Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-10

ગુજરાતનો જય : સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૨)

  • પ્રકાશન તારીખ23 Jul 2018
  •  

ગત હપ્તામાં આપણે મહમુદ ગઝનવીના સોમનાથ પરના વંટોળ જેવા આક્રમણની વાત જોઈ. એના પછી તે જ પ્રદેશમાંથી મહમૂદ ઘોરી આવવાનો હતો. પણ કાલાનુક્રમિક રીતે એ જ ગાળામાં ગુજરાતની અસ્મિતા ઘડાઈ રહી હતી. આપણે સોમનાથ વખતે જ ગુજરાતમાં મુલરાજ સોલંકી દ્વારા કેવી રીતે ગુજરાતમાં સોલંકી સત્તાની સ્થાપના થઇ હતી તેનો ઈતિહાસ જોયો હતો. આ જ સોલંકી સામ્રાજ્યને ગરિમા અપાવનાર સિદ્ધરાજ સોલંકી સને ૧૦૯૪માં પાટણપતિ બન્યો. તેણે ધાર્મિક અને વ્યવહારુ બાબતોમાં જૈન આચાર્ય હેમચંદ્રનો સધિયારો મળ્યો હતો. પરિણામે આજે જેને આપણે ગુજરાત, ગુજરાતીપણું અને ગુજરાતની અસ્મિતા કહીએ છીએ તેની શરૂઆત થઇ હતી.

પ્રાચીન ભારત એ આધુનિક ભારત ન હતું. ત્યાં મત્સ્ય ન્યાય કાર્યરત હતો અર્થાત મોટી માછલી નાની માછલીને ગળી જાય તેમ. સિદ્ધરાજ જયસિંહ પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં ગુજરાતનું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા ન હતા.

પ્રાચીન ભારત એ આધુનિક ભારત ન હતું. ત્યાં મત્સ્ય ન્યાય કાર્યરત હતો અર્થાત મોટી માછલી નાની માછલીને ગળી જાય તેમ. સિદ્ધરાજ જયસિંહ પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં ગુજરાતનું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા ન હતા. તેનો શાસનકાળ ૧૦૯૪થી ૧૧૪૨ સુધી એટલેકે લગભગ ૪૮ વર્ષનો રહ્યો હતો. સિદ્ધરાજ સોલંકી પાટણના રાજા કર્ણદેવ અને રાજમાતા મીનળદેવીનો પુત્ર હતો. એનું જન્મસ્થાન પાલનપુર હતું. માતા-પિતા વચ્ચે સાંસારિક સંબંધોનો અભાવ કે બીજા કોઈ કારણોસર સિદ્ધરાજનો જન્મ માતા-પિતાની પાછળની અવસ્થામાં થયો હતો. મીનળદેવી કર્નાટકના રાજકુમારી હોવાનું સમકાલીન સ્રોતો જણાવે છે, તો કેટલાક સંશોધકો અને દંતકથાઓ તેઓ ઊંઝાના પાટીદારનાં દીકરી હોવાનો મત વ્યક્ત કરે છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સિદ્ધરાજ તેની સિદ્ધિઓને કારણે દંતકથાનું પાત્ર બન્યો છે.

એક અંદાજ પ્રમાણે ગુજરાતના બીજા કોઈ રાજા વિશે જેટલી દંતકથાઓ કે રહસ્યકથાઓ નહીં રચાઈ હોય તેટલી તેના વિશે રચાઈ છે. ગુજરાતને કીર્તિવંત બનાવનાર આ શાસક માત્ર ત્રણ વર્ષની વયે રાજગાદી પર આવ્યો હોવાનું કહેવાય છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથ મુજબ ત્રણ વર્ષની બાળવયે સિદ્ધરાજ રમતાં રમતાં સિંહાસન પર ચડી ગયો અને ત્યાં ઉપસ્થિત જ્યોતિષીઓએ એ જ વખતે ‘અભ્યુદય કરે’ એમ કહી સિદ્ધરાજનો રાજ્યાભિષેક કરવા કહ્યું. એ દિવસ પોષ વદ ત્રીજ શનિવાર અને વૃષભ લગ્ન અને શ્રવણ નક્ષત્રમાં વર્ષ ૧૦૯૪ નો દિવસ હતો. આ દંતકથાથી વિપરિત હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ ૧૬ વર્ષની વયે પાટણની ગાદી પર આવ્યો હોવાનું કહે છે. તેનાં શાસનના શરૂઆતના ગાળામાં તેના વાલી કે સરક્ષક તરીકે રાજમાતા મીનળદેવી વહીવટ ચલાવતાં હતાં. દરમિયાન સિદ્ધરાજને ઉત્તમ શાસક બનાવવાની પ્રકિયા ચાલુ થઇ હતી.

મલ્લવિદ્યા, ગજ યુદ્ધ અને શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ બનાવવામાં આવ્યો. સિદ્ધરાજના શાસક બનવા પાછળ રાજકીય કાવાદાવાઓની અનેક વાતો પણ પ્રચલિત છે. સત્તાનું સુકાન સિદ્ધરાજના હાથમાં આવ્યા પછી તેણે સમાજજીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિશીલ કાર્યોની વણઝાર ઊભી કરી હતી. મોટાં ભવનો-મહેલો ઊભાં કરાયાં, સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કરાવ્યું, તો ગુજરાતની અસ્મિતાના પ્રતિક સમા રૂદ્રમહાલયનું બાંધકામ કરાવ્યું. સિદ્ધપુર નામ તેના નામ પરથી આવ્યું છે. એ જ રીતે સોમનાથ મહાદેવનાં દર્શન પર લેવાતો યાત્રાવેરો પણ માતા મીનળદેવીના કહેવાથી રદ કર્યો હતો. હિંદુ હોવા છતાં સિદ્ધરાજની છબિ ધર્મ નિરપેક્ષ રાજવી તરીકેની હતી. તેનું એક ઉદાહરણ ખંભાત બંદરનું પ્રાપ્ત થાય છે. ખંભાત બંદરે કેટલાક કોમવાદી તત્ત્વોએ મસ્જીદ તોડી પાડી અને સાંપ્રદાયિક માહોલ ખડો કર્યો હતો. તે સમયે સિદ્ધરાજે જાતે રસ લઈ કોમવાદી પરિબળોને ખદેડી મૂકી મસ્જીદનું પુનર્નિર્માણ કરાવ્યું હતું.

સોલંકીકાળમાં આજે આપણે જે ગુજરાતમાં રહીએ છીએ તે ભૌગોલિક સ્થિતિ ન હતી.

સત્તાનું સુકાન સિદ્ધરાજના હાથમાં આવ્યા પછી તેણે સમાજજીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિશીલ કાર્યોની વણઝાર ઊભી કરી હતી. મોટાં ભવનો-મહેલો ઊભાં કરાયાં, સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કરાવ્યું, તો ગુજરાતની અસ્મિતાના પ્રતિક સમા રૂદ્રમહાલયનું બાંધકામ કરાવ્યું.

પાટણના અધિકારનું ગુજરાત ‘આનર્ત’ કહેવાતું. આજનું સૌરાષ્ટ્ર ‘સોરઠ’ કે ‘સુરાષ્ટ્ર’ અને દક્ષિણ ગુજરાત ‘લાટ’ તરીકે ઓળખાતું હતું. સિદ્ધરાજના સમયમાં ગુજરાત આખું એક કેન્દ્રીય સત્તા હેઠળ આવ્યું. સોરઠ, લાટ પ્રદેશ ઉપરાંત માળવા જેવા આજના મધ્યપ્રદેશમાં આવેલાં રાજ્યો સુધી તેની આણ પ્રવતતી હતી. તે બધું સિદ્ધરાજનાં યુદ્ધો, તેની કુશળ વ્યૂહરચનાઓ અને વિશાળ સૈન્ય વગેરેના સથવારે સિદ્ધ થયું હતું. સોરઠ, લાટ અને માળવા એમ સતત મોટાં રાજ્યો સાથે યુદ્ધો કરી સમગ્ર પશ્રિમ ભારતમાં સોલંકીઓનો કુક્કટ ધ્વજ (સોલંકી રાજાઓના ધ્વજ પર કુકડાનું ચિહ્ન હતું તે પરથી તે કુક્કટ ધ્વજ કહેવતો) લહેરાવ્યો હતો. તેના આક્રમણનો પહેલો ભોગ સૌરાષ્ટ્રમાં આવેલું જુનાગઢ બન્યું હતું. ચંદ્રવંશી ચુડાસમાઓએ સિંધમાંથી સ્થળાંતર કરી જૂનાગઢમાં રાજ્ય સ્થાપ્યું હતું. જુનાગઢમાં તે સમયે ચુડાસમા રાજા રા ખેંગાર રાજ્ય કરતો હતો. ચુડાસમાઓની પહેલી રાજધાની વંથલી હતી પાછળથી રાજધાની જૂનાગઢમાં બની હતી.

રા ખેંગાર પહેલાં રા નવઘણ લગભગ ૪૨ વર્ષ સુધી જુનાગઢના રાજા તરીકે રહ્યો હતો. રા ખેંગાર પણ બહાદુર અને જાંબાઝ રાજા હતો. બંને વચ્ચે આશરે ૧૦૨૦ માં યુદ્ધ થયું. યુદ્ધ જેવી મોટી ઘટના હોય એટલે વગર કારણે તો બને નહીં, પણ સિદ્ધરાજ અને રા ખેંગાર વચ્ચેનાં કારણો ઘણાં હતાં અને તેમાનાં કેટલાંક તો બહુ જ રસપ્રદ પણ છે. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP