રામ (ગોપાલ)વર્માનો વનવાસ

article by jpchoukse

જયપ્રકાશ ચૌકસે

Sep 13, 2018, 02:53 PM IST

દરેક દેશમાં મહાકાવ્યોની રચના થઇ છે કેમ કે, જનતાને મહાકાવ્યોની જરૂર હોય છે. ન્યાયાલયોમાં સાચું બોલવાના શપથ લેવા માટે એક પવિત્ર પુસ્તકની જરૂર હોય છે. અંગ્રેજોએ ન્યાયાલયની સ્થાપના કરી ત્યારે શપથ લેવા માટે મહાભારતના ભાગ સ્વરૂપ ગીતાને પસંદ કરી. તેનો આકાર સુવિધાજનક હોવાના કારણે તેની પસંદગી કરવામાં આવી. ફિલ્મ ‘જોલી એલ.એલ.બીમાં ડાયલોગ છે કે દેશમાં 3 કરોડ કેસ લાઈનમાં છે, કેમકે, કોર્ટની સંખ્યા માત્ર 21000 છે. જજોની સંખ્યા પણ જૂજ છે. હજારો એવા યુવાનો લોકઅપમાં છે જેની પર કોઈ એફઆઈઆર નોંધાઈ નથી, અને તેમને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા નથી.

આ અભાગિયાઓમાં મોટાભાગના લોકો ધર્મ વિશેષના છે અને વોટ બેંકના રાજકારણના લીધે એ વર્ગ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. હિટલરે યહૂદીઓ સાથે આમ કરીને વિનાશનો પાયો નાખ્યો હતો અને હિટલરના આ જ અપરાધોનું પુનરાવર્તન ત્યારે થયું જ્યારે તેના પરાજય બાદ યહૂદીઓની માંગ પર તેમને ઇઝરાયલની સ્થાપના માટે એ ભૂ-ભાગ આપ્યો જ્યાં સેંકડો વર્ષોથી રહેતા લોકોને ખદેડીને હાંસિયામાં મોકલી દેવાયા. આ દુર્ઘટનાએ આજે બધા દેશ જેની લપેટમાં છે તે આધુનિક આતંકવાદને જન્મ આપ્યો. અમેરિકાની પોતાની કોઈ માયથોલોજી નથી, તેમની પાસે કોઈ મહાકાવ્ય પણ નથી. મારિયો પૂજોની નોવેલ ‘ગોડફાધર’ જ તેમનું ‘મહાભારત’ છે તેમ માની લેવું જોઈએ. હકીકતે, મૂડીવાદી વ્યવસ્થા જ ‘ગોડફાધર’માં વર્ણવવામાં આવેલી પ્રવૃત્તિઓની જેમ જ સંચાલિત કરવામાં આવે છે. યુરોપની સિસલી નામની જગ્યાએથી સારા ભવિષ્યની આશાએ લોકો અમેરિકા આવ્યા હતા અને કામ ન મળવાના કારણે ગુનાઓ આચરવાની શરૂઆત કરી.

તેમાંના એક ચતુર વ્યક્તિએ આ અપરાધ જગતને સંગઠિત કરીને આ સંગઠનને એક ‘પરિવાર’નું નામ આપ્યું અને આ પરિવારના નિયમો પાળવા અત્યંત જરૂરી છે. નિયમ તોડવા પર ‘પરિવાર’નો જ એક ભાઈ નિયમ તોડનાર ભાઈને મારી નાખે છે. આ કાર્ય પદ્ધતિનો ઉપયોગ કરીને રાજકારણમાં પણ ‘પરિવાર’નો જન્મ થયો છે. તે જ શિસ્ત, તે જ પરિશ્રમ અને તે જ સંકુચિતતાનો આ વિસ્તાર છે. મારિયો પૂજોની નવલકથા ‘ગોડફાધર’થી પ્રેરિત ફિલ્મ બનાવવામાં આવી જે, જે આખી દુનિયાના ખૂણે-ખૂણે વખણાઈ હતી. માર્લન બ્રાન્ડોએ લીડ ભૂમિકા માટે થઈને નવું જડબું લગાવડાવ્યું અને ઓપરેશન દ્વારા માથા પર એક ગાંઠ પણ લગાવડાવી. તેમણે સિસિલીયન ભાષાનો લહેકો અપનાવીને અંગ્રેજી ભાષામાં ડાયલોગ્સ બોલ્યા. ફિરોઝ ખાને ‘ગોડફાધર’થી પ્રેરિત ‘ધર્માત્મા’ બનાવી. તેના વર્ષો બાદ રામગોપાલ વર્માએ અમિતાભ બચ્ચન અભિનીત ‘સરકાર’ બનાવી જે સફળ રહી.

બાળા સાહેબ ઠાકરેને ‘ગોડફાધર’ જ માનવામાં આવતા હતા અને તેમની પર શ્રદ્ધા રાખનારા અસંખ્ય લોકો હતા. દાઉદ પણ ગોડફાધરની જેમ કામ કરતો હતો. આજે પણ પાકિસ્તાનમાં રહીને મુંબઈમાં ગેરકાયદેસરની વસૂલી કરે છે. બાળા સાહેબ ઠાકરે અને દાઉદની શૈલીમાં કેટલીક હદે સમાનતાઓ છે પરંતુ બંને ‘મેડ ઈન ઇન્ડિયા’ છે અને તેમનો ‘ફરમો’ સિસલીમાં બનીને અમરિકા થઈને ભારત આવ્યો છે.


રામગોપાલ વર્માએ ઘણી ફિલ્મો બનાવી અને નવોદિત કલાકારોને તક આપી. તેઓ ફિલ્મ ઉદ્યોગમાં એક હસ્તીની જેમ ઉપર આવ્યા પરંતુ વ્યક્તિગત નબળાઈઓના કારણે તેમનું પતન પણ થયું. મુંબઈમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા. આ તડીપારી કાયદાકીય ન હતી પરંતુ, કોઈ પણ રોકાણકાર તેમના પાગલપનને પોષવા તૈયાર ન હતા. તેઓ હૈદરાબાદ જતા રહ્યા, જ્યાં તેમણે ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કર્યો. આજે મુંબઈમાં ફિલ્મકારોની અછત છે અને રામ (ગોપાલ) વર્માનો ‘વનવાસ’ પણ પૂર્ણ થયો છે એટલું જ નહિ આ ફિલ્મી ‘અયોધ્યા’ તેમની રાહ જોઈ રહી છે. એ શક્ય છે કે, તેમણે પોતાની નબળાઈઓ પર કાબૂ મેળવી લીધો હોય અને મિથ્યાભિમાનમાંથી મુક્ત થઇ ગયા હોય. ફિલ્મી વ્યાકરણ પર તેમની મજબૂત પકડ છે અને તેઓ પ્રયોગો પણ કરતા રહે છે. આજે ગોડફાધર જેવા લોકો સત્તામાં છે. રામગોપાલ વર્મા રાજકીય ગોડફાધર બનાવી શકે છે.

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી