Back કથા સરિતા
કાજલ ઓઝા વૈદ્ય

કાજલ ઓઝા વૈદ્ય

સ્ત્રી, સાહિત્ય, સમાજ (પ્રકરણ - 58)
લેખિકા ગુજરાતી સાહિત્યનાં જાણીતાં નવલકથાકાર અને વક્તા છે.

રીઅર વ્યૂ નહીં, વિન્ડ સ્ક્રીન... પ્રવાસ આગળની તરફ

  • પ્રકાશન તારીખ12 Mar 2019
  •  

આજે રેંટિયા બારસ, દાંડીકૂચની જયંતી, શ્રેયા ઘોષાલનો જન્મદિવસ. આમ તો લગભગ દરેક દિવસ પાસે એકાદ એવી સ્મૃતિ હોય જ છે જેના પરથી ઇતિહાસનું એકાદ પાનું શોધી શકાય. આપણે બધા તારીખો યાદ રાખીએ છીએ, તહેવારો યાદ રાખીએ છીએ, પ્રસંગો અને ઇતિહાસ યાદ રાખીએ છીએ, પરંતુ એ ઇતિહાસમાંથી આપણને મળેલી શીખ સામાન્ય રીતે ભૂલી જઈએ છીએ. એક નાનકડી વાર્તા કહેવી છે.
એક છોકરીનાં લગ્ન થયાં ત્યારે એની માએ એને એક સલાહ આપેલી, તું અને તારો વર એક જોઇન્ટ એકાઉન્ટ ખોલાવજો. જિંદગીમાં જ્યારે સારો પ્રસંગ આવે કે ખુશીના સમાચાર મળે કે કોઈ સરસ દિવસ, સાંજ કે સમય ઊજવો ત્યારે એ ખાતામાં થોડા પૈસા નાખજો. યાદ રાખજે કે આ ખાતું માત્ર પૈસા નાખવા માટે છે, ઉપાડવા માટે નથી.

  • મોટાભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે. ‘હવે શું?’ એ એમનો પરમેનન્ટ પ્રશ્ન હોય છે! આપણે બધા વહી ગયેલાં વર્ષો વિશે એટલા બધા નિરાશાજનક છીએ કે આવનારાં વર્ષો તરફ જોઈ શકતા જ નથી

‘જો ઉપાડવાના નથી તો, નાખવાના કેમ?’ જુવાન દીકરીએ ત્યારે માતાને પ્રશ્ન કરેલો. માએ હસીને કહેલું, ‘ઉપાડવાનો વારો આવશે ત્યારે હું તને કહીશ.’ દીકરીનાં લગ્ન થયાં. એક પછી એક સારા પ્રસંગો આવતા ગયા. સુખનો સમય જ્યારે આવ્યો, સારી સાંજ વીતી કે એકબીજાને પ્રેમ કરવાનો ગાળો આવ્યો ત્યારે દરેક વખતે દીકરીએ થોડાક પૈસા એ ખાતામાં નાખ્યા. પાંચેક વર્ષ તો બહુ જ સુંદર સમય ગયો. પછી બંને જણને વાંધો પડવા માંડ્યો. નાની-નાની વાતમાં ઝઘડો થાય. બંને જણા ગમે તેમ બોલવાનું છોડે નહીં એટલે ઝઘડો વધી જાય. અંતે એક એવી જગ્યાએ પહોંચ્યાં જ્યાં એમણે છૂટા પડવાનું નક્કી કર્યું. દીકરીએ જઈને માને બધી વાત કરી. માએ પેલું ખાતું યાદ કરાવ્યું.
‘હવે એ ખાતાની પાસબુક લઈ આવ.’ દીકરી પાસબુક લઈને આવી. માએ એક પછી એક પ્રશ્ન પૂછવા માંડ્યા, ‘આ પૈસા ક્યારે નાખેલા?’ દીકરીએ પ્રસંગ યાદ કર્યો. પ્રશ્નો પુછાતા ગયા અને એના જવાબમાં એક પછી એક પ્રસંગ યાદ આવતા ગયા. જેમ સુખના પ્રસંગો યાદ આવતા ગયા તેમ તેમ કડવાશ ધોવાતી ગઈ. સાથે ગાળેલો સમય યાદ આવતો રહ્યો ને એ સમયમાં એકબીજાને કેટલું ચાહ્યાં હતાં, કેવા સમયમાંથી પસાર થયાં હતાં એ પણ યાદ આવતું ગયું. દીકરીની આંખો ભીની થઈ ગઈ. એને ભૂલ સમજાઈ. એણે જઈને પતિને પણ એ જ રીતે પ્રસંગો યાદ કરાવ્યા!

આપણે બધા જ જિંદગીની પાસબુકને ખોલીને જોવાનું શીખી લેવું જોઈએ. દરેક પાસબુકમાં સ્નેહ અને સંબંધોની ડિપોઝિટ પડેલી જ હોય છે. સામાન્ય રીતે જ્યારે છૂટા પડવાનું આવે ત્યારે જ આપણને આવું જોઇન્ટ એકાઉન્ટ યાદ આવતું હોય છે. આ દુ:ખની અને દુર્ભાગ્યની વાત છે. સાથે રહેતા હોઈએ ત્યારે નાની-મોટી વાતમાં ઝઘડા થાય, મતભેદ કે મનદુ:ખ પણ થાય, એમાં કંઈ હચમચી ઊઠે એવું હોતું જ નથી. વિશ્વનો કોઈ સંબંધ આદર્શ નથી. આપણે બધા આદર્શ સંબંધોની વાત પુસ્તકોમાં વાંચીએ છીએ, સિનેમામાં કે ટેલિવિઝનમાં જોઈએ છીએ. આપણને લાગે છે કે પતિ-પત્નીના સંબંધો, મા-દીકરાના, બાપ-દીકરાના કે પારિવારિક સંબંધો ‘હમ સાથ સાથ હૈ’ જેવા હોવા જોઈએ. સતત ખુશખુશાલ, આનંદિત અને પરમેનન્ટ પિકનિક જેવા!
એવું હોય નહીં, હોઈ શકે નહીં. જગતની દરેક વ્યક્તિ પાસે પોતાની જિંદગીના સારા અને ખરાબ પ્રસંગોનું સંસ્મરણ હોય છે. લગભગ બધાને એમની પ્રિય વ્યક્તિ વિશે વાંધા પણ હોય છે. તેથી પ્રિય વ્યક્તિ અપ્રિય બની જતી નથી, બનવી ન જોઈએ. અગત્યનું એ છે કે આપણે માણસને જાણવા કે સમજવાને બદલે એને આપણી ઇમેજમાં ફિટ કરવામાં વધુ સમય અને શક્તિ બગાડીએ છીએ.

આપણને આપણી કલ્પના મુજબની, ધારણા મુજબની પત્ની, પતિ કે સંતાન જોઈએ છે. આપણે જે કલ્પનામાં રચ્યો છે એવો સંસાર જોઈએ છે. જે ખરેખર હકીકતમાં અસ્તિત્વ ધરાવતો નથી. આપણને જે જોઈએ છે અને આપણને જે પ્રાપ્ય છે, મળ્યું છે એની વચ્ચેનો ગેપ એ જિંદગીની સચ્ચાઈ છે, પરંતુ મોટાભાગના લોકોને એ સચ્ચાઈ જાણવા કે સમજવામાં રસ નથી. આપણે બધા જ અજાણતા જ જિંદગી પાસે ઘણું માગીએ છીએ, ઝંખીએ છીએ. સંબંધના સ્વરૂપમાં, સગવડના કે સંપત્તિના સ્વરૂપમાં. આપણને લાગે છે કે, આટલું તો આપણને મળવું જ જોઈએ. આ તો આપણી માગણી કે ધારણા છે. જિંદગીએ આપણને આવું કોઈ વચન આપ્યું નથી. માગવાનો અધિકાર સહુને છે ને મેળવવાનો પણ, પરંતુ જો ન મળે તો ધમપછાડા કરવાથી મળી જશે એમ માનવાનું કોઈ કારણ નથી. આપણે બધા જ જીવન વિશે અમુક રીતે નિશ્ચિત ધારાધોરણો નક્કી કરી નાખીએ છીએ. કેટલો વરસાદ પડશે, કેવો તડકો પડશે, ફૂલ કેટલું મોટું-નાનું ખીલશે કે હવા કેવી વહેશે એ વિશે કુદરત પાસે કોઈ ધારાધોરણ નથી. માણસ પોતે પણ કુદરતનું સર્જન છે અને જીવન એ કુદરતની ભેટ છે. કુદરતે આપણને એના હિસ્સા તરીકે સર્જ્યા હોય ત્યારે નિશ્ચિત ધારાધોરણ કે ડિઝાઇનમાં જીવવું કેટલા અંશે શક્ય છે?

આપણે બધા જ આપણી જાત પાસે ખૂબ અપેક્ષા રાખીએ છીએ. દરેક વ્યક્તિને સુપર હ્યુમનનું સર્ટિફિકેટ જોઈએ છે. સ્ત્રીને સુપર મા, સુપર પત્ની, સુપર કર્મચારી કે સુપર પુત્રવધૂ બનવું છે. સામે એને સુપર પતિ, સુપર પિતા જોઈએ છે. પુરુષને સતત સફળતા અને સત્તાની ઝંખના છે, સામે એને પોતે જે કરી રહ્યો છે એને માટે પ્રશંસા જોઈએ છે. માતા-પિતાને જે નથી મળ્યું એ પોતાના સંતાનને આપે તો છે જ, પણ સામે એના સંતાન પાસેથી એની અપેક્ષા પણ એટલી જ લાંબી, પહોળી અને ઊંડી છે. જે માતા-પિતાએ સંતાનને ઉછેર્યાં છે એ માતા-પિતાને પોતાના વયસ્ક કે પ્રૌઢ થઈ રહેલાં સંતાનો પાસેથી હવે પોતાનાં વર્ષો અને મહેનતનું ફળ જોઈએ છે!
આ બધા માટે મોટાભાગના લોકો નિષ્ઠાથી પ્રયાસ પણ કરે જ છે, પરંતુ આપણો પ્રયાસ અને સામેની વ્યક્તિની અપેક્ષા દરેક વખતે એક જ જગ્યાએ આવીને મળે એવું બની શકે ખરું? મૂડ, મિજાજ, માન્યતા, માનસિકતા અને મન, બધું જ કામ કરતું હોય છે. દરેક પાસે આ પાંચેય વસ્તુ જુદાં જુદાં લેવલ અને પ્રમાણમાં હોય છે. આપણો મૂડ, આપણો મિજાજ જે હોય એ જ સામેની વ્યક્તિનો હોય એવું તો શક્ય જ નથી! આપણી માનસિકતા, માન્યતા સામેની વ્યક્તિ સાથે એક જેવી કે એકાકાર હોય એ પણ સંભવ નથી ને મન, સહુનું જુદું છે માટે જ આ જગતના લોકો જુદા છે.

જિંદગીની સામાન્ય તારીખો પણ તહેવારો બની શકે જો આપણે ભીતરથી આનંદિત અને પ્રફુલ્લિત રહીએ તો. સ્વયં પાસેથી અપેક્ષા રાખવાનો અધિકાર છે, પરંતુ કદાચ એ અપેક્ષા પૂરી ન થાય તો જે મળ્યું છે એને ફેંકી, ફગાવી કે નકારી દેવાને બદલે આનંદથી સ્વીકારીને એની મજા કેમ ન માણવી? પત્નીને સાહિત્યનો કે સંગીતનો શોખ ન હોય કે પતિ બહુ વાતોડિયા, એક્સ્પ્રેસિવ ન હોય, સંતાન બહુ હોશિયાર ન હોય કે દીકરી બહુ રૂપાળી ન હોય તેથી એનામાં રહેલી બીજી ક્વોલિટિઝ તરફ નજર ન%

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP