માય સ્પેસ / સમયને વેસ્ટ નહીં, ઇન્વેસ્ટ કરો...

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Feb 10, 2019, 06:33 PM IST

‘માણસે પોતાને શોધવાનો બાકી છે, બાકીનું બધું ગૂગલ પર અવેલેબલ છે.’ હજી હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’નો આ ડાયલોગ આપણા બધાના જીવનને સીધો સ્પર્શી જાય એવો છે. આપણને બધા લાગે છે કે જીવવું એટલે કમાવું, ઘર બાંધવું, ગાડી ખરીદવી, સફળ થવું, આગળ વધવું. સમયનો એ જ સદુપયોગ છે. બેસી રહેતા, મજા કરતા કે આનંદ માણતા લોકો આપણને ‘મૂર્ખા’ લાગે છે! આ ફિલ્મ, જે રજૂ થતાં જ ટિકિટબારી પર ચોંટી ગઈ છે એ કદાચ ‘ગુજરાતી ફિલ્મો નથી ચાલતી’નું મેણું ભાંગશે એવું લાગે છે. વિપુલ મહેતા લિખિત-દિગ્દર્શિત આ ફિલ્મ જિંદગી જીવી લેવાની વાત કરે છે. આ જીવી લેવું શું છે? સમય મળ્યો છે એને માણી લેવો. એટલે શું?

  • ‘સમય’ શબ્દ સાથે આપણે બહુ બેઇમાની કરીએ છીએ. લગભગ દરેક માણસ માટે ‘થોડી વાર’ના જુદા જુદા અર્થ થાય છે

ઈશ્વર જેવો સામ્યવાદી બીજો કોઈ નથી. એણે સહુને ચોવીસ કલાક આપ્યા છે. જેને વધારે કામ છે એને વધુ કલાક અને જે નવરા છે એને ઓછા કલાક નથી આપ્યા. દરેકનો કલાક 60 મિનિટનો છે, પણ એ વ્યક્તિ પોતાને મળેલી 60 મિનિટનું શું કરે છે એના ઉપર એની આવનારી મિનિટોનો આધાર છે. ‘પાંચ મિનિટમાં પહોંચું છું.’ અથવા ‘એક મિનિટમાં ફોન કરું છું.’ આવાં વાક્યો આપણે અનેક વાર સાંભળ્યાં છે. આપણને પણ ખબર છે કે આ પાંચ મિનિટ અને એક મિનિટ સાચો સમય નથી. સમયનાં પરિમાણો આપણા માટે સાવ જુદા છે. 2-32ની લોકલ ટ્રેન મુંબઈમાં 2-33 સુધી મોડામાં મોડી સ્ટેશન પર આવી જાય, પરંતુ 10 મિનિટમાં ફોન કરવાનું કહ્યા પછી આખો દિવસ ફોન ન આવે એવા ઘણા લોકોને આપણે જાણીએ છીએ અથવા પાંચ મિનિટ વાત કરવી છે એમ કહીને કલાકો બગાડનારા લોકો પણ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં છે જ!
‘સમય’ શબ્દ સાથે આપણે બહુ બેઇમાની કરીએ છીએ. લગભગ દરેક માણસ માટે ‘થોડી વાર’ના જુદા જુદા અર્થ થાય છે. કોઈના માટે આ થોડી વાર થોડીક ક્ષણો છે, કોઈ માટે થોડી મિનિટો અને કોઈ માટે આ કલાકો કે દિવસો પણ હોઈ શકે. સમય એક એવી ચીજ છે જે આપણને મફતમાં મળી છે. કોઈ પ્રયાસ વગર, કોઈ મહેનત વગર કે માગ્યા વગર મળેલા આ સમયની આપણા માટે કિંમત પણ નથી અને મૂલ્ય પણ નથી. માણસ તરીકે જન્મ લેવો એ ભાગ્યની વાત હોઈ શકે, પણ સફળ માણસ તરીકે જીવવું એ સૌભાગ્યની વાત છે. આ સફળતા સમયના સદુપયોગ પર આધારિત છે. દુનિયાનો માણસ પોતાની પથારીમાં સૂતો રહીને, પોતાની ખુરશીમાં-બારીની બહાર જોતો રહીને, નદીકિનારે બેસીને કે મિત્રો સાથે ટોળટપ્પા કરીને સફળ થયો નથી. દરેક માણસ પાસે પોતાની સફળતાના ઇતિહાસની એક જ કથા છે, સખત મહેનત અને સમયનો સદુપયોગ!
આ સદુપયોગ એટલે શું? સંસ્કૃત કહેવત પ્રમાણે, ક્ષણ અને કણ બંને મહત્ત્વનાં છે. ક્ષણ ચૂકે તે વિદ્યા પામી શકતો નથી અને કણ ત્યાગે તે સંપત્તિ પામી શકતો નથી. આ કહેવતનો વિચાર કરીએ તો સમજાય કે આપણે કેટલી ક્ષણો અમસ્તી બરબાદ કરી નાખીએ છીએ. બીજી વ્યક્તિઓ વિશે વાત કરવામાં આપણે અઠવાડિયાના કેટલા કલાક બગાડીએ છીએ એનો હિસાબ કરીએ તો સમજાય કે લગભગ અઠવાડિયાનો એક આખો દિવસ આપણે બીજી વ્યક્તિઓ વિશે નીંદા કે ચર્ચા કરી છે! એવી જ રીતે વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ જેવી એપ ઉપર કલાકો ચેટ કરનારાને ખબર પણ નથી કે એ પોતાના મહત્ત્વના કલાકો એવી ચીજમાં બગાડી રહ્યા છે જેમાંથી કશું જ મળવાનું નથી. આવું જ ઓનલાઇન શોપિંગનું પણ છે. કેટલા બધા લોકો રોજેરોજ એમેઝોન અને ફ્લિપકાર્ટ, મિન્ત્રા જેવી એપ પર જઈને કારણ વગર વિન્ડો શોપિંગ કરે છે. પેપર ફ્રાય અને અર્બન લેડર જેવા ફર્નિચર વેચતા એપ્સ કે ટ્રીવાગો અને બીજી હોટેલ્સ રોજેરોજ પોતાની ડિલ્સ આપણને મોકલે છે. એમના માટે આ માર્કેટિંગ છે, પરંતુ જે લોકો આને રોજેરોજ તપાસવા માટે ઉત્સુક હોય છે એમનો સમય કેટલો બગડે છે એનો હિસાબ પણ એમને એમનો ફોન જ આપી શકે. આપણા સ્માર્ટ ફોનમાં એવી સગવડ છે કે આપણે કેટલા કલાક બ્રાઉઝ કર્યું એનો હિસાબ એ આપણને આપી શકે!
સમય એ માત્ર કારકિર્દી માટે જરૂરી નથી. સંબંધોમાં પણ સમય એટલો જ અગત્યનો છે. યોગ્ય સમયે પત્નીની સાથે વિતાવેલી સુંદર પળો, યોગ્ય સમયે સંતાનના ઉછેરમાં લીધેલો પૂરતો રસ કે યોગ્ય સમયે મિત્રો સાથે કરી લીધેલી મજા બહુ અગત્યની છે. જે નથી મળી શક્યું એની ફરિયાદ કરનારા લોકો બહુ જોયા છે આપણે. જુવાની વીતી ગયા પછી એને નહીં માણ્યાનો અફસોસ છેલ્લા શ્વાસ સુધી પીછો નથી છોડતો. સંતાનો મોટાં થઈ ગયાં પછી એમનું બાળપણ મિસ કરવું કે સ્પાઉસ-જીવનસાથીના મૃત્યુ પછી એની સારી વાતો યાદ કરવી, પણ જીવતા હોય ત્યારે ઝઘડવા-ટોકવા અને ભૂલો શોધવા સિવાય કંઈ ન કર્યું હોય ત્યારે સમય વેડફ્યાની પીડા ભયાનક હોય છે.
આપણે કાંડે ઘડિયાળ બાંધીએ છીએ. ઘરના દરેક ઓરડામાં ઘડિયાળ લટકાવીએ છીએ. રેલવે સ્ટેશનથી શરૂ કરીને લગભગ દરેક જગ્યાએ ઘડિયાળ ગોઠવાયેલી છે. વીતી રહેલો સમય આપણને યાદ કરાવે છે કે આપણી પાસે રહેલો સમય સરકી રહ્યો છે, પરંતુ કોણ જાણે કેમ આપણને આ વાતની પ્રતીતિ થતી જ નથી. આપણે બધાએ જોયું છે કે મોટાભાગના લોકોને પોતાના સમયની કિંમત ખૂબ હોય છે, પણ બીજાના સમય વિશે એ ભાગ્યે જ વિચાર કરતા જોવા મળે છે. ગમે તેટલા મોટા માણસો સાથેની મિટિંગ હોય, પણ લોકો આડીઅવળી વાતો કરીને સમય બગાડવાનું ચૂકતા નથી. ફોન ઉપર ફોર્માલિટીઝ એટલી બધી ચાલે કે મૂળ વાત સુધી પહોંચતા પાંચ-સાત મિનિટ બગડી જાય.
આપણે બધા એવું માનીએ છીએ કે મળેલા સમયને માણી લેવો એટલે જલસા કરી લેવા, શરાબ પી લેવી, પ્રવાસ કરી લેવો, ખાઈ લેવું, પી લેવું, ટૂંકમાં જીવી લેવું. કેટલાને સમજાય છે કે મળેલા સમયને વેસ્ટ નહીં, ઇન્વેસ્ટ કરવો પડે છે. ગીતા કર્મના સિદ્ધાંતની વાત કરે છે, શરીરની નશ્વરતાની વાત કરે છે. સમય તો શરીરને મળે છે. જો આત્મા અજર-અમર હોય તો એ ફરી આવશે, એને ફરી સમય મળવાનો જ છે. આ શરીર સાથે જોડાયેલા લિમિટેડ સમયને એવી રીતે ઇન્વેસ્ટ કરવો જોઈએ કે આપણા ગયા પછી પણ એ સમયમાંથી ઇન્ટરેસ્ટ (વ્યાજ) મળતું રહે. આ વ્યાજ એટલે આપણા પછીના સમયમાં જીવનારી પેઢી માટે મૂકી જવાની એવી મૂડી જેમાંથી આપણે કેવું જીવ્યા એ પ્રતિબિંબિત થતું રહે. આપણને મળેલા સમયને આપણે કેવી રીતે વાપર્યો છે કે વેચ્યો છે, વહેંચ્યો છે, વધાર્યો છે, વાવ્યો છે કે વિખેરી નાખ્યો છે એની સમજણ કદાચ આપણા સમયમાં આપણને નથી પડતી. આપણા ગયા પછી એ સમયના ચીલા આપણા પછીની પેઢીઓને આપણા અસ્તિત્વના ડિવિડન્ડ્સ આપતી રહે છે.
મળેલી કોઈપણ ચીજ વેડફી નાખવી સરળ છે. એને કરકસર કે કંજૂસાઈ કરીને વાપરવી પણ બહુ અઘરી નથી, પરંતુ એને વાવીને એમાંથી અનેક ગણી બનાવવાનું કામ ફક્ત એ જ કરી શકે જેને જિંદગીની જમીનમાં ચાસ પાડતા આવડે.

‘કેવું જીવ્યા તે અગત્યનું છે, કેટલું જીવ્યા એ અગત્યનું નથી.’ ફિલ્મનું એક પાત્ર કહે છે. ‘ચાલ જીવી લઈએ.’ એ વાત જ કેટલી મજાની છે! ખરેખર તો આપણને મળેલો સમય જીવી લેવાનો સમય છે, પણ આપણે એને કમાઈ લેવાનો સમય માનીને એવી વસ્તુઓ માટે મહેનત કરતા રહીએ છીએ જે અહીં જ મૂકી જવાની છે. આ વાતની આપણને ખબર છે, સમજણ નથી!

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી