એકબીજાને ગમતાં રહીએ / પ્રેમ મંજે (એટલે)... ચાલ, જીવી લઈએ!

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Apr 16, 2019, 03:46 PM IST

‘ભલે! તું કહે છે તો ભાગી જઈએ. ભલે, તું કહે છે તો બધું છોડીને જતા રહીએ, પણ મારા એક સવાલનો જવાબ આપ. બધું છોડીને જવાથી કે ભાગી જવાથી પરિસ્થિતિ બદલાઈ જશે? તારી લડાઈ તારે જ લડવી પડશે. આપણે સૌએ આપણી લડાઈ જાતે જ લડવી પડતી હોય છે. પ્રેમ પલાયનવાદ નથી, શક્તિ છે, સ્નેહ છે અને સુખ છે.’ પોતાના બાહુપાશમાં પ્રેમિકાને પકડીને ઊભેલો પચાસ વર્ષનો પ્રેમી પોતાની પ્રૌઢ પ્રેમિકાને આ વાત કહે છે.
2013માં રજૂ થયેલી એક મરાઠી ફિલ્મ ‘પ્રેમ મંજે પ્રેમ મંજે પ્રેમ...’નો આ સંવાદ છે. મૃણાલ કુલકર્ણીની લખેલી અને દિગ્દર્શિત કરેલી આ ફિલ્મ એક વાર શરૂ કરીએ પછી ઊભા થઈ શકાય એવી ગુંજાઇશ આ ફિલ્મ છોડતી નથી. સાદી ઘરેલુ વાર્તા અને માનવમન માનવસંબંધોની આસપાસ કોઈ કુશનની જેમ ગોઠવાયેલી કમ્ફર્ટેબલ કથા! આમાં કોઈ ઉતાર-ચઢાવ નથી. ધસમસતી વહેતી, બંને કાંઠા તોડી નાખતી નદીનો પ્રવાહ નથી. બલ્કે, શાંત વહેતી ઉપરથી સ્થિર દેખાતી નદીની ડરાવી નાખે એવી ઊંડાઈ છે. ડો. રોહિત ફડનવીસ અને અનુશ્રી નામની બે વ્યક્તિઓની આ પ્રેમકથા છે. બંનેનાં પહેલાં લગ્ન કોઈ કારણસર સફળ નથી. બંનેને બે સંતાનો છે, એક ટીનએજ અને બીજું નાનું છે. જવાબદારીઓ છે, પરંતુ સમજદારી સાથેનો સંબંધ તમામ ગાર્ડ્સ તોડીને વહી આવે છે. એ સંબંધ પોતાની સાથે લાવે છે સવાલો અને સવાલોની સાથે જોડાયેલા સંબંધોના એવા ચહેરા જેમની આંખો આ બે વ્યક્તિઓ પાસેથી આદર્શ અને અપ્રાઇટ હોવાની અપેક્ષા રાખે છે.

  • આપણું સુખ કદાચ આપણાં સ્વજનોનું પણ સુખ હોય છે. એમને સમજાતું નથી, આપણને પણ શરૂઆતમાં સમજાતું ન હોય એવું બને!

આપણી જિંદગીમાં પણ આવા કેટલાય સંબંધો છે, જે આપણી જવાબદારી છે. જેમને આપણી પાસેથી સમય અને સંપૂર્ણ સમર્પણની અપેક્ષા છે. એમના મનમાં આપણી એક ઇમેજ છે અને આપણે એ ઇમેજથી જુદી રીતે ન વર્તવું એવી એમની અપેક્ષા નથી, આગ્રહ છે. શું કરીશું? આવા સંબંધોનું કે આવી અપેક્ષાઓનું. અંગત જિંદગી જીવવાનો પ્રયાસ કે અંગત સુખ સુધી પહોંચવાની દોડ આપણા એવા સંબંધોને ગૂંચવે છે જે આપણા જીવનનો આધાર છે. સામે પક્ષે એ સંબંધ આપણા વ્યક્તિત્વનો અને અસ્તિત્વનો આધાર છે. આવા સમયે આપણી પાસે ચોઇસ શું રહે છે? સંબંધો તોડી નાખવા કે ઇચ્છાઓને રૂંધી નાખવી. એટલી સરળતાથી ઇચ્છાઓ રૂંધાતી હોત તો માણસો કેટલા સુખી હોત! કોઈ સમસ્યા જ ન હોત, પરંતુ ઇચ્છાઓ રૂંધી શકાતી નથી. સંબંધોને એટલી સરળતાથી તરછોડી શકાતા નથી. આવા સમયે મોટાભાગના લોકો આ ફિલ્મની નાયિકા અનુશ્રી જેવો જ નિર્ણય કરે છે, ભાગી જવું!
વાર્તા ભલે અનુશ્રીની હોય, પણ આ ફિલ્મ ડૉ. રોહિત ફડનવીસ નામના એક એવા પાત્ર સાથે ઓળખ કરાવે છે, જેને પડદા ઉપર એક વાર મળીએ તો પ્રેમમાં પડ્યા સિવાય રહી શકાતું નથી. એની સહજતા, સરળતા, પ્રામાણિકતા અને શાલીનતા, આપણને સ્પર્શ્યા વગર રહેતાં નથી. સામે પક્ષે અનુશ્રીની મજબૂરી, એની પીડા અને જવાબદારી પણ આપણને એની તરફ સહાનુભૂતિ અને એની મજબૂરી પરત્વે ગુસ્સો બંને આપે છે! આપણી આસપાસ પણ આવા કેટલા લોકો છે કે જે પોતાની મરજીથી જીવી શકતા નથી. જો એવું કરવા જાય તો બદલામાં એમણે ઘણાને દુભવવા પડે. સંવેદનશીલ વ્યક્તિને પોતાની પ્રિય વ્યક્તિ કે સ્વજનો દુ:ખી થાય એ મંજૂર ન જ હોય! સમજવાની વાત એ છે, જે કહેવા માટે કદાચ આ ફિલ્મ બની છે. આપણું સુખ કદાચ આપણાં સ્વજનોનું પણ સુખ હોય છે. એમને સમજાતું નથી, આપણને પણ શરૂઆતમાં સમજાતું ન હોય એવું બને! સુખ કદીએ સ્વાર્થી હોતું નથી અને જે સ્વાર્થ હોય એ ક્યારેય સુખ હોઈ શકે જ નહીં.
અહીં મરીઝનો શેર યાદ આવે,
‘બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યાં મળે, જ્યારે મળે સૌનો વિચાર દે.’ આપણે એમ માની લઈએ છીએ કે કોઈક નિર્ણય લેવાથી આપણા સ્વજનોને આઘાત લાગશે, તકલીફ થશે, પરંતુ એ નિર્ણય લાંબે ગાળે આપણા એ જ સ્વજનોના ફાયદા અને ભલા માટે હોઈ શકે છે. આપણે બધા જ ત્યાગ ને સમર્પણને, બલિદાન અને પીડાને સંબંધની જરૂરિયાત માનતા થઈ ગયા છીએ, પરંતુ મહત્ત્વની વાત એ છે કે, પીડાયેલી, દુભાયેલી કે અધૂરી વ્યક્તિ ક્યારેય અન્યને સુખી કરી શકતી નથી. સુખી કરવા માટે સુખી હોવું બહુ જરૂરી છે. જે ભીતરથી જ અધૂરા છે, પીડાયેલા, દુભાયેલા કે પોતાના સમર્પણ પછી અંદરથી સુકાઈ ગયેલા છે એ બીજાના જીવનમાં કોઈ પણ પ્રકારની લીલોતરી કેવી રીતે ઉગાડી શકે?
2013માં બનેલી આ ફિલ્મની લેખક અને દિગ્દર્શક એક સ્ત્રી છે છતાં આ વાર્તા ફક્ત સ્ત્રીની પીડા કે એની સમસ્યા સાથે જોડાયેલી નથી. આમાં સ્ત્રીનાં અનેક ઉંમરનાં સ્ટેજ અને તે સાથે બદલાતી માનસિકતાની વાત બહુ ખૂબસૂરત અને નાજુક રીતે કહેવાઈ છે. ટીનએજની દીકરી જે માને તરછોડી ગયેલા પિતાને પ્રેમ કરે છે, એના જીવનનો હીરો પિતા છે. એક સાસુ, જેણે વહુનો પક્ષ લઈને દીકરાને તો કાઢી મૂક્યો છે, પણ પુત્રમોહમાંથી તદ્દન મુક્ત નથી થઈ શકતી. એક મા, જે માને છે કે દીકરીનું સુખ એના ઘરમાં, સાસરામાં અને પતિની સાથે જ છે. એક બહેન, જે માને છે કે એની મોટી બહેને ખૂબ ત્યાગ, બલિદાન અને શહીદની જેમ જિંદગી વિતાવી છે, હવે એને જીવવાનો અધિકાર છે. પત્નીને છોડીને ચાલી ગયેલા પતિની પ્રેમિકા છે, જે પત્ની જેવી નિર્બળ કે મજબૂર નથી. પોતાના અધિકાર માટે લડતા એને આવડે છે. ચાર વર્ષથી વગર લગ્ને જેની સાથે રહી ચૂકી છે, એને પોતાના પરિવાર પાસેથી પાછો લાવવા માટે ‘કંઈ પણ કરી છૂટવાની’ એની પાસે હિંમત અને આવડત છે અને બીજી તરફ, પતિને છોડીને કારકિર્દી માટે અમેરિકા ચાલી ગયેલી એક પત્ની છે, જે હજી પતિની દોસ્ત રહી શકી છે. કારકિર્દીની ઊંચાઈને આંબી ગયા પછી એને પતિ અને સંતાનની ખોટ વર્તાઈ છે. એ પાછી આવી છે, પરંતુ પતિ જ્યારે એને પોતાના જીવનમાં આવેલો બદલાવ અને નવું સત્ય જણાવે છે ત્યારે એને પૂરી ઉદારતાથી સ્વીકારી શકવાની એની સહજતા પણ સ્પર્શી જાય એવી છે!
આપણે બધા સહજતાથી જીવવાનું ચૂકી ગયા છીએ. દરેક વાતને રડી-કકળીને મેલોડ્રામેટિક બનાવી એને પીડામાં ડુબાડીને વેદનાનો રંગ આપીને રજૂ કરવાની આપણને ક્રૂર મજા આવે છે. આ વાર્તાની મજા એ છે કે એમાં ક્યાંય અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ થયો નથી. સહજ રીતે વહેતા જીવનમાં એક એટલું જ સહજ વમળ ઊઠે છે અને એને એટલી જ સહજતાથી સ્વીકારીને એની ઘુમરીઓમાં ગોળ ગોળ ફર્યા પછી બહાર નીકળી જતાં અનેક શુદ્ધ હૃદયોની આ કથા ખૂબ સરસ રીતે કહેવાઈ છે.
આવી મરાઠી ફિલ્મ જોયા પછી એક સાદો સવાલ મનમાં ઊઠે છે, આપણે આવી ગુજરાતી ફિલ્મો ક્યારે બનાવીશું? ‘ચાલ જીવી લઈએ’ નામની ફિલ્મે એક શરૂઆત કરી છે. હીરો મરી જાય એવો અંત બતાવવા માટે હિંમત જોઈએ! ખાસ કરીને અત્યારે ગુજરાતી સિનેમા કોમેડી અને વાર્તા વગરની ફિલ્મો સાથે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આવી એક વાર્તા સાથે ફિલ્મ બનાવવાના સંકલ્પને સલામ કરવી જોઈએ. વિપુલ મહેતા ગુજરાતી ભાષાના જાણીતા દિગ્દર્શક છે. એમનાં નાટકો પણ હંમેશાં ચીલો ચાતરીને જુદા જ વિષયો આપતાં રહ્યાં છે. ‘ગુજરાતી પ્રેક્ષકો ‘કોમેડી’ સિવાય કંઈ જોતા નથી’ એવી પાંગળી દલીલને આ ફિલ્મ ‘ચાલ, જીવી લઈએ’ તોડીફોડીને ફેંકી ચૂકી છે. જાતજાતનાં મોઢાં બનાવીને ફક્ત અમદાવાદી ભાષામાં જ બોલવું, બકા-બકા કરીને હાસ્યાસ્પદ બનવાને બદલે એક મજબૂત વાર્તા ગુજરાતી ફિલ્મને સફળ બનાવી શકે છે એ આપણે જોઈ લીધું છે. પ્રેક્ષકો પણ નવી વાર્તા માગે છે. આપણે ક્યારે અને કેવી રીતે આપી શકીશું, એ સવાલ પ્રેક્ષક આપણને પૂછી રહ્યો છે. ગુજરાતી ભાષાના નવા દિગ્દર્શકો-લેખકો અને એક આખી નવી પેઢી પાસે આના જવાબની અપેક્ષા છે, દરેક ગુજરાતીને!

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી