માય સ્પેસ / લાંબુ આયુષ્ય કે બહેતર જીવન?

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Apr 21, 2019, 05:20 PM IST

હમણાં જ એક ગુજરાતી નાટકનું ટાઇટલ, ‘તમે ઘણું જીવો’ વાંચ્યું. એની સાથે જ એક વિચાર થયો કે ઘણું જીવવું એ આશીર્વાદ છે કે નહીં? આપણી સંસ્કૃત પરંપરા કહે છે, ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। બધાં સુખી થાઓ, બધા રોગમુક્ત રહો. અર્થ એ થયો કે સુખી થવા માટે રોગમુક્ત થવું પડશે, પરંતુ આજે વધી રહેલા આયુષ્યની સાથે રોગ પણ એટલા જ વધી રહ્યા છે ત્યારે આ લાંબા જીવનનો કોઈ અર્થ છે ખરો? બદલાતા સમય સાથે કદાચ જીવનનાં વર્ષો વધ્યાં છે, પરંતુ એ વર્ષો ‘સુખી’, ‘નીરોગી’ કે ‘શાંત’ છે? જો નથી તો એ જીવન સાચા અર્થમાં જીવવા યોગ્ય છે?

  • સૌને પોતાના જીવનને બહેતર બનાવવું છે, પરંતુ એ બહેતર જીવનમાં જેમણે પાયામાં પોતાની જાતને રેડી છે એવી એક આખી પેઢીને આપણે વીસરવા લાગ્યા છીએ

સુમિત્રા ભાવેની એક મરાઠી ફિલ્મ જે 2013માં રિલીઝ થઈ હતી, ‘અસ્તુ’ (સો બી ઇટ). અલ્ઝાઇમર થયેલા એક પિતાની કથા છે. અતિશય વિદ્વાન, સંસ્કૃતના પ્રોફેસરને સ્મૃતિભ્રંશ થાય છે. દેહધાર્મિક ક્રિયાઓ પર એમનો કાબૂ નથી, કશું જ યાદ રહેતું નથી, પરંતુ મેઘદૂતના શ્લોક કે ઉત્તરરામચરિતના વર્સીસ એ કડકડાટ બોલે છે. ઊગતા સૂર્યને જોઈને સૂર્યવંદના કરે છે. આરતી લેતી વખતે ઋગ્વેદનું ઉચ્ચારણ કરે છે. એ જ માણસને ઘર યાદ નથી. પોતાનું નામ, સંતાનોનાં નામ યાદ નથી. એની દીકરી ડોક્ટરને પૂછે છે, ‘મારા પિતા જે રીતે વર્તે છે એમાં રોગ કેટલો અને છળ કેટલું? અલ્ઝાઇમર થયેલા વૃદ્ધ વિશે ઘણી વાર આ સવાલ સંતાનોને થાય છે. વૃદ્ધ માતા-પિતા જે રીતે વર્તે છે એ ખરેખર એમની સ્થિતિ છે કે પછી એ અટેન્શન સીકિંગ અથવા ઇનસિક્યોર થઈને આવું બિહેવિયર કરે છે. સંસ્કૃત સાહિત્યમાં ‘અંગમ ગલિતમ પલિતમ મુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વાદંડમ’ જેવા શ્લોકમાં વૃદ્ધની સ્થિતિ વર્ણવામાં આવી છે. શરીર કહ્યું ન કરે અને મન હજીયે યુવાન હોય એવી સ્થિતિમાં બહાર જવું ગમે. અમુક પ્રકારનું ખાવાની ઇચ્છા થાય. નાટક, સિનેમા જોવાની, મિત્રોને મળવાની, સારાં કપડાં પહેરવાની મજા તો પડે જ, પણ અંતે આપણે બધા માણસ છીએ! શ્વાસ ચાલતો હોય ત્યાં સુધી જિજીવિષા ન છૂટે એ સ્વાભાવિક છે. મોટાભાગનાં ઘરોમાં સંતાનોને ખબર જ નથી કે, વૃદ્ધ માતા-પિતાને બે ટાઇમના ભોજન અને મેડિકલ સિવાય બીજી કોઈ જરૂરિયાત હોઈ શકે છે. વિકાસ વધી રહ્યો છે, સગવડો વધી રહી છે, મનોરંજનનાં સાધનો વધી રહ્યાં છે, નાનાં (સ્મોલ ટાઉન) હેપનિંગ સિટીઝ બની રહ્યાં છે. દેશી-વિદેશી બ્રાન્ડ દેશભરમાં ફેલાઈ રહી છે. સૌને પોતાના જીવનને બહેતર બનાવવું છે, પરંતુ એ બહેતર જીવનમાં જેમણે પાયામાં પોતાની જાતને રેડી છે એવી એક આખી પેઢીને આપણે વીસરવા લાગ્યા છીએ. અલ્ઝાઇમર ધીરે ધીરે વધુ ને વધુ કોમન રોગ થઈ ગયો છે, આ કેન્સર કરતાં ભયાનક છે. આપણને કલ્પના પણ નથી, કારણ કે આપણને હજી સુધી ઘણું યાદ છે! માણસ પોતાની જાતને ભૂલી જાય એ સુખ છે કે પીડા?
સગવડનાં સાધનોએ આપણને આળસુ બનાવ્યા છે. બધું જ તૈયાર મળવા લાગ્યું છે એટલે મહેનતનું મહત્ત્વ ઘટ્યું છે. શારીરિક શ્રમના અભાવને લીધે, ભોજનની અનિયમિતતા અને બગડતી જીવનશૈલીને લીધે લાઇફસ્ટાઇલ ડિસીઝ વધ્યા છે. રોગ વધ્યા છે ને સાથે જીવન લંબાયું છે. વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે, કારણ કે દવાઓ, મેડિકલ સવલતોને કારણે જીવનનાં વર્ષો વધ્યાં છે. વિજ્ઞાન દરેક વખતે જીવનને વધુ બહેતર બનાવે છે એવું પણ ન જ કહી શકાય. આયુષ્યનાં વર્ષો વધારીને, તબીબી સંશોધનો અને દવાઓને કારણે કદાચ માણસની જિંદગી લંબાઈ હશે, પરંતુ એ જિંદગી ‘જીવવાલાયક’ છે કે નહીં, એ વિશે અનેક સવાલો ઊભા થયા છે. લાંબું જીવતાં વૃદ્ધો દયનીય સ્થિતિમાં જીવે છે, બધા નહીં તો પણ મોટાભાગના તો ખરા જ. માત્ર પૈસા હોવાથી, સગવડો હોવાથી એમની સ્થિતિ દયનીય નથી એવું ન માની લેવાય. એક આખી પેઢી જે ચોખ્ખાઈમાં, કરકસરમાં, પ્રામાણિકતામાં, ઈશ્વરમાં, સમાજ અને સંબંધોમાં શ્રદ્ધા ધરાવતી હતી એ પેઢી પૂરી થઈ રહી છે. મનોરંજનથી શરૂ કરીને માર્કેટિંગ સુધી એમના માટે બધું જ જુદું અને નવું છે. એમણે ક્યારેય નહોતી કલ્પી એવી સ્થિતિ આ દેશ અને એમના ઘરમાં પણ ઊભી થઈ છે. જે લોકો સ્વાતંત્ર્યસેનાની રહી ચૂક્યા છે એવા નેવું વર્ષના વૃદ્ધો હજી સુધી જીવે છે. એમની પાસે ઊંડી ઊતરી ગયેલી આંખોમાં દેશનો ઇતિહાસ છે. એમને એ ઇતિહાસ કોઈને સોંપીને જવું છે, પણ એમના ઘરની નવી પેઢીને પણ એમની વાતોમાં રસ નથી. લોન્જિટિવિટી વધારીને કદાચ વિજ્ઞાનીઓ ઈશ્વર સામે જીત્યાનો આનંદ માણી શકે કે એમના અહંકારને પંપાળી શકે, પરંતુ એ વધુ જીવનારાઓને સારી કે બહેતર જિંદગી મળે એ માટે આપણે શું કરીએ છીએ? લોન્જિટિવિટીનો અર્થ લાંબું આયુષ્ય છે, બહેતર જિંદગી નહીં. એ વિજ્ઞાન નહીં આપે, એ તો માણસે જાતે જ નિર્માણ કરવું પડશે.
જેમ લોન્જિટિવિટી વધતી જાય છે એમ કદાચ યુવાન અથવા પ્રૌઢ પેઢીનો કંટાળો પણ વધતો જાય છે. બહુ નવાઈની વાત છે છતાં સત્ય એ છે કે મોઢેથી નહીં બોલતા હોવા છતાં સાઠના થઈ ગયેલાં સંતાનો મનોમન ઇચ્છે છે કે એમનાં 90 વર્ષનાં કે 85 વર્ષનાં માતા-પિતા હવે ‘છૂટી જાય...’ તો એ પોતે પણ ‘છૂટી શકે.’ ખરેખર આવું વિચારતા સંતાન માટે તિરસ્કાર કે ઘૃણા પણ ન થવી જોઈએ! પોતાની નજર સામે રિબાતાં માતા-પિતાને એની સાથે પોતાનો સ્ટ્રેસ, નવી પેઢી સાથે ગોઠવાવાનો સંઘર્ષ... સહેજ વિચારીએ તો સમજાય કે જિંદગીઓને લાંબી કરીને આપણે શું પામ્યા છીએ? મોટાભાગના પચાસ-સાઠના માણસોને મળીએ ત્યારે એવું સાંભળવા મળે છે, ‘આપણે આટલું લાંબું જીવવું જ નથી. હાથ-પગ ચાલતા હોય ને ઈશ્વર લઈ લે.’ આ વાત એ પોતાનાં માતા-પિતાની સ્થિતિ જોઈને કહી રહ્યા છે, કદાચ!
આ દેશમાં લોકો લાંબું જીવતા એમ પુરાણો અને શાસ્ત્રો કહે છે, પરંતુ ત્યારે નીરોગી અને લાંબું જીવન હતું. આ લોન્જિટિવિટી તો જાણે કે જિંદગી આપણી ઉપર કોઈ વેર લઈ રહી હોય એવી લાગણી આપે છે.
આપણે અનેક સંશોધનો કરી રહ્યા છીએ. ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ઓલ્ટરનેટિવ મેડિસિનની દુનિયામાં ચમત્કારો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સાધુ, સંતો, કથાકારો, આશ્રમો, સંપ્રદાયોનો પ્રભાવ વધ્યો છે. આ કયા પ્રકારની વિરોધાભાસી માનસિકતા છે? વધતી સગવડ સાથે વધતી સમસ્યાઓએ માણસને ઘેરી લીધો છે. આપણા દેશમાં ન્યાયની જેમ વિજ્ઞાન પણ કદાચ આંધળું થઈ ગયું છે! પશ્ચિમની સાથે હરીફાઈમાં ઊતરેલા આ વિજ્ઞાનીઓ રોગ સામે લડવાની દવાઓ શોધી રહ્યા છે, પરંતુ વૃદ્ધત્વ નામના રોગ સામે લડવાની દવા કોઈ પાસે નથી, કદાચ બની શકે એમ જ નથી! આ વિજ્ઞાનનો આશીર્વાદ છે કે અભિશાપ? રોજ નવી વસ્તુ બજારમાં આવે છે, નવો સ્વાદ, નવી ડિઝાઇન, વધુ સગવડ, વધુ મજા, વધુ સુખનાં વચન સાથે આપણને વધુ સપનાં વેચવામાં આવે છે. આ સપનાં ખરીદવા માટે આપણે બાર્ટરમાં સમય, ઊંઘ અને શાંતિ આપવાં પડે છે. સંતાનો મોંઘી સ્કૂલમાં નહીં ભણે તો સફળ નહીં થાય, વિદેશ નહીં જાય તો પાછળ રહી જશે, મોટું ઘર નહીં હોય તો... આવી હરીફાઈમાં વચ્ચેની પેઢી ફંગોળાયા કરે છે. એમણે સંતાનોનું ભવિષ્ય જોવાનું છે ને બીજી તરફ એમનાં મા-બાપ ‘મરતાં નથી.’ દવા, હોસ્પિટલોના ખર્ચા, એમને સાચવવા માટે માણસ કે નર્સ ને સાથે સાથે રોજિંદો સ્ટ્રેસ! એક તરફ નવી પેઢીનો, જે સમજતી નથી ને બીજી તરફ જૂની પેઢીનો જે સ્વીકારતી નથી.
આપણે જ્યારે તંદુરસ્ત હોઈએ છીએ ત્યારે ડોક્ટર પાસે જઈને પૂછતા નથી, કે હું કેમ તંદુરસ્ત છું? બીમાર થઈએ ત્યારે ડોક્ટર પાસે જઈને પોતાની બીમારી વિશે સવાલ પૂછીએ છીએ. આ વાતને જરા જુદી રીતે સમજીએ તો સમજાય કે પીડા વિશે જ પ્રશ્નો થાય છે. સુખ કે શાંતિ વિશે પ્રશ્નો થતા નથી! વિજ્ઞાન ઇચ્છાશક્તિ આપે છે, પરંતુ અધ્યાત્મ એ ઇચ્છાને તપાસવાની, એની જરૂરિયાત સમજવાની તૈયારી આપે છે. બધું જ જોઈએ છે. એ વાત કદાચ આપણા સૌ માટે બહુ મોટો પ્રશ્ન બની ચૂકી છે.

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી