નિરાશાથી આશા તરફ, ભજનવાણી

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈધ

Nov 20, 2018, 12:05 AM IST

અમદાવાદ શહેરમાં દેસાઈની પોળમાં એક ખૂણે નાનકડું પૂતળું છે. કોઈ જાણતું પણ નથી કે એ પૂતળું કોનું છે અને છતાં એ માણસના લખેલા શબ્દોને છેલ્લી ચાર પેઢીથી લોકો કહેવતની જેમ ક્વોટ કરતા આવ્યા છે. ‘તિલક કરતાં ત્રેપન થયાં...’ કે ‘એક મૂરખને એવી ટેવ...’ કહીને આપણે બધા જેના શબ્દોને રૂઢિઓ અને જડતાની વિરુદ્ધ આંખ ઉઘાડવા માટે વાપરીએ છીએ એ અખો અમદાવાદનો નિવાસી હતો. વ્યવસાયે સોની. અક્ષયદાસ એનું નામ, પિતાનું નામ રૈદાસ. જેતલપુરથી અમદાવાદ આવીને સોનીના ધંધામાં જોડાયો. ધર્મની માનેલી એક બહેન માટે સોનાની કંઠી બનાવી, પણ બહેનને વિશ્વાસ ન પડ્યો એટલે એણે બીજા સોની પાસે જઈને અખાએ આપેલી કંઠીની ખરાઈ ચકાસી. અખાની નજર પડી ત્યારે એને સમજાઈ ગયું અને ત્યારથી દિલ તૂટી ગયું. સંબંધોમાંથી અને જગતની લેણાદેણીમાંથી બહાર નીકળી ગયેલો અખો ગુરુને શોધવા ખૂબ ભમ્યો, પણ પછી અમદાવાદ આવીને ફરી દેસાઈની પોળમાં રહેવા લાગ્યો. એણે લખેલા શબ્દો દોઢસો કરતાં વધુ વર્ષ વીત્યાં છતાં આજે પણ એટલા જ સાચા લાગે છે.

આપણા સૌના પહોંચવાનું સ્થાન એક જ છે, પરંતુ આપણું મૂળ ધ્યેય કે અંતિમ મંજિલ શું છે એ ભૂલીને સ્વપ્નમાં એટલે કે મોહ, માયા અને નકામા ઝઘડા, હરીફાઈમાં અજાણતાં જ સૂતા રહીએ છીએ, બેધ્યાન રહીએ છીએ

‘રોકસ્ટાર’ નામની ફિલ્મમાં રણબીર કપૂરને એની કોલેજ કેન્ટિનનો માલિક કહે છે, ‘દિલ નહીં તૂટે તો તું કંઈ નહીં કરી શકે.’ બીજી તરફ જ્યારે દિલ તૂટે છે ત્યારે તેને સમજાય છે કે પીડા કોને કહેવાય! એના સંગીતમાં, એની અભિવ્યક્તિમાં એક જબરદસ્ત પરિવર્તન આવે છે. આપણી કવિતાઓ અને ગઝલોની પરંપરા વિશે ઘણું લખાયું છે, પરંતુ ભજન સાથે આપણે ઝાઝો વ્યવહાર રાખ્યો નથી. નરસિંહ, મીરાં અને સૂરદાસથી આગળના ભજનિકોને આપણી નવી પેઢી ભાગ્યે જ ઓળખે છે ત્યારે મોરાર સાહેબ, રવિ સાહેબ, દાસી જીવણ, મૂળદાસ, નિષ્કુળાનંદ, ડાડા મેકરણ કે ત્રિકમ સાહેબ, લાલદાસ, ગંગા સતિ, ગોરખનાથ, ભૈરવનાથ જેવાં કેટલાંય ભજનિકો વિશે નવી પેઢી સુધી માહિતી પહોંચવી જોઈએ.
‘ઇન્ડિયન ઓશન’ નામનું એક બેન્ડ 1990માં ભારતીય સંગીતની એવી પરંપરાને લઈને આવ્યું જે ધીમે ધીમે ભુલાવા લાગી હતી. ‘મા રેવા’ કે ‘ઝીની’ જેવાં ગીતો એ સમયના યુવાન થઈ રહેલા લોકોને આકર્ષી ગયાં. એ પછી ફરીદા ખાનમ અને આબિદા પરવીન જેવાં નામો પાકિસ્તાનથી આપણા સુધી પહોંચવા લાગ્યાં.

એ પહેલાં ગુલામઅલી અને રુના લૈલાને આપણે સાંભળ્યાં હતાં, પરંતુ આબિદા પરવીનનું ‘રક્સ-એ-બિસ્મિલ’ આલ્બમ સાચા અર્થમાં સૂફી સંગીતને આપણા સુધી લઈ આવ્યું. થોડા વખત પહેલાં એક યુવાન સાથે ચર્ચામાં એણે કહ્યું, ‘ઉર્દૂ અને મુસ્લિમ તહઝીબ પાસે જે સંગીત અને સૂફી શબ્દો છે એ આપણી પાસે ક્યાં છે?’ આ સવાલના જવાબમાં આજનો લેખ લખવાની ઇચ્છા થઈ છે. તુકારામના ‘અભંગ’ હોય કે સ્વામી રામદાસના ‘મના ચે શ્લોક,’ બંગાળની પરંપરા હોય કે દક્ષિણ ભારતથી તિરુવલ્લુવર અને સંત સંપ્રદાયના વિચારો. આપણા દેશમાં અનેક ભાષાઓ છે, એટલે બધી ભાષામાં થયેલાં કામ આપણા સુધી નથી પહોંચતાં. આપણે આપણી માતૃભાષા સિવાય ભાગ્યે જ કોઈ ભાષા જાણીએ છીએ, એટલે આપણને ખબર જ નથી કે આપણા દેશમાં પણ કેટલા અદ્્ભુત વિચારો ભારતીય પરંપરા અને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલાં ભજનો અને એના પ્રકારોમાં રચના થઈ છે.


1970માં મકરંદ દવેએ ‘સત કેરી વાણી’ લખ્યું. એ પછી 1987માં એમણે ‘ભજનરસ’નું સંપાદન કર્યું. પ્રથમ પુસ્તકમાં એમણે સમાવી લીધેલાં અદ્્ભુત ભજનો નવી પેઢી સુધી પહોંચાડવા જેવાં છે. આપણા આદિ કવિ નરસિંહ મહેતાથી શરૂ કરીને લગભગ તમામ જાણીતા ભજનિકોને એમણે બંને પુસ્તકોમાં આવરી લીધા છે. તળપદી લોકબોલીમાં રચાયેલાં આ ભજનો પેઢી દર પેઢી શ્રૃતિ અને સ્મૃતિમાં આપણા ઉપનિષદોની જેમ જળવાયાં છે. આ ભજનો ક્યાંય લખેલાં ન મળે એમ પણ બને. ઝવેરચંદ મેઘાણીએ જેમ લોકસાહિત્યને ધૂળમાંથી ઉપાડીને, સ્વચ્છ કરીને લોકો સુધી પહોંચાડ્યું એવું જ કામ મકરંદ દવેએ કર્યું છે.


રવિસાહેબનું એક ભજન ‘આઠ પહોર અલમસ્તા’ કહે છે કે, ‘ખમિયા ખલકો, સંતોષ ટોપી, બેફિકરાઈ ફકીરા, સેલી સહજ, આડબંધ અનભે, શીલ લંગોટ સધીરા.’ સમજવા જેવું છે. ખમિયા ખલકો (ક્ષમાનો લાંબો ઝભ્ભો) અને સંતોષની ટોપી, સેલી એટલે ગળામાં બાંધવામાં આવતી કાળી દોરી સહજ અવસ્થા અથવા સરળતાની છે. જેણે નિર્ભયતાના કૌપીનને શીલના લંગોટમાં બાંધી છે એવા સધીરા એટલે ધીર, ગંભીર અને સમજદાર વ્યક્તિની શોધ છે. આવી વ્યક્તિ કોઈ હોય તો મને બતાવો. કહેતાં રવિસાહેબનું આ ભજન આજના સમયમાં કેટલું પ્રસ્તુત છે! એવી જ રીતે ‘જી રે વટાવડા વાટના, વાટે ને ઘાટે રે, વિલંબ નવી કીજિયે રે, સપનામાં સૂતા રે જન તમે જાગજો રે, હાં રે ભાઈ, જનમ પદારથ જાય રે.’ આપણે બધા વટેમાર્ગુ (વટાવડા) પ્રવાસી અથવા ટ્રાવેલર છીએ. આપણા સહુના પહોંચવાનું સ્થાન એક જ છે, પરંતુ આપણે બધા રસ્તામાં જ્યાં ને ત્યાં અટવાઈ જઈએ છીએ. આપણું મૂળ ધ્યેય કે અંતિમ મંજિલ શું છે એ ભૂલીને આપણે સ્વપ્નમાં એટલે કે મોહ, માયા અને નકામા ઝઘડા, હરીફાઈમાં અજાણતાં જ સૂતા રહીએ છીએ એટલે કે બેધ્યાન રહીએ છીએ.


દાસી જીવણનું ભજન ‘સતગુરુએ મુંને ચોરી શિખવાડી ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે, પવનરૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે, ગંગાજમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે.’ દાસી જીવણ એક બહુ જ જુદા પ્રકારનાં ભજનોનાં રચયિતા છે. અહીં એમણે લખ્યું છે કે, મારા ગુરુએ મને ચોરી શિખવાડી. આ ચોરી એટલે જીવન જીવવાની કળા અથવા જ્ઞાન ક્યાંયથી પણ મેળવવાની રીત. ખાતર પાડવામાં-મકાનની ભીંતમાં કાણું પાડવામાં જે સાધન કામ લાગે તેને ગણેશિયો કહેવાય, આપણા મનની દીવાલોને જે તોડી શકે તેવું સાધન મારા ગુરુએ મને આપ્યું અને જગતથી ઊંધા જતા શીખવ્યું. પવન એટલે શ્વાસ અથવા આત્માના ઘોડા પર બેસીને જગત જે તરફ જઈ રહ્યું છે તે, પ્રાણને વશ કરતા શીખવીને મોહ, માયા અને રોજિંદી જિંદગીથી ઊંધા ચાલીને ગંગા-જમાના નહાવાની રૂઢિઓમાંથી બહાર કાઢીને અલખના રસ્તે પહોંચાડવાનું કામ મારા ગુરુએ કર્યું છે. ગુરુએ જ્યારે ચોરી કરતા શીખવ્યું ત્યારે પ્રાણના ઘરમાં ચોરી કરાવી. સુષુમ્ણા નાડી એટલે કે જનસામાન્ય જે ઈડા, પીંગળા નાડી ઉપર જીવે છે એને બદલે સીધા ઈશ્વરના માર્ગ ઉપર નાભિથી શરૂ કરીને સહસ્રાર ચક્ર સુધી ઈશ્વર વ્યાપી જાય એવું જ્ઞાન એમણે આપ્યું.


આપણાં ભજનો ઊંડાં છે અને ઘણાં સમજવા જેવાં છે. એકતારા, મંજિરા-કાંસા જોડી અને પખાવજ સાથે ગવાતાં આ ભજનો આખી રાત માણસની ભીતર રહેલા માણસને જગાડવાનું કામ કરે છે. મોટાભાગના અશિક્ષિત (એટલે કે સ્કૂલમાં નહીં ગયેલા અને અક્ષરજ્ઞાન નહીં ધરાવતા) લોકોએ રચેલાં આ ભજનો છે. એ અજ્ઞાની નથી, પરંતુ શિક્ષિત કરતાં વધુ જ્ઞાની છે એવું આ ભજનો વાંચતાં અને સાંભળતાં આપણને સમજાય છે. આ ક્યાંય લખાયાં નથી, પરંતુ લોકહૃદયમાં સંગ્રહાયાં છે, કારણ કે એના અર્થ અને એની ગહનતા લોકહૃદયને સીધી સ્પર્શે છે. એમાં રહેલું જ્ઞાન આપણી રોજિંદી જિંદગીથી શરૂ કરીને અધ્યાત્મની ઊંચાઈ સુધી લઈ જાય છે. લોકકંઠે અને લોકજીભે જીવેલાં આ ભજનો સંતવાણીને સમજણ સુધી લઈ જાય છે. શિષ્ટ ભાષામાં લખાતી કવિતાઓ કરતાં આ વિશિષ્ટ ભાષા છે, એવું ત્યારે સમજાય જ્યારે આપણે આ ભજનોની ભાષા અને એની સાથે જોડાયેલા અર્થને સમજતા શીખીએ. ભક્તિ અને પ્રેમ ભજનનાં બે પાસાં છે. ભક્તિથી મનુષ્ય ઈશ્વર તરફ ઢળે છે અને પ્રેમથી ઈશ્વર સાથે એકાકાર થઈ જાય છે. આ ભજનો ગાઈ શકાય એવાં એટલે કે ગેય અથવા સંગીત સાથે જોડાયેલાં સીધાં હૃદયમાં ઊતરી જતાં સર્જનો છે. આપણા પછીની પેઢીને આમાંથી એકાદું ભજન પણ સમજાવીને શીખવી શકાય તો એમના ખરાબ સમયમાં આ ભજન એમને ચોક્કસ માર્ગ બતાવશે એમાં શંકા નથી.

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી