માય સ્પેસ / શું આપણે ગણિકા નથી?

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Dec 30, 2018, 06:10 PM IST

‘અયોધ્યામાં લોકો પાપ ધોવા આવે છે. સેક્સ વર્કર્સને અહીં બોલાવીને બાપુએ ખોટો સંદેશો આપ્યો છે.’ ડંડિકા મંદિરના મહંત ભરત વ્યાસે સીએમ યોગીને ફરિયાદ કરી છે... સવાલ એ છે કે પાપ ધોવાં કેમ પડે? બીજો સવાલ એ છે કે ગંગા, યમુના, સરયુ કે બ્રહ્મપુત્રામાં સ્નાન કરીને જ્યારે પાપ ધોવાય છે ત્યારે એ નદીઓ પાપને ક્યાં લઇ જાય છે? જો આ પાપ સાગરમાં ઊંડેલાય તો સાગર એ પાપને પોતાના પેટાળમાં છુપાવે છે?

જાણે-અજાણે સામેના માણસને સારું લગાડવા, સ્વાર્થ ખાતર જુઠ્ઠું બોલતા કે
પોતાની મુરાદ પૂરી કરવા લટુડા-પટુડા થતા આપણે સહુ ગણિકા જ છીએ

જો એમ હોય તો, મોરારિ બાપુને એવો સાગર કહેવા પડે જે જગતભરના પાપને પોતાના પેટાળમાં દાટીને પોતે ખારા થવા તૈયાર છે! બાપુ પાસે સ્વીકારની કોઇ અજબ ફોર્મ્યુલા છે. સત્ય, પ્રેમ, કરુણાના આ સાન્તાએ ક્રિસમસના દિવસોમાં પોતાના વિશાળ હૃદયથેલામાંથી ગણિકાઓ માટે પ્રેમની ભેટ છેક કમાઠીપુરા જઇને પહોંચાડી છે!


સેક્સ વર્કર, ગણિકા, વેશ્યા, નગરવધૂ, દેવદાસી જેવા શબ્દો આપણે સાંભળતા આવ્યા છીએ. આનંદ બક્ષીએ ફિલ્મ ‘અમર પ્રેમ’ના ગીતમાં લખ્યું છે, ‘હમ કો જો તાને દેતે હૈ, હમ ખોયે હૈ ઇન રંગ રલિયોં મેં, હમને ઉનકો ભી છુપ છુપ કે આતે દેખા ઇન ગલિયોં મેં...’ જો ગણિકા આ સમાજનું પાપ હોય, તો એ પાપને ઊભું કરનાર કોણ છે? મોટાભાગની સ્ત્રીઓ શોખથી શરીર વેચવા તૈયાર થતી નથી ને જેમ હું હંમેશાં પૂછું છું એમ આજે પણ પૂછું છું કે વેચનાર જો પાપી છે તો ખરીદનારને પાપી ગણવા કે નહીં?

પોલો કોયેલોની નવલકથા ‘ઇલેવન મિનિટ્સ’માં શરીર વેચીને કમાવા ગયેલી એક છોકરી મારિયા પોતાની ડાયરીમાં લખે છે, ‘અહીં આવનારા લોકો ડરે છે, પણ મને સવાલ થાય છે કે એ કોનાથી ડરે છે? ડરવું તો મારે જોઇએ. હું મોડી રાત્રે ક્લબની બહાર અજાણી હોટલમાં એમની પાસે જાઉં છું. મારી પાસે હથિયાર નથી હોતું કે મર્દ જેવી તાકાત પણ નથી... આ મર્દ સ્ત્રીને મારી શકે છે, એના પર બૂમો પાડી શકે છે, ધમકી આપી શકે છે, બળાત્કાર કરી શકે છે, પણ એ પોતાની વાસના સામે લડી શકતા નથી માટે ડરે છે. એ ડરે છે, કારણ કે એને ખબર છે કે એની વાસના-એનું પાપ-એની આ તીવ્ર પુરુષએષણા જો શરીરની બહાર કાઢી નાખવામાં નહીં આવે તો એ જાનવરમાં પરિવર્તિત થઇ જશે. એ ડરે છે કારણ કે અમારા જેવી સ્ત્રીઓ એમનામાં રહેલા એ જાનવરને નાથી શકવાની ક્ષમતા ધરાવે છે.’


ડંડિકા મંદિરના મહંત જેને પાપી સ્ત્રીઓ કહે છે એમને રામકથા સંભળાવીને જો બાપુ પુણ્યશાળી બનાવતા હોય તો એ કામની સરાહના થવી જોઇએ કે એને વખોડવું જોઇએ? જિસસ ક્રાઇસ્ટને ક્રિસમસના દિવસોમાં યાદ કરવા રહ્યા. આખું ગામ જ્યારે એક સ્ત્રીને પાપી કહીને પથરા મારવા એકઠું થયું છે ત્યારે એ કહે છે, ‘જરૂર પથ્થર મારો, પરંતુ પહેલો પથ્થર એ મારે જેણે પાપ ન કર્યું હોય!’ નિરંજન ભગતની કવિતા, ‘પથ્થર થર-થર ધ્રૂજે’ પણ આ જ વાત કહે છે...


સચ્ચાઇ તો એ છે કે આ ગલીઓમાં પોતાની વાસનાને ફેંકવા જતા આ પુરુષોનો રોગ મટાડતી આ સ્ત્રીઓ નર્સથી ઓછું કામ નથી કરતી... એમના સસ્તા મેકઅપ કે બે નંબર ઓછી બ્રામાં ભીંસાતી છાતીઓની પાછળ જે મજબૂરી છે એ જોવાને બદલે મહંત એને પાપી અને બાપુને ખોટો સંદેશો આપનાર કહેતા હોય તો એમની માનસિકતા વિશે પ્રશ્ન ઊઠ્યા વગર રહે નહીં.


નુમાઇશની ચીજ બનીને ઊભા રહેવું, અણગમતા માણસના સ્પર્શને સહી લેવો સરળ નથી. બસ કે ટ્રેનમાં અજાણ્યા માણસનો સહેજ અછડતો, અણગમતો સ્પર્શ પણ આપણને આટલા બધા વિચલિત કરી શકે તો જે સ્ત્રી આવા અણગમતા સ્પર્શ રોજ સહેતી હોય એની મજબૂરીનો વિચાર આવે છે? એમની છાતીઓ સાચે જ મોટી છે કે પછી પેડેડ બ્રા પહેરીને મોટી દેખાડી છે એની તપાસ કરવા માટે પૈસા નક્કી થતાં પહેલાં એમના બ્લાઉઝમાં હાથ નાખતા માણસો એમને કોઇ ચીજવસ્તુની જેમ જોઇ-તપાસીને ખરીદે છે -

એ કઇ સ્થિતિમાં આ તપાસ થવા દેતી હશે? સીધો અર્થ એ થયો કે પોતાની ઇચ્છા વિરુદ્ધ મજબૂરીમાં શરીર વેચતી સ્ત્રીને (હવે પુરુષને પણ) આપણે ગણિકા અથવા જીગોલો કહી શકીએ... પણ શરીર નહીં ને મન, મગજ, બુદ્ધિ કે જ્ઞાન પણ પોતાની મરજી વિરુદ્ધ વેચનારાને આપણે શું કહીશું? આપણામાંથી કેટલા બધા એવા હશે જે કોઇની મૂર્ખ જેવી વાત પર એટલા માટે હસે છે કારણ કે એ એમના બોસ છે, સમાજના પ્રમુખ છે, એના લીધે ધંધો મળે છે...

આપણે ઘણા લોકોનું ઘણું સાંભળી લઇએ છીએ. મરજી વિરુદ્ધ એમની મૂર્ખ જેવી વાત સાથે સહમત થઇએ છીએ. એમના તુક્કાઓને ‘વાહ-વાહ’ કરીએ છીએ કે પછી એમના વાહિયાત વિચારો વિશે એમને સ્પષ્ટ કહેવાને બદલે એમની સાથે હા એ હા કરીને આપણો ફાયદો શોધીએ છીએ ત્યારે આપણે ગણિકા નથી? સત્ય તો એ છે કે આપણે સહુ ગણિકા જ છીએ જે મજબૂરીમાં મન કે મગજ નથી વેચતા પણ આપણા ફાયદા માટે હકીકત જાણવા છતાં, સત્ય સમજવા છતાં ને સામેની વ્યક્તિની પૂરેપૂરી સચ્ચાઇ ઓળખી લેવા છતાં આપણા ફાયદા માટે આપણા અસ્તિત્વને વેચી દઇએ છીએ! જાણે-અજાણે સામેના માણસને સારું લગાડવા, સ્વાર્થ ખાતર જુઠ્ઠું બોલતા કે પોતાની મુરાદ પૂરી કરવા લટુડા-પટુડા થતા આપણે સહુ ગણિકા જ છીએ... આપણા ચહેરા પર સસ્તી ઇચ્છાઓનો મેકઅપ છે, આપણી છાતીઓ સ્વાર્થમાં ભીંસાઇને જૂઠથી ઉભરાય છે...


જેને કંઇ પણ જોઇએ છે, ને એ મેળવવા માટે જે જે પોતાના સ્વભાન, સત્ય, શબ્દ, સમજણ, સ્નેહ કે સલામતી, સચ્ચાઇ કે સ્પષ્ટતાનો સોદો કરે છે એ બધા જ ગણિકા છે!

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી