ત્રીને એના બોયફ્રેન્ડના મર્ડરના આરોપી તરીકે એરેસ્ટ કરવામાં આવી છે. ફિલ્મ ‘બદલા’ માત્ર એક સ્ત્રીના પોતાના દીકરાની ક્રૂર હત્યાના બદલાની કથા નથી, એક ભૂલ પછી બીજી ને પછી ત્રીજી. આ ભૂલોની પરંપરાની કથા છે. મોટાભાગના લોકોને આ ફિલ્મમાં એક માએ પોતાના દીકરાની હત્યા બદલ એક સ્ત્રીને કેવી રીતે પકડાવી એટલી જ વાર્તા સમજાઈ અથવા દેખાઈ છે, પરંતુ આ વાર્તામાં એક બેઈમાન માનસિકતા છે. દીકરીને સ્નેહથી સાચવતો અને પત્નીને આગળ વધવામાં મદદ કરી રહેલા પતિને છેતરતી સ્ત્રી, આવી બેઈમાનીમાં ધકેલાય એ વાત લેખક-દિગ્દર્શકે બહુ સરસ રીતે આપણી સામે મૂકી છે. ‘બદલો’ માત્ર વેર લેવા માટેનો શબ્દ નથી. એક બાર્ટર અથવા બદલાતી માનસિકતા પણ આ ‘બદલા’ સાથે જોડાયેલી છે!

  • જે પોતાનો વિચાર કરે છે, એ હંમેશાં વિનાશ તરફ વહે છે. જે થોડોક બીજાનો વિચાર કરી શકે છે એ પોતાને બચાવીને પણ બીજાની મદદ કરી શકે છે, બીજાને માટે કંઈક એવું કરી શકે છે જેનાથી એનું નુકસાન ન થાય

આજથી થોડાં જ વર્ષો પહેલાં જ્યારે ફિલ્મો બનતી ત્યારે પુરુષની બેઈમાની, પુરુષનું વેર કે પુરુષની ઝનૂની પાશવી વૃત્તિઓ વિશેની વાર્તા લખાતી, પડદા પર ભજવાતી. સ્ત્રી માત્ર પીડાય કે એની સાથે કશું ખોટું થાય પછી જ એ ‘બદલો’ લઈ શકે અથવા એ પછી જ એ બદલો લેવાને માટે એલિજિબલ કહેવાય એવી એ સમયના સિનેમાની માનસિકતા હતી. સમયે પલટો ખાધો છે અને હવે સ્ત્રીની એવી માનસિકતા વિશે ફિલ્મો બનવા લાગી છે જેમાં એને ગુનેગાર થવા માટે પીડા, શોષણ કે અન્યાયની જરૂર નથી!
નયના સેઠીને કોઈ બળાત્કાર, અન્યાય કે ડિસ્ક્રિમિનેશનનો સામનો નથી કરવો પડ્યો, બલ્કે એને એક સમજદાર પતિ છે, વ્હાલસોઈ દીકરી છે. બિઝનેસ છે, સફળતા છે, પ્રસિદ્ધિ છે. પછી શું ખૂટે છે? કેમ એને લગ્નેતર સંબંધ આકર્ષે છે? આજના સમયમાં આ સવાલ મોટાભાગની એમ્બિશિયસ અને કારકિર્દી માટે ઝનૂની થઈ ગયેલી સ્ત્રીએ પોતાની જાતને પૂછવાનો સમય થઈ ગયો છે. આપણે બધા અજાણતાં જ એક અધૂરપ તરફ ઘસડાઈ રહ્યા છીએ. જે છે તે ઓછું જ છે, એ વાત આપણને રોજ માર્કેટ કરવામાં આવે છે. બીજાના પતિ જે રીતે એની સાથે વર્તે છે એ રીતે મારો પતિ નથી વર્તતો કે મારા પતિને મારા પરત્વે એવું આકર્ષણ નથી એ લાગણી નવી નથી, લગભગ દરેક સ્ત્રીને લાગે છે કે એના પતિને ‘હવે’ એનામાં રસ નથી રહ્યો. આ સત્ય નથી, એવી પણ એને ખબર જ હોય છે. સ્ત્રીની અભિવ્યક્તિની અપેક્ષા સાથે પુરુષની જવાબદારીઓનો સંઘર્ષ થાય છે. આખો દિવસ જેણે પોતાના પતિની પ્રતીક્ષા કરી છે એ સ્ત્રી સાંજના થાકીને આવેલા પતિ પાસે જે રોમાન્સની અપેક્ષા રાખે એ કદાચ એના પતિ માટે શક્ય નથી અથવા તો સ્ત્રી પાસે જે એનર્જી અને અભિવ્યક્તિ છે એ બંને પુરુષ પાસે નથી. આમાં કોઈ સારું કે ખરાબ નથી, આ પ્રકૃતિ છે. બંનેની, આગવી અને અલગ.
હવેના સમયમાં જ્યારે સ્ત્રી કમાતી થઈ છે, બહાર નીકળતી થઈ છે, જગત વિશે એક્સપોઝ્ડ છે ત્યારે એને સમજાય છે (સમજાવવામાં આવે છે) કે, હજી અનેક શક્યતાઓ બાકી છે! આ શક્યતાઓ માત્ર યુવાન દેખાવાની, બોયફ્રેન્ડ હોવાની કે માર્કેટમાં પોતે હજી અકબંધ છે એટલી જ લાગણી પૂરતી કેમ છે? વાળ કાળા કરવા, વજન ઘટાડવું, સુંદર દેખાવું કે પુરુષોના આકર્ષણનું કેન્દ્ર બનવું એટલું જ માત્ર સ્ત્રીત્વનું અસ્તિત્વ છે? લેગિંગ્સથી શરૂ કરીને શેમ્પૂ, પર્ફ્યૂમ કે ચશ્માંની ફ્રેમ સુધ્ધાં ફક્ત પુરુષને આકર્ષવા માટે જ કેમ ખરીદવાની? પતિનું ધ્યાન ન હોય અથવા એ થોડો ગંભીર કે ઉત્કટ અભિવ્યક્તિ કરી શકે એવો ન હોય તો એ જરૂરિયાત ક્યાંય બીજેથી પૂરી લેવાની? કોઈએ નોટિસ કર્યું હોય કે નહીં, પણ એમાં એક વાત ‘શોર્ટકટ’ની છે, એક વાત ‘ખાલી રસ્તો’ અને ‘વધુ સ્પીડ’ની છે. શોર્ટકટ લેનાર, ખાલી રસ્તો જોઈને સ્પીડ કરનાર એકાદ એક્સિડન્ટ કરી જ બેસે છે. આવા એક્સિડન્ટને છુપાવવા જતાં એક પછી એક ભૂલોની પરંપરા સર્જાતી જાય છે. પોતાની જાતને બુદ્ધિશાળી અને કેલ્ક્યુલેટેડ (સફળ બિઝનેસ પર્સન) સમજતી નયના સેઠી ભૂલી જાય છે કે માનવજીવન અને બિઝનેસ બે સાવ જુદી બાબતો છે! એનું ‘વધુ’ મેળવવાનું ઝનૂન એને ગૂંચવી નાખે છે. ગૂંચવાયેલી નયના એક જીવતા માણસને મોતના મોઢામાં ધકેલી દે છે!
નયના સેઠીનો કિસ્સો ક્રૂર હત્યાનો નથી, એક બુદ્ધિશાળી, એમ્બિશિયસ અને હંગ્રી (પ્રબળ એષણાઓ ધરાવતી) સ્ત્રીનો છે. જેમ સાક્ષરા: વિપરીત થાય તો રાક્ષસા: થાય એમ જ સ્ત્રી પણ જ્યારે ખોટી દિશામાં નીકળી જાય છે ત્યારે એનું ઇમોશનલ બેલેન્સ ખોરવાઈ જાય છે. સાચું-ખોટું વિચારવાનું એ ચૂકી જાય છે. આ એની પ્રકૃતિ છે. ધરતીકંપ થાય ત્યારે પૃથ્વી પ્રમાણભાન નથી રાખી શકતી, કાંઠા તોડીને વહે ત્યારે નદી બેલેન્સ નથી રાખી શકતી અને જગતજનની જગદંબા પણ ક્રોધિત થાય છે ત્યારે એ સર્વનાશ તરફ ધસે છે. એક સ્ત્રી સામાન્યત: કલ્યાણી છે. એની પ્રકૃતિ સર્જન કરવાની છે. એ પત્ની છે, મા છે, પરંતુ એને જ્યારે ભૂખ, એમ્બિશન, ઇક્વાલિટી અને અન્યાય માર્કેટ કરવામાં આવે છે ત્યારે એના મગજમાં આ વાત ઘર કરી જાય છે. પ્રકૃતિએ દરેકને પોતાનું કામ સોંપ્યું છે. જો સમજી શકાય તો સમજવું જોઈએ કે પ્રકૃતિને સ્ત્રીમાં કેટલો વિશ્વાસ હશે કે દર મહિને એક જ અંડબીજ છૂટું પડે છે. જ્યારે દરેક સંભોગ વખતે હજારોની સંખ્યામાં પુરુષબીજ બહાર પડે છે. સ્ત્રીએ ચાન્સ નથી લેવાનો, એ શ્યોર છે. આ વાત પ્રકૃતિએ સ્ત્રીને સમજાવી છે!
એમ્બિશન સુંદર બાબત છે, કારકિર્દી વિશે સજાગ હોવું કે પોતાની આવડતમાંથી ક્યાંક પહોંચવું, કશુંક પામવું, પ્રસિદ્ધિ, સંપત્તિ, સત્તા કે સ્થાન મેળવવા વિશે પ્રયત્ન કરવામાં ખોટું નથી. દરેક સ્ત્રીએ પોતાની અલગ ઓળખ ઊભી કરવી જ જોઈએ. અગત્યનું એ છે કે આ ઓળખ ઊભી કરવામાં એની મૂળ ઓળખ, સ્ત્રી હોવાની, મા હોવાની, ઋજુ, પ્રેમાળ કે ક્ષમાશીલ હોવાની ઓળખ કેમ ભૂંસાય? ‘બદલા’ ફિલ્મ જોતી વખતે વિચાર આવ્યો કે નયના સેઠીને અર્જુન ગમતો હતો, એની સાથે શારીરિક સંબંધો હતા. એના પતિને જાણ ન થાય એવો એનો પ્રયાસ હોય એ પણ સ્વાભાવિક છે, પરંતુ જેનામાં હજી શ્વાસ છે એવા માણસને મોતના મોઢામાં ધકેલી દે એટલો સ્વાર્થ કે ક્રૂરતા કેમ હોય? ગાડીને તળાવમાં ધકેલતાં પહેલાં આ છોકરા-સનીને એ બહાર કાઢી શકી હોત, એનાં માતા-પિતાને ફોન કરી શકી હોત(સનીના ફોનથી) કે બીજું કશું કરી શકી હોત જેનાથી એ ફસાય નહીં ને સની બચી જાય! એ એમ નથી કરતી, કેમ કે એ ફક્ત પોતાનો વિચાર કરી શકે છે. જે પોતાનો વિચાર કરે છે, ફક્ત પોતાનો, એ હંમેશાં વિનાશ તરફ વહે છે. જે થોડોક બીજાનો વિચાર કરી શકે છે એ પોતાની જાતને બચાવીને પણ બીજાની મદદ કરી શકે છે, બીજાને માટે કંઈક એવું કરી શકે છે જેનાથી એનું નુકસાન ન થાય. આપણે જે જગતમાં પ્રવેશ્યા પછી એમાં આપણને વધુ ને વધુ પોતાના વિશે વિચારતા કરવામાં આવી રહ્યા છે. વધુ ને વધુ સ્વાર્થી, સ્વકેન્દ્રી બનાવવાનું કામ આ માર્કેટિંગ કરી રહ્યું છે. જે ‘છે’ તે ઓછું છે એવું આપણને ફરી ફરીને સમજાવવામાં આવે છે, આપણે હજી વધુ મેળવવા જીવવાનું છે. હજી વધુ એ જ આપણું લક્ષ્ય છે.
કોન્ડોમની જાહેરાતમાં પણ, ‘એક્સ્ટ્રા ટાઇમ’ કહીને આકર્ષવામાં આવે છે. ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાની કંપની ‘વધુ ભૂખ’ વેચે છે! મોટું ઘર, વધુ સેક્સ, વધુ ભોજન, વધુ સૌંદર્ય ને સૌથી અગત્યનું યુવાન દેખાઈને વધુ જિંદગી... આપણે મૂર્ખની જેમ ખરીદી રહ્યા છીએ. આવું કંઈ અવેલેબલ નથી! માત્ર આપણને માર્કેટ કરવામાં આવે છે, ડિલિવરી નહીં! સવાલ એક નયના સેઠી, એક સની કે એક બદલાનો નથી, જે ‘વધુ’ શોધવા નીકળશે એ અજાણતાં જ આવા કોઈ ટ્રેપમાં ફસાયા વગર રહેશે નહીં.

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી