માય સ્પેસ / બાકી કુછ બચા તો લડાઈ માર ગઈ

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Mar 24, 2019, 04:32 PM IST

ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. દેશ હવે આવનારી ચૂંટણીઓ માટે સજ્જ થઈ રહ્યો છે. આપણે બધા જ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને ભાષાને આધારિત પસંદગી કરવાના છીએ, એવું ધારીને પ્રચાર પણ એ જ રીતે કરવામાં આવે છે. આપણને આપણા વિસ્તારમાં કોણ ઉમેદવાર છે, એની ખબર ન હોય, પરંતુ પક્ષ વિશે આપણે નિષ્ઠાપૂર્ણ હોવાનો દાવો કરવામાં ચૂકતા નથી. રાજકારણની ગરમાગરમ ચર્ચા છે, ચોરે ને ચૌટે નરેન્દ્ર મોદી જીતશે કે નહીંની ચર્ચા સાંભળવામાં આવે છે. ભાજપ જીતશે કે નહીં એવી વાત ભાગ્યે જ કરવામાં આવે છે! નરેન્દ્ર મોદી એમના પક્ષનો ચહેરો છે. મોદી સારા છે કે ખરાબ, શ્રુડ પોલિટિશિયન છે કે દેશપ્રેમી રાજનેતા? એવી કોઈ વાત ન કરીએ તોપણ એક વાત સ્વીકારવી પડે કે મોદીસાહેબના શાસનનાં પાંચ વર્ષ દરમિયાન આપણા દેશમાં ઘણો બદલાવ જોયો આપણે! પ્રચાર અને બ્રાન્ડિંગને એક વાર બાદ કરીએ તોપણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન આ દેશના લોકોની માનસિકતામાં આવેલો બદલાવ નોંધનીય છે.
રાજનેતાઓ ઘેલા થઈને ફિલ્મસ્ટાર સાથે ફોટા પડાવે એવું આપણે જોયું છે, પરંતુ ફિલ્મસ્ટાર્સ સામેથી ચાલીને અેપોઇન્ટમેન્ટ માગીને રાજકારણીને મળવા જાય એવું છેલ્લાં પાંચ વર્ષમાં બન્યું છે. આટલા બધા પ્રધાનમંત્રી આવ્યા ને ગયા, પણ હજી સુધી કોઈ પ્રધાનમંત્રીની બાયોપિક કોમર્શિયલ સિનેમા બની નથી. બાયોપિક જ નહીં, એક વેબ સિરીઝ પણ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત કથા સાથે ટૂંક સમયમાં રજૂ થવાની છે. આપણે બધા વ્યક્તિપૂજાના માણસો છીએ. ઊગતા સૂરજને પૂજવું એ આપણી પ્રકૃતિ છે. જે સફળ છે એ જ શ્રેષ્ઠ છે, એવું માનવામાં આપણને બહુ વાંધો નથી. મોદીસાહેબ કાલે કદાચ ન હોય તો આ દૂષણને નહીં ઓળખે એની એમને પણ ખબર છે.

  • આપણે બધા એવી ચાપલૂસીની દુનિયામાં પ્રવેશતા જઈએ છીએ, જ્યાં પોતાનું અંગત, આગવું કે જુદું અસ્તિત્વ સાચવવું વધુ ને વધુ અઘરું થતું જાય છે

આપણે બધા જ સફળતાને પૂજનારા માણસો છીએ. ભુલાઈ ગયેલા અભિનેતા, રાજનેતા, ક્રિકેટર્સને ક્યારેક કોમેન્ટરીમાં કે ઇતિહાસની વાતો કરતી વખતે યાદ કરી લેવામાં આવે છે. એથી વધુ એમનું કોઈ મહત્ત્વ કોઈની જિંદગીમાં વીતેલા દિવસો આપણા માટે ગ્લોરી છે, પણ એ દિવસો સાથે જોડાયેલા માણસોમાં પણ ઝાઝો રસ નથી રહ્યો. દેશનો ઇતિહાસ બુલંદ છે, જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા... જેવાં ગીતો કે સારે જહાં સે અચ્છા જેવી કવિતાની પંક્તિઓ લલકારવામાં આપણને કોઈ પહોંચે એમ નથી, પરંતુ એ કવિ ઇકબાલ કે રાજેન્દ્ર કૃષ્ણને આપણે ભૂલી ગયા છીએ. હવે આસારામ નું શું થયું, એ જાણવામાં આપણને ઝાઝો રસ રહ્યો નથી. આપણને ગરમાગરમ ફાફડા કે ભજિયાંની જેમ ન્યૂઝ ગરમાગરમ જોઈએ છે. મીડિયાનું કામ એક નવી સ્વાદિષ્ટ ડિશ આપણી સામે પીરસવાનું છે. આ ડિશ સ્વાદિષ્ટ હોવી જોઈએ કે એનો સ્વાદ એટલિસ્ટ એકાદ-બે દિવસ સુધી ચર્ચામાં રહી શકે. ઓફિસમાં, પાર્ટીમાં, રસ્તા ઉપર કે બિઝનેસ મિટિંગમાં શરૂઆતની પળો વિતાવવા માટે આપણી પાસે વિષયો નથી. એટલે આ જ વિષય ઉપર વાત કરવી પડે છે. આપણે સંવેદનશીલ વિષય પર વાત કરી શકતા નથી, માત્ર સેન્સેશનલ વિષયો આપણને આકર્ષે છે.

એ વિષયમાં બળાત્કાર નથી. સાથે ઘરમાં કરવામાં આવતા અત્યાચારો વિશે આપણે વાત કરતા ડરીએ છીએ. આપણે વાતો કરવી છે સ્કેમની, રાજકારણની અને ટેક્નોલોજીની. શરાબની, ટૂરિઝમની, છોકરાઓની, પણ વર્તમાન પરિસ્થિતિ વિશે આપણી હિંમત નથી. આની પાછળ કદાચ એક કારણ એ છે કે જ્યારે પણ વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા થાય ત્યારે આપણે અભિપ્રાય આપવો પડે. કોઈ એક બાજુ ઊભા રહેવું પડે. એક સ્ટેન્ડ લેવું પડે. આપણને કોઈને આવું સ્ટેન્ડ લેવામાં રસ નથી. માણસનો મૂડ-મિજાજ જોઈને આપણને આપણું મંતવ્ય બદલવામાં જરાય વાર લાગતી નથી. ખાસ કરીને જ્યારે આપણને કોઈનું કામ હોય, એની પાસેથી કોઈ ફાયદો જોઈતો હોય ત્યારે એ વ્યક્તિની વિરુદ્ધ જવાનું સાહસ આપણે ધીમે ધીમે ભૂલી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો આપણે બધા એવી ચાપલૂસીની દુનિયામાં પ્રવેશતા જઈએ છીએ, જ્યાં પોતાનું અંગત, આગવું કે જુદું અસ્તિત્વ સાચવવું વધુ ને વધુ અઘરું થતું જાય છે. જે બાબતમાં આપણે અભિપ્રાય આપીએ છીએ કે કોઈક વાતને મુદ્દો બનાવીને ઘર્ષણ કરીએ છીએ, ઝનૂનથી લડીએ છીએ, એ મુદ્દો એટલો પાંગળો હોય છે કે એ પોતાના બળ પર ટકી શકતો નથી. આપણો ઝઘડો કે ઝનૂન મુદ્દા બાબતે નથી બલ્કે અહંકાર બાબતે છે. આપણે ખોટા કેવી રીતે હોઈ શકીએ! આપણી ભૂલ હોઈ જ ન શકે! એ વાતે આપણે ઝનૂની થઈને દલીલબાજી કરીએ છીએ, પરંતુ આપણી દલીલો, આપણાં ભાષણો કે આપણી આક્ષેપબાજીઓ અંતે ક્યાંય પહોંચતી નથી. 2019માં ચૂંટણીના મુદ્દા કોણે કેટલું કામ કર્યું એ નથી, પરંતુ પર્સનલ છે. નવાઈની વાત એ છે કે આપણે આ પર્સનલ મુદ્દાઓને ચગાવતા સમાચારો વાંચીને આપણો મત કોને આપવો, એનો નિર્ણય કરતા થઈ ગયા છીએ. આપણી દલીલો, આપણા અહંકારને પંપાળતી દલીલો છે. આપણી પાસે હવે મુદ્દા નથી.

દલિત, ખેડૂત, સ્ત્રીના એમ્પાવરમેન્ટનાં વચનો કંઈ આજકાલનાં નથી. દરેક વખતે, દરેક ચૂંટણીમાં, દરેક પક્ષે આ અને આવાં જ વચન આપ્યાં છે. આપણે છેલ્લાં સિત્તેર વર્ષમાં ક્યારેય હિસાબ માગ્યો નથી. જાતિ, સમાજ, જ્ઞાતિ કે પરિવાર સામે ઊભા રહેવા માટે આપણી પાસે મુદ્દા નથી. આપણી નવી પેઢીને આપણે કહીએ છીએ કે તમારી વાત કહેતા શીખો, પણ વાત શું હોવી જોઈએ, એ શીખવતા નથી. પરીક્ષામાં નાપાસ થવાથી જીવ ન આપી દેવાય, પરંતુ દેશની રક્ષા કરવા માટે બોર્ડર પર જઈને જીવ અપાય અથવા પ્રેમમાં નાસીપાસ થવાથી દેવદાસ બનીને શરાબમાં ડૂબી ન જવાય, સિગારેટ ફૂંકવા મંડી ન પડાય, પણ એવું કંઈક કરવું જોઈએ, જેમાં રિજેક્શનને કારણે આપણા મનમાં લાગેલી આગને ઠારવા માટે આપણી પાસે સેલ્ફ રિસ્પેક્ટનો કોઈ પર્યાય ઊભો થાય.

નેટફ્લિક્સ ઉપર એક ફિલ્મ ‘રજવાડા એન્ડ સન્સ’ મરાઠી ભાષામાં છે. ઘર છોડીને ભાગી ગયેલો નાનો દીકરો ઘરે પાછો ફરે છે. એ ચોરી કરીને ભાગ્યો છે, એવું નવી પેઢીનાં સંતાનોને કહેવામાં આવ્યું છે. એ નાનો દીકરો વિક્રમ જ્યારે પાછો ફરે છે ત્યારે એના વિશે કહેવામાં આવેલી બધી વાતો ખોટી ઠરે છે. વિક્રમ ઘર છોડીને એટલે નથી ભાગ્યો કે ન એને કોઈ ચોરી કરવી હતી, કે ન મજા કરવી હતી. વિક્રમ પિતાના દાબને કારણે, દબાણને કારણે ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે ભાગ્યો હતો. ઘરે પાછો ફરેલો વિક્રમ તાજી હવા લઈને આવ્યો છે. ઘરની તમામ વ્યક્તિઓની બીજી બાજુ વિક્રમે પાછા ફરીને ખોલી આપી છે, દંભમાં જીવતી વચલી પેઢીને એમના મોહરા પાછળથી બહાર કાઢીને એમનાં સંતાનોની નજીક લઈ આવવાનું કામ કરે છે વિક્રમ! નવી પેઢીનાં સંતાનોને મુક્ત હવામાં શ્વાસ લેતા શીખવીને પાછો જતો રહે છે. એનો મુદ્દો સ્વતંત્રતા છે, બળવો નથી. એને સરકાર ઊથલાવવી નથી, એને માત્ર પોતાના હિસ્સાની સ્વતંત્રતા જોઈએ છે!
ચૂંટણીની જાહેરાત પછી સામા પક્ષના નેતાની અંગત ડાયરી ખોલીને, એના અંગત જીવનને લઈને આક્ષેપબાજીમાં મંડેલા આ નેતાઓને દેશમાં રસ નથી. દેશની જનતામાં પણ રસ નથી. એકમેક સામે લડવા માટે એમની પાસે મુદ્દા પણ નથી.
આ અંગત હારજીતની લડાઈ છે, દેશની ચૂંટણી નથી!

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી