માય સ્પેસ / કિતને અજીબ રિશ્તે હૈ યહાં કે...

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Mar 17, 2019, 06:30 PM IST

‘તમને નથી લાગતું મોબાઇલનો વપરાશ વધી રહ્યો છે? આજની પેઢી માણસ સાથેનો સંબંધ ખોઈ રહી છે.’ એક સવાલ ઓડિયન્સમાંથી પુછાય છે. જવાબ નથી મારી પાસે, કારણ કે ત્યાં એકત્ર થયેલું ઓડિયન્સ મોટેભાગે મને યુટ્યૂબ ઉપર જ જુએ છે. હું એમને કઈ રીતે કહું કે મોબાઇલનો ઉપયોગ યોગ્ય નથી!
‘રાજમા ચાવલ’ નામની એક વેબ ફિલ્મ. એક પિતા ફેક એકાઉન્ટ બનાવીને પોતાના દીકરા સાથે દોસ્તી કરે છે. આ ફિલ્મ જોઈ ત્યારે અચાનક સમજાયું કે આપણાં સંતાનો સાથે મિત્રતા કરવા માટે કદાચ આપણે આવા કોઈ ડિવાઇસનો ઉપયોગ કરવો પડે એ દિવસો દૂર નથી રહ્યા. ઘરમાં જ રહેતો દીકરો પોતાના રૂમમાંથી માતા-પિતાને ફોન કરે કે માતા-પિતા દીકરા સાથે રોજિંદી વાત કરવા માટે ચેટ કરે એ વાત બહુ નવાઈ પમાડે એવી નથી રહી હવે! સુખ-દુ:ખ, આનંદ કે પીડાના બધા જ પ્રસંગો હવે સોશિયલ મીડિયા ઉપર મૂક્યા વગર આપણે રહી શકતા નથી. મૃત્યુ પામેલા સ્વજનને સોશિયલ મીડિયા પર અંજલિ આપીએ છીએ, કેમ જાણે એમની પાસે અહીંથી ગયા પછી પણ સોશિયલ મીડિયાનું એકાઉન્ટ એક્સેસ કરવાની સગવડ હશે! આપણે રંગભૂમિ દિવસ, માતૃભાષા દિવસ, વુમન્સ ડેના મેસેજીસથી સોશિયલ મીડિયા છલકાવી દઈએ છીએ. ઇચ્છીએ છીએ કે આપણા મેસેજીસ લોકો વાંચે, લાઇક આપે. આપણા સંબંધોના આધાર હવે આપણને કોણ લાઇક આપે છે અને કોણ નથી આપતું એના ઉપર ટક્યા છે?

  • જેના અસ્તિત્વને આ નાનકડું રમકડું કંટ્રોલ કરતું હોય એવી નવી પેઢીને મોબાઇલ નામના ડિવાઇસથી દૂર રહેવાનું કેવી રીતે સમજાવી શકાય?

આપણે બધા ડિજિટલ દુનિયામાં પ્રવેશી ગયા છીએ. આપણી લાગણીઓનું એક્સ્પ્રેશન પણ ઇમોજીથી કરતા શીખી ગયા છીએ. લગભગ દરેક શબ્દનું એબ્રેવેશન (ટૂંકું સ્વરૂપ) કરીને જ વાત કરતી આ પેઢી લખે છે, ‘TTYS’ Talk to you soon કે પછી ‘BTV’ બાય ધ વે અથવા ‘LMN’ ‘લેટ મી નો’ કહેવાની આ સરળ રીતો છે, કબૂલ પરંતુ આની સાથે ભાષા ધીમે ધીમે એક નવા જ સ્વરૂપમાં પ્રવેશતી જાય છે. જે લોકો આ ભાષા નથી સમજતા એ લોકો માટે નવી પેઢી સાથે વાત કરવી અઘરી બને છે. જે માતા-પિતા પચાસની ઉપરનાં છે એમને માટે આ નવા હાઇટેક ડિવાઇસ માથાનો દુખાવો છે. ગમે તેટલો મોંઘો ફોન હોય, ફોનકોલ રિસીવ કરવા, ફોન જોડવો, મેસેજ, વ્હોટ્સએપ, ફેસબુક કે બહુ બહુ તો ઓનલાઇન શોપિંગ સિવાય 50-55ની ઉપરના લોકો માટે એમના મોંઘા અને હાઇટેક ડિવાઇસનો ઝાઝો ઉપયોગ નથી. નવી પેઢી આ ડિવાઇસને જીવનના હિસ્સા તરીકે વાપરે છે.

આ આખી પેઢી, જેમના જન્મ સાથે જ એ પિતાના ચહેરાની પહેલાં મોબાઇલનું ડિવાઇસ જુએ છે, કારણ કે એના પિતા એનો ફોટો પાડવામાં કે વિડિયો લેવામાં પોતાનો ચહેરો ડિવાઇસની પાછળ છુપાવીને ઊભા હોય છે. ત્યાંથી શરૂ કરીને એના ઉછેરમાં આ ડિવાઇસનો ફાળો ઘણો મોટો છે. જમતી વખતે મમ્મી મોબાઇલ પર વિડિયો બતાવે છે, રડે કે કકળાટ કરે તોપણ આ ડિવાઇસનો રમકડાં તરીકે ઉપયોગ થાય છે. બહારગામ ગયેલા પિતા કે ઓફિસ ગયેલી મમ્મી એ ઉંમરથી ફેસટાઇમ કે વિડિયો કોલ પર વાત કરે છે, જે ઉંમરમાં એને આ ચહેરાની વર્ચ્યુઆલિટી વિશે ખબર પણ નથી હોતી. દાદા-દાદી પણ એને ક્યારેક ઓનલાઇન જ જોવા મળે છે! એ પેઢી જેણે પોતાના અસ્તિત્વને આ વર્ચ્યુઅલ દુનિયા સાથે જોડી દીધું છે એને મોબાઇલ નામના ડિવાઇસથી દૂર કરવી સરળ નથી. એ સિવાય આ પેઢી હવે ટીવી નથી જોતી, લેપટોપ કે આઇપેડ ઉપર વેબ સિરીઝ જુએ છે. સત્ય એ છે કે ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવતા કાર્યક્રમના સમય સાથે આ પેઢી પોતાની જાતને બાંધવા તૈયાર નથી. એ અખબાર નથી વાંચતી, પણ મોબાઇલ પર ન્યૂઝ ચેક કરે છે. ગૂગલ પે વાપરે છે અને ઓલા-ઉબરની એપ એમના માટે ટ્રાન્સપોર્ટનો ઓપ્શન છે. બજારમાં જઈને કંઈ ખરીદવામાં પણ હવે આ પેઢી આળસ કરે છે. ગ્રોસરીથી જૂતાં, ઇલેક્ટ્રોનિક્સથી એક્સેસરીઝ સુધીનું બધું જ નવી પેઢી ઓનલાઇન ખરીદે છે. સિનેમાની ટિકિટો ઓનલાઇન બુક કરે છે. ટિન્ડર ઉપર ડેટિંગ કરે છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર વાતો કરે છે, કનેક્ટ થાય છે અથવા કરે છે. અર્થ એ થયો કે એમના હાથમાં રહેલા ચાર બાય છના નાનકડા રમકડા ઉપર એમની આખી જિંદગીની તમામ જરૂરિયાતો નિર્ભર થાય છે!

હવે જેના અસ્તિત્વને આ નાનકડું રમકડું કંટ્રોલ કરતું હોય એને મોબાઇલ નામની આ ડિવાઇસથી દૂર રહેવાનું કેવી રીતે સમજાવી શકાય? આપણે બધા, જે લોકો પચાસ કે એથી ઉપરની ઉંમરના છે એમને માટે મોબાઇલ લક્ઝરી છે, ફેશન છે કે એક ફોન જેટલું જ અસ્તિત્વ ધરાવતી કોઈક વસ્તુ છે, પરંતુ આ નવી પેઢી-1975 પછી જન્મેલી પેઢી માટે મોબાઇલ એ વન સ્ટોપ શોપ છે.

હજી હમણાં જ એક દિવસ યશ વક્તા નામના એક યુવાન છોકરા સાથે વાત થતી હતી ત્યારે એણે બહુ સરસ એનાલિસિસ કહ્યું, ‘સવારથી સાંજ સુધી અમને કેટલી ઇન્ફર્મેશન આપવામાં આવે છે. પાણી પીવું જોઈએ કે ન પીવું જોઈએ, કેળાં ખાવાં જોઈએ કે ન ખાવાં જોઈએ, ગ્રીન ટી સારી છે કે ખરાબથી શરૂ કરીને ફાઇવ મિનિટ ક્રાફ્ટ કે ટિપ્સ, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝ કે સ્નેપચેટમાં મૂકવામાં આવેલા અમુક ફોટોગ્રાફ્સની સાથેનું લખાણ. ફોન પરથી સતત આ ઇન્ફર્મેશન અમારા સુધી પહોંચતી રહે છે. અમારે જોઈએ કે ન જોઈએ પણ વાંચીએ એટલે ઇન્ફર્મેશન મગજ સુધી ગયા વગર તો રહે જ નહીં ને. હવે આ ઇન્ફર્મેશન ફિલ્ટર તો થતી નથી, એટલે લગભગ બધું અમારા મગજમાં જમ્બલ થાય છે, એકઠું થાય છે. આ જમ્બલ થયેલી માહિતી કે ઇન્ફર્મેશનમાંથી ખરેખર અમારે કામનું શું છે એ શોધવામાં અમારી પેઢી કન્ફ્યુઝ થાય છે.’ યશની વાત ખોટી નથી. એ પેઢી પાસે અથાગ માહિતી છે. દરેકના મગજની નિશ્ચિત કેપેસિટીમાં સમાય કે ન સમાય, પરંતુ જે માહિતી એને આપવામાં આવે છે એ માહિતી એના સુધી પહોંચ્યા વગર રહેતી નથી. માહિતીનો આ ઓવરફ્લો નવી પેઢીના આ ટીનેજર્સ અને યુવાનોને વધુ ને વધુ ગૂંચવે છે. એ બધા હવે એવી વર્ચ્યુઅલ દુનિયામાં જીવે છે જ્યાં સ્પર્શ, આંસુથી શરૂ કરીને લગભગ દરેક ચીજ વર્ચ્યુઅલ છે. એમની પીડાઓ પણ વર્ચ્યુઅલ છે અને એમના આનંદો પણ વર્ચ્યુઅલ છે.

બીજી એક મહત્ત્વની સમજવા જેવી વાત એ છે કે એક તરફથી આ પેઢી સતત પોતાની જિંદગીમાં કોઈને દાખલ નહીં થવા દેવા માટે બારીઓ બંધ રાખે છે. ‘MAH’ (માહ) લાઇફ કહીને એ બધા પોતાની જિંદગી વિશે જાતે નિર્ણય કરવા માગે છે. ભણવું, ન ભણવું, છોડી દેવું, વિદેશ જવું, જિંદગીને કેવી રીતે જોવી અને કોણે શું કરવું એ વિશે આ પેઢી કોઈનુંય સાંભળવા તૈયાર નથી. કપડાં કેવાં પહેરવાથી શરૂ કરીને વાળ કેવા રાખવા, કોની સાથે મિત્રતા રાખવી જેવી બાબતોમાં એમને માતા-પિતાની સલાહ મંજૂર નથી, કારણ કે આ એમની-માહ લાઇફ છે! પરંતુ જેને આ પેઢી પ્રાઇવસી કહે છે, સ્પેસ કહે છે એ બધું જ આ પેઢી સોશિયલ મીડિયા પર પબ્લિશ કરી નાખે છે. રિલેશનશિપ થાય કે તૂટે બંનેની જાણ કદાચ એમનાં માતા-પિતાને ન હોય, પણ એમના ફેસબુક ફ્રેન્ડ્ઝને અેમની ઝીણી ઝીણી વાત અને ઇમોશન્સની જાણ હોય છે. એમનાં માતા-પિતા હજી એટલા ઝડપથી ડિવાઇસ દ્વારા અભિવ્યક્ત થઈ શકતાં નથી. એક પેઢી જે ફક્ત સ્ક્રીન ઉપર પોતાની જાતને વ્યક્ત કરી શકે છે.

બે પેઢીના કોમ્યુનિકેશનનું માધ્યમ જ બદલાઈ ગયું છે. ઝઘડો થાય કે ગુસ્સો આવે તો માતા-પિતા સાથે દલીલ કરવાને બદલે આ પેઢી વોટ્સએપ પર મેસેજ લખે છે. વ્હાલ આવે તો પણ માતા-પિતા સુધી પહોંચાડવા માટે એક જોરદાર વ્હાલભર્યું આલિંગન નહીં, પણ વોટ્સએપનો મેસેજ વધુ કામમાં આવે છે!
ડિજિટલ ડિવાઇસીસની દુનિયા જેટલી કામની છે એટલી જ ભયજનક છે. આજે જ એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ફર્સ્ટ કઝિનને પણ બે-ત્રણ વર્ષે એકવાર મળવાનું થતું નથી, ફેમિલીનું ગ્રૂપ છે જેમાંથી માહિતી મળી રહે છે, બર્થડે વિશ થઈ જાય છે, મૃત્યુ કે બીમારીના સમાચાર પહોંચી જાય છે. અગત્યનું એ છે કે માણસ ગરમ લોહીનું પ્રાણી છે. લડવું, ઝઘડવું, હસવું, રડવું, ભેટવું, વહાલ કરવું, સ્પર્શ કરવો કે આંખમાં આંખ નાખીને જોવું આ ગરમ લોહીના પ્રાણીના અસ્તિત્વને ટકાવવા માટે પ્રાણવાયુ જેટલી જરૂરી બાબત છે. નવી પેઢીને કદાચ અત્યારે નથી સમજાતું, પરંતુ જે પેઢી અત્યારે ત્રીસ-બત્રીસની છે એ પચાસની કે વધુ ઉંમરની થશે ત્યારે કોઈકની સાથે બેસીને વીતેલા દિવસો વાગોળવા માટે એમને વોટ્સએપની ચેટ કે ફેસબુકના ફોટોઝની હિસ્ટ્રી કામ લાગે ખરી?

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી