એકબીજાને ગમતાં રહીએ / યે આંસુ મેરે દિલ કી ઝુબાન હૈ...

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Mar 26, 2019, 03:27 PM IST

રડવું એ વૈજ્ઞાનિક રીતે જરૂરી બાબત છે. જે લોકો રડી નથી શકતા, રડતા નથી કે પોતાનું રુદન દબાવે છે એમના જીવનમાં ફ્રસ્ટ્રેશન આવે છે. ઉકળાટ, ઉશ્કેરાટ અને બિનજરૂરી તકલીફોથી દૂર રહેવું હોય તો સમય સમયાંતરે રડી લેવું જોઈએ.’ માનસશાસ્ત્રી તૃપ્તિ ચૌધરી પટેલે સૂરતમાં ‘ક્રાઇંગ ક્લબ’ના પચીસમા કાર્યક્રમમાં રુદનનું વૈજ્ઞાનિક સમજાવ્યું. આ ક્રાઇંગ ક્લબની શરૂઆત પણ રસપ્રદ રીતે થઈ હતી. સૂરતમાં કમલેશ મસાલાવાલા ‘ક્રાઇંગ ક્લબ’ ચલાવે છે. કમલેશભાઈના કહેવા પ્રમાણે આ ભારતની પહેલી ક્રાઇંગ ક્લબ છે. થોડાક સભ્યો સાથે મળીને સમૂહ રુદન કરે એવો વિચાર ડૉ. મુકુલ ચોક્સીને આવ્યો. સ્વાભાવિક છે, કારણ કે મુકુલભાઈ માનસશાસ્ત્રી છે ને સાથે સાથે સંવેદનશીલ કવિ છે. એમને તો રુદનનું મહત્ત્વ સમજાય જ! એમના વિચારને કમલેશભાઈએ હકીકતમાં ફેરવી નાખ્યો. થોડાક દિવસમાં વૈષ્ણોદેવી મંદિરના બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ શ્રી લુથરાની મદદથી પહેલી મિટિંગ થઈ. ગયા રવિવારે, 17 માર્ચના દિવસે ગાંધી સ્મૃતિ હોલમાં અોલમોસ્ટ ફુલ હાજરી સાથે પચીસમી મિટિંગ થઈ. બીજા પણ સાંભળી શકે એવા મોટા અવાજે ડૂસકાં ભરતાં કેટલાક લોકો અને આંખ મીંચીને મૌન રુદન કરતાં કેટલાક લોકોની સાથે આ ક્રાઇંગ ક્લબની છેલ્લી પાંચ મિનિટ કોઈક જુદી જ અનુભૂતિ કરાવી જાય એવી હતી.
રડી લેવાથી બધું હળવું અને હલકું થઈ જાય છે, એવો આપણો અનુભવ છે. સ્વજનના મૃત્યુ પછીનું રુદન આપણા હૃદય પર રહેલો ભાર હળવો કરવામાં બહુ મોટી મદદ કરે છે. કદાચ એટલે જ, સૌ સ્વજન સાથે મળીને રુદન કરે છે. ધીરે ધીરે આપણે બધા સોફેસ્ટિકેટેડ બેસણું કરતા થઈ ગયા છીએ. પ્રાર્થનાસભા કે ધીમા અવાજે વાગતું સંગીત, ગીતાના શ્લોક હોય, કોઈ કશું બોલે નહીં, હાથ જોડીને નીકળી જાય. આ સારું હશે, પરંતુ એની સામે યાદ કરીએ તો આજથી થોડા વર્ષો પહેલાં લોકો ખરખરો કરવા આવતા. આવનાર પણ રડે ને ઘરની વ્યક્તિ પણ રડે. સામસામે કરવામાં આવતા રુદનથી ગુમાવેલા સ્વજનની યાદની પીડા ઘટતી. લોકસાહિત્યનો એક સૌથી યાદગાર કિસ્સો જોગીદાસ ખુમાણ અને ભાવનગરના મહારાજાનો છે. અનેક અવાજોમાં જોગીદાસનું રુદન પકડી પાડનાર મહારાજાએ એ દિવસોમાં એમના સૈનિકોને જોગીદાસ ખુમાણ સામે તલવાર ઉગામવાની ના પાડેલી, કારણ કે એ દીકરાના ખરખરે આવેલા. ખરખરો કરવા આવેલ માણસ સ્વજન છે, બહારવટિયો નહીં!

  • વ્યક્તિ માત્રનાં આંસુ એની લાગણીની પરિભાષા છે અને આ પરિભાષા સામેની વ્યક્તિ શબ્દો વગર સમજી શકે છે, જે સૌથી સહેલો સંવાદ છે એ આપણે નથી કરતા!

લોર્ડ ટેનિસન નામના અંગ્રેજ કવિની એક કવિતા, ‘હોમ ધે બ્રોટ ધી વોરિયર ડેડ’માં સૈનિકનું શબ ઘરે લાવવામાં આવે છે ત્યારે એની યુવાન પત્ની રડી નથી શકતી. સૌ એને રડાવવાનો પ્રયાસ કરે છે, સૈનિક વિશે વાતો કરે છે, એના પ્રેમ વિશે વાતો કરે છે, પરંતુ પત્ની આઘાતથી જડ થઈ ગઈ છે. અંતે એક ઘરડી દાસી એ સૈનિકનું નાનકડું બાળક લાવીને એની પત્નીના ખોળામાં મૂકે છે. પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે!

આ બંને કથાઓની પાછળ રુદનનો મહિમા સમજાવ્યો છે. આપણે બધા સમય સાથે થોડા જડ અને દંભી થઈ ગયા છીએ. જાહેરમાં રડવાથી સામેની વ્યક્તિ આપણી નબળાઈ જાણી જશે ને પછી એ નબળાઈથી આપણને બ્લેકમેઇલ કરશેે અથવા એ નબળાઈનો ઉપયોગ કરીને આપણી સાથે કશું ખરાબ કરશે એવા ભયથી આપણે કોઈની સામે રડવાનું ટાળીએ છીએ. આપણે સમય સાથે વધુ ને વધુ પ્રોટેક્ટેડ થતા જઈએ છીએ. આપણી દુનિયામાં કોઈને પ્રવેશ ન મળવો જોઈએ એવી આપણી માન્યતા છે અને આગ્રહ પણ. નાનકડા ટીનએજ સંતાનથી શરૂ કરીને 80-85 વર્ષના દાદાજી સુધી લગભગ દરેક માણસ ‘પ્રાઇવસી’ શબ્દને પોતાની રીતે મૂલવતો અને માંગતો થઈ ગયો છે. નવાઈની વાત એ છે કે આપણે ઇમોશન્સ પ્રાઇવેટ રાખવા છે, આપણી વાતોને ગોપિત રાખવી છે, પરંતુ એની સામે લગભગ દરેક બાબત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મૂકવાનું આપણે ચૂકતા નથી! અરે! આપણા વિચારો પણ શેર કરી દઈએ છીએ.
રડી શકનાર અને રડી લેનાર બધા ભીતરની કાળાશ અને કડવાશને ધોવામાં સફળ થાય છે. આમ આપણે બધા રડવા વિશે જરાક બંધી છીએ. કેટલાક પ્રસંગે ન રડી શકાય તો પણ રડી લેવું અને કેટલાક પ્રસંગે જ્યાં ખરેખર આંખમાં આંસુ આવી જાય ત્યાં એ આંસુને દબાવીને બહાદુર દેખાવું આપણી મનોવૃત્તિ છે. સાવ નાનકડા છોકરાને શિખવાડવામાં આવે કે રડવું નહીં, કારણ કે એ ‘પુરુષ’ છે! જે પુરુષ રડતો નથી એના ઇમોશન્સ ભીતર સંગ્રહાઈને ફ્રીઝ થઈ જાય છે. એક સામાન્ય સર્વે કરીએ તો સમજાય કે પુરુષને વધુ હાર્ટએટેક આવે છે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સરના શિકાર પણ સ્ત્રીની સરખામણીએ પુરુષ વધુ બને છે. આનું કારણ કદાચ એ છે કે ગાંઠો પહેલાં ભીતર વળે છે ને પછી શરીરમાં ફૂટી નીકળે છે. લાગણી કે ઇમોશન્સ તો પાણી જેવા છે. એક નહીં તો બીજી રીતે એ પોતાનો રસ્તો શોધી કાઢે છે. જે આંસુ દબાઈ જાય છે એ ગુસ્સા સ્વરૂપે બહાર નીકળી જાય છે. ક્યારેક ડિપ્રેશન તો ક્યારેક ઇરિટેશન સ્વરૂપે આંસુ પોતાનો રસ્તો શોધે છે.

આપણને કોઈને સમજાયું નથી, પણ વિચારીએ તો ખ્યાલ આવે કે જન્મતાંની સાથે જો બાળક ન રડે તો ડોક્ટર એને પીઠ ઉપર મારીને રડાવે છે. એટલે જીવનનો પ્રારંભ જ રુદનથી થાય છે. માણસના ફેફસાંને કામ કરવા માટે રુદનની જરૂર છે. એવી જ રીતે ફેફસાં બરાબર કામ કરતાં રહે માટે સમય સમયાંતરે ભીતરની કોઈક વાત આંસુ સ્વરૂપે વહી નીકળે એ પણ જરૂરી છે. આપણે બધા જરાક જુદી રીતે જીવવા ટેવાયેલા છીએ. ઇમોશનનું જાહેર પ્રદર્શન આપણને ડરાવે છે. વહાલ કે વેદના કશું પણ જાહેરમાં વ્યક્ત ન થઈ શકે એવું આપણા ઉછેરમાં શીખવવામાં આવે છે. કોઈ વ્યક્તિને ખૂબ ચાહતા હોઈએ તો પણ એને દોડીને ભેટી ન પડાય. ખાસ કરીને, એક સ્ત્રી અને પુરુષ વચ્ચે તો આવી ઇમોશનલ અભિવ્યક્તિ ન જ થઈ શકે! ભેટવું એ ‘સેક્સ’ સાથે સીધી જોડાયેલી બાબત બની ગઈ છે, આપણા-ખાસ કરીને ચાલીસી વટાવી ગયેલા લોકોના મનમાં તો ખરી જ! ફોર્મલી-ઔપચારિક રીતે એકબીજાને ભેટતા લોકોની વાત જુદી છે, પરંતુ સાચા હૃદયથી, ઉમળકા અને સ્નેહથી આપણે ક્યારે અને કોને ભેટ્યા હતા એ કદાચ આપણને પણ યાદ નથી. એક બાળક જેટલી સહજતાથી પોતાના પ્રેમ, અણગમા, વહાલ કે ઉશ્કેરાટની અભિવ્યક્તિ કરી શકે છે એટલી સહજતાથી આપણે નથી કરી શકતા. એક બાળક સહજ રહી શકે છે, કારણ કે એને જજમેન્ટનો ભય નથી. સામેની વ્યક્તિ શું ધારશે? શું વિચારશે? શું માનશે? એવા કોઈ પણ પ્રકારની લાંબી-ટૂંકી ગણતરીમાં પડ્યા વગર એક બાળક ઇમ્પલ્સિવ રીતે જે અનુભવે છે તે જ રીતે વ્યક્ત થાય છે. આપણને બાળકો ગમે છે એનું એક કારણ એ પણ છે કે બાળક ડિઝાઇન કરેલું બનાવટી વર્તન કરતું નથી. એનો અણગમો પણ એટલો જ તીવ્ર હોય છે જેટલું એનું વહાલ.

સાવ નાનકડું બાળક રુદનથી પોતાના અણગમા કે પીડાની અભિવ્યક્તિ કરે છે. ભૂખ લાગી હોય તો રડે ને મજા પડે તો હસે. આ આપણી બેઝિક અભિવ્યક્તિઓ છે. રડવું અને હસવું એ શબ્દ વગરના સંવાદ છે. આખા જગતમાં ક્યાંય પણ સ્મિત યુનિવર્સલ છે. આંસુ પણ એવી જ રીતે યુનિવર્સલ છે! ચાઇનીઝના પીળા ને યુરોપિયનનાં લાલ આંસુ નથી હોતાં. એનો અર્થ એ થયો કે વ્યક્તિ માત્રનાં આંસુ એના ઇમોશનની, એની લાગણીની પરિભાષા છે અને આ પરિભાષા સામેની વ્યક્તિ શબ્દો વગર સમજી શકે છે. નવાઈની વાત એ છે કે જે સૌથી સરળ કમ્યુનિકેશન છે, જે સૌથી સહેલો સંવાદ છે એ આપણે નથી કરતા! સંવાદ નથી થતો ત્યારે સંઘર્ષ થાય છે, ભીતર પણ ને બહાર પણ. રડી નાખનારા લોકોની જિંદગીમાં આંસુથી ધોવાયેલા મનની સ્વચ્છતા છે, શુદ્ધતા છે જ્યારે નહીં રડનારા લોકો ભીતર ફ્રીઝ થઈ ગયેલાં આંસુનો એવો બરફ છે, જે એની કડવાશને કોઈ લાશની જેમ વર્ષોવર્ષ સંઘરી રાખે છે.

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી