એકબીજાને ગમતાં રહીએ / આ પેઢી જુદી છે, નકામી કે આળસુ નથી

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Feb 12, 2019, 12:05 AM IST

એક 23 વર્ષના યુવાન છોકરા સાથે ઉબરમાં મુલુંડ જતી વખતે થોડીક વાતો થઈ. ગુજરાતી છોકરો, પિતા પાસે વાપીમાં પ્લાસ્ટિકની ફેક્ટરી છે. ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટે લગભગ એક વર્ષ રાહ જોયા પછી એણે પરિવાર પાસે ઉબર ચલાવવાની વાત કરી ત્યારે પહેલાં પરિવારે કડક રીતે ના પાડી. પિતાનું કહેવું હતું કે, ‘સારા ઘરના છોકરા ટેક્સી ન ચલાવે.’ એક મોટો ભાઈ પિતા સાથે ફેક્ટરીમાં કામ કરે છે. ફેક્ટરીમાં ત્રણ જણની જરૂર નથી. વળી, આ છોકરાને પ્લાસ્ટિકની ફેક્ટરીમાં જરાક પણ રસ નથી પડતો. એની સાથે પોણા બે કલાકના પ્રવાસમાં ઘણું જાણવા મળ્યું.

ઉબર-ઓલા જેવી કંપનીની ટેક્સી ચલાવતા આવા કેટલાય યુવાન છોકરાઓ છે, જેમને નોકરી નથી મળી એમણે લોન પર ગાડી લઈને આવી કંપનીને આપી છે. એક ડ્રાઇવરની નોકરીમાં સન્માનથી કમાઈ શકાય એવું અને એટલું આ છોકરાઓ કમાય છે. ઘર ચાલે છે અને સારી રીતે જીવી શકાય છે એવી માહિતી એ છોકરાએ આપી. દિવસના દસ કલાક ગાડી ચલાવે તો મહિને પચ્ચીસ હજાર રૂપિયા આરામથી મળે છે. વળી, ગાડી ન ચલાવવી હોય તો બંધ કરીને ઘરે બેસી શકે છે, નોકરીમાં રજા મળવા-નહીં મળવાના સવાલો છે. અહીં એવું નથી. હા, જેમ કોઈ પણ કંપનીમાં હોય એમ અહીં નિયમો છે, ટ્રિપ કેન્સલ કરવા વિશે કે અમુકથી વધારે દિવસની રજા વિશે કંપની એક્શન લે છે, પણ મહત્ત્વની વાત એ છે કે રિક્સા અને ટેક્સીવાળાની દાદાગીરીમાંથી આપણને આ પ્રાઇવેટ કંપનીઓએ છોડાવ્યા એટલું તો સ્વીકારવું જ પડે. એની સામે એવા લોકો કે જેમની પાસે નોકરી નથી, કોઈ કારણસર શિક્ષણ પૂરું નથી કરી શક્યા એમને આ પ્રાઇવેટ કંપનીએ રોજી રળવાની તક આપી છે. એ 23 વર્ષનો છોકરો બીજી ટેક્સી લેવાની તૈયારીમાં છે.

  • કોણ શું કામ કરે છે એના કરતાં એ ‘વ્યક્તિ’ કેવી છે એ વિશે આ પેઢીને વધુ કન્સર્ન છે. આ પેઢીેને ‘સલામતી’ શબ્દ સાથે ઝાઝો સંબંધ નથી

ટેક્સી ડ્રાઇવર હોવું, સલોનમાં કામ કરવું, વેઇટર હોવું કે સિનેમામાં ક્રૂનો હિસ્સો હોવું, ઓર્કેસ્ટ્રામાં ગાવું એક જમાનામાં બહુ આદરથી ન જોવાતાં પ્રોફેશન્સ હતાં. આપણા જ ગુજરાતી છોકરાઓ એક દાયકા પહેલાં વિદેશ ભણવા જતા, ત્યારે વેઇટરની કે પેટ્રોલ સ્ટેશનની નોકરી કરીને અમુક કલાક ડોલરની કે પાઉન્ડની આવક ઊભી કરી લેતા. એમને વિદેશમાં આવું કામ કરવાની નાનપ નહોતી, પણ આપણા દેશમાં એ કામને સુગાળવી નજરે જોવામાં આવતું હતું. બદલાતી પેઢીઓ સાથે મહેનત અને કામની ડિગ્નિટી બદલાઈ છે.

હવે કોઈ પણ કામ નાનું નથી એમ માનતી એક આખી પેઢી ટીનએજ વટાવીને એમની વીસીમાં પ્રવેશી રહી છે. આ પેઢીને સૂટ-ટાઈ પહેરવામાં રસ નથી. ફોર્મલ કપડાં એમને ગમતાં નથી. શોર્ટ્સ કે ક્વાર્ટર પહેરીને નોકરી પર આવતા આ છોકરાઓ બ્રાન્ડેડ ગ્લાસીસમાં અને એક્સેસરીઝમાં ચિક્કાર પૈસા ખર્ચે છે, પણ એમનાં કપડાં રસ્તા પરથી ખરીદવામાં એમને કોઈ વાંધો નથી. ઓનલાઇન શોપિંગ આ પેઢીની ગજબની સગવડ છે. દુકાને જઈને ખરીદવા માટે આ પેઢી પાસે સમય નથી. સિગારેટ પીતી છોકરી કે પહેલાં એક-બે રિલેશનશિપમાંથી પસાર થયેલી છોકરી વિશે એમને કોઈ છોછ નથી. ક્યાંક બાર કે પબમાં મળી ગયેલા એક્સ બોયફ્રેન્ડને કરન્ટ બોયફ્રેન્ડ સાથે ઓળખાણ કરાવતા આ છોકરીઓ શરમાતી કે ગભરાતી નથી!

એક આખી પેઢી પસાર થઈ ગયા પછીની જે નવી પેઢી ટેકઓવર કરી રહી છે એમને સિનેમાથી શરૂ કરીને સ્ટોક એક્સચેન્જ સુધી નવી દૃષ્ટિ મળી છે, જન્મ સાથે જ! કોણ શું કામ કરે છે એના કરતાં એ ‘વ્યક્તિ’ કેવી છે એ વિશે આ પેઢીને વધુ કન્સર્ન છે. આ એક આખી એવી પેઢી છે જેને ‘સલામતી’ શબ્દ સાથે ઝાઝો સંબંધ નથી. હજી હમણાં જ પચાસ કે સાઠની થયેલી એક આખી પેઢીએ પોતાની જિંદગી ઘર ખરીદવામાં, બચત કરવામાં અને ‘સંતાનો’નાં ભવિષ્ય માટે પ્લાનિંગ કરવામાં ખર્ચી નાખી. માતા-પિતાએ કરેલું પ્લાનિંગ આ છોકરાઓ એક સેકન્ડમાં ઉથલાવી નાખતા અચકાતા નથી. માતા-પિતા જેને ‘પ્રતિષ્ઠા’ માને છે એ સંતાન માટે ‘પ્રતિષ્ઠા’ નથી. એમને લાગે છે કે પૈસા, ઓળખાણો કે લાગવગ જેવી બાબતોને મહત્ત્વ ન આપવું જોઈએ. ગઈ પેઢીનાં માતા-પિતા ઓળખાણથી સંતાનોને નોકરી અપાવવામાં કે કોઈકની સાથે ધંધો કરવા માટે ગોઠવી આપવામાં પોતાનું ગૌરવ સમજતા, પરંતુ આ પેઢી માતા-પિતાના નામનો ઉપયોગ કરવા તૈયાર નથી. એટલું જ નહીં, એમની પાસે એમની આગવી વિચારસરણી છે. એમને માતા-પિતાના વ્યવસાયને સ્વીકારી લેવામાં બહુ રસ નથી!

આ સાચું છે કે ખોટું એવું વિચારવાને બદલે આ જુદું છે એમ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. માતા-પિતા જેને સાચું માને છે એ આ સંતાનોને કરેક્ટ લાગતું નથી. માતા-પિતા ફરિયાદ કરે છે કે, ‘એ કોઈનું સાંભળતા નથી.’ પરંતુ એની સામે આપણે એ પણ વિચારવું જોઈએ કે એ ‘શું’ સાંભળતા નથી! માતા-પિતા સિંગર હોય એટલે સંતાને સંગીતનો જ વ્યવસાય અપનાવવો જોઈએ. માતા-પિતા લોયર હોય તો સંતાને વકીલાત જ ભણવું જોઈએ, આવી માન્યતાનો આ પેઢી વિરોધ કરે છે. એમને લાગે છે કે એમની પાસે એમની પોતાની ટેલેન્ટ છે, કદાચ હોય પણ ખરી, પરંતુ સમસ્યા એ થાય છે કે માતા-પિતાની ધીરજ આ નવી પેઢીની નિષ્ફળતાઓ જોઈ શકતી નથી. એમને અધીરાઈ છે પોતાનાં સંતાનોને સફળ અને સેટલ જોવાની! એમણે જે સંઘર્ષ કર્યો એ એમના સંતાને ન જ કરવો જોઈએ, ન જ કરવો પડે. આવી દૃઢ માન્યતા સાથે મોટાભાગનાં માતા-પિતા સંતાનોના નવા વિચારને સાંભળવા જ તૈયાર નથી, સમજવાની વાત તો દૂર રહી!

સંઘર્ષ અહીંથી શરૂ થાય છે. માતા-પિતાને જે સંઘર્ષ બહાર નથી કરવા દેવો એ ઘરમાં શરૂ થાય છે. સંતાનની અમાપ એનર્જી અને ઢગલો સપનાં એમને ભટકાવે છે. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ સિવાય મેડિકલ અને એન્જિનિયરિંગ જેવી બે-ચાર શાખાઓ સિવાય જેમણે એજ્યુકેશન વિશે કંઈ જાણ્યું પણ નથી એવાં માતા-પિતાને ખબર નથી કે હવે ‘ભણવા’ વિશે ખાસ અહોભાવ ન ધરાવતી એક પેઢી મોટી થઈ ગઈ છે. એમને મરજીનું કામ કરવું છે, મરજીના પૈસા કમાવા છે અને મરજીથી જીવવું છે. સમસ્યા એ છે કે નવી પેઢી જે રીતે વિચારે છે એ રીતે માતા-પિતા સમજી-વિચારી શકતાં નથી. નવી પેઢી માટે માણસ, એનો સ્વભાવ, એની સાથે ગોઠવાઈ શકવાની પોતાની ક્ષમતા વધુ અગત્યની છે. જ્યારે માતા-પિતા ‘સ્ટેબિલિટી’ અને ‘બેન્ક બેલેન્સ’ સાથે સંબંધોને જુએ છે.

આ પેઢી જે વીસથી ત્રીસ વર્ષની વચ્ચે છે, એમને બેન્ક બેલેન્સ સાથે ઝાઝી લેવાદેવા નથી. પૈસા બચાવવામાં આ પેઢી સમજતી નથી અથવા એમને જરૂર લાગતી નથી. એમને ખબર છે કે એમનાં માતા-પિતા પાસે શાંતિથી જીવી શકાય એટલા પૈસા છે. (આ વાત ઉચ્ચ મધ્યમવર્ગ અને એથી ઉપરના ક્રિમીલેયરને વધુ લાગુ પડે છે.) એમનાં માતા-પિતાની માનસિકતા સામે વિરોધ છે. સરકારી ઓફિસર સામે ઓછા થઈ જતા કે મિનિસ્ટરની સાથે લળી લળીને વાત કરતા પિતા વિદેશ ભણી આવેલા દીકરાને ‘ચીઝી’ લાગે છે! નાની-નાની વાતમાં કચકચ કરતી, સમયસર જમવાનો આગ્રહ કરતી કે રૂમ સાફ રાખવાનો દુરાગ્રહ કરતી મા આ છોકરાંઓને ‘બોરિંગ’ અથવા ‘ટૂ મચ’ લાગે છે. એમનો કમરો ભલે ઘરનો હિસ્સો હોય, પણ આ પેઢી માટે એ પોતાની ‘સ્પેસ’ છે. એમને ગમે તેમ રહેવું છે. જે મા-બાપને ‘ગમે તેમ’ લાગે છે!

સંઘર્ષ દરેક બે પેઢી વચ્ચે થતો રહ્યો છે. 1947 કે 50માં જન્મેલા પિતા અને 66માં જન્મેલાં માતા-પિતા હોય કે 1905માં જન્મેલા પિતા અને 35માં જન્મેલો દીકરો, વિચારભેદ છે, કારણ કે સમય બદલાય છે. હવેની પેઢી અને 50થી 60નાં મા-બાપ વચ્ચે સંઘર્ષ તીવ્ર છે, કારણ કે છેલ્લા ચાર દાયકામાં સમય આગળ નીકળી ગયો છે. પહેલાં દર દાયકે પેઢી બદલાતી હતી, હવે દર બે વર્ષે નવી પેઢી આવે છે. માતા-પિતા તરીકે સંતાનની જીવનશૈલી વિશે ફરિયાદ હોય એ સ્વાભાવિક છે. એ જે જીવે છે અને જેમ વર્તે છે તે અનુકૂળ ન હોય, એ સ્વીકારી શકાય એવી વાત છે. સવાલ
સ્નેહનો છે. સંતાન આપણા કહ્યામાં ન હોય કે આપણાથી જુદું વિચારે એનો અફસોસ કરવાને બદલે એના નવા વિચારને સમજીને એના વિચાર સાથે એક વાર જાતને ગોઠવવાનો પ્રયત્ન કરી જોનાર માતા-પિતા તદ્દન નિરાશ નથી થતા એવો મારો અનુભવ છે. તમારે આ અનુભવ કરવા
જેવો છે!

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી