મનોરંજન આપણી મજબૂરી છે?

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Dec 02, 2018, 12:05 AM IST

એક પરિવારમાં એકાદ માણસ ખરાબ હોય, તો આ વાત બહુ આશ્ચર્ય પમાડે એવી નથી. કોઇ લુચ્ચા, સ્વાર્થી કે ખટપટિયા લોકો પરિવારનું નુકસાન કરે છે ત્યારે દુ:ખ જરૂર થાય, પણ સમાજમાં આવા લોકો છે એવું સ્વીકારવું તો પડે જ... પરંતુ દરેક ઘરમાં, દરેક પરિવારમાં અાવા ખટપટિયા જ લોકો હોય અને એ મામા હોય, ફોઇ હોય, પુત્રવધૂ હોય, દેરાણી કે જેઠાણી હોય... લગભગ દરેક પરિવારમાં ઘરનો નોકર ફૂટેલો હોય, લગભગ તમામ પરિવારોમાં સતત ષડ્યંત્રો અને કોન્સ્પિરસીઝ ચાલ્યા જ કરતી હોય, એવું શક્ય છે ખરું? જો હિન્દી ટીવી સિરિયલના પરિવારોની ચર્ચા કરતા હોઇએ તો, હા! બધા જ ઘર, બધા જ પરિવારમાં આ અને આવું વાતાવરણ જોવા મળે છે. સ્ટ્રેઇટન કરેલા વાળ, રાત્રે ઊંઘમાં પણ યથાવત્ રહેતો મેકઅપ અને દાગીના સાથે પ્લાસ્ટિકની ડોલ જેવી આ છોકરીઓ હિન્દી ટીવી સિરિયલ્સની અભિનેત્રી બનીને પ્રસિદ્ધિ અને પૈસા કમાય છે.

‘મનોરંજન’ના નામે ભારતીય ગૃહિણીને જે પીરસવામાં આવે છે તે માત્ર કિચન પોલિટિક્સ અને સ્ત્રી-પુરુષના સંબંધોમાં રહેલી બિનજરૂરી આંટી-ઘૂંટી સિવાય કંઇ નથી

એમની પાછળ ઘેલી થયેલી ભારતીય સ્ત્રીઓએ પોતાની જિંદગીમાં આ પ્લાસ્ટિક કે પોર્સલિનની ઢીંગલીઓને એટલી બધી જગ્યા આપી દીધી છે કે આ સ્ત્રીઓના અંગત પારિવારિક સંબંધો પણ ક્યારેક આ સિરિયલ્સમાં દેખાડવામાં આવતી માનસિકતા ઉપર આધારિત થઇ ગયા છે.
ભારતમાં ટેલિવિઝનનો ઇતિહાસ બહુ જૂનો નથી. જાન્યુઆરી, 1950માં ઇન્ડિયન એક્સપ્રેસનો એક રિપોર્ટ પ્રકાશિત થયો, બી. શિવકુમારન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણેલા એક સ્ટુડન્ટે કેથોડ રે ટ્યૂબનું ડેમોન્સ્ટ્રેશન કર્યું. 15મી સપ્ટેમ્બર, 1960ના દિવસે પ્રાયોગિક ટેલિકાસ્ટ સાથે દિલ્હીમાં ભારતીય ટેલિવિઝનની શરૂઆત થઇ. રોજિંદું ટ્રાન્સમિશન છેક 1965માં ઓલઇન્ડિયા રેડિયોના હિસ્સા તરીકે શરૂ થયું. 1972માં અમૃતસર અને છેક મુંબઇ સુધી આ પ્રસારણ પહોંચતું થયું. 1975માં બીજાં સાત શહેરોને આવરી લેવાયાં. ‘સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ’ (એસઆઇટીઇ)નું પહેલું મહત્ત્વનું પગલું ભરાયું. ડેવલપમેન્ટ માટે ટેલિવિઝનનો ઉપયોગ થવો જોઇએ એવા વિચાર સાથે દૂરદર્શનમાં પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું, જે ઓલઇન્ડિયા રેડિયોનો હિસ્સો હતો. એ વખતે દિવસમાં સવાર અને સાંજના પ્રસારણ ચાલતા. ખેતી, સ્વાસ્થ્ય અને પરિવારની કાળજી અંગેના કાર્યક્રમો એ સમયે દેખાડવામાં આવતા. 1976માં ટેલિવિઝન અને રેડિયોને છૂટા પાડવામાં આવ્યા. નેશનલ ટેલિકાસ્ટ 1982માં શરૂ થયું, એ જ વર્ષે રંગીન ટીવી પણ બજારમાં આવ્યા.


ભારતીય નાના પડદે રજૂ કરવામાં આવતું મનોરંજન 1980માં શરૂ થયું. એ વખતે એક જ નેશનલ ચેનલ-સરકારી માલિકીની દૂરદર્શન હતી. મહાભારત અને રામાયણ એ દૂરદર્શનના હિસ્સા હતા. આ બંને સિરિયલોની વ્યૂઅરશિપે વિશ્વ રેકોર્ડ તોડ્યા. એ પછી ડીડી-2 (ડીડી મેટ્રો) લોન્ચ થઇ. 1997માં પ્રસાર ભારતીની સ્થાપના થઇ. આ કાયદેસર રીતે સ્વતંત્ર સંસ્થા હતી. ઓલઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન બંનેના ઓબ્જેક્ટિવ્સ નક્કી કરવામાં આવ્યા. 80નો દાયકો ટેલિવિઝન ઉપર સરસ વાર્તાઓ લઇને આવ્યો. ‘હમલોગ’ 1984. ‘યે જો હૈ જિંદગી’ 1984, ‘બુનિયાદ’ 1986-87, ‘વાગલે કી દુનિયા’ 1988, ‘રામાયણ’ 1987-88 અને ‘મહાભારત’ 1989-90. અત્યારે સિરિયલ ફરીથી શરૂ કરવામાં આવી છે તે ‘વિક્રમ વેતાળ’ અને ‘તેનાલિ રામ’ પણ 80ના દાયકાની સુપર હિટ સિરિયલ હતી. બંગાળી ફિલ્મ મેકર પ્રબિર રોયે 1982માં ઇડન ગાર્ડન, કલકત્તાથી ફાઇવ ઓનલાઇન કેમેરા સાથે ફૂટબોલ ટુર્નામેન્ટનું પ્રસારણ કર્યું. દિલ્હીની એશિયન ગેમ્સ પણ એ જ અસરમાં નવેમ્બર લાઇવ ટેલિકાસ્ટ થઇ...


ભારતમાં ફ્રી ટુ એર, ડિરેક્ટ ટુ હોમ, કેબલ ટેલિવિઝન અને આઇપી ટીવી જેવી જુદી જુદી રીતે પ્રસારણ શરૂ થયું.... એ પછી 90ના દાયકામાં નરસિમ્હા રાવની સરકારે સીએનએન, સ્ટાર ટીવીને ભારતમાં પ્રવેશ આપ્યો. એની સાથે જ ઝી ટીવી (સુભાષ ચંદ્રા), ઇટીવી (તેલુગુ-રામોજી રાવ), સન ટીવી (તામિલ-કલાનિધિ મારન) ભારતીય ટેલિવિઝન ચેનલ તરીકે શરૂ થયા...


આટલા ઇતિહાસ પછી સવાલ એ છે કે ભારતના લોકોનો દિવસનો ખાસ્સો એવો હિસ્સો ખાઇ જતું આ ટેલિવિઝન ‘ઇડિયટ બોક્સ’ તરીકે ઓળખાય છે, તેમ છતાં એ માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું એ સત્ય આપણા સહુની જિંદગીને ઓછે-વત્તે અંશે નુકસાન કરી રહ્યું છે. ઇન્ટરનેટના પ્રવેશ સાથે ‘વેબ’ ટેલિવિઝન સિરીઝની શરૂઆત થઇ. પહેલાં વિદેશમાં અને હવે આપણા દેશમાં... પ્રસાર ભારતીના કાયદાને કારણે ભારતીય ટેલિવિઝનમાં પ્રસારિત થતી સિરિયલ કે મનોરંજનના તમામ પ્રસારણ ઉપર એક નાનકડું નિયંત્રણ હજીયે છે, પરંતુ વેબ સિરીઝ ઉપર કોઇ સેન્સર નથી, હજી નથી! ‘સેક્રેડ ગેમ્સ’, ‘મિરઝાપુર’ કે ‘બ્રીધ’ જેવી વેબ સિરીઝમાં હિંસા, સેક્સ અને ગાળો સિવાય ભાગ્યે જ કંઇ જોવા મળે છે. એવી જ રીતે ‘લસ્ટ સ્ટોરીઝ’ (રોનીઝ સ્ક્રૂવાલા) અને ગંદી બાત (બાલાજી ઓલ્ટ)માં શારીરિક સંબંધો અને સેક્સને ચિતરી ચઢે એવી રીતે રજૂ કરવામાં એમણે કંઇ બાકી રાખ્યું નથી, ત્યારે આપણે સહુએ જાતને પૂછવા જેવો એક સવાલ એ છે કે મનોરંજનના નામે આપણે શું જોઇ રહ્યા છીએ?


લગભગ તમામ ટીનએજર સંતાનોના ફોનમાં હવે ઇન્ટરનેટ છે ત્યારે એમના મગજમાં આવી વેબ સિરીઝ જે ગંદકી ભરે છે એનાથી આખી નવી પેઢી પહેલાં કુતૂહલ અને પછી કચરા જેવી માનસિકતા સાથે ઊછરી રહી છે, એની આપણને ખબર છે ખરી? ભારતીય ટેલિવિઝન પર અત્યારે ‘નાગિન’, ‘કુંડલી ભાગ્ય’, ‘કુમ કુમ ભાગ્ય’, ‘કુલ્ફી કુમાર બાજેવાલા’, ‘યે રિસ્તા ક્યા કહેલાતા હૈ’, ‘શક્તિ’, ‘તારક મહેતા કા...’, ‘તુજસે હૈ રાબતા’, ‘કસૌટી જિંદગી કી’ જેમાંથી ચાર બાલાજી ટેલિફિમ્સ (એકતા કપૂર)ની છે. આમાંની મોટાભાગની ટેલિવિઝન સિરિયલ્સ સંબંધોના ષડ્યંત્ર કે અંધશ્રદ્ધાને બહેકાવતી સિરિયલો છે. ભારતીય ગૃહિણી, જેની પાસે બપોરનો આખો નવરાશનો સમય છે એમના ‘મનોરંજન’ના નામે એમને જે પીરસવામાં આવે છે તે માત્ર કિચન પોલિટિક્સ અને સ્ત્રી-પુરુષના સંબંધોમાં રહેલી બિનજરૂરી આંટી-ઘૂંટી સિવાય કંઇ નથી.


હવે, સવાલ એ છે કે આપણે આ શા માટે જોઇએ છીએ? મફત છે માટે? સિનેમા જોવા માટે ટિકિટ ખર્ચવી પડે, થિયેટર સુધી જવું પડે... અહીં તો ઘરમાં ઘૂસી આવતા આ કચરાને આપણે રોકી શકતા નથી, માટે? આપણે બધી બાબતમાં પ્રગતિનો દાવો કરીએ છીએ. ભારતીય જનમાનસને શૌચાલયથી શરૂ કરીને પેટીએમ સુધી અપગ્રેડ કરી રહ્યા છીએ ત્યારે ટેલિવિઝન કેમ પ્રોગ્રેસિવ નહીં રહેતાં, વધુ ને વધુ રીગ્રેસવિન થતું જાય છે? ચેનલમાં બેઠેલા-શું બતાવવું એનો નિર્ણય કરતા લોકો (ચેનલ હેડ, એક્ઝિક્યુટિવ, પ્રોડ્યુસર, ફિક્શન હેડ) જેવી પોઝિશન પર હોય એમને વાર્તા કહેવાની સમજ નથી. એ દલીલ કરે છે કે, ‘આ જ ચાલે છે.’ પરંતુ સવાલ એ છે કે આ શું કામ ચાલ છે. આપણી માનસિકતા વધુ ને વધુ નિમ્નસ્તરની થતી જાય છે. સાડીમાંથી પેન્ટ પહેરતી સ્ત્રીઓ હજીયે એ જ કચરાપટ્ટી જોવા માગે છે? ભારતીય ટેલિવિઝન પાસે કથાઓની કે લેખકોની ઊણપ છે? ટેલિવિઝન ચેનલ્સ જેના હાથમાં છે એ બધા ભારતીય વ્યૂઅરની માનસિકતા ન બદલાય એમાં જ રસ ધરાવે છે? ‘મહાભારત’, ‘કૃષ્ણ’ અને ‘રામાયણ’ને શેરડીના સાંઠાની જેમ ફરી ફરીને સંચામાં નાખી-નાખીને કૂચ્ચા કાઢવા સિવાય આપણી પાસે વાર્તાઓ જ નથી કે શું?


આ ત્યાં સુધી નહીં બદલાય જ્યાં સુધી વ્યૂઅર (પ્રેક્ષક) પોતાના ગ્રાહક હોવાના અધિકારને એમના સુધી નહીં પહોંચાડે... યુવાન પેઢી ટેલિવિઝન જોતી નથી. પુરુષો આ ટીવી સિરિયલ્સમાં રસ ધરાવતા નથી, તો પછી આ ટીવી સિરિયલ્સની ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ્સ) કેવી રીતે નક્કી કરાય છે? 50 કરોડ (અથવા તેથી વધુ) ઘરોમાં જો ટીવી હોય તો એમાંનાં પસંદ કરાયેલાં ઘરોમાં ટીઆરપીના મીટર મુકાય છે. એ ગણતરીનાં ઘરોમાં ટીવી કેટલી વાર જોવાય છે, કઇ સિરિયલ જોવાય છે, એના ઉપરથી આખી મનોરંજનની વ્યવસાયિક દુનિયાના આંકડાના ઉતાર ચઢાવ નક્કી કરવામાં આવે છે. આશ્ચર્યજનક છે ને? જો લોકોને સેક્સ અને હિંસા જ ગમે છે તો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ (લગભગ 3000 એપિસોડ્સ) કેમ હજુ ચાલે છે? ‘બધાઇ હો’, ‘ક્વિન’, ‘બરેલી કી બરફી’ જેવી ફિલ્મો કેમ ‘મોહેંજો-દરો’ કે ‘હેરી મીટ સેજલ’ કરતાં વધુ બિઝનેસ કરે છે?


ગ્રાહક તરીકે આપણા જેટલી નબળી પ્રજા કદાચ બીજી કોઇ નથી. શાકભાજી, દૂધ, અનાજ-મસાલામાં ભેળસેળથી શરૂ કરીને નબળી ગુણવત્તાના કન્સ્ટ્રક્શન કે એફએમસીજી સુધી આપણે બધું જ સ્વીકારી લઇએ છીએ... મનોર઼જનમાં પણ કદાચ એવું જ છે. ‘જે મળ્યું તે આપણું નસીબ’ માનીને જીવતા આપણે સહુ ભ્રષ્ટ નેતા અને બેઇમાન પોલીસ ઓફિસર્સને જોવા ટેવાઇ ગયા છીએ? સાસુ-વહુના ઝઘડા અને પતિ-પત્ની વચ્ચે કન્ઝ્યુમ નહીં થતા લગ્નની પ્રતીક્ષામાં આપણે સેંકડો એપિસોડની ટીઆરપી આપીએ છીએ...
જાગો ગ્રાહક, જાગો!

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી