એકબીજાને ગમતાં રહીએ / દરેક સ્ત્રી દબાયેલી, કચડાયેલી, પીડાયેલી નથી...

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Mar 19, 2019, 01:13 PM IST

‘તમે ગમે તે કહો, પરંતુ સંભ્રાંત ઘરોમાં, તમે જે ક્લાસને અર્બન અને એફ્લુઅન્ટ કહો છો તે ક્લાસમાં સ્ત્રીઓ પર હાથ ઉપાડવામાં આવે છે. એમના પર અત્યાચાર થાય છે. એ મૂંગે મોઢે સહીને ત્યાં ટકી રહે છે.’ અમદાવાદના જે.બી. ઓડિટોરિયમમાં (એએમએ) યોજાયેલા ‘કનેક્ટ’ નામની મહિલા સંસ્થાના કાર્યક્રમમાં આ પ્રશ્ન પુછાયો ત્યારે આ સત્યને નકારી શકાય એવી સ્થિતિ તો નહોતી જ! આપણે બધાં જાણીએ છીએ કે ભણેલા અને ઉચ્ચ મધ્યમવર્ગનાં ઘરોમાં પણ સ્ત્રી સાથેનું વર્તન દરેક વખતે સન્માન અને સ્નેહપૂર્ણ નથી હોતું. મોટાભાગની સ્ત્રીઓ સામાજિક પ્રતિષ્ઠાના ભયથી, સંતાનોના ભવિષ્ય માટે કે માતા-પિતાની લાગણીને સાચવવા, મજબૂરીમાં કે આવક નહીં હોવાની લાચારીમાં આવાં લગ્નોમાં કે પરિવારોમાં જીવી જાય છે. એમને માટે બીજે ક્યાંય જવાની કે આ પરિસ્થિતિને બદલવાની શક્યતાઓ નહીંવત્ હોય છે. પોતાની આવક ન હોવાને કારણે આવી મહિલાઓ પોતાનું ઘર ન છોડી શકે એ સમજાય એવી વાત છે, પરંતુ આવા અત્યાચારને કે મારપીટ અથવા લગભગ બળાત્કારની કક્ષાએ કરાતા સંભોગને સહીને પણ આ મહિલાઓ આવી પરિસ્થિતિને છુપાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે નવાઈ લાગે છે.

  • સ્વતંત્રતા અને અસ્તિત્વ માણવાની દરેકની આગવી રીત હોય, પરંતુ સ્ત્રીના ખાસ દિવસની વાત કરીએ તો એમાં અર્બન ક્લાસની, આર્થિક બેકગ્રાઉન્ડ ધરાવતી સ્ત્રીઓ સિવાયની સ્ત્રીની વાત થવી જોઈએ

‘લોકો શું કહેશે?’ના વિચારમાં સંકોચાતી અને શરમાતી આ સ્ત્રીઓ કદાચ પોતાની ફરિયાદ કોઈને નહીં કરી શકતી હોય, પરંતુ એવું માનવાની ભૂલ આપણે નહીં કરીએ કે આવો સંકોચ કે આવી ભયાનક સ્થિતિ ફક્ત સ્ત્રીઓ માટે જ હોય છે! બદલાતા સમય સાથે કેટલાય ભારતીય પરિવારોમાં, ગુજરાતી પરિવારોમાં પણ મહિલાનું સશક્તિકરણ જરા જુદી રીતે અથવા સ્પષ્ટ કહીએ તો જરા અવળી રીતે થઈ રહ્યું છે! સરકારે મહિલાના સન્માન અને હિત માટે બનાવેલા કાયદાનો ઉપયોગ એક સ્ત્રી જ્યારે પોતાના પરિવારને ડરાવવા માટે કે દબાવવા માટે કરે ત્યારે એ કાયદો કેટલો નિરર્થક અને નપુંસક છે એ વાત સમજાયા વગર રહેતી નથી. હજી હમણાં જ સાબરમતી જેલમાં જવાનું થયું ત્યારે મહિલા વિભાગમાં રહેતા કાચા કામના કેદીઓમાં 80 વર્ષની એક વૃદ્ધાને મળવાનું થયું. ભાગ્યે જ ચાલી શકે કે પોતાનું કામ પણ સ્વતંત્રતાથી ન કરી શકે એવાં એ બહેનની સામે એમની પુત્રવધૂએ દહેજ માટેની મારપીટ(498-એ)નો કેસ કર્યો હતો. કાયદા મુજબ તો એમને પકડી જ લેવા પડે, પરંતુ ત્યાં ઉપસ્થિત એક મહિલા પોલીસે પૂરી સહાનુભૂતિ સાથે કહ્યું કે, ‘આ બહેન પર કરેલો કેસ ખોટો છે એવી અમને ખબર હોય તેમ છતાં અમારા હાથ બંધાયેલા હોય છે.’

વુમન્સ-ડે પર જાતજાતના કાર્યક્રમો કરવામાં આવે છે. ‘સ્ત્રીસશક્તિકરણ’ અથવા ‘વુમન એમ્પાવરમેન્ટ’ માટે ભાષણબાજી અને અખબારોની ખાસ પૂર્તિઓ પણ પ્રકાશિત કરાય છે. સ્ત્રી સશક્ત જ છે. આપણે જે વર્ગની વાત કરીએ છીએ એ વર્ગની સ્ત્રીને કદાચ હવે સશક્તિકરણની બહુ જરૂર નથી, પરંતુ સમજણની જરૂર છે. સશક્તિકરણનો અર્થ બીજી વ્યક્તિને નબળી બનાવવી કે નબળી પુરવાર કરવી એવો નથી. જે સશક્ત છે એણે અશક્તની મદદ કરવાની છે. એને સશક્ત બનાવવા માટે પોતાની શક્તિ વાપરવાની છે. જે મહિલાઓ આવા કાર્યક્રમોનો હિસ્સો હોય છે અથવા જે વુમન્સ-ડે ઊજવી શકે એવી મહિલાઓ છે એમને કદાચ સશક્તિકરણની જરૂર નથી અને જે મહિલાઓને સાચે જ સશક્તિકરણની જરૂર છે એ મહિલાઓ એટલે દૂર વસે છે કે એમના સુધી વુમન્સ ડે જેવી માહિતી કે ફિતૂર પહોંચતા જ નથી. વડીલ કે ગામના મુખી સામે ચંપલ ન પહેરી શકતી સ્ત્રી, કન્સ્ટ્રક્શન લેબર તરીકે કામ કરતાં કરતાં કોન્ટ્રાક્ટરને શરીર ધરી દેવું પડે એવી સ્ત્રી, ઘરકામની નોકરી ટકાવી રાખવા માટે ઘરના પચાસ-પંચાવન વર્ષના પ્રૌઢને શરીર સોંપતી 14-15 વર્ષની છોકરી કે બળાત્કારનો અથવા મોલેસ્ટેશનનો ભોગ બનતી સ્ત્રીઓ સુધી સાચે જ આ વુમન્સ ડે પહોંચે છે ખરો? અમુક રંગનાં કપડાં પહેરેલી, ફોટા પડાવતી કે ફેશન શો કરતી સ્ત્રીઓની સામે કોઈ વિરોધ નથી. પોતાની સ્વતંત્રતા અને અસ્તિત્વ માણવાની દરેકની આગવી રીત હોય એમાં કશું ખોટુંયે નથી, પરંતુ આપણે જો સ્ત્રીના ખાસ દિવસની વાત કરતા હોઈએ તો એમાં માત્ર અર્બન ક્લાસની, અમુક આર્થિક બેકગ્રાઉન્ડ ધરાવતી સ્ત્રીઓ સિવાયની સ્ત્રીની પણ વાત થવી જોઈએ. આંગણવાડીની, કન્સ્ટ્રક્શન લેબરની, શાકભાજી વેચતી કે ઘરમાં કામ કરતી સ્ત્રીને કોઈ વુમન્સ ડે વિશે જણાવે છે?

‘ફાયર બ્રાન્ડ’ નામની નેટફ્લિક્સ પર રજૂ થયેલી એક ફિલ્મમાં મહિલા વકીલ ફેમિલી કોર્ટમાં કામ કરે છે. છૂટાછેડા અપાવતી વખતે સ્ત્રીના હિતને ધ્યાનમાં રાખીને એ કેસ તૈયાર કરે છે અને સામાન્ય રીતે જીતે જ છે. એક સ્ત્રી એની પાસે પોતાનો કેસ લઈને આવે છે. આ સ્ત્રીનો કેસ લડતી વખતના અનુભવમાં મહિલા વકીલને સમજાય છે કે સ્ત્રી દરેક વખતે બિચારી, બાપડી, પીડિત કે શોષિત નથી હોતી. સચીન ખેડેકર એક એવી સ્ત્રીનો પતિ છે જે બાયપોલરની દર્દી છે. ઓટેસ્ટિક દીકરીની કસ્ટડી લેવા માટે સચીન ખેડેકર બધું જ આપી દે છે, આવા પુરુષોને જોઈએ ત્યારે સમજાય કે પુરુષની વિરુદ્ધ સતત જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે એ દરેક વખતે સાચો ન હોય એમ પણ બને! આ ફિલ્મમાં સચીન ખેડેકરનો અભિનય પ્રસંશનીય છે. એનો આક્રોશ, એની પીડા, દીકરી માટેની લાગણી અને પરિસ્થિતિ સાથે કામ પાડવાની એની સમતા જે રીતે એના પાત્રમાં રજૂ થઈ છે એ જોયા પછી આવા કેટલાય પુરુષો હશે એ બાબતમાં કોઈ શંકા રહેતી નથી.

આ દેશમાં જ નહીં, ગુજરાતમાં પણ કેટલાય પુરુષો હશે જેમણે પોતાના લગ્નજીવનને બચાવવા માટે પોતાનાથી બની શકે એ પ્રયત્નો કર્યા જ હશે. માત્ર સ્ત્રી જ સહન કરે છે કે સ્ત્રી જ સમાધાન કરે છે એ વાત આમ તો સદંતર મિથ છે. સ્ત્રી પોતે સહન કરે કે પીડા ભોગવે ત્યારે કદાચ એને વધુ ગ્લોરીફાય કરે છે, જાહેરાત કરે છે જ્યારે પુરુષ પોતાનાં આવાં સમાધાનોને કે આવી પરિસ્થિતિ સહન કરતા હોય ત્યારે એને જાહેર ન કરવામાં પોતાની પ્રતિષ્ઠા અને પુરુષત્વ સચવાઈ રહેશે એમ માનીને ચૂપ રહેવાનું પસંદ કરતા હશે?

એક સમય હતો કે જ્યારે સ્ત્રી ફક્ત ગૃહિણી હતી. એની પાસે એના પિતા, પતિ કે પુત્રને તાબે થયા વગર, એને રાજી રાખ્યા વગર, એની ઇચ્છા અને મરજી પ્રમાણે વર્ત્યા વગર બીજો કોઈ ઉપાય નહોતો. એની પાસે આર્થિક સ્વતંત્રતા નહોતી, કાયદાનો બેકઅપ નહોતો. હવે બધું છે. નવાઈની વાત તો એ છે કે પહેલાંના સમયમાં માર ખાતી, પીડાતી કે રડતી માને બચાવવા માટે દીકરી પણ ઊભી થઈ શકતી નહોતી, પરંતુ હવે પિતા ખોટા છે કે નહીં એની પૂરી તપાસ કર્યા વગર, સત્યમાં ઊંડા ઊતર્યા વગર પણ કેટલીક દીકરીઓ પિતાને ગુનેગાર માનવાની ભૂલ કરવા લાગી છે.

એ જમાનો જુદો હતો જ્યારે સ્ત્રીને સતી કરવામાં આવતી. એની પાસે ભણવાનો કે સ્વતંત્ર નિર્ણય કરવાનો અધિકાર નહોતો. ત્યારની સ્ત્રી જરૂર પીડાતી, કચડાતી, દબાતી હતી. હવે, આપણે જે સમાજમાં રહીએ છીએ, છાપાં વાંચીએ છીએ, મોબાઇલ વાપરીએ છીએ, બેન્કમાં એકાઉન્ટ ધરાવીએ છીએ, કબાટમાં સાડીઓ અને લોકરમાં દાગીના ધરાવીએ છીએ, મરજીથી હરીફરી, ખાઈ-પી શકીએ છીએ. વેકેશન કરીએ છીએ અને કિટી પાર્ટી કે બહેનપણીઓ સાથે મોલમાં ફરી શકીએ છીએ ત્યારે વુમન એમ્પાવરમેન્ટને કદાચ કોઈ બીજા લોકેશન પર લઈ જવાની જરૂર છે. અમદાવાદ, રાજકોટ કે સુરત, વડોદરા જેવાં શહેરોથી 400 કિ.મી.દૂર જ્યાં દિવસની એક જ એસટી બસ આવે છે કે છાપા બીજે દિવસે માંડ પહોંચે છે એવા ગામમાં દીકરીને ભણાવવા માટે સંઘર્ષ કરી રહેલી માની કોઈ મદદ કરી શકે તો એને વુમન એમ્પાવરમેન્ટમાં પ્રદાન કર્યું કહેવાય. બાળકને જન્મ નહીં આપી શકતી કોઈ સ્ત્રીને જ્યારે વાંઝણી અને ડાકણ કહીને કાઢી મૂકવામાં આવે ત્યારે એના જીવનનિર્વાહની વ્યવસ્થા કરવામાં કોઈ એની મદદ કરે તો એને વુમન એમ્પાવરમેન્ટ કહેવાય. બળાત્કારનો ભોગ બનેલી કોઈ દીકરીને જ્યારે કોર્ટમાં પ્રશ્નો પુછાવાના હોય ત્યારે આપણે એને ઓળખતા ન હોઈએ તો પણ કોર્ટમાં જઈને એને ખભે હાથ મૂકીને ‘હિંમત રાખજે’ એટલું કહી શકીએ તો એને વુમન એમ્પાવરમેન્ટ કહેવાય! અને આ કરવા માટે કોઈ ખાસ તારીખની જરૂર નથી પડતી.

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી