ચેતનાની ક્ષણે / રાજકારણી ખુલ્લા દિલવાળો હોવો જોઈએ, નેક દિલવાળો હોવો જોઈએ

article by kanti bhatt

કાંતિ ભટ્ટ

Apr 14, 2019, 03:45 PM IST

ધૂપ મેં નિકલો
ધૂપ મેં નિકલો, ઘટાઓ મેં નહાકર દેખો,
જિંદગી ક્યા હૈ?
કિતાબોં કો હટાકર દેખો,
સિર્ફ આંખોં સે હી દુનિયા નહીં દેખી જાતી,
દિલ કી ધડકન કો ભી
સુલગતી- જ્યોત બનાકર દેખો,
પત્થરોં મેં ભી જુબાં હોતી હૈ, દિલ હોતે હૈં,
અપને ઘર કે દરો-દીવારોં સજા કે દેખો,
વહ નયા સિતારા હૈ ચમકતે દેખો.
- નિદા ફાજલી
(‘ખોયા હુઆ સબ કુછ’ પુસ્તકમાંથી)

વિધાતાને - ભારત દેશને પરિવર્તનની સતત ભૂખ રહેતી હોય છે.
ડાયનેસ્ટી, રોયલ બ્લડ, શાહી-સંસ્કાર અને રાજાશાહીની આદતવાળા ભારતમાં હવે નરેન્દ્ર મોદીની 2019ની આ ચૂંટણીમાં ભરપૂર કસોટી થવાની છે. કોંગ્રેસમાં નવું બળ પેદા થઈ રહ્યું છે. હવે મોદીને 2019માં જીતવા માટે વિરોધીઓએ પણ અવનવાં તિકડમ શોધવાં પડશે. જવાહરલાલ નેહરુનું લોહી બોલી રહ્યું છે. હવે ‘ગાંધી’ અટકને સાર્થક કરવા વિધાતાનો આદેશ માનવા વિરોધ પક્ષને હવે મોદી સામે નવું બળ મળ્યું છે. આ નવું બળ એ ખરેખર તો ભારતના લોકોની ‘રાજાશાહી’ની ‘ભૂખનું’ બળ છે. નાણાપ્રધાન અરુણ જેટલીની ‘કિડની’ ખરાબ થઈ છે તે સૂચક છે! ખરાબ ‘કિડની’ ચેતવણી ઉચ્ચારી રહી છે કે નરેન્દ્ર મોદીની સર્વોપરિતાથી ભાજપનું લોહી સાફ થવાને બદલે ‘બગડેલી કિડની’ થકી દૂષિત થઈ રહ્યું છે. બીજા શબ્દોમાં ભાજપે ‘કિડની’ જ નહીં, પણ ભાજપના સમગ્ર ‘સ્વાસ્થ્ય’ને સુધારવું-તંદુરસ્ત કરવું પડશે.
કોંગ્રેસે ‘સત્તાવિમુખતા’નું દુ:ખ લાંબો સમય ભોગવ્યું છે. હવે કોંગ્રેસના ભૂતકાળનાં કર્મો કે દુષ્કર્મોનું શુભ પરિણામ જોવાનો અવસર આવ્યો છે. 2019ની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જ નહીં, પણ કોંગ્રેસ તેમજ વિરોધ પક્ષ માટે પડકાર રૂપ છે, પણ દેશનું રાજકારણ નવો ચહેરો જ નહીં, પણ નવો-તંદુરસ્ત અભિગમ માગે છે. હિન્દુસ્તાન કે ભારત દેશ મોદીછાપ તિકડમથી લાંબો ચાલતો નથી. ભારતની પ્રજા નિર્દોષ, કર્મઠ અને ભોળી પ્રજા છે. તે પ્રજાને ઓછો હોશિયાર, પણ ‘પ્રબળ’, ‘નિર્દોષ’ હૃદયવાળા રાજકર્તાની જરૂર છે.
દક્ષિણ ભારતમાં આવા હૃદયવાળા નર કે નારીને શોધવાં પડશે. નહીંતર ઉત્તરમાં ઉર્ફે નવી દિલ્હીમાં પ્રિયંકા ગાંધી ઊભરી રહ્યાં છે. રાજ કરવામાં તે ઓછાં ઊતરતાં હોય તો સ્ત્રીહૃદય તરીકે ભારતના ભાગ્યવિધાતા બનવા માટે પૂરેપૂરાં સક્ષમ છે. સક્ષમ ન હોય તો તેણે રાજ કરવા માટે પોતાની જાતને સજવી પડશે. ટૂંકમાં, ફરી ફરી ફરી કહું છું કે હવે ભારત દેશને એક નવા, નિર્દોષ કે ભલાભોળા રાજકર્તાની ભૂખ જાગી છે. ભારતે ઉચ્ચ કક્ષાના હૃદયવાળા રાજકર્તા જોયા. એવા વિશાળ દિલવાળા રાજકર્તાની હવે તાતી જરૂર છે અને જરૂર મળશે. ભારતને ભૌતિક રીતે વધુ સમૃદ્ધ બનાવનાર વ્યક્તિ નહીં, પણ ભારતને વધુ આધ્યાત્મિક શક્તિવાળા- ઓછા હોશિયાર- પણ વધુ પ્રેમાળ વ્યક્તિની રાજકર્તા તરીકે જરૂર પડશે. તે વ્યક્તિ ઉત્તર ભારતમાથી મળશે. ન મળે તો દક્ષિણ ભારતમાં કોઈ માઈના પૂતને ઢૂંઢવો પડશે. વિધાતાનો આ પડકાર છે. વિધાતા પરિવર્તન ઇચ્છી રહેલ છે. વહેતું જળ જ શુદ્ધ રહે છે, નહીંતર ખાબોચિયું બની જાય. ભારતના રાજકારણને ખાબોચિયું બનતું અટકાવવું જ પડશે. આ પૃથ્વીનો જન્મ થયો ત્યારથી પળે પળે તે બદલાઈ છે. પરિવર્તનની ક્રિયા સતત ચાલુ છે. તે રીતે માણસે સારપ તરફ વળવા સતત બદલાવું જોઈએ. સરકારો બદલાય છે કે રાજા કે શાસકને ઊથલાવાય છે. કશું જ સ્થિર નથી, પરમેનન્ટ નથી. દરેક વસ્તુ પરિવર્તનને પાત્ર છે.
આજથી ભણકારા વાગે છે કે 2019ની ચૂંટણી ભારતમા નવા રંગ લાવશે. નવાં પરિવર્તન આવશે. કવિ-લેખક ટી. એસ. ઇલિયટે કહેલું કે કોઈપણ માણસના જીવનમાં પહેલાં જેવું જીવન પુન: મળતું નથી. જે મળે છે તે પરિવર્તિત થઈને મળે છે. અરે! માણસ પોતે જ આપોઆપ પરિવર્તિત થયો હોય છે. ભારત વર્ષ સતત પરિવર્તન ઇચ્છતો દેશ છે. અતિ પરિવર્તનની ભૂખને હવે વિધાતાએ જ સંતોષવી પડશે.
ભારત જ એવો દેશ છે જ્યાં મકરસંક્રાંતિ ઊજવાય છે. સૂર્યની ગતિની દિશા બદલાય છે. પૃથ્વી નવો પવન ઇચ્છે છે. નવો વિચાર ઇચ્છે છે. વર્તમાન સ્થિતિ સ્વસ્થ ન હોય તો સંક્રાંતિકાળ સમજી સમયને સુધારવો પડશે. લોકોને નવીનતા જોઈએ છે. નારીને જેમ ફેશનમાં, ડ્રેસમાં, સાડીમાં કે વેશભૂષામાં સતત નવું જોઈએ છે. જે માણસ નિખાલસ હોય તેને અંગ્રેજીમાં ઓપન માઇન્ડેડ કહે છે. ખરેખર સૌએ ઓપન માઇન્ડેડ થવાનું છે. જેવું દિલમાં હોય તેવું બહાર દેખાવાનું છે. દરેક માનવી અને રાજકારણી ખુલ્લા દિલવાળો હોવો જોઈએ, નેક દિલવાળો હોવો જોઈએ.
ભારતવર્ષ જૂના જમાનાથી રાજાશાહીથી ચાલતો દેશ છે. મોગલો આવ્યા પછી મોગલ બાદશાહ થયા. આ દરમિયાન ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં રાજાઓ રાજ્ય કરતા. સૌરાષ્ટ્રમાં તો પ્રજાની ચાહના રાજા પરત્વે હતી. આવું સૌરાષ્ટ્ર-રાજા-રજવાડાથી ભરેલું હતું. લગભગ પોણા ત્રણસો દેશી રજવાડાં એક પછી એક પોતે આદર્શ રાજ છે તે પુરવાર કરવા મથતાં. મક્રરસંક્રાંતિમાં રાજાઓ વધુ દાનપુણ્ય કરનારા. રાજાઓમાં પરિવર્તન થતાં પુત્ર-પિતાને મારીને ગાદીએ આવતો. ડો. એલેક્ઝાન્ડર (Alexander) ચાન્સે કહેલું કે ઉંમર વધતાં માણસે બદલાવું જોઈએ. સ્વભાવમાં પરિવર્તન લાવવું જોઈએ. ખાસ કરીને હું માનું છું કે ઉત્તરાયણ અગર મકરસંક્રાંતિનું પર્વ એ માફ કરવાનું પર્વ છે.
ડો. અબ્રાહમ ક્રાઉલીએ લખેલું કે મોટા ભાગે લાેકો પરિવર્તનથી મૂંઝાય છે. આવનારું પરિવર્તન લાભદાયી હશે કે કેમ, તેની શંકા નિવારવા પુણ્ય કાર્ય કરે છે.
દરેક ભૌતિક ચીજ જ નહીં, પણ આકાશના ગ્રહો, સમુદ્રનાં પાણી, પક્ષીઓનું ઉડ્ડયન અને ચારપગાં ઢોરનું પરિવર્તન તેની જાણ વગર આજના દિવસથી એટલે કે સંક્રાંતિના દિવસથી શરૂ થતું હોય છે.
લોકશાહીમાં દરેક ચાર કે પાંચ વર્ષે ચૂંટણી થાય છે. ભારતમાં અત્યારે ચૂંટણીઓ ચાલી જ રહી છે. નરેન્દ્ર મોદીનું ‘સિંહાસન’ અમુક પક્ષના લોકોને ડોલતું જણાય છે. તેનું સિંહાસન ન ડોલે અને પુન: તે સિંહાસનના સ્વામી બને તેની ચીવટ આજથી રાખવાની છે, પણ મોદી વધુ પડતી ચીવટ રાખી બાજી ન બગાડે.
X
article by kanti bhatt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી