Back કથા સરિતા
કાજલ ઓઝા વૈદ્ય

કાજલ ઓઝા વૈદ્ય

સ્ત્રી, સાહિત્ય, સમાજ (પ્રકરણ - 58)
લેખિકા ગુજરાતી સાહિત્યનાં જાણીતાં નવલકથાકાર અને વક્તા છે.

કિયા કરાયા સબ ગયા, આયા જબ અહંકાર

  • પ્રકાશન તારીખ04 Dec 2018
  •  

પૈસા કમાવા હવે બહુ અઘરા નથી રહ્યા. આજના સમયમાં સાચા-ખોટા રસ્તે પૈસા કમાઈ શકાય છે એ વાત હવે અનેક કોર્પોરેટની સાથે સાથે પતંજલિ અને શ્રી શ્રી રવિશંકર જેવી અનેક પ્રોડક્ટ્સમાંથી સાબિત થઈ ચૂક્યું છે. પૈસા કમાઈ લીધા પછી એનું શું કરવું એની સમજણ મોટાભાગના લોકોમાં હોતી નથી. થોડા વર્ષો પહેલાં ગોવામાં દીપા (36) અને આનંદ (39) નામના એક યુગલે આત્મહત્યા કરી હતી. 3 ઓક્ટોબર, 2011ના દિવસે એમણે લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું, ‘અમે દુનિયા જોઈ લીધી, મજા કરી લીધી, પૈસા વાપરી લીધા, મોજશોખ કરી લીધા. હવે દુનિયામાં કંઈ જ નથી જે બાકી છે! સમય વેડફવાને બદલે અમે આપઘાત કરીએ છીએ.’

લેનારને લઘુતાગ્રંથિનો અનુભવ થાય, ઓડિયન્સને ઉદાર મનોવૃત્તિનો પરિચય થાય અને પત્રકાર મિત્રો કે ટેલિવિઝનના રિપોર્ટ્સ સૌને જણાવે, એવી મનોવૃત્તિ સાથે કરવામાં આવેલી પ્રવૃત્તિ, ‘દાન’ તો નથી જ!

આ વાતનો અફસોસ કરવો કે ઉત્સવ? એક વ્યક્તિ પોતાનું જીવન પોતાની જાતે સમેટે છે, કારણ? એ જેને સંતોષ કહે છે એ કંટાળો છે! બધું જ તૈયાર મળી ગયા પછી શું કરવું એ ન સમજાય ત્યારે આપણી સંસ્કૃતિ અને સભ્યતા કામમાં આવે છે. પુરુ અને યયાતિની કથા રસપ્રદ છે. જીવનના ભોગ ભોગવવા માટે લાલાયિત રાજા યયાતિ વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર નથી. એને કહેવામાં આવે છે, ‘કોઈ પોતાની ઉંમરનાં વર્ષો તને આપે તો તું યુવાન થઈ શકે.’ એનો દીકરો યદુ પોતાનાં વર્ષો આપવાની ના પાડે છે. જ્યારે પુરુ પિતાને પોતાની જિંદગીનાં વર્ષો આપે છે. દીકરો વૃદ્ધ થઈ જાય છે ને પિતા યુવાન થઈ જાય છે, પરંતુ ભોગ ભોગવી લીધા પછી યયાતિ કહે છે, ‘ગમે તેટલા ભોગ ભોગવો તો પણ સંતોષ થતો નથી. સંતોષ ભીતર છે. બહારથી શીખવી શકાતો નથી!’


આપણે બધા આવા જ સમયમાં પ્રવેશી ગયા છીએ, કદાચ. જે કંઈ પામી રહ્યા છીએ એનાથી સંતોષ નથી. બધું જ પામી ગયા પછી એનું શું કરવું એની સમજણ નથી! આવી સમજણ જેની પાસે છે એવી ઘણી વ્યક્તિઓ પોતાના ધનનું લક્ષ્મીમાં રૂપાંતર કરી શકે છે. સુરતને કર્ણની ભૂમિ માનવામાં આવે છે. મહાભારતના કર્ણના પાત્રમાં વેદવ્યાસે ઉમેરેલો રંગ હશે કે પછી સાચે જ કર્ણ આવો દાનવીર હશે એના લોજિકમાં પડ્યા વગર જો સુરતીઓ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે કે ત્યાં દાન કયા પ્રકારનું અને કેટલું થતું હોય છે! વીર નર્મદ યુનિવર્સિટીના લાઇબ્રેરી અને બીજા વહીવટી મકાનો હોય કે પી.પી. સવાણી હોસ્પિટલમાં થતો મફત ઇલાજ. મહેશ સવાણીને ત્યાં થતા પિતા વિનાની દીકરીઓનાં લગ્નોની સંખ્યા હોય કે આર.કે. પટેલ દ્વારા દત્તક લેવાયેલી જૂનાગઢની મંગલમૂર્તિ સ્કૂલ! આ બધી જ પ્રવૃત્તિઓમાં કમાયેલા પૈસાનું શું કરવુંની મૂંઝવણ નથી બલ્કે સમાજ માટે શું થઈ શકે એની સમજણ છે.


સુરતના બિલ્ડર અને ડેવલપર આર.કે. પટેલ જૂનાગઢમાં આવેલી મંગલમૂર્તિ સ્કૂલની મુલાકાતે અંગત કારણસર ગયા હતા. સ્કૂલની પરિસ્થિતિ અને ત્યાં રહીને દિવ્યાંગ બાળકોની કાળજી લેતા ‘બાપુજી’ તરીકે જાણીતા વ્યવસ્થાપકને મળ્યા ત્યારે એમને લાગ્યું કે આ શાળાને જો સંભાળી લેવામાં નહીં આવે તો મૃતપ્રાય થઈ ગયેલી એક સંસ્થા છેલ્લું ડચકું ખાઈ જશે! આર.કે. પટેલે એમના મિત્ર અને સુરતના જાણીતા એવા મનહર કાકડિયા અને બીજા મિત્રો સાથે મળીને મંગલમૂર્તિનું પુન:નિર્માણ હાથ ધર્યું. બધાં જૂનાં મકાનો પાડીને નવાં મકાનો, હોસ્ટેલ, ફિઝિયોથેરાપી રૂમ ઊભા કરવામાં આવ્યા. અહીં રહેતાં બાળકો માટેની સુવિધાઓ અદ્યતન અને વધુ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવી. આ પુન:નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો એટલું જ નહીં, આર.કે. પટેલે જૂનાગઢમાં ઘર તૈયાર કર્યું. ભવિષ્યમાં એ સંસ્થાની કાળજી લેવા માટે ત્યાં વસવું પડે કે અવારનવાર જવું પડે છે એ જરૂરિયાતને સમજીને એમણે ત્યાં પોતાનાં મૂળ રોપવા માંડ્યા છે! આ વાતની જાણ ભાગ્યે જ કોઈને છે. આર.કે. પટેલ, મનહર કાકડિયા અને બીજા મિત્રો મળીને દિવ્યાંગ બાળકો માટે જે સંકુલ ઊભું કરી રહ્યા છે એ વિશે પ્રચાર કે પ્રસિદ્ધિમાં પડ્યા વગર એ પ્રવૃત્તિ અથવા પ્રાર્થના તરીકે કરી રહ્યા છે, જે સૌથી મહત્ત્વની વાત છે.


ફક્ત અજાણ્યા જરૂરિયાતમંદની મદદ કરવી એ જ ધ્યેય ન હોઈ શકે. આપણી આસપાસ વસતા પરિવારજનોને પણ સમૃદ્ધિ અને સંપત્તિનો લાભ મળવો જોઈએ, એવું આપણી સભ્યતા અને સંસ્કૃતિ શીખવે છે. દાનનો અર્થ માત્ર આર્થિક મદદ નથી એ વાત શાસ્ત્રોએ કહી છે. કેટલાય વડીલો ગંગાસ્નાન કરવા ઇચ્છતા હોય, પરંતુ આર્થિક અભાવ હોય, તો ક્યારેક સંતાનો પાસે સમયની અનુકૂળતા ન હોય ત્યારે આપણે પોતાની ઇચ્છાને મારી નાખવી પડે. આવા વડીલો જો પોતાનાં સંતાનો અને એમનાં પણ સંતાનોની સાથે ધાર્મિક સ્થળે થોડાક દિવસ વિતાવી શકે તો એમનો જીવતા જ મોક્ષ થઈ જાય! ‘ધર્મનંદન ડાયમંડ્સ’ના સુતરિયા, વિરાણી અને ગોટી પરિવારે આ વિચારને અમલમાં મૂક્યો. સગાં અને દૂર-નજીકના પરિવારના લગભગ 500 વ્યક્તિ, જેમાં બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ સાથે મળીને ઋષિકેશના આશ્રમમાં દિવાળી ઊજવે એવો આ પ્રયાસ અને પ્રવાસ સરાહનીય છે. લાલજીભાઈ, વિપુલભાઈ, હિતેશ-ભાઈ, શૈલેશભાઈ અને દયાળજીકાકા સહિત સૌએ મળીને આ પ્રવાસનું પ્લાનિંગ કર્યું છે. સાવ નાનકડા, હાથમાં ઉપાડવાં પડે એવાં બાળકોથી લઇને વ્હીલચેરમાં બેઠેલા વૃદ્ધો સુધીના સૌ ગંગાસ્નાન કરે એનું પુણ્ય ઓછું નથી.

એમના ચહેરા પરના સ્મિત અને ગંગામાં નહાઈને, ગંગાકિનારે ધ્યાન કરવા બેઠેલા-પરમાર્થ નિકેતનમાં આરતી કરતા કે સાદું ગુજરાતી ભોજન કરતાં યુવાનોને જોઈને માત્ર સંસ્કાર જ નહીં સંસ્કૃતિ, સભ્યતા અને સમજણનું પણ સિંચન થઈ રહ્યું છે એનો સંતોષ થાય. આ વિશે બીજાઓને જણાવવાની કે એનો પ્રચાર, પ્રસિદ્ધિ થવાં જોઈએ એવી કોઈ ભાવના વગર છેલ્લાં સાત વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. કોઈને ભાગ્યે જ ખબર છે કે પરિવારજનો, વર્કર્સ અને એમના વડીલોને ગંગાકિનારે લાવીને કથા, હાસ્ય, ડાયરો કે મોટિવેશનલ કાર્યક્રમો કરાવવાનું કામ સુરતની બીજી પેઢીઓ પણ કરે છે.


સુરતની ભૂમિમાં અાવીને સૌરાષ્ટ્ર લેઉવા પટેલની કોમ મૂળસોતી રોપાઈ ગઈ છે. અહીં વસતા સૌરાષ્ટ્રથી આવેલા પટેલોએ સુરતને પોતાની કર્મભૂમિ અને ધર્મભૂમિ બનાવી છે. એનો પરસ્પર સંપ ખરેખર નજર લાગે એવો હતો! આ ‘હતો’ શબ્દ એટલા માટે વાપરવો પડે કે અહીં હવે દાનની હરીફાઈ ચાલી છે. કોણ કેટલું દાન કરે, કોણ કેટલી મદદ પહોંચાડે છે એની પરસ્પર સરખામણી થઈ રહી છે. સત્ય તો એ છે કે દાન સાથે જ ‘યથાશક્તિ-મતિ’ શબ્દનું મહત્ત્વ છે. આપણે જે પણ આપીએ એ આપતી વખતે જો મનમાં અહંકાર જન્મે, સરખામણી થાય કે પ્રસિદ્ધિ-પ્રચારની ભાવના હોય તો એ દાન કરતાં ઇન્વેસ્ટમેન્ટ પુરવાર થાય છે. આપણે દાન કરતી વખતે લેનારને સ્ટેજ પર બોલાવીએ, કોઈ મહાનુભાવના હાથે મેડિકલની કીટ કે શૈક્ષણિક કીટ, દાનનો ચેક કે મેડિકલ કાર્ડ સ્વીકારવાની ફરજ પાડીએ ત્યારે એમની મજબૂરી અને નાનપનો અનુભવ કરાવીએ છીએ. લેનારને લઘુતાગ્રંથિનો અનુભવ થાય, ઓડિયન્સમાં બેઠેલાને આપણી ઉદાર મનોવૃત્તિનો પરિચય થાય અને ત્યાં આવેલા પત્રકાર મિત્રો કે ટેલિવિઝનની ચેનલના રિપોર્ટ્સ આપણે વિશે સૌને જણાવે, વાહ-વાહ થાય એવી મનોવૃત્તિ સાથે કરવામાં આવેલી પ્રવૃત્તિ, બીજું કંઈ પણ હોય, ‘દાન’ તો નથી જ! મરીઝ કહે છે, ‘કોઈ એવો દિલદાર જગતમાં નજર આવે, આપી દે મદદ કિન્તુ ના લાચાર બનાવે.’ કર્ણની ભૂમિ પર આવીને વસેલા સૌરાષ્ટ્રના પટેલો દાનવીર તો થયા છે, પરંતુ આ દાનને જો એ સૌ પોતાની ફરજ અથવા પોતાની સંપત્તિને વહેંચવાની પવિત્ર ફરજ માનીને કરે તો આ દાનનો મહિમા વધુ બહોળો થઈ શકે.કબીરનો એક દોહો જાણવા જેવો છે:


‘ભૂખે કો કુછ દીજિયે, યથાશક્તિ જો હોય,
તા ઉપર શીતલ બચન, લાખો આત્મા સોય.’

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP