Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-6

વલભી અને આરબોનું યુદ્ધ (ભાગ-૨)

  • પ્રકાશન તારીખ19 Jul 2018
  •  

વલભી અને આરબો વચ્ચેનું યુદ્ધ એક વિચિત્ર અને હૈયાવરાળ સમા કારણથી થયું હોવાનું

આપણે ગત હપ્તામાં જોયું. પોતાના રાજા શિલાદિત્ય સાતમાના વર્તનથી વ્યથિત થયેલો કાકુ શેઠ અરબસ્તાનના રસ્તે નીકળી પડ્યો, જે તે સમયે મલેચ્છ મંડલ તરીકે ઓળખાતું હતું. આ સમયે રાજાના ગેરવહીવટ અને અત્યાચારી વર્તનનો ભોગ બનવાવાળો કાકુ શેઠ એકલો ન હતો. શિલાદિત્ય સાતમાના કુશાસનની માહિતી સમકાલીન સાહિત્યમાંથી સાંપડે છે.

તે પોતાના પિતા શિલાદિત્ય છઠ્ઠાનો ઉત્તરાધિકારી અને વલભીનો ૧૯મો રાજા હતો. એ ઈ.સ. ૭૬૦માં વલભીપતિ બન્યો હતો. ભાટ-ચારણોએ પ્રશસ્તિઓમાં તેનાં પરાક્રમ, વૈભવ, કીર્તિ, જ્ઞાન ગુણ, પરમાર્થ વગેરેની મોંફાટ પ્રશંસા કરી છે, પણ વાસ્તવિક સ્થિતિ તે વૃતાંતો કરતાં કૈંક જુદી જ હતી.

‘ઘર કો હી જલાયા ઘર કે ચિરાગ ને’ કહેવત અનુસાર કાકુ શેઠ મોં માગ્યા પૈસા આપી વલભીને ખતમ કરાવવા માગતો હતો.

‘ઘર કો હી જલાયા ઘર કે ચિરાગ ને’ કહેવત અનુસાર કાકુ શેઠ મોં માગ્યા પૈસા આપી વલભીને ખતમ કરાવવા માગતો હતો. કાકુ શેઠ વલભી અને સમકાલીન ભારતના રાજકીય પ્રવાહોથી પરિચિત હતો. તે જાણતો હતો કે અગાઉ પણ સૌરાષ્ટ્ર પર આરબો નિષ્ફળ હુમલા કરી ચૂક્યા છે. ઉદાહરણ તરીકે ઈ.સ. ૭૬૬માં આરબ ખલીફા અલ મહદીના સમયમાં અબ્દુલ માલિકે વલભી પર દરિયાઈ હુમલો કર્યો હતો. શરૂમાં આરબોએ વલભી કબજે પણ કરી લીધું હતું, પણ તરત જ ત્યાં રોગચાળો ફાટી નીકળતાં ઘણા ખરા આરબ સૈનિકો મોતને ભેટ્યા હતા અને બાકીનાઓએ સ્વદેશ ભાગવું પડ્યું હતું.

આમ પહેલીવાર શિલાદિત્ય સાતમાની વીરતા નહીં, પણ કુદરત વલભીની વહારે આવી હતી. આવા સંજોગો ન સર્જાય તે માટે ખુદ કાકુ શેઠ અરબસ્તાન જઈ આરબ રાજા સલીમ યુનીસી (ઈ.સ.૭૮૬-૯૦)ને મળ્યો. એને તો ભાવતું હતું અને વૈદે કીધા જેવું થયું. વલભી પર હુમલો કરવા માટે તે પોતે આવ્યો હતો કે તેના સેનાપતિઓ આવ્યા હતા તેનાં પર્યાપ્ત પ્રમાણો ઉપલબ્ધ નથી, પણ વલભી પર ભયંકર આક્રમણ થયું. પરંતુ ધર્મ સંસ્થાઓની અગમચેતી કે ગમે તે સગડ ગણો, આરબોના હુમલાની ખબર પડતાં જ સ્થાનિક જૈન અને અન્ય મૂર્તિઓ વિધર્મીઓના હાથે ખંડિત કે અપમાનિત થાય તે પહેલાં આસો સુદ પૂનમના દિવસે વલભીમાંથી ચંદ્રપ્રભ, વીર વગેરેની પ્રતિમાઓ દેવપત્તન, અમદાવાદ અને શ્રીમાલ જેવાં દૂરનાં સ્થળોએ રવાના કરી દેવાઈ અને ભગવાનો સુરક્ષિત થઇ ગયા.

આરબો શારીરિક અને લશ્કરી સાધનો તથા વ્યૂહરચનાની દૃષ્ટિએ તત્કાલીન ભારત કરતાં ઘણા આધુનિક હતા. પરિણામ સ્પષ્ટ હતું. ગણતરીના દિવસોમાં વલભીનો અંત આવ્યો. શિલાદિત્યનાં પરાક્રમ અને વીરતાની પ્રચલિત વાતો કોઈ કામ ના આવી. વલભીના સેંકડો સૈનિકો અને સામાન્ય નાગરિકોની સાથે ખુદ શિલાદિત્ય સાતમો પણ માર્યો ગયો. વલભીના પતનની તારીખ ૫ ઓક્ટોબર ૭૮૮થી ૧૧ નવેમ્બર ૭૮૮ વચ્ચે હોવાનું ઈતિહાસકારો અને ખાસ તો મૈત્રકકાલીન ગુજરાત ભાગ ૧-૨ નામનું ગુણવત્તાસભર પુસ્તક લખનાર ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી જણાવે છે. શિલાદિત્ય સાતમો યુદ્ધમાં માર્યો ગયો છતાં તેના દરબારી લેખકો આ ઘટનાને જુદી રીતે મૂલવતા હતા. તેઓ કહેતા હતા કે રાજા શિલાદિત્ય પાસે દૈવી અને આકાશમાં ઊડી શકે તેવો અશ્વ હતો.

શત્રુઓની યુક્તિના કારણે યુદ્ધ પૂર્વે આ દૈવી અશ્વ આકાશમાં ઊડી ગયો અને રાજા યુદ્ધ મેદાનમાં માર્યો ગયો. ખરેખર સાચું કરણ તો એ હતું કે વલભીના રાજા પાસે તે સમયે સ્થાયી સેના જેવું કશું ન હતું. તેનું લશ્કર ભાડુતી સૈનિકોથી બનેલું હતું. આવા ઉછીના સૈનિકો સાથે આરબો સામે જીતવું અશક્ય જ હતું. અને થયું પણ તેમ જ.

વલભીના રાજા પાસે તે સમયે સ્થાયી સેના જેવું કશું ન હતું. તેનું લશ્કર ભાડુતી સૈનિકોથી બનેલું હતું. આવા ઉછીના સૈનિકો સાથે આરબો સામે જીતવું અશક્ય જ હતું. અને થયું પણ તેમ જ.

વલભી અને આરબો વચ્ચેના આવા મહત્વપૂર્ણ યુદ્ધ વિશે બારીક વિગતો મળતી નથી, પણ યુદ્ધ પછી ગુજરાતમાં આવેલા બદલાવો ઘણા અગત્યના બને છે. એક તો વલભીની સફળતા પછી પશ્ચિમી છેડેથી ભારત પર આરબોના હુમલાઓમાં ગતિ આવી હતી. અનેક આક્રમણકારીઓ હવે ગુજરાતને તેમના હુમલાનું નિશાન બનાવી રહ્યા હતા. તાત્કાલિક ધોરણે તો હુમલાખોરો ખાસ ઉકાળી શક્યા ન હતા, પણ ભારત પર ઇસ્લામિક સત્તાના સગડ આપણે તપાસવા હોય તો વાયા વલભી થઇ જવું પડે.

બે, આરબોના હુમલા પછી વલભી લગભગ કાળની ગર્તામાં ધકેલાઈ ગયું. આખું નગર સુમસામ અને વેરાન બની રહી ગયું. એક સમયનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નગર વલભીના અવશેષરૂપે માત્ર નાનકડું ગામ બની રહી ગયું. વલભીનું સ્થાન ગુજરાતનાં બીજાં નગરો લેવા લાગ્યાં.

ત્રણ, આરબો સાથેના યુદ્ધ પછી કેટલાક સાંસ્કૃતિક સંદર્ભો પણ સર્જાયા હતા. ઉદાહરણ તરીકે વલભીના વિજય પછી આરબ વિદ્વાન મન્સુર આપણા પ્રાચીન આચાર્ય બ્રહ્મગુપ્તનાં બે પુસ્તકો લઈ ગયા ગયા હતા. આ બંને પુસ્તકોનો તેમણે અરબી ભાષામાં અનુવાદ કર્યો હતો. આમ વલભી યુદ્ધ પછી ભારત અને આરબ જગત વચ્ચે જ્ઞાનાર્જન અને જ્ઞાનવિમર્શની તકો સર્જાઈ સર્જાઈ હતી. ટૂંકમાં રાજકીય, પ્રાદેશિક અને ધાર્મિક શત્રુતા જ્ઞાન વિમર્શમાં બાધા બની ન હતી.

આમ વલભી અને આરબો વચ્ચેના યુદ્ધના અંત સાથે કેટલીક બાબતોનો અંત આવ્યો તો ઘણી નવી બાબતોની શરૂઆત થઇ ચૂકી હતી. તેનું એક પ્રમાણ ઈ.સ. ૧૦૨૫-૨૬નું મુહમદ ગઝનવીનું સોમનાથ પરનું આક્રમણ હતું. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP