એકબીજાને ગમતાં રહીએ / એન્ગર મેનેજમેન્ટ: ઇનબિલ્ટ એપનો ઉપયોગ અને નિયંત્રણ

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Feb 19, 2019, 12:05 AM IST

રસ્તા ઉપર નીકળીએ અને જો ધ્યાનથી જોઈ શકીએ, જોવાનો સમય અને તૈયારી હોય તો સમજાય કે લગભગ દરેક માણસના ચહેરા ઉપર સ્ટ્રેસ, તણાવ જોવા મળે છે. સ્મિત કે આનંદ સાથે દિવસ શરૂ કરતા અને પૂરો કરતા લોકોની સંખ્યા ધીમે ધીમે ઓછી થવા લાગી છે. આંખ ખૂલે ત્યારથી જ કેટલાં કામ બાકી છે અને આજે કેટલાં પૂરાં કરવાં જ પડશે એના ભાર હેઠળ શરૂ થતો દિવસ માનસિક રીતે અસ્વસ્થ કરી નાખનારો હોય છે. આપણે બધા અજાણતાં જ એક એવા જગતમાં પ્રવેશી રહ્યા છીએ જેમાં શાંતિ ઘટતી જાય છે અને મૂંઝારો વધતાે જાય છે. એક અજબ અકળામણ આપણી જિંદગીના હિસ્સા તરીકે આપણી ભીતર ઇનબિલ્ટ એપની જેમ જોડાઈ ગઈ છે. લગભગ દરેક માટે આર્થિક મુશ્કેલી જિંદગીનો પર્યાય બની ગઈ છે. મુકેશ અંબાણીને હજારો કરોડના મેનેજમેન્ટની ચિંતા છે તો હાથલારી ચલાવનાર કે રોજનું કડિયાકામ કરનાર માણસને રોજિંદા જીવનમાં નિયમિત આવકનો પ્રશ્ન છે. સંબંધો પણ એટલા જ ગૂંચવાયેલા અને મુશ્કેલ બનતા જાય છે. દરેક સંબંધમાં એક બાર્ટર છે. સગવડનું અને સ્વાર્થનું બાર્ટર, જે મોટેભાગે અધૂરું રહે છે. જાહેરખબરથી શરૂ કરીને જિંદગીની રોજિંદી ઘરેડમાં પણ હવે ‘હજી વધુ’નો કન્સેપ્ટ એવો ઘૂસી ગયો છે કે જેટલું મળે તે ઓછું જ છે, સૌ માટે. પ્રેમ હોય કે પૈસા બીજા પાસે કેટલા વધારે છે એના ઉપર આપણા અસંતોષનો આધાર રહે છે. અસંતોષી ક્યારેય સુખી કે શાંત હોઈ શકે નહીં એ પણ એટલું જ સ્વાભાવિક છે.

  • ગુસ્સો, અકળામણ, ચીડ, ઉશ્કેરાટ કે ફ્રસ્ટ્રેશન કોઈ ઇનબિલ્ટ એપની જેમ જન્મ સાથે જ આપણા વ્યક્તિત્વનો હિસ્સો બનીને મળે છે, પરંતુ એ એપ અથવા એ ઇનબિલ્ટ તત્ત્વને આપણા ઉપર હાવી ન થવા દેવાનું આપણા હાથમાં છે

આપણે જે માગીએ કે ધારીએ એ પ્રમાણે ન થાય એટલે ફ્રસ્ટ્રેશન આવે. આ ફ્રસ્ટેશન આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. જ્યારે માણસનું ધાર્યું નથી થતું ત્યારે સૌથી પહેલી લાગણી ક્રોધની છે. કુદરત હોય કે બીજી વ્યક્તિ, નસીબ હોય કે ઈશ્વર બધું આપણા ધાર્યા પ્રમાણે ચાલવું જોઈએ, માગ્યા પ્રમાણે મળવું જોઈએ, નહીં તો આપણો ગુસ્સો આપણા કંટ્રોલમાંથી બહાર નીકળી જાય છે. ઘણા સમય પહેલાં એક જાણીતા ગુજરાતી લેખકે ‘મેનેજમેન્ટ’ ટાઇટલ હેઠળ સંબંધોના અને સ્વયંના મેનેજમેન્ટ માટે એક આખી સિરીઝ લખી હતી. આ સિરીઝ ખૂબ લોકપ્રિય પણ થઈ હતી. છેલ્લા થોડા સમયથી સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ અને સેલ્ફ મેનેજમેન્ટનાં પુસ્તકો વધુ વેચાતાં અને વંચાતાં થયાં છે. આનું કારણ કદાચ એ છે કે આપણને સ્વયંને સંભાળવા કે સુધારવા માટે હવે બીજા માણસની જરૂર પડવા માંડી છે. કોઈ બહારથી આવીને મોટિવેશનલ લેક્ચર આપે કે આપણને પોતાની જ જાત સાથે કેવી રીતે વર્તવું એ શીખવે ત્યારે થોડી નવાઈ લાગે ને થોડું હાસ્યાસ્પદ પણ! આપણી ભીતર શું ચાલી રહ્યું છે એ જો આપણને જ ન સમજાતું હોય તો બીજા માણસને કેવી રીતે સમજાય? સાયકોલોજિસ્ટ કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ આપણને જીપીએસ આપી શકે, પરંતુ ડ્રાઇવિંગ કે પ્રવાસ તો આપણે જ કરવો પડે. આ સેલ્ફ હેલ્પ, ઇમ્પ્રૂવમેન્ટ કે મોટિવેશનનાં પુસ્તકો વાંચતા લોકો એમાંથી કશું શીખતા નહીં હોય? જો શીખતા હોત તો સમાજમાં અકળામણ, અશાંતિ અને ગુસ્સો આટલી ઝડપે ન વધતાં હોત.
‘સેલ્ફ હેલ્પનાં પુસ્તકો મદદ કરે છે, કદાચ, પરંતુ એ પુસ્તકોમાં આપેલી પદ્ધતિ અને પ્રવૃત્તિને આપણા જીવનનો હિસ્સો બનાવવી પડે છે. માત્ર વાંચી લેવાથી જિંદગી સુધરી જતી હોત તો આ જગતમાં કોઈ દુ:ખી કે અશાંત ન હોત!’ આ એક પુસ્તકની પ્રસ્તાવનામાં લખાયેલું વાક્ય છે. ગ્લેન આર શિરેલ્ડી અને મેલિસા હોલમાર્ક કેર નામના બે લેખકોએ એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે ‘એન્ગર મેનેજમેન્ટ સોર્સ બુક.’ એ પુસ્તકમાં પોતાના ગુસ્સાને ઓળખવાની, એની સાથે મિત્રતા કરી એને સંભાળીને નાથી લેવાની રીત બતાવવામાં આવી છે. આ પુસ્તક એટલા માટે રસપ્રદ છે કે એની શરૂઆત એરિસ્ટોટલના એક વાક્યથી થાય છે, ‘ગુસ્સે કોઈ પણ થઈ શકે, એ તો સાવ સરળ છે, પરંતુ સાચા માણસ સાથે સાચા પ્રમાણમાં, સાચા સમયે, સાચા કારણસર અને સાચી રીતે ગુસ્સે થવું સરળ નથી.’
આ બંને લેખકોએ ગુસ્સાની સાથે ડીલ કરવાની રીત બતાવી છે. જેમાં એક વાત નોંધવાલાયક છે. એમણે ગુસ્સાના ફાયદા અને ગેરફાયદા વર્ણવ્યા છે. ગુસ્સો સાવ નકામો કે બેકાર બાબત નથી કહીને એમણે એક પ્રશ્નોત્તરી આપણી સામે મૂકી આપી છે. એમણે ગુસ્સાને રેટ કરવાની રીત બતાવી છે. ફૂટપટ્ટીની જેમ એમણે ઝીરોથી સો સુધી ડિગ્રીકલ માર્કિંગની પદ્ધતિ આપી છે. જેમ કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીના પરફોર્મન્સ માટે એને માર્ક આપે એવી રીતે આ ફૂટપટ્ટી ઉપર આપણે જ આપણી જાતને ગોઠવવાની છે. ઝીરોથી પચીસ ઓછામાં ઓછો કંટ્રોલ, પચીસથી પચાસ મોડરેટ અથવા સામાન્ય કંટ્રોલ, પચાસથી પંચોત્તેર સબસ્ટેન્શિયલ અથવા સારો કહી શકાય તેવો કંટ્રોલ અને પંચોત્તેરથી સો એટલે પોતાના ક્રોધ પર સંપૂર્ણ નિયંત્રણ. દરેક પ્રસંગે આ ફૂટપટ્ટીને આપણે આપણી સામે મૂકીને જોવાની છે. કોઈ બીજું આપણને જજ ન કરે. ગુસ્સાનો પ્રસંગ વીતી ગયા પછી જાતે જ નક્કી કરવાનું કે આપણામાં કેટલો ફેરફાર આવ્યો છે!
એમણે કેટલીક સરસ અને સરળ રીત બતાવી છે. એમણે કહ્યું છે કે, શાંતિ માટે વિદ્યાર્થી બનવું પડે. શાંતિ ભીતર છે એવું આપણાં શાસ્ત્રો કહે છે, પરંતુ અહીં આ સાયકોલોજિસ્ટ કહે છે, શાંતિ માત્ર અભ્યાસથી અથવા શીખવાથી આવે છે. આપણને ગુસ્સે કરવાનાં અનેક કારણો હોય તો પણ જે માણસ શાંતિની પ્રેક્ટિસ કરતો રહે છે એ સમય સાથે પોતાના ગુસ્સાને નિયંત્રણમાં રાખી શકે છે. બીજી વાત પોતાની સાચી લાગણીઓ ઉપર ધ્યાન આપવાની છે. આપણે સામાન્ય રીતે જે અનુભવીએ છીએ તે કહેતાં અચકાઈ છીએ. સંવેદનશીલતાનો અર્થ વાતે વાતે છંછેડાઈ પડવું કે દુ:ખી થવું નથી, સંવેદનશીલતા એટલે બીજાના ઇમોશન્સ પ્રત્યેની આપણી સજાગતા, સમજણ પણ હોવી જોઈએ. આપણે સામાન્ય રીતે આપણી લાગણીઓ પરત્વે બહુ પઝેસિવ હોઈએ છીએ. બીજાને શું થતું હશે, થઈ શકે એ વિશે ધ્યાન આપવાનો આપણને ભાગ્યે જ સમય મળે છે કે એ વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ.

જ્યારે આપણે આપણી લાગણીઓ સમજવા લાગીએ ત્યારે બાય ડિફોલ્ટ આપણને બીજાની લાગણીઓ પણ સમજાવા લાગે છે. રિઝેક્શન, અધૂરપ, હિંમત કે શક્તિનો અભાવ, દુ:ખ, એકલતા, ફ્રસ્ટ્રેશન જેવી લાગણીઓને પોતાના પ્રત્યે પક્ષપાતી થયા વગર જોતા શીખવું એ એન્ગર મેનેજમેન્ટની પહેલી જરૂરિયાત છે. આપણને તકલીફ થાય છે, એ વાત સાચી હોય તો પણ તકલીફ સૌને થાય છે એ વાત જ્યારે સમજાઈ જાય ત્યારે આપણી તકલીફ પ્રમાણમાં ઓછી લાગવા માંડે છે અથવા એ તકલીફ સાથે જિંદગી જીવવાની સરળ રીતો શોધતા આવડવા લાગે છે. ત્રીજી મહત્ત્વની વાત છે, આપણે વધુ રેઝિલેન્ટ (સ્થિતિસ્થાપક કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવીને નોર્મલ થઈ શકે તેવા) થવું પડે. ઓછા નબળા થવાની પ્રેક્ટિસ પાડવી પડે. આ જગતમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે સ્થિતિસ્થાપક નથી. પરિસ્થિતિની અસર આપણા ઉપર થાય એ સ્વાભાવિક છે, પરંતુ એ અસરમાંથી કેટલા ઝડપથી બહાર આવી શકીએ છીએ એ શીખવાનું છે. નબળા હોવા વિશે નબળાઈ અનુભવવાની જરૂર નથી. જગતનો દરેક માણસ ક્યાંક ને ક્યાંક વિક, નબળો કે વલ્નરેબલ હોય છે, પરંતુ એ નબળાઈને જે વ્યક્તિ મેનેજ કરી શકે, સ્વીકારી શકે અને એમાંથી બહાર અાવવાનો પ્રયાસ કરી શકે એ એન્ગર મેનેજમેન્ટ સારી રીતે કરી શકે. છેલ્લી અને મહત્ત્વની જરૂરિયાત એ છે કે જ્યારે એન્ગર મેનેજમેન્ટ શીખી રહ્યા હોઈએ ત્યારે કોઈ દવાની પરેજી પાળીએ તેમ આપણને ઉશ્કેરે, ચીડવે, ગુસ્સે કરે એવી તમામ પરિસ્થિતિથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. ગુસ્સા ઉપર નિયંત્રણ કરવાની આવડત ન આવે ત્યાં સુધી આપણને ગુસ્સો આવે એવી સ્થિતિને અવોઇડ કરવી જરૂરી છે. જેમ પેટમાં દુખતું હોય ત્યારે કઠોળ કે ગેસ કરે તેવી ચીજોથી દૂર રહેવાનું કહેવામાં આવે, એમ જ સાજા થઈએ ત્યાં સુધી આ પરેજી પાળવી અનિવાર્ય છે, નહીં તો આ થેરાપીની અસર નહીં થાય.
ગુસ્સો, અકળામણ, ચીડ, ઉશ્કેરાટ કે ફ્રસ્ટ્રેશન કોઈ ઇનબિલ્ટ એપની જેમ જન્મ સાથે જ આપણા વ્યક્તિત્વનો હિસ્સો બનીને મળે છે, પરંતુ એ એપ અથવા એ ઇનબિલ્ટ તત્ત્વને આપણા ઉપર હાવી ન થવા દેવાનું આપણા હાથમાં છે. એન્ગર મેનેજમેન્ટ થઈ શકે છે, શીખી શકાય છે અને આવડી ગયા પછીના સંબંધો અને સ્વયં સાથેનો સંવાદ અદ્્ભુત હોય છે!

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી