માય સ્પેસ / વેબસિરીઝઃ ગંદકી અને વિકૃતિની સ્પર્ધા

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Apr 01, 2019, 04:17 PM IST

બે પુરુષો ખુલ્લેઆમ સજાતીય સંબંધ માણતા હોય એવાં દૃશ્યો કે એક સ્ત્રી-પુરુષના સમાગમનાં દૃશ્યો, પેટમાંથી આંતરડાં નીકળી આવતાં હોય એવી હિંસાનાં દૃશ્યો કે બે સ્ત્રીઓ અને એક પુરુષ થ્રીસમ માણતાં હોય એવાં દૃશ્યો તમારા ટેલિવિઝન ઉપર તમે દિવસના કોઈપણ ભાગમાં જોઈ શકો છો. તમારે માત્ર એક સવાલનો જવાબ આપવાનો છે. એ સવાલ તમને પૂછે છે, ‘આર યુ 18 +?’ તમે જો હા પાડો તો આવા કોઈપણ પ્રકારનાં દૃશ્યો જોવામાં તમને કોઈ પ્રકારની રોકટોક નડી શકે એમ નથી.
એથીયે વધુ નવાઈની વાત એ છે કે આવા પ્રકારનું મનોરંજન જુગુપ્સાપ્રેરક બનવાને બદલે વધુ લોકપ્રિય અને વધુ સામાન્ય બનતું જાય છે. કોઈને પણ આ જોઈને આવાં પ્રકારનાં દૃશ્યો વિશે વિરોધ પ્રગટ કરવાનું સૂઝતુંય નથી ને વિરોધ પ્રગટ કરવા જનારા વિશે કોઈ ઝાઝી પરવાહ કરતું પણ નથી. હવે એક એવા સમયની શરૂઆત થઈ છે, જેમાં મનોરંજનના નામે સેક્સ, હિંસા, ગાળો, ડ્રગ્સ અને આ બધું ઓછું હોય એમ સજાતીય સંબંધોની ભરપૂર લાણી કરવામાં આવે છે. જે દૃશ્યો આપણે સિનેમાના સ્ક્રીન પર માણી નથી શકતા એ બધાં જ દૃશ્યો હવે આપણા ઘરના ટેલિવિઝન ઉપર સાવ સહેલાઈથી ઉપલબ્ધ થઈ ગયાં છે. મા-બાપને જે દૃશ્યો જોઈને ઘૃણા કે જુગુપ્સા થાય એવાં દૃશ્યો હવે એમનાં સંતાનો પોતાના બેડરૂમના બંધ દરવાજા પાછળ આરામથી જુએ છે. યુવાનોની આ દુનિયામાં મોટેરાઓ માટે કોઈ જગ્યા નથી. એમણે જે જોયું પણ નથી, જાણતા પણ નથી કે કલ્પી શકે એમ નથી એ જિંદગી એમના પછીની પેઢી જીવી રહી છે. એ અંગેનો ભય આ માતા-પિતાને લાગે છે. આ ભય સહજ છે અને સાચો પણ, કારણ કે મનોરંજનના નામે યુવાનો જે જોઈ રહ્યાં છે, તે સાચા અર્થમાં મનોરંજન નથી બલ્કે હાર્ડપોર્ન અથવા બ્લૂ ફિલ્મ જેવું જ કામ છે.

  • વેબસિરીઝ અને આ સેન્સર વગરનું પ્લેટફોર્મ એક આખી નસલને બરબાદ કરી રહ્યું છે. નવી પેઢીનું મગજ તો આમાં કરપ્ટ થાય છે, પરંતુ પ્રૌઢો પણ ખોટી દિશામાં ઢસડાય છે

લગભગ તમામ મેટ્રો સિટીઝના હોર્ડિંગ્સ હવે સિનેમા નહીં, પરંતુ વેબસિરીઝના પોસ્ટર્સથી ભરાઈ ગયાં છે. હવે ફિલ્મોની રિલીઝ એટલી મહત્ત્વની નથી રહી જેટલું વેબસિરીઝની લોન્ચનું મહત્ત્વ વધ્યું છે. રિલીઝ નહીં થયેલી કેટલીયે ફિલ્મો હવે વેબના પ્લેટફોર્મને વેચીને એની રોકડી કરી લેવામાં આવી છે. વેબ ઉપર રિલીઝ થયેલી આ ફિલ્મોની વ્યૂઅરશિપ થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મોથી પણ વધારે આંકડામાં જોવા મળે છે. વેબનું પ્લેટફોર્મ આસાનીથી પહોંચી શકાય એવું, પોતાના સમયે જોઈ શકાય એવું અને પ્રમાણમાં સસ્તું, કમ્ફર્ટ ઝોનની અંદર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વેબ પ્લેટફોર્મ પર કોઈએ કોઈને જવાબ નથી આપવાનો. સહુએ પોતાની મરજીથી જે બનાવવું હોય, જેમ બનાવવું હોય, જે લખવું હોય ને જે કરવું હોય, એ બધું લખવાની, બનાવવાની અને બતાવવાની છૂટ અત્યારે સહુ પાસે છે.
સિનેમામાં સેન્સરબોર્ડ છે. રજૂ થતા પહેલાં દરેક ફિલ્મ, જાહેરાત કે નાનામાં નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ સેન્સરબોર્ડના સર્ટિફિકેટ વગર રજૂ થઈ શકતી નથી. જ્યારે વેબના પ્લેટફોર્મ માટે હજી સુધી આવા કોઈ સેન્સરની વ્યવસ્થા નથી. આપણને જાણીને નવાઈ લાગે એવી વાત છે, પરંતુ વેબ ઉપર જે પ્રકારનું કામ પીરસવામાં આવે છે એમાં ગાળો, સેક્સથી શરૂ કરીને હિંસાનો પણ અતિરેક થઈ રહ્યો છે. હવે બીજી આશ્ચર્યની વાત એ છે કે વેબની આ દુનિયા યુવાનો માટે છે. આ એવા યુવાનો છે જે લોકો થિયેટરમાં જતા નથી, પરંતુ પોતાના લેપટોપ પર, આઇપેડ પર કે ફોનમાં વેબસિરીઝ, વેબ પર આવતી ફિલ્મો જુએ છે. આપણી આવનારી પેઢી મનોરંજનના નામે જે જોઈ રહી છે એની મોટાભાગનાં માતા-પિતાને ખબર પણ નથી! આ માતા-પિતા નેટસેવી નથી. ઉચ્ચ મધ્યમવર્ગના કે પૈસાવાળાઓનાં ઘરોમાં માતા-પિતા જાણે છે કે એમનાં સંતાનો આવા પ્રકારનું મનોરંજન માણે છે, પરંતુ મોડર્ન હોવાના એક વિચિત્ર અહંકાર હેઠળ એમને કશું જ કહેવામાં આવતું નથી. બાકીના યુવાનો આ જોઈ રહ્યા છે અને પોતે સંતાનને રોકવાનો પ્રયત્ન કરશે તો પોતે ડફોળ, જુનવાણી કે દકિયાનૂસી પ્રકારનાં માતા-પિતામાં ગણાઈ જશે એમ માનીને તેઓ કશું કહેતાં નથી. સંતાનો ખુલ્લેઆમ, છડેચોક આવું જુગુપ્સા પ્રેરક, ઉઘાડું મનોરંજન માણે છે. આની સામે કદાચ વિરોધ ન કરીએ તો પણ આની અસર શું થાય છે એ બહુ સમજવા જેવી વાત છે.
આવા પ્રકારના મનોરંજનની બાળકોના મન પર અસર થાય છે. કાચું મગજ અને બદલાતા હોર્મોન એમને ઉશ્કેરે છે. શારીરિક સંબંધો સહજતાથી અને સ્વાભાવિકતાથી વધતા જાય છે. પ્રિમેરિટલ સેક્સ અને એમાંથી જન્મ લેતા સવાલો આપણી સામે ઓલરેડી ઊભા છે ત્યારે આવા સજાતીય સંબંધનાં દૃશ્યો નવયુવાનોમાં ક્યુરીયોસિટી જગાડે છે. ‘આ સંબંધોમાં એવું શું હશે’ એ જાણવા માટે પણ તેઓ આવા સંબંધોમાં ઘસડાય છે. ક્યુરીયોસિટી સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ ધીમે ધીમે ક્યારે આદત ને પછી વ્યસન થઈ જાય છે, એનું ભાન રહેતું નથી. ડ્રગ્સ પણ આ જ સ્થિતિમાં ધીમે ધીમે ટીનએજર કે યુવાનના જીવનમાં પ્રવેશે છે. માતા-પિતા કશું સમજે એ પહેલાં એમનાં સંતાનો એમના વ્હાલભર્યા આશ્લેષમાંથી સરકીને ડ્રગ્સના સકંજામાં સપડાઈ ચૂક્યાં હોય છે. વેબમાં દેખાડવામાં આવતાં પીડોફેલિયાનાં દૃશ્યો પણ બાન થવાં જોઈએ. નાના બાળક સાથે થતી કુદરત વિરુદ્ધની વિકૃત ચેષ્ટાનો અંત ભલે ખરાબ દેખાડવામાં આવતો હોય, પરંતુ આવું થાય છે અથવા કોઈ કરી રહ્યું છે એ સ્ક્રીન પર દેખાડીને આપણે શું સાબિત કરીએ છીએ? એક ટીનએજનો કે થોડો મોટો છોકરો કોઈ છોકરીને એમ કહે કે, ‘લેટ્સ નેટફ્લિક્સ એન્ડ ચિલ’ તો એનો અર્થ થાય છે કે આપણે કોઈ એક જગ્યાએ મળીને પહેલાં નેટફ્લિક્સમાં આવી ફિલ્મો કે આવાં દૃશ્યો જોઈએ ને પછી... આઘાત પમાડે એવી વાત એ છે કે આ વાત (પ્રપોઝલ) ટીનએજના કે એથી થોડા મોટા બધા જ સમજે છે. આને ઉઘાડીને ફોડ પાડવાની જરૂર હોતી નથી!
કહેવાનું તાત્પર્ય એ પણ નથી કે આપણે જુનવાણી હોવું જોઈએ, સજાતીય સંબંધનો વિરોધ કરવો જોઈએ, પ્રિમેરિટલ સેક્સ વિશે આપણા મનમાં તિરસ્કાર હોવો જોઈએ. ના! આ લખવાનું તાત્પર્ય એ છે કે મનોરંજનના નામે યુવાનોને બહેકાવતાં આ દૃશ્યોને ક્યાંક નાથવાં જોઈએ. ફક્ત પૈસા કમાવા માટે જે મનોરંજન પીરસાઈ રહ્યું છે એ મનોરંજન માટે ક્યાંય જવું નથી પડતું એ એનો સૌથી મોટો ગેરફાયદો છે. એ આપણા ઘરમાં ઘૂસી આવ્યું છે. આપણાં સંતાનો હજી કાચી ઉંમરનાં છે. એમને કદાચ સારું-ખરાબ, ભલું-બૂરું નથી સમજાતું, પરંતુ આપણને સમજાય છે અને જો આપણને સમજાતું હોય તો આપણી પહેલી ફરજ એ છે કે આપણે આપણાં સંતાનોના મગજમાં ઠલવાતો કચરો અટકાવીએ. વેબ ઉપર ઘણું સારું પણ ઉપલબ્ધ છે માત્ર આવું ખરાબ કે નકામું જ છે એવું નથી, બહુ સરસ મરાઠી-બંગાળી ફિલ્મો, ઇન્ટરનેશનલ ફિલ્મો, સારામાં સારી ડોક્યુમેન્ટરીઝ પણ અહીં ઉપલબ્ધ છે. આપણને ભાગ્યે જ જોવા મળે એવી ડબ થયેલી બીજી ભાષાની સિરીઝ પણ અહીંયાં ઉપલબ્ધ છે. આપણાં સંતાનો શું જુએ છે એના ઉપર નજર રાખવી એ ગુનો નથી. એમાં આપણે જુનવાણી, પુરાણા વિચારના કે ટ્રેડિશનલ નહીં થઈ જઈએ. દરેક માતા-પિતાની ફરજ છે કે એના સંતાનના માનસિક ઉછેરમાં પણ ગંભીરતાથી પોતાની જવાબદારી સમજે. મોડર્ન હોવાની વાહ વાહ મેળવવા માટે આપણે આપણા સંતાનના મગજમાં, એની જિંદગીમાં જે કચરો ઠલવાવા દઈએ છીએ એ એના આવનારાં વર્ષોમાં એને કેવું અને કેટલું નુકસાન કરશે એની આપણને કલ્પના સુધ્ધાં નથી. હજી થોડા વખત પહેલાં એક પરિવારના છોકરાએ પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા એવું કહીને કે, ‘એને સેક્સ આવડતું જ નથી. એ મને સેટિસ્ફાય નથી કરી શકતી.’ કોઈ એક જમાનામાં નવી પરણેલી છોકરીને સેક્સ વિશે ખબર ન હોય એ એનો ગુણ માનવામાં આવતો હતો, પરંતુ આજે એને એવું કહીને કાઢી મૂકવામાં આવે છે કે એ ‘અનુભવી’ નથી!
વેબસિરીઝ અને આ સેન્સર વગરનું પ્લેટફોર્મ એક આખી નસલને બરબાદ કરી રહ્યું છે. નવી પેઢીનું મગજ તો આમાં કરપ્ટ થાય છે, પરંતુ વૃદ્ધો અને પ્રૌઢો પણ આ જોઈને ખોટી દિશામાં ઢસડાય છે. આજના આ બળાત્કાર, નાની ઉંમરની દીકરીઓને ચૂંથી નાખતા હેવાનોના મગજમાં આવાં દૃશ્યો જોઈને જ વિકાર પ્રવેશે છે, એવું નથી લાગતું?
વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી રોકવા માટે લાકડીઓ લઈને તૂટી પડતા કે બગીચામાં બેઠેલા નિર્દોષ પ્રેમીઓને ધમકાવીને એમની પાસેથી પૈસા ઓકાવતા, ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવાના નામે ગૌરક્ષા અને મંદિરોના બચાવમાં સરઘસ કાઢતા બધા સંસ્કૃતિના ઠેકેદારોને આમાં કંઈ ખોટું લાગતું નથી? ક્યાં છે એ લોકો? [email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી