આપણે ‘બજારુ’ થઈ ગયા, થઈ રહ્યા છીએ?

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Nov 25, 2018, 12:05 AM IST

‘એક સીઇઓ જે ચેરમેન તરીકે પણ સત્તા ભોગવતો હોય એની વધુ પડતી સત્તાને કારણે બોર્ડ અને એની સાથે જોડાયેલાં બધાં કામો પર અસર થાય છે. અમે માનીએ છીએ કે બોર્ડની સ્વતંત્રતા ઉપર આને કારણે ઊંડી અસર પડે છે. આ વધુ પડતી સત્તાએ અનેક કોન્ટ્રોવર્સીસ અને મિસહેન્ડલિંગ ઊભાં કર્યાં છે. કંપની સામે ખતરાની ક્ષણો આવી છે અને શેરહોલ્ડર્સ પણ આનું પરિણામ ભોગવશે...’ આવાં વાક્યો સાથે ટ્રિલિયન એસેટ મેનેજમેન્ટ નામની ઇન્વેસ્ટર્સની એક્ટિવિસ્ટ કંપનીએ માર્ક ઝકરબર્ગને ફેસબુકમાંથી ફેંકી દેવાની ચળવળ શરૂ કરી છે. બુધવારે 14 નવેમ્બરે ઇલીનોઇસ, પેન્સિલવેનિયા, ન્યૂયોર્ક સિટી અને બીજી અનેક જગ્યાએથી શેરહોલ્ડર્સે પોતાની રજૂઆત કોર્ટમાં કરતી વખતે કહ્યું છે કે, ફેસબુકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બોર્ડના ચેરપર્સન અને સીઇઓની વધુ પડતી સત્તા સામે વિરોધ છે. એ ધાર્યું કરે છે, જેને કારણે શેરહોલ્ડર્સ માટે ખતરો ઊભો થાય છે. કંપનીની પ્રતિષ્ઠા ઝંખવાય છે...

આપણે કોમોડિટી નથી અને આપણું મોરલ પ્રાઇઝ ટેગ સાથે શો વિન્ડોમાં મુકાયેલી કોઈ ‘આઇટમ’ નથી એટલું યાદ રાખીએ તો ય બસ...

આમ જોવા જાવ તો આ એક સિમ્બોલિક પ્રપોઝલ છે. ઝકરબર્ક પાસે 60 ટકા જેટલો વોટિંગ પાવર છે. એની પાસે જે શેર્સ છે તે સામાન્ય શેર કરતાં 10 ગણો વધુ વોટિંગ પાવર ધરાવે છે. ઝકરબર્ગને લાંબું નુકસાન ન થાય તો પણ કંપનીમાં પડેલી તિરાડ અને ઝકરબર્ગ સામે ચાલી રહેલી નાની-મોટી ચણભણ બજારમાં આવી છે... એનાથી સ્ટોક્સને વધુ નુકસાન થવાની સંભાવના તો છે જ. અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચેની ચણભણ કે બિરલા અને બોમ્બે ડાઇંગના પારિવારિક ઝઘડા જ્યારે જ્યારે બજારમાં આવ્યા ત્યારે કંપનીને નુકસાન થયું જ છે!
જે માણસ કંપની ઊભી કરે, ચલાવી બતાવે અને સફળતાના એક પ્લેટફોર્મ પર મૂકી દે એ પછી કંપનીને, દેશને કે પરિવારને પણ એ માણસની સત્તા અને આપખુદી નડવા લાગે છે. આ પહેલાં 1987ની 17મી સપ્ટેમ્બરે સ્ટીવ જોબ્સે પોતે જ ઊભી કરેલી કંપનીમાંથી પાંચ સિનિયર વ્યક્તિઓ સાથે રાજીનામું આપ્યું હતું. સંઘર્ષ કરી રહેલી વ્યક્તિને મદદ કરનારા પ્રમાણમાં ઓછા હોય છે. એના કામ વિશે શંકા કરનારા, એને સફળતા નહીં મળે એવી આગાહી કરનારા, એનાં સ્વપ્નોની હાંસી ઉડાવનારાઓની સંખ્યા ઘણી વધુ હોય છે. જ્યારે એનામાં વિશ્વાસ રાખીને એની સફળતા માટે પ્રાર્થના અને પ્રતીક્ષા કરનારાની સંખ્યા નહીંવત્ હોય છે. આમાં કંઇ નવું નથી. અર્થકારણ હોય કે રાજકારણ... એકવાર સફળતાનો સ્વાદ ચાખે પછી કોઇપણ વ્યક્તિ સાથે જોડાવા સહુ તત્પર હોય છે! એકતા કપૂર જેવી છોકરી ‘બાલાજી’ જેવી કંપની ઊભી કરે કે ઝકરબર્ગ જેવો છોકરો ફેસબુકને આ ઊંચાઇ પર લઇ જાય ત્યારે એણે કેટલાક નિર્ણયો એવા લેવા જ પડે છે જે બીજા લોકોને અનુકૂળ ન હોય. સફળ થવા માટે સાહસ કરવું પડે છે. આ સાહસ દરેક વખતે સાચું ન પણ પડે... વળી, દરેક માણસને ખુશ કરવાની પ્રવૃત્તિ કંપની, રાજકીય પક્ષ કે પરિવારને અનુકૂળ ન જ હોઇ શકે. એક સમૂહમાં રહેલા દરેક માણસનો વિચાર સરખો તો ન જ હોય! દરેક પાસે એક અભિપ્રાય હોય, પરંતુ આ અભિપ્રાયોને અંતિમ સત્ય માનીને ચાલનાર રસ્તામાં જ અટવાઇ જાય છે. એણે તો પોતાના અભિપ્રાયને જ અંતિમ સત્ય બનાવવાનો પ્રયાસ કરતા રહેવું પડે છે.


ફેસબુકે બહાર પાડેલા સત્તાવાર આંકડા મુજબ 2004માં 0.4 મિલિયનની રેવન્યૂ સાથે શરૂ થયેલી આ કંપની 2007માં 219 ટકા ગ્રોથ બતાવતી હતી. 2008માં એ ગ્રોથ 83 ટકા પર પડ્યો. ફરી 177 ટકા સુધી ચઢ્યો, પરંતુ 2017માં આ જ કંપની 47 ટકાનો ગ્રોથ બતાવે છે... જગતની કોઇપણ કંપનીની આવકમાં ચડ-ઊતર થાય એ સ્વાભાવિક છે. એને માટે કંપનીના સીઇઓને જવાબદાર ગણીને એને કંપનીમાંથી હાંકી કાઢવામાં આવે ત્યારે સમજવું પડે કે ગાંધીથી ઝકરબર્ગ સુધી માનવસ્વભાવમાં કોઇ ફરક પડ્યો નથી! જેની પાછળ આખા દેશના યુવાનો ઘેલા હતા, જેણે આપણને અહિંસાના માર્ગે આઝાદી અપાવી એવા ગાંધી 1947 પછી કેટલા એકલા અને પીડિત હતા એની વિગતો ‘ગાંધી: એ સબલાઇમ ફેલ્યોર’ નામના પુસ્તકમાં મળે છે. જેણે આ દેશને એક કર્યો એવા સરદાર, જેની આપણે ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી છે એવા સરદારને પણ 1948 પછી આ દેશના વહીવટ સામે અંગત વિરોધ અને સવાલો હતા. એમના આ સવાલોનો જવાબ આપવાની બની બેઠેલા પ્રધાનો અને નેતાઓને ફુરસદ નહોતી અને એમનો વિરોધ કોઇએ ગણકાર્યો નહીં!


‘ઝમીં ખા ગઇ આસમાં કૈસે કૈસે...’નું વાક્ય લગભગ દરેક દસકામાં સાચું પડે છે. આપણો સ્વભાવ ચડતાને પૂજવાનો છે. ઊતરી ગયેલા કે સત્તા ખોઇ બેઠેલા, પાવર ગુમાવી ચૂકેલા લોકોને યાદ કરવાનું ભાગ્યે જ કોઇને સૂઝે છે. આજે મોદી સાહેબનું નામ ગાજે છે અને એ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે ત્યાં સુધી એ ‘સાહેબ’ છે... સહુ માટે. આજે સહુ ‘મોદી મેનિયા’માં ઘુમરાય છે, પરંતુ જો આ મોદી સાહેબ નાનકડી ભૂલ કરે ને એ ભૂલ છાપે ચઢે, પકડાય વગેરે વગેરે... થાય તો? જેમણે માથે બેસાડ્યા છે એ જ એમને ફેંકી દેતા અચકાવાના નથી. મજાની વાત એ છે કે મોદી સાહેબને આ વાતની બરાબર ખબર છે. એ પોતાના વિરોધીઓને કે સમર્થકોને બહુ સિરિયસલી નથી લેતા એનું કારણ પણ કદાચ આ જ હશે?


રાજકારણ જેટલી અહેસાનફરામોશ રમત બીજી કોઇ નથી. ફિલ્મી દુનિયામાં પણ રાજકારણ તો છે જ... બિલ્ડર લોબી હોય કે પારિવારિક સંબંધો. જ્યાં જ્યાં સત્તા અને પૈસા પ્રવેશે છે ત્યાં બધે જ આ સફળતાને પૂજવાની અને ઊથલાવી પાડવાની રમત ચાલે જ છે. આપણે જે દુનિયામાં પ્રવેશ્યા છીએ એ દુનિયા ધ્યાન આકર્ષિત કરવા માટે ‘કંઇ પણ’ કરવા તૈયાર છે. સેન્ટર ઓફ એટ્રેક્શન હોવું એ આપણી રોજિંદી જરૂરિયાત બનતી જાય છે. લગભગ દરેક માણસને પોતાના વિશે બોલવું છે. એને પડેલાં દુ:ખો, એણે કરેલા સંઘર્ષની કથા, એણે કોને કોને મદદ કરવી અને કોને ઉપર આવવામાં પોતે પાયા બન્યા છે એ કહ્યા વગર હવે ભાગ્યે જ કોઇને ચાલે છે! ચૂપ રહેનારા હવે ‘મૂર્ખ’માં ખપી જાય છે. જે પોતાના વિશે વાત નથી કરતા એને ભૂલી જવામાં ‘બજાર’ને જરાય વાર નથી લાગતી... ને નવાઇની વાત એ છે કે આખું જગત ‘બજાર’ બની ગયું છે. તમારી પાસે વેચવાલાયક જે કંઇ હોય તે વેચી નાખો, એવું બાળપણથી જ શીખવવામાં આવે છે.


માતા-પિતા બાળકની ટેલેન્ટનું માર્કેટિંગ કરે છે, સ્કૂલ પોતાના ‘તેજસ્વી તારલાઓ’નું માર્કેટિંગ કરે છે. પતિ-પત્ની પોતાના પ્રેમનું, સમજદારીનું માર્કેટિંગ કરે છે. (એકબીજા સાથે કેટલું બને છે એ જાહેરમાં બતાવવાની એકપણ તક ન છોડવી એવું બંને જણ નક્કી કરીને જીવે છે.) સંતાન પોતાનાં માતા-પિતાને કેટલી સારી રીતે રાખે છે અને કેટલી કાળજી લે છે એનું માર્કેટિંગ કરે છે. માતા-પિતાનાં લગ્નનાં પચાસ વર્ષ, એમનો પંચોતેરમો જન્મદિવસ કેટલી ધામધૂમથી ઊજવી શકાય એની જાણે હૂંસાતૂંસી ચાલે છે! સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી, ઓફિસમાં બોસ કે નેતા, અભિનેતાની ચાપલૂસી એવી રીતે કરવામાં આવે છે કે એને પોતાને પણ ખબર પડી જાય! સામેનો માણસ જાણતો હોય કે એનાં ખોટાં વખાણ કરવામાં આવે છે તેમ છતાં એ ખોટાં વખાણ સાંભળીને રાજી થાય, ફુલાય... બદલામાં વખાણ કરનારને ન્યાલ-માલામાલ કરી દે કે ‘મનવાંછિત’ ફળ આપે! સાધુ-સંતો પણ આમાંથી બહાર નથી. મોઢે સાચું કહેનાર લગભગ કોઇને ગમતા નથી, કારણ કે સત્યનો ચહેરો મેકઅપ વગરનો-પ્રમાણમાં વરવો છે. આપણે સહુ હકીકતોને બટોક્સ આપીને, ફિલર્સ નાખીને, કોસ્મેટિક્સ સર્જરીઝ કરીને બને તેટલી વધુ સુંદર અને મોહક બનાવવાનો પ્રયાસ કરવામાં એવા અટવાયા છીએ કે આપણી પુરાણી વાસ્તવિકતા અને પરંપરાને ભૂલી ગયા છીએ.


છેલ્લા થોડા વખતમાં એવા કેટલા લોકોને આપણે મળ્યા જેના ચહેરા પર સાત્ત્વિકતા અને પ્રામાણિકતા હોય? એવા કેટલા લોકોને આપણે ઓળખીએ છીએ જે પોતે કરેલાં સત્કર્મોની, સેવા કે સદ્કાર્યોની જાહેરાત પોતે ન કરતા હોય? પાડોશમાં ચાલતા સાદા ઝઘડાને સોલ્વ કરવામાં મદદ કરી હોય તો પણ એની ક્રેડિટ લેવાનું આપણે છોડતા નથી!


ને અંતે, આ બધી ક્રેડિટ-સફળતા-સત્તા જેને મળી એની ઇર્ષ્યા કરીને એને ઊથલાવી પાડવા માટે શું કરવું જોઇએ એ વિશે આપણે સહુ સતત વિચારતા રહીએ છીએ. જાતે જીતવાને બદલે કોને કોને હરાવવામાં કેટલી મહેનત કરવી પડશે એ જ આપણો મુખ્ય વિચાર બની ગયો છે, નહીં?
આશ્ચર્ય કરતાં વધુ અફસોસ થાય છે... આપણા સહુની બદલાઇ રહેલી માનસિકતા ઉપર. જેટલી વધુ વાર હેમર કરવામાં આવે, કહેવામાં આવે એટલી વધુ વાર ઘૂંટાઇને અંતે જૂઠ પણ સત્ય બની જાય એવી દુનિયામાં આપણે સહુ જીવી રહ્યા છીએ ત્યારે એકાદ વાર એવા લોકોને યાદ કરવા જોઇએ જે આપણી સફળતામાં, સિદ્ધિઓમાં, પ્રસિદ્ધિમાં, સગવડ, સન્માન, સલામતી અને સંપત્તિમાં પાયો બનીને ઊભા રહ્યા છે.


જિંદગી સ્ટોક એક્સચેન્જના આંકડાઓ ઉપર કે વોટર્સના સિક્કા પર નભતું કોઇ બજાર નથી... આપણે કોમોડિટી નથી અને આપણું મોરલ પ્રાઇઝ ટેગ સાથે શોવિન્ડોમાં મુકાયેલી કોઇ ‘આઇટમ’ નથી એટલું યાદ રાખીએ તો ય બસ.

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી