Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-3

કલિંગનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧) : દેશ અને દુનિયાનો ઈતિહાસ બદલાય છે

  • પ્રકાશન તારીખ16 Jul 2018
  •  

સુપસિદ્ધ ઇતિહાસકાર-વિજ્ઞાનકથા લેખક એચ. જી. વેલ્સે તેમના પુસ્તક ‘એન આઉટલાઈન ઓફ વર્લ્ડ હિસ્ટરી’માં લખ્યું છે કે હજારો સમ્રાટો, રાજરાજેશ્વરો, મહારાજાધિરાજો, સરદારો વગેરેનાં નામોથી ઇતિહાસનાં પાનાં ખચાખચ ભરાયાં છે. તેમાં માત્ર સમ્રાટ અશોકનું નામ જ તેજસ્વી તારાની જેમ ઝબકી રહ્યું છે. આ વાત થવા પાછળનું કારણ એક યુદ્ધ નામે કલિંગનું યુદ્ધ અને તેના પછી ભારતના ઇતિહાસમાં આવેલા બદલાવને મદ્દે નજર રાખી કહેવાયું હતું.

અશોક મૌર્ય સામ્રાજ્યનો શક્તિશાળી શાસક હતો. તેણે પોતાના દાદા ચંદ્રગુપ્તના લશ્કરી અભિયાન દ્વારા સામ્રાજ્ય વિસ્તારની પરંપરાને ન માત્ર જાળવી રાખી, બલકે એને આગળ પણ વધારી હતી. તેનું મોટું પ્રમાણ તે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં તેણે ખેલેલું કલિંગનું યુદ્ધ છે. કલિંગના યુદ્ધના બે પક્ષો હતા. એક મગધપતિ સમ્રાટ અશોક અને દૂરસુદૂર આવેલું કલિંગ એટલે કે આજનું ઓરિસ્સા.

કલિંગના યુદ્ધ પર જતાં પહેલાં આ યુદ્ધના નાયક અશોકનો પરિચય કરીએ. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક અને તેના પુત્ર બિન્દુસારનો પુત્ર એટલે અશોક. બૌદ્ધ ગ્રંથ ‘મહાવંશ’ મુજબ બિન્દુસારને ૧૬ રાણીઓ અને ૧૦૦ પુત્રો હતા. અશોક તેની પહેલી રાણી ધર્માનો પુત્ર હતો. સમકાલીન સ્રોતો મુજબ અશોક દેખાવે કાળો અને કદરૂપો હતો. તેનો એક સગો નાનો ભાઈ પણ હતો, જેનું નામ તિષ્ય હતું. બિન્દુસારના અવસાન પછી જયેષ્ઠ પુત્ર નહીં પરંતુ શ્રેષ્ઠ પુત્ર હોવાના નાતે અશોક મૌર્ય સમ્રાટ બનવા ચાહતો હતો, પણ તેની શરૂની સત્તાપ્રાપ્તિ આસાન રહી ન હતી. બિન્દુસારના સમયમાં તે અવંતી એટલે કે આજના ઉજ્જૈનનો સુબો હતો. આ જ સમયમાં અશોકે તક્ષશિલાનો વિદ્રોહ કચડી નાખ્યો હતો. ત્યાં એક વણિક કન્યા સાથે પ્રણયની ગાંઠે બંધાયો હતો. તેમનાં કાયદેસર લગ્ન થયાં ન હતાં. એક મત પ્રમાણે અશોકને બૌદ્ધ મઠના પ્રચાર માટે મદદ કરનાર તેનાં સંતાનો મહેન્દ્ર અને સંઘમિત્રા આ પ્રણય સંબધોની ફલશ્રુતિ હતાં. બંને બાળકો જીવનભર વિદિશામાં રહ્યાં હતાં. તેનું કારણ એ આપવામાં આવે છે કે તે બંને ક્ષત્રિય કુળના ન હોવાથી રાજકુટુંબ તેમનો સ્વીકાર કરી શકે તેમ ન હતું. તેનો સત્તાસંઘર્ષ મુખ્યત્વે સુસિમ સાથે રહ્યો હતો. કારકિર્દીના પ્રારંભે અશોક ખૂબ જ ક્રૂર અને પાશવી પ્રકૃતિની વ્યક્તિ હતો. સુસિમ અને તેના બાકીના ભાઈઓ સાથે થયેલા સત્તાસંઘર્ષમાં અશોકે સુસિમ સમેત ભાઈઓની સરેઆમ કત્લ કરી. ‘ચંડાશોક’ તરીકે કુખ્યાત થયેલા અશોકથી મહેલના કર્મચારીઓ પણ સસલાની જેમ ફફડતા હતા. નાના સરખા અપરાધ માટે પણ સેવકોને મોતના હવાલે કરી દેવાતા. અશોક બેફામ રીતે શિકાર કરતો. રાજમહેલના રસોડામાં દરરોજ અનેક પશુઓનો ભોગ લેવાતો. હરણ અને મોરનું માંસ તો અશોકને અત્યંત પ્રિય હતું.

બૌદ્ધ ગ્રંથ ‘મહાવંશ’ મુજબ બિન્દુસારને ૧૬ રાણીઓ અને ૧૦૦ પુત્રો હતા. અશોક તેની પહેલી રાણી ધર્માનો પુત્ર હતો.

આવા શાસકે માત્ર સામ્રાજ્યવાદી દૃષ્ટિકોણથી આજના કાશ્મીરથી તમિલનાડુ સુધી વિશાલ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. કાશ્મીર જીતી અશોકે શ્રીનગરની સ્થાપના પણ કરી હતી. તેના વિશાલ સામ્રાજ્યમાં એક અવરોધરૂપ રાજ્ય આજનું ઓરિસ્સા અને પ્રાચીન કાળનું કલિંગ હતું.કલિંગ નંદવંશના પતન પછી સ્વતંત્ર થયું હતું, અશોકના દાદા ચંદ્રગુપ્ત અને પિતા બિન્દુસાર પણ કલિંગને મૌર્ય સામ્રાજ્યની આણમાં લાવી શક્યા ન હતા. વળી કલિંગ તે સમયે સમૃદ્ધ અને ગૌરવશાળી પ્રદેશ ગણાતો હતો. કલિંગ ઉત્તરે વૈતરણી નદી, પશ્રિમમાં અમરકંટક અને દક્ષિણમાં મહેન્દ્રગિરિ સુધી ફેલાયેલું હતું. ત્યાં અનંતનાથન કે અનંત પનાભાન નામે રાજા રાજ્ય કરતો હતો.

કલિંગ જીતવા પાછળ તેની અત્યંત વિસ્તારવાદી ભૂખ તો હતી જ, સાથે દક્ષિણ ભારત પર નિયંત્રણ રાખવા સમુદ્ર અને જમીન માર્ગે વચમાં આવતા કલિંગ પર કબજો કરવો અનિવાર્ય હતો. કલિંગનું સ્વતંત્ર અસ્તિત્વ મગધ અને દક્ષિણ ભારતના દરિયાઈ વ્યાપારમાં નડતરરૂપ હતું. આમ અશોકની સત્તાની ભૂખ અને વ્યાપારી ઈરાદાઓનું સયોજન થતાં કલિંગનું યુદ્ધ નિશ્ચિત બન્યું હતું.

કલિંગ પરનું આક્રમણ અને યુદ્ધની વિગતો અશોકના શિલાલેખો અને તત્કાલીન સાહિત્યમાંથી ઉપલબ્ધ થાય છે. તે મુજબ અશોકે પોતાના શાસનના નવમા વર્ષે કલિંગ પર હુમલો કર્યો. વિશાલ લશ્કર અને ભવ્ય તૈયારીઓ સાથે અશોકની સવારી કલિંગવિજય માટે ઈ.સ.પૂર્વે ૨૬૦ના વર્ષે નીકળી. તેની સેનામાં ૬૦ હજાર પદાતિ સૈનિકો, ૧ હજારનું અશ્વદળ, સાતસો જેટલા હાથીઓનું દળ અને યુદ્ધમાં શત્રુઓમાં હાહાકાર મચાવી શકે તેવા ચુનંદા સેનાપતિઓ હતા. અશોક અને કલિંગ રાજ્ય વચ્ચે મહાનદી અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં સંઘર્ષ થવાનો હતો. આજના ભુવનેશ્વરથી ૮ કિલોમીટર દૂર દક્ષિણમાં દયા નદીના કાંઠે અને ધૌલીની પહાડી પર આ ભીષણ યુદ્ધ લડાયું હતું. અશોકના ઈરાદાઓ અને વિશાલ તૈયારી સાથે ચડી આવતો જોઈ કલિંગ સમર્પિત થાય તેમ ન હતું. સ્વતંત્રતાપ્રેમી કલિંગની દરેક વ્યક્તિ અશોકનો સામનો કરવા સજ્જ હતી. સામસામાં લશ્કર અને તેમની લશ્કરી ગોઠવણો રચાઈ ગઈ હતી હવે માત્ર દુંદુભિ વાગવાની બાકી હતી. તેની વાત આવતી કાલે...

arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP