માય સ્પેસ / જનરેશન નેક્સ્ટ... ક્રિએટિવ એન્ડ બેસ્ટ!

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Mar 04, 2019, 04:49 PM IST

ધ્રૂજતા પગ, હાથમાં લાકડી, ઝીણી આંખો, ધોળા વાળ, કરચલીવાળી ચામડી, અસ્વસ્થ શરીર અને ફરિયાદો, બસ આ જ વૃદ્ધત્વની ઓળખ છે? તો પછી સમજદાર, સ્નેહાળ, વડીલ, ધોળા વાળ સાથે પણ એમના મજબૂત હાથે અસ્થિર પેઢીને સહારો આપીને સ્થિર થવામાં મદદ કરતા, પોતાના અનુભવથી ગૂંચવાયેલી પેઢીને દિશા બતાવતા અને નવી પેઢી પાસે માહિતી મેળવીને પોતાની જાતને અપગ્રેડ કરતા 60-70 કે 75ના મજેદાર માણસને શું કહીશું? વૃદ્ધત્વની વાત જ્યારે પણ નીકળે છે ત્યારે આપણે બધા દયાળુ, માયાળુ અને બિચારી વ્યક્તિનો વિચાર કરીએ છીએ. કોઈએ ક્યારેય વિચાર્યું છે કે વૃદ્ધત્વ એક ખુમારી અને મજબૂતીથી જિવાતી જિંદગી પણ હોઈ શકે. ખાસ કરીને વૃદ્ધાશ્રમની વાત નીકળે ત્યારે લગભગ બધાને લાગે છે કે માતા-પિતાને ઘરમાંથી કાઢી મૂક્યાં હશે! વધારાના હશે! જે છોકરાઓને મા-બાપે દુ:ખ વેઠીને મોટા કર્યા એ છોકરા જ્યારે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ‘ધકેલી મૂકે’ ત્યારે એ છોકરાઓ પર ક્રોધ આવે, તિરસ્કાર થાય. આપણે આટલું જ સમજ્યાં છીએ!

  • જો નવી પેઢીની દરેક વાત આપણને અકળાવનારી અને અયોગ્ય લાગે તો આપણે ‘જૂની પેઢી’ના થઈ ગયા છીએ એવું સ્વીકારી લેવામાં બહુ વાંધો ન આવવો જોઈએ

ખરેખર સમજવાની વાત એ છે કે વૃદ્ધત્વ દરેક વખતે ગરીબડું, બિચારું કે એકલવાયું નથી હોતું. પોતાની લાંબી છ-સાત દાયકાની જિંદગી જીવ્યા પછી જો એ વ્યક્તિ પાસે મુઠ્ઠીભર સંબંધો ‘પોતાના’ કહી શકાય એવા ન હોય તો એમાં વાંક કોનો? આપણે બધા જ એમ માનીને ચાલીએ છીએ કે એક વૃદ્ધ વ્યક્તિ ક્યારેય ખોટી ન હોઈ શકે, પરંતુ વૃદ્ધ થતા આવડવું એ પણ એક કલા છે. ચામડીની કરચલીઓ અને ધોળા થતા વાળની સાથે સમજણ પણ વૃદ્ધ થવી જોઈએ ને ક્ષમા પણ.
જે વધે છે તે વૃદ્ધ છે. સંસ્કૃત શબ્દ વૃદ્ધનો સીધો સંબંધ વાર્ધક્ય સાથે છે. જે વધી શકે તે વૃદ્ધ થઈ શકે. વધવું એટલે માત્ર બર્થ સર્ટિફિકેટના આંકડામાં નંબર વધારવા એવું નહીં. વૃદ્ધ થવું એટલે સંતાનોની સાથેના સંબંધમાં સમજણ ઉમેરવી. અાડોશી-પાડોશી સાથે કચકચ કર્યા વગર શાંતચિત્તે ઓટલે બેસીને બદલાતા સમયને જોઈ શકવાની સ્થિરતા કેળવવી. ઓથોરિટી છોડતા આવડે તો જગતમાં કંઈ પણ છોડતા આવડે! આપણે બધા એમ માનીને જીવીએ છીએ કે આપણા સિવાય જગતમાં કોઈ સમજણું નથી. વૃદ્ધત્વની મોટામાં મોટી સમસ્યા એ છે કે એમની પાસે અનુભવ છે, જીવનનો, સંબંધોનો અને વિતાવેલા સમયનો, પરંતુ એ અનુભવ જે સમયે એમણે મેળવ્યો છે એ સમય જ હવે બદલાઈ ગયો છે. કેમ ઘરડા માણસને જ ચશ્માં આવે? કારણ કે એણે પોતાની દૃષ્ટિને થોડી બદલવાની જરૂર હોય છે. ઝાંખી થતી આંખોને સમયના પડળ ચડી જાય ત્યારે એ આંખો પર નવા લેન્સનાં ચશ્માં લગાવવાં પડે, એવી જ રીતે વૃદ્ધે બદલાતા સમયને ઓળખવો પડે ને સ્વીકારવો પડે. આપણી ભાષા પાસે બે શબ્દો છે એક વૃદ્ધ અને બીજો ઘરડા. જે ઘરેડમાંથી નીકળી ન શકે તે ઘરડાને જે વધતી ઉંમર સાથે સમજણને વધારે એ વૃદ્ધ! સંતાનોથી શરૂ કરીને નોકર સુધી, વોચમેનથી શરૂ કરીને ટપાલી, દૂધવાળા કે ધોબીની સાથે જ્યાં મતભેદ અને પછી કચકચ થવા માંડે ત્યારે એમ માનવું કે આપણે ઘરડા થવા લાગ્યા છીએ. બધા સાથે વાંધો પડે, સહુને સુધારવાની જવાબદારી આપણી જ છે એવું લાગવા માંડે ત્યારે માનવું કે આપણું મગજ હવે નવું શીખવા કે નવું સમજવા માટે તૈયાર નથી!
આ નવું શીખવું અને સમજવું એટલે માત્ર કમ્પ્યૂટર કે ટેક્નોલોજી નહીં, માણસ પણ એક ટેક્નોલોજી છે. દર પાંચ વર્ષે નવા અપગ્રેડેટ મોડેલ બજારમાં આવે છે. આ નવા અપગ્રેડેટ મોડેલ સાથે જો સહજતાથી કામ પાર પાડી શકીએ, એમના વાળ, ફાટેલા જીન્સ, એમની ખાન-પાનની ટેવો, ઊઠવાના સમય, એમની ભાષા અને જીવનશૈલીને સમજીને સ્વીકારી શકીએ તો માનવાનું કે હજી આપણી પાસે સમય છે. વધી શકાય એમ છે, પણ જો નવી પેઢીની દરેક વાત આપણને અકળાવનારી અને અયોગ્ય લાગે તો આપણે ‘જૂની પેઢી’ના થઈ ગયા છીએ એવું સ્વીકારી લેવામાં બહુ વાંધો નહીં.
વધતી ઉંમર સાથે એક સૌથી મોટી સમસ્યા સ્વાસ્થ્યની આવે છે. મગજ જે ઝડપે ચાલે છે એ ઝડપે શરીર નથી ચાલતું. જે ઝડપે હુકમો અપાય છે એ ઝડપે નવી પેઢીના છોકરા આપણો હુકમ ઉઠાવતા નથી. આપણે જે કરતા હતા એ આપણા પછીની બધી પેઢીઓ કર્યા જ કરે તો બદલાયેલા સમયને કેમ ઓળખીશું? નવો વિચાર અને નવું વર્તન પણ નવા સમયની ઓળખ છે. ‘મેં કર્યું છે’ અથવા ‘આ બધું મારા સંઘર્ષ, મારી મહેનતનું પરિણામ છે’ એ વિચાર નહીં છોડી શકતા બધા જ વૃદ્ધો એમનો આર્થિક સંઘર્ષ પૂરો થવા છતાં માનસિક સંઘર્ષમાંથી નીકળી શકતા નથી. એકવાર એવું સ્વીકારી પણ લઈએ કે બધું એમણે સર્જ્યું છે તો પણ એ સાથે લઈ જઈ શકવાના નથી. એ વાત એ કેમ સ્વીકારી શકતા નથી? મહેનત કરીને, સપનાં જોઈને જેના માટે આ બધું ઊભું કર્યું છે એને આપતા એમના હાથ કેમ અચકાય છે? એમણે જ તૈયાર કરેલી નવી પેઢી આ બધું નહીં સંભાળી શકે એવો અવિશ્વાસ કેમ છે? કદાચ એટલે જ, બધું મળી ગયા પછી પણ ન ભોગવી શકવાનો અભિશાપ કદાચ આ જ કારણે જૂની પેઢીને પજવે છે. આ વાત રાજકારણમાં પણ એટલી જ સાચી છે, સાહિત્ય, સંગીત કે બીજાં ક્ષેત્રોમાં પણ આ વાત બદલી શકાઈ નથી. જે લોકો એસ્ટાબ્લિશ્ડ અથવા સફળ થઈ ગયા છે એ બધા માને છે કે કશું પણ નવું થવું જ ન જોઈએ! સાહિત્યમાં કાગળ પેનથી લખાતું, પછી કમ્પ્યૂટર આવ્યાં ને હવે ફેસબુક, વ્હોટ્સએપ ઉપર પણ સાહિત્ય રચાય છે. નવાં ગીતોની પોએટ્રી અદ્્ભુત છે. નવું સાહિત્ય ખૂબ નવા વિચારો સાથે લખાય છે. રાજકારણમાં પ્રવેશી રહેલું નવું લોહી સાવ નવી વિચારધારા સાથે અને પૂરી પ્રામાણિકતા સાથે રાજકારણમાં આવવા મથે છે. એમને દેશ બદલવાની ઝંખના છે, પરંતુ ખાઈ બદેલા, ખુરશીઓ પર ગુંદર લગાડીને ગોઠવાઈ ગયેલા આ જૂની પેઢીના નેતાઓને ‘ઇન્દ્ર’ની જેમ એમનાં આસન ડોલતાં લાગે છે!
બદલાતા સમયને કોઈ રોકી શકતું નથી ને આ વાત કદાચ વચ્ચેની પેઢીની પહેલાંના નેતાઓને બરાબર ખબર હતી. મો. ક. ગાંધીએ અનેક નવા લોકોને રાજકારણમાં જોડાવા આમંત્રણ આપ્યું એટલું જ નહીં સરદારને બદલે જવાહરને વડાપ્રધાન બનવાની તક આપી. જવાહરની નબળાઈઓ જાણતા હોવા છતાં જો ગાંધીએ જવાહરને વડાપ્રધાન બનવાનું નિમંત્રણ આપ્યું હોય તો એનો અર્થ એમ થયો કે જેણે આ દેશને આઝાદી અપાવવામાં પોતાના સમય, શક્તિ, સંસાધન અને વર્ષો રેડી દીધાં એ પણ નવી પેઢીને તક આપવા તૈયાર હતા. આજના નેતાઓ જે ગાંધીની દુકાન ખોલીને બેઠા છે એમને કેમ નહીં સમજાતું હોય કે નવી પેઢીના નવા વિચારો આ દેશ માટે જરૂરી છે. નવું સાહિત્ય, નવું સંગીત અને નવી કલા આ દેશને નવી ઓળખ આપશે. કેટલા લોકોને ખબર છે કે છેલ્લાં પાંચ વર્ષનું સૌથી સંવેદનશીલ ગીત, ‘યે મોહ મોહ કે ધાગે’ કે ‘મન કસ્તુરી રે...’ સ્ટેન્ડ અપ કોમેડિયન વરુણ ગ્રોવરે લખ્યાં છે. ફરહાન અખ્તર એક મ્યુઝિશિયન છે, ડિરેક્ટર છે અને અભિનેતા પણ છે. ઉત્તમ કવિતાઓ પણ લખે છે. એવી જ રીતે આયુષ્યમાન ખુરાના પણ સારો કવિ છે, અભિનેતા છે.
નવી પેઢી મલ્ટિ ટેલેન્ટેડ છે. એમને ફોકસ કરવાનું કહેનાર બધા એટલા માટે ખોટા છે, કારણ કે એમની સામે એક વિશાળ દુનિયા ખુલ્લી છે. જે કદાચ આની પહેલાંની પેઢી પાસે નહોતી. હવેની પેઢીના છોકરાંઓ જિંદગી વિશેની જુદી સમજ ધરાવે છે. એમને એમના પૈસા એક જગ્યાએ ઘર ખરીદીને ઇન્વેસ્ટ કરવાને બદલે, દુનિયા ફરીને જગત જોવામાં વાપરવા છે. એમને બંધાવું નથી, વહેતા રહેવું છે. લીવ ઇન રિલેશનશિપ કે સજાતીય સંબંધોને સમજ્યા વગર એના વિશે સ્ટેટમેન્ટ કરનારાઓએ સમજવું પડશે કે આ પેઢી ‘કશું નવું’ કરવા માગે છે. એ નવીનતા જો એમને એમની કારકિર્દીમાં કે જિંદગીમા઼ં નહીં મળે તો એ સંબંધોમાં શોધ્યા વિના રહેશે નહીં.
જે ‘જૂનું એટલું સોનું’ માનીને ઘસ્યા કરે છે એમણે ચશ્માંના નંબર બદલીને નવી પેઢીને નવેસરથી જોવાની જરૂર છે.

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી